Get The App

વૈશાલીના ખપલી ઘઉં .

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
વૈશાલીના ખપલી ઘઉં                                  . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- વૈશાલીએ બે એકરથી શરૂ કરેલી યાત્રા પંદરસો એકર સુધી પહોંચીને ટકાઉ ખેતી અને સ્વાસ્થ્યવર્ધક ડાયેટને સામેલ કરતું એક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે

વૈશાલી પાટીલ અભ્યાસ પૂર્ણ કરીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કરે, તે પહેલાં જ પરિવારની જવાબદારી સ્વીકારવી પડી. વૈશાલીએ આર્ટ્સ શાખામાં સ્નાતક થયા પછી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમાનો કોર્સ કર્યો. જલગાંવના રાવેલ તાલુકાના દસનૂર નામના ગામમાં તેનો જન્મ થયો હતો. ગામમાં પિતાનું ઘર અને ખેતીવાડી હતા, તેમ છતાં એને ક્યારેય ખેતી કરવાનો વિચાર નહોતો આવ્યો, પરંતુ ૨૦૦૦ના વર્ષમાં પિતાનું અવસાન થયું. ઘરની જવાબદારી તેના ભાઈ પર આવી પડી. વૈશાલીની સમસ્યા એ હતી કે ભાઈને દારુનું વ્યસન હતું, જે તેમાંથી ક્યારેય મુક્ત ન થઈ શક્યો. પિતાના અવસાન પછી ત્રણ વર્ષે એ ભાઈનુંય અવસાન થતાં બધી જવાબદારી વૈશાલીએ સંભાળી. માતા, ભાભી, બે નાના બાળકો અને અધૂરામાં પૂરું માથે પચાસ લાખનું દેવું ! એણે મહેનત કરીને કુટુંબને દેવામાંથી મુક્તિ તો અપાવી, પણ એવામાં ૨૦૧૬માં એની માતાને લ્યુકેમિયાની બીમારીનું નિદાન થયું.

આટલાં વર્ષો ખેતીનું કામ કરતા કરતા તેણે ખપલી ઘઉં વિશે સાંભળ્યું હતું. જે એમર વ્હીટ તરીકે પણ ઓળખાય છે. સ્વાસ્થ્ય માટે આ ઘઉં શ્રેષ્ઠ માનવામાં આવે છે. દસ હજાર વર્ષ પૂર્વે ઇજિપ્ત અને ઈટલીમાં રોમન સૈન્ય અને પિરામિડ બનાવનાર મજૂરોનો આ મુખ્ય આહાર હતો, જે પાછળથી ભારતમાં પણ વપરાતા હતા, પરંતુ આધુનિક સમયમાં ઘઉંની એ જાત ભુલાઈ ગઈ હતી. જોકે તાજેતરમાં મહારાષ્ટ્રના કેટલાંક ગામડાંઓમાં, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં તેની ખેતી થતી હતી, પરંતુ વૈશાલી પાટીલે પોતાની માતા પ્રત્યેના પ્રેમને કારણે ખપલી ઘઉંની ખેતી શરૂ કરી. આ ઘઉંનો લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ અને લગભગ ગ્લુટન ફ્રી હોવાથી ઘણા લોકપ્રિય બનતા ગયા છે. જે લોકોને પાચનની તકલીફ હોય તેઓ આ ઘઉં વાપરતા હોય છે. જોકે અત્યારે તો વજન ઉતારવા માટે પણ લોકો તેમના ડાયેટમાં આ ઘઉંના લોટનો સમાવેશ કરે છે. વૈશાલી પોતાની માતાને વધુ પોષણયુક્ત ખોરાક આપવા માગતી હતી. ખપલી ઘઉં વિટામિન્સ, ડાયેટરી ફાઇબર, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. વિટામિન બી-૩ કે નિયાસીન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને મેગ્નેશિયમ અને આયર્નથી સમૃદ્ધ હોવાથી સંધિવા જેવા રોગોને અટકાવે છે. આ બધાં કારણે તેણે પોતાના ખેતરમાં ખપલી ઘઉંનું વાવેતર કર્યું અને ૨૦૧૮માં તેનો પ્રથમ પાક મેળવવામાં સફળતા મળી. પછીના વર્ષમાં તેની માતાનું અવસાન થયું, પરંતુ ખપલી ઘઉં તેના જીવનનું લક્ષ્ય અને આધાર બન્યા, જેણે ઘણાને પ્રોત્સાહન પૂરું પાડયું.

