- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- નોર્વેનો જિનીયસ ચેસ સુપરસ્ટાર કાર્લસન છ વખત રેપિડ ચેમ્પિયનશિપ જીતવાની સાથે ચેસના અલગ-અલગ ત્રણ ફોર્મેટમાં કુલ મળીને રેકોર્ડ ૧૯ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો છે
દ રેક ક્ષેત્રમાં સમયાંતરે એવી વિશિષ્ટ પ્રતિભાઓનું આગમન થાય છે, જે પોતાનો આગવો દબદબો એટલા લાંબા સમય સુધી સ્થાપિત કરી દે છે, કે જેના કારણે તે ખુદ જ પોતાની ક્ષેત્રની ઓળખ બની જાય છે. રમત સ્વાભાવિક રીતે જ કોઈ પણ વ્યક્તિગત પ્રતિભા કરતાં વિરાટ કદ ધરાવે છે. જોકે ઘણી વખત વિરલ પ્રતિભાઓ તેમની કુશળતા અને મહેનતની સાથે સાથે સાતત્યભર્યા દેખાવના કારણે સમકાલીન ખેલાડીઓ કરતાં મુઠી ઊંચેરી પ્રતિભાને પ્રસ્થાપિત કરી દે છે અને આ જ કારણે તેઓ ઘણી વખત પોતાની રમતના પર્યાય તરીકે પણ ઓળખ મેળવી લે છે. જેમ મુહમ્મદ અલીનું નામ લેતા તરત જ મનમાં બોક્સિંગ ગ્લોવ્ઝ પહેરેલા આક્રમક મિજાજના ખેલાડીની છબી મનમાં ઉભરી આવે. બ્રેડમેનનો ઉલ્લેખ ક્રિકેટ અને પેલે-મારાડોનાનું નામ પડતાં ફૂટબોલ તેમજ મેજર ધ્યાન ચંદની સાથે હોકી કોઈ પણ માનસપટલ પર ઉપસી આવે છે. હવે આ ધુરંધર દિગ્ગજોની જેવી જ ઓળખ ચેસ જગતના નિર્વિવાદ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને મળી છે.
છેલ્લા ૧૪ વર્ષથી વિશ્વના ટોચના ખેલાડી તરીકેના સિંહાસન પર આરુઢ થયેલા કાર્લસનને કોઈ તસુભાર પણ હલાવી શક્યું નથી. ચેસ જેવી બુધ્ધિને કસવાની રમતમાં, અને તે પણ આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સના અત્યાધુનિક યુગમાં પણ આટલા લાંબા સમય સુધી પ્રભુત્વ જાળવી રાખવાનું અતિ કપરું કામ કાર્લસને કરી બતાવ્યું છે. કાર્લસનની સફળતાએ મનુષ્યની બૌદ્ધિક ક્ષમતાની શ્રેષ્ઠતાનું પ્રતીક બની રહે છે.
ચેસની રમતમાં ભૂતકાળમાં અમેરિકા અને રશિયાનો દબદબો રહ્યો છે. ભારતે પણ આગવી નામના મેળવવા માંડી છે. જોકે છેલ્લા દોઢ દશકથી જે પ્રકારે કોઈ પ્રકારની પાશ્ચાર્દભૂ ન ધરાવતા નોર્વે નામના નાનકડા દેશને કાર્લસને તેની સફળતા થકી વિશ્વમાં આગળ ઓળખ અપાવી દીધી છે. કાર્લસનની સિદ્ધિઓ અનોખી અને અદ્વિતીય છે અને આ જ કારણે તે ચેસના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. બેફિકર અંદાજની સાથે સાથે નિર્ણાયક મુકાબલામાં શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવાની કુશળતા તેને રમત વિશ્વના જૂજ મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન અપાવે છે.
દોહામાં (૨૦૨૫) પુરી થયેલી વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં કાર્લસને ધીમી શરુઆત બાદ જબરજસ્ત કમબેક કરતાં ટાઈટલ જીતી લીધું હતંુ. કાર્લસનની ઝળહળતી કારકિર્દીનું આ છઠ્ઠુ રેપિડ ચેસ ચેમ્પિયન તરીકેનું ટાઈટલ હતુ. જ્યારે તેની કારકિર્દીના કુલ વર્લ્ડ ટાઈટલની સંખ્યા ૧૯ પર પહોંચી છે અને આ સિલસિલો હજુ પણ જારી જ છે, કારણ કે ૩૫ વર્ષનો કાર્લસન હજુ પણ વિશ્વના ટોચના ખેલાડી તરીકેનો તાજ ધરાવે છે અને હાલની તેની આગવી લય અને ક્લાસિકલ રમત જોતા હજુ તે વધુ એક દશક સુધી તો રમતો રહેશે તેમ લાગી રહ્યું છે. આમ પણ ચેસ ખેલાડીઓમાં અનુભવ જેમ જેમ વધતો જાય તેેમ તેમ તેમની રમત વધુને વધુ ધારદાર બનવા માંડે અને આ બાબત તેમને નવા લોહી કરતાં વધુ ચઢિયાતી બનાવતી હોય છે.
