- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- માત્ર જન્મ લેવાથી વ્યક્તિ એ મનુષ્ય બનતો નથી. એના ભીતરમાં અહિંસા, પ્રેમ, સત્ય એ સઘળું આવે, ત્યારે એ મનુષ્ય બને છે. અહીં એવા મનુષ્યોનું સર્જન ક૨વાનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે
આ જગતમાં એમ કહેવાય છે કે 'જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર' આને પરિણામે કેટલાય સંતોનાં ચમત્કારો એમના ભક્તવર્ગમાં પ્રચલિત હોય છે. આપણી કેટલીય ધર્મકથાઓ પણ આવા ચમત્કારોથી ભરેલી છે. કોઈ મંત્રથી થતા આપત્તિ નિવારણની કે મૃત્યુ નિવારણની વાત કરે છે, તો કોઈ વળી ચમત્કારોથી ઉપાસકોનાં હૃદયમાં આસ્થા બેસાડવાનો વિચાર કરે છે.
કોઈ ગુરુ બાહ્ય પોશાક કે બાહ્ય પરિવેશથી સમાજને પ્રભાવિત કરવા ચાહે છે, પરંતુ આવા સમયે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી એક અનોખા સંત છે. એક એવી આઘ્યાત્મિક વ્યક્તિ છે કે જેઓની આસપાસ પ્રભાવ સર્જવા માટે કોઈ બાહ્ય સાધન નથી. એમની હૃદય સોંસરવી ઉતરી જાય એવી વેધક વાણી, આંખોમાં છલકાતી આત્મીયતા અને એમના વ્યવહારની સહજતા સાવ અનોખી છે. અહીં કોઈ વ્યક્તિ પર પ્રભાવ પાડવાની વાત નથી, બલ્કે વ્યક્તિને એના ખુદના સ્વભાવની ઓળખ આપીને એ સ્વયં અંતર્મુખતા કેળવીને અંતરયાત્રા કરે એવો આશય રાખવામાં આવે છે.
દુન્યવી જગતના વ્યવહા૨ના ત્રાજવાથી એમને પામવા મુશ્કેલ છે, પરંતુ અહીં વિશ્વવંદ્ય સંત શ્રી મોરારિ બાપુએ ધરમપુરમાં પૂ. રાકેશજી વિશે કહેલાં વચનોનું સ્મરણ થાય છે. તેઓએ કહ્યું, 'શ્રી રામચરિતમાનસમાં તુલસીજી કહે છે કે આ પાંચ તત્ત્વ પરોપકાર માટે જ પ્રગટ થાય છે. તેમના આદિ, મઘ્ય અને અવસાન ત્રણેયમાં પરહિત, પરોપકાર જ હોય છે. એમાં પહેલું છે સંત. આપણી પાસે એક ભીના સાધુપુરુષ છે. બીજું વિટપ, વટવૃક્ષ. ભગવાન મહાવીરસ્વામી, શ્રીમદ્ - કેટલા મોટા વટવૃક્ષની છાયામાં આપણે છીએ ! ત્રીજું, સરિતા. સરિતા એટલે આપણી આંખમાં સાહેબનાં દર્શન વગેરે કરતાં જે આંસુડાં આવે એ. ચોથું, ગિરિ. આ આખું તીર્થ ગિરિ ઉપર છે ! અહીંયાં કદાચ કાલાંતરે સપાટ ભૂમિ હશે, પણ આ ભૂમિ ઊંચી થઈ હશે કે અહીંયા કોઈ આવશે, એને હું બધાની સાથે નહીં બેસાડી શકું, એને માટે ઊંચાઈ જોઈશે, ગિરિ જોઈશે. અને પાંચમું, ધરણી-ધરમપુરની ભૂમિ ! અહીં એક જગ્યાએ 'શ્રી ધરમપુર તીર્થ' લખ્યું છે. ખરેખર મને એમ લાગે છે કે આ નવા વરસની કૃપાળુ દેવદિવાળીએ હું ફરવા નથી આવ્યો, હું તો યાત્રાએ આવ્યો છું.''
આજે જનસમૂહને માટે ધરમપુરની યાત્રા એ અઘ્યાત્મયાત્રા તો છે જ, પણ સાથોસાથ હાઈસ્કૂલ અને કૉલેજ જેવી વિદ્યાપીઠો, ગાયોની સેવા, પાંજરાપોળ અને પશુચિકિત્સાલય એ સઘળું મળે અને હોસ્પિટલ પણ એવી કે જે મુંબઈમાં સારામાં સારી હોસ્પિટલમાં ધનિકમાં ધનિક બાળકોને જે સારવાર મળતી હોય તેવી આ આદિવાસી વિસ્તારમાં મળે.
સૌથી વિશેષ તો એમના ઉપદેશોએ અનેક વ્યક્તિઓનાં જીવનમાં નવી સંજીવની રેડી છે. વિદેશમાં અઢળક સંપત્તિ ધરાવનારી વ્યક્તિઓને પણ એમની પાસેથી અંતર્મુખતાની ઓળખ મળી છે. બાહ્ય પદાર્થની નશ્વરતા અને આંતર પદાર્થની શાશ્વતતાનો એમની પાસેથી અનુભવ પામ્યા છે અને પરિણામે બન્યું છે એવું કે જે ધર્મથી સાવ વેગળા હોય, વ્યસનોમાં ડૂબેલા હોય, બહા૨ની મોજમજા એ જ જેમનું જીવનઘ્યેય હોય એવા યુવાનોનાં જીવનમાં તેઓએ સમૂળગુ પરિવર્તન સર્જ્યું છે કે જે યુવાનો હવે સેવાનાં માર્ગે, સદ્વાચનના માર્ગે અને અઘ્યાત્મના માર્ગે વળી ગયા છે.