વૈશાલીએ પૂણેની અગરકર રીસર્ચ ઇન્સ્ટિટયૂટ પાસેથી ૨૦૧૮ના નવેમ્બરમાં ખપલી ઘઉંના ચાળીસ કિલો બીજ મેળવ્યાં. આ ઇન્સ્ટિટયૂટ જીવવિજ્ઞાન, વનસ્પતિ-વિજ્ઞાન, ઈકોલોજી જેવાં ક્ષેત્રોમાં મૌલિક સંશોધન કરે છે. પ્રકાશનો તેમજ પેટન્ટની જાણકારી પણ મેળવી આ સંસ્થામાંથી જાણી શકાય છે. તેણે આ ઘઉં વાવીને પ્રથમ વીસ ક્વીન્ટલ ઘઉંનો પાક મેળવ્યો. જેમાંથી તેણે પોતાના કુટુંબ માટે અને બાકીના બીજ માટે સંગ્રહ કર્યો. આ ઘટનાએ કૃષિવિભાગનું ધ્યાન ખેંચ્યું અને અન્ય ખેડૂતોમાં  પણ આના વિશે ઉત્સુકતા જાગી. ૨૦૨૦માં તો જલગાંવ ઉપરાંત બારામતી, નાસિક, મધ્યપ્રદેશ અને તેલંગણામાં તેનાં બીજ વેચાયાં. ખપલી ઘઉંની સાથે તેણે પોતાના કુટુંબની કેળાંની ખેતી ચાલુ રાખી. જલગાંવ એ ભારતનું 'બનાના કેપિટલ' ગણાય છે. જોકે આ કેળાની ખેતી સામે પણ ઘણા પડકારો હોય છે. ખાસ કરીને મે મહિનામાં જ્યારે એંસી કિમી.ની ઝડપે પવન વાય, ત્યારે ઘણા છોડ બરબાદ થઈ જાય છે.

વૈશાલી પાટીલ કહે છે કે ૨૦૧૬માં પવનને લીધે તેનો નવ એકરનો પાક નષ્ટ થઈ ગયો હતો. જેની કિંમત પંદરથી વીસ લાખ થાય. તેવી જ રીતે ૨૦૧૫માં છ એકરમાં નુકસાન પહોંચવાથી દસ લાખ ગુમાવવા પડયા હતા. કેળાની સાથે સાથે તે મગફળી, નાળિયેર અને તુવેરદાળની ખેતી પણ કરે છે. આજે વૈશાલી એક ખેડૂતની સાથે અગ્રણી આંત્રપ્રેન્યોર બની ગઈ છે. તેણે ૨૦૨૧માં ખપલી ઘઉંના બીજ વેચવાનું લાયસન્સ મેળવનાર પ્રથમ મહિલા છે. તેણે તેના પ્રભુરામ બચત ગટ સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા જલગાંવની એગ્રિકલ્ચરલ ટૅક્નૉલૉજી મેનેજમેન્ટ એજન્સીને વીસ ક્વીન્ટલ બીજ વેચ્યાં અને તે પછીના વર્ષે અમરાવતીની એજન્સીને દસ ક્વીન્ટલ બીજ વેચ્યાં. આજે જલગાંવમાં બાર સેન્ટર પર ખપલી ઘઉંના બીજ ઉપલબ્ધ છે. આ ઘઉંની ઉપજ ઓછી થાય છે અને તેની મજૂરી વધુ હોવાથી અન્ય ઘઉં કરતા ચાળીસ ટકા વધુ કિંમત હોય છે, પરંતુ ખેડૂતોનું માનવું છે કે ખપલી ઘઉંને ઓર્ગેનિક રીતે ઉગાડવાથી જમીનમાં કાર્બન કન્ટેન્ટ વધે છે. વૈશાલી માટે ખપલી ઘઉં એ પ્રાચીન અનાજ કે વ્યવસાયિક સફળતાથી વિશેષ છે. માતા પ્રત્યેના પ્રેમને કારણે વૈશાલીએ બે એકરથી શરૂ કરેલી યાત્રા પંદરસો એકર સુધી પહોંચીને ટકાઉ ખેતી અને સ્વાસ્થ્યવર્ધક ડાયેટને સામેલ કરતું એક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે.