કાર્લસન કારકિર્દીમાં પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને તેને મન વર્લ્ડ ચેમ્પિયનશિપનું ખાસ મહત્વ જ ન રહ્યું એટલે તેણે ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું જ છોડી દીધું. કાર્લસને કહ્યું કે, હવે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભૂખ તેનામાં રહી નથી. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ માટેનો તેનો રોમાંચ ખતમ થઈ ગયો છે અને એટલે તેણે વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ પણ જાતે જ ઉતારીને ફેંકી દિધો કારણ કે તેની પ્રતિભા સુપર વર્લ્ડ ચેમ્પિયન તરીકેની ઊંચાઈએ પહોંચી ચૂકી છે. કાર્લસને ૨૦૨૩થી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું છોડી દીધુ હોવા છતાં આજે પણ તેનું નામ ભારે આદર સાથેે લેવામાં આવે છે અને વિશ્વના ટોચના ખેલાડી તરીકે તો તેનું સ્થાન કાયમ રહેવા પામ્યું છે.
ચેસની સર્વોચ્ચ સંસ્થા કે જે ફિડે તરીકે ઓળખાય છે, તેના રેટિંગમાં ૨૦૧૦માં પહેલીવાર કાર્લસન વિશ્વનો ટોચનો ક્રમાંકિત ખેલાડી બન્યો, ત્યારેે તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. ત્યાર બાદ તેને થોડા સમય માટે આ સ્થાન ગુમાવવું પડયું હતુ. જોકે આ પછી જુલાઈ, ૨૦૧૧માં તેણે ફરી વિશ્વના ટોચના ક્રમાંકિત ખેલાડી તરીકેનો તાજ હાંસલ કર્યો હતો અને આજે તે ઘટનાને ૧૪ વર્ષ વિતી ગયા હોવા છતાં તેણે પોતાનુ સ્થાન ટકાવી રાખ્યું છે. જે તેની મહાનતાનો પુરાવો છે. ચેસના વિશ્વવિજેતા તરીકેનો તાજ તેણે ૨૨ વર્ષની ઉંમરે ભારતના મહાબલીપુરમમાં ખેલાયેલા મુકાબલામાં હાંસલ કર્યો હતો. ત્યારે ચેલેન્જર તરીકે સ્પર્ધામાં ઉતરીને તેણે ભારતના ડિફેન્ડિંગ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને મહાત આપી હતી.
ચેસના વર્લ્ડ ચેમ્પિયનનો તાજ ધારણ કર્યા બાદ તેણે સળંગ ચાર વખત આ ખિતાબને જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી હતી. કાર્લસનને ૨૦૧૪ની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ફરી વખત આનંદની સામે જીત હાંસલ કરીને ખિતાબ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. ફિડેએ આ પછી દર બે વર્ષે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મુકાબલો યોજવાનો નિર્ણય લીધો અને આનંદે ૨૦૧૬માં રશિયાના સર્ગેઈ કાર્જાકિનને અને ૨૦૧૮માં રશિયાના ફાબિયાનો કારુએનાને મહાત આપીને ખિતાબ જાળવી રાખ્યો હતો. આ પછી કોરોનાના કારણે કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટના આયોજનમાં વિઘ્ન સર્જાયું અને આ કારણે કાર્લસનને ૨૦૨૧માં ફરી ટાઈટલ જીતવાનો પડકાર મળ્યો, જેને તેણે હકારાત્મક મિજાજ સાથે આવકારતાં રશિયાના ઈયાન નિપોમ્પિચ્ટચીને પરાસ્ત કર્યો હતો. આ સાથે તેણે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
ક્લાસિકલ ચેસના ફોર્મેટમાં સળંગ સૌથી વધુ મેચમાં અજેય રહેવાનો રેકોર્ડ પણ કાર્લસન ધરાવે છે. તે સળંગ ૧૨૫ મેચ સુધી અજેય રહ્યો હતો. વૈશ્વિક સ્તરની સફળતા અને એલિટ ખેલાડીઓમાં લગાતાર સ્થાન જાળવી રાખનારા કાર્લસનને ચેસ જગતમાં સુપર ગ્રાન્ડમાસ્ટર તરીકેની ઓળખ મળી છે. સુપર ગ્રાન્ડમાસ્ટર કોઈ ટાઈટલ નથી, પણ એલિટ ખેલાડીઓની વિશેષતાને દર્શાવવા અને સન્માન આપવા માટે આ વિશેષણ વાપરવામાં આવે છે. અનોખો અંદાજ અને મિજાજ ધરાવતો કાર્લસન વિવાદોથી પણ ઘેરાયેલો રહ્યો છે. ડ્રેસ કોડની અવગણના કરવાથી માંડીને ઓનલાઈન ચેસમાં છેતરપિંડીનો આરોપ મુકનારો કાર્લસન ચેસ બોર્ડ પર આજે પણ હરિફ ખેલાડીઓને ભારે પડી રહ્યો છે.
પાંચ વખત ક્લાસિકસ અને છ વખત રેપિડ ચેસમાં ચેમ્પિયન બની ચૂકેલા કાર્લસનના નામે આઠ વર્લ્ડ બ્લીટ્ઝ ચેસ ચેમ્પિયનનો ખિતાબ અંકિત છે. તે આ ઉપરાંત ચેસના પ્રતિષ્ઠિત ટાઈટલ પણ જીતવાની સાથે આગવો પ્રભાવ દર્શાવી ચૂક્યો છે અને તેની સફળતાનો સિલસિલો હજુ પણ આગળ વધી રહ્યો છે. જે તેને ચેસ જગતના મહાન ખેલાડીઓની હરોળમાં અગ્ર સ્થાન અપાવવા માટે પુરતો છે.