કરણનું ફિનોબાડી

ફિનોબાડી બોટલ અને ફૂડ કન્ટેનરમાં વપરાતા પેટ પ્લાસ્ટિકને ટી-શર્ટ બનાવનારા લોકોને, મેટલ ઇન્ડસ્ટ્રીઝને અને પેપર રીસાયકલ શીટ બનાવનારાઓને વેચે છે

દિ લ્હીમાં તદ્દન સામાન્ય ઘરમાં રહેતો કરણ કુમાર બાળપણથી જ કોઈ પણ ઉપકરણ કેવી રીતે કામ કરે છે એ જાણવા માટે હંમેશાં ઉત્સુક રહેતો. ઈસ્ત્રી, રીમોટ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ખોલીને જોતો અને પછી તેને ગોઠવીને મૂકી દેતો.  તેના પિતા માત્ર પાંચ ધોરણ સુધી ભણ્યા હતા અને નાની દુકાન ચલાવતા હતા. કોવિડ દરમિયાન દુકાન બંધ થતાં તેણે અને તેના નાના ભાઈએ ઘેર ઘેર દૂધ આપવા જવાનું કામ કર્યું. ક્યારેક દૂધ બગડી જતું, પરંતુ કરણ કહે છે કે તેનાથી વ્યવસાય કેમ કરવો, તેમાં ઊભી થતી સમસ્યાનો ઉકેલ કેમ લાવવો એ સઘળું શીખવા મળ્યું.

કરણ અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ઉદ્યમ લર્નિંગ ફાઉન્ડેશન દ્વારા ચાલતા ઉદ્યમ શિક્ષાના પ્રોગ્રામમાં જોડાયો. તેમાં વિદ્યાર્થીઓને સમાજની વાસ્તવિક સમસ્યાઓ સમજાવવામાં આવે છે અને તે અંગે રીસર્ચ કરાવીને આંત્રપ્રિન્યોર બનવાની કેળવણી આપવામાં આવે છે. કરણ કહે છે કે આ અંગે જુદી જુદી જગ્યાએ જવા લાગ્યો, લોકો સાથે વાત કરી, તેમની સમસ્યાઓ નિહાળી અને તેમના ઇન્ટરવ્યૂ લીધા અને સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવાથી તેના વ્યક્તિત્વમાં પરિવર્તન આવ્યું અને સાથોસાથ આત્મવિશ્વાસ પણ વધ્યો. એ સમયે દિલ્હીમાં કચરાના ઢગ ખડકાયા છે અને તે કેટલું પ્રદૂષણ ફેલાવે છે, તેના સમાચાર વારંવાર વાંચવા મળતા તેથી તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેણે જોયું કે કેટલાય લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ તેનું કોઈ વ્યવસ્થિત આયોજન નથી. અન્યની દ્રષ્ટિએ જે કચરો છે તેમાંથી તેઓ કમાણી કરે છે. આ શબ્દોએ તેને 'ફિનોબાડી' સ્થાપવા પ્રેરિત કર્યો. 'ફિન' એટલે ફાયનાન્સ અને 'બાડી' એટલે કબાડી. એને ઈકોસિસ્ટમમાં પરિવર્તિત કરીને આ ક્ષેત્રમાં આથક પારદર્શકતા લાવવી એવું નક્કી કર્યું. સ્કૂલના કેટલાક મિત્રોનો સાથ મેળવ્યો, પેમ્ફલેટ છપાવ્યા અને નાના પાયે શરૂઆત કરી. તેમને સમજાયું કે આ કામ કરવા માટે પ્લાસ્ટિક, મેટલ, પેપર વગેરે વિશે જાણકારી મેળવવી પડશે. ઉદ્યમ લર્નિંગ ફાઉન્ડેશન દ્વારા સરકાર તરફથી થોડું ફંડિંગ મળ્યું તેમાંથી વેબસાઇટ અને ઍપ બનાવી.

ધીમે ધીમે તેણે કબાડીવાલાનું નાનું નેટવર્ક ઊભું કર્યું. ૨૦૨૪માં ફિનોબાડીનું રજિસ્ટ્રેશન કરાવ્યું. તેનો ભાઈ તેની સાથે જોડાયો. અર્બન કંપની, મીશો અને ફ્લિપકાર્ટના સ્થાપકોને મળીને તેના મોડલને સુધાર્યું. ઉદ્યમ શિક્ષાના શિક્ષકોએ તેને માર્ગદર્શન આપ્યું. તેણે ૨૦૨૫ના એપ્રિલમાં લોન મેળવીને પ્લાસ્ટિક અને કાગળની કતરણ કરી શકે તેવું મશીન વસાવ્યું. મૂડીની સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો. ફિનોબાડીએ કામ કરવાની એક ડિઝાઈન વિકસાવી. તેમણે નક્કી કર્યું કે જ્યારે એકસો કિલો વેસ્ટ રીસાયકલ થાય ત્યારે એક વૃક્ષ વાવવું. જેથી તે તેમને યાદ અપાવે કે તેઓ શું કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે. ગ્રાહકો તેના કચરાનો ફોટો પાડીને તેમને લોકેશન સાથે મોકલે, તો તેઓ નજીકના કબાડીવાલાનો સંપર્ક કરી શકે. જે લોકો કચરો એકત્ર કરે છે તેઓએ પોર્ટેબલ ડિજિટલ વજન કાંટા પર પહોંચ આપવાની હોય છે. અગાઉ તેઓ આવી પદ્ધતિથી કામ નહોતા કરતા, પરંતુ હવે ભાવ નક્કી હોય, વજન કાંટો હોય અને તેથી ઘણાની આવકમાં ત્રીસ ટકા જેટલો વધારો થયો. ફિનોબાડીએ સ્ત્રીઓને કચરો કેવી રીતે છૂટો પાડવો તેની તાલીમ આપી, જેથી ઘણી મહિલાઓ સલામતીપૂર્વક કચરો છૂટો પાડે છે, આવક થાય છે અને તેથી બાળકોને શિક્ષિત કરી શકી છે.

ફિનોબાડી બોટલ અને ફૂડ કન્ટેનરમાં વપરાતા પેટ પ્લાસ્ટિકને ટી-શર્ટ બનાવનારા લોકોને, મેટલ ઇન્ડસ્ટ્રીઝને અને પેપર રીસાયકલ શીટ બનાવનારાઓને વેચે છે. એક કબાડીવાલાએ પોતાના અનુભવે જણાવ્યું કે તે કચરો ભેગો કરે છે, તેને છૂટો પાડી સેન્ટરને પહોંચાડે છે. તે રીસાયકલરને વેચે છે અને તેમાંથી થતી આવક તેને મળે છે અને આમ આખી પ્રક્રિયા પારદર્શક બની છે. શરૂઆતમાં તો ખ્યાલ નહોતો આવતો કે કેટલી કમાણી થાય છે, પરંતુ હવે એપ દ્વારા બધી ખબર પડે છે.  કબાડીવાલાનો સૌથી મોટો આનંદ તો તેમના કામને ગૌરવ મળ્યું અને તેઓ પર્યાવરણની રક્ષામાં ભાગીદાર બન્યા તે છે. સમાજમાં કચરો વીણનાર કે છૂટો પાડનારને કોઈ મહત્ત્વ નહોતું આપતું, ત્યારે કરણ સહુને 'પાર્ટનર' તરીકે સંબોધે છે. ૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં ફિનોબાડીએ સાડા ચારસો મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરીને ત્રણ હજાર ત્રણસોથી વધુ વૃક્ષો વાવ્યાં છે. તેઓ દિલ્હી, નોઈડા, ગુડગાંવ અને સમસ્તીપુર ઉપરાંત તેને આગળ વિસ્તારવા માગે છે. કેટલીક યુનિવર્સિટીઓ સાથે કામ કરીને ઝીરો-વેસ્ટ કેમ્પસ બનાવવાનું વિચારે છે. વીસ વર્ષના કરણ કુમારનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે જે મહેનતકશ હાથો શહેરને ચોખ્ખું રાખે છે, તેઓની આર્થિક સ્થિતિ સુધરે અને સમાજમાં ગૌરવભર્યું સ્થાન મળે. નાગરિકો તેમના કચરાની જવાબદારી સમજે અને તેમને યોગ્ય રીતે કચરો આપે જેથી રીસાયકલ થઈ શકે અને પર્યાવરણમાં ભાગીદાર બને.