એમનું જીવન અને એમની વાણી દ્વારા મુમુક્ષુઓને અઘ્યાત્મનું ઊંડાણ, જ્ઞાનનો પ્રકાશ અને ભક્તિની તન્મયતાનો અનુભવ થવા લાગ્યો છે, પણ સૌથી વધુ તો જગતનાં બાહ્ય આકર્ષણો પાછળ આંધળી દોટ લગાવનારાઓ હવે અઘ્યાત્મની દિશા તરફ ધીરે ધીરે ડગ માંડી રહ્યા છે. પોતાના એમના સત્સંગના પરિણામે મોજશોખથી ભરપૂર પૂર્વજીવનની વ્યર્થતાનો અહેસાસ થાય છે અને તેથી સંપત્તિ, આકર્ષણો, અહમ્ એ સઘળું ત્યજીને સાધકો એમના માર્ગદર્શન હેઠળ અંતરસ્વરૂપની ખોજ કરે છે. ગુરુ જ્ઞાન આપે છે, વડીલ માર્ગદર્શન આપે છે, વિચારક કોઈ નવી વિચારસૃષ્ટિ જન્માવે છે, પરંતુ અહીં તો જ્ઞાન, વિચાર કે અનુભવથી આગળ વધીને પૂજ્ય રાકેશભાઈ માણસની ભીતરમાં વસતા માણસને બહાર આણે છે. એને નવો જન્મ અને સાચું જીવન આપે છે.
ભગવાન મહાવીરનું એ સૂત્ર છે, 'માણુસ્સે ખુ દુલ્લહમ્' અર્થાત્ 'હે મનુષ્ય, મનુષ્ય બનવું મુશ્કેલ છે.' એનો અર્થ એ કે માત્ર જન્મ લેવાથી વ્યક્તિ એ મનુષ્ય બનતો નથી. એના ભીતરમાં અહિંસા, પ્રેમ, સત્ય એ સઘળું આવે, ત્યારે એ મનુષ્ય બને છે. અહીં એવા મનુષ્યોનું સર્જન ક૨વાનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે અને પરિણામે પૂજ્યશ્રી રાકેશજીના સત્સંગમાં પ્રવાહિતા, વર્તમાન જીવન સાથે એનો અનુબંધ, ધર્મતત્ત્વનાં પાયાનાં મૂલ્યોની ઓળખ અને જુદાં જુદાં ધર્મદર્શનોમાંથી અને વિભૂતિઓના જીવનમાંથી ઉલ્લેખો - આ બધું સાંપડે છે. અઘ્યાત્મિકતાની પરિભાષાને એમણે અનેક રીતે બદલી નાખી છે. અઘ્યાત્મિકતા એ માત્ર ઘડપણની વાત ગણાતી હતી એને બદલે એમણે યુવાનો અને બાળકોના જીવનમાં અઘ્યાત્મિકતાનો અદ્ભુત રંગ લગાડયો.
સામાન્ય રીતે અઘ્યાત્મિક પ્રવચનો કે ધાર્મિક સત્સંગો અત્યંત ગંભીર વાણીમાં પ્રસ્તુત થતા હોય છે. વળી એ ધર્મની ગહન પરિભાષાના બોજથી લદાયેલા હોય, ત્યારે એમણે હસતાં હસતાં તો ક્યારેક રમૂજી દૃષ્ટાંતોથી વાત કરી અને શોગિયા મોઢાવાળી આઘ્યાત્મિકતાને જાકારો આપ્યો.
જ્ઞાની સંતની નમ્રતા એ છે કે તેઓ નાનામાં નાનો સદ્ભાવ સ્વીકા૨વાની પણ એમનામાં મોટાઈ છે. આજે પણ તેઓ કહે છે, 'હું નાનો હતો, ત્યારે કુમારપાળભાઈ મારી માતા મને તમારા પિતાશ્રી જયભિખ્ખુની ધર્મકથાઓ સંભળાવતી હતી અને એના મારા પર ઘણાં સંસ્કાર પડયા હતા.' એક નાની ઘટનાનું પણ આવું સ્મરણ સદૈવ તાજું રાખવું તે કેટલું બધું આશ્ચર્યજનક છે ! કેટલાય વર્ષોથી મને તેઓશ્રીના પરિચયમાં સદૈવ સહજ આત્મીયતાનો સંસ્પર્શ અનુભવતો રહ્યો છું.
હકીકતમાં તો એમનું જીવન સ્વયં એક અઘ્યાત્મનો આલેખ છે. એમણે આઘ્યાત્મિકતાને આનંદના રંગમાં પલટી નાખી છે. તો વળી સતત એક વર્ષ સુધી એક જ ગ્રંથ વિશે એમની પ્રવચનધારા વહે છે. વળી ગ્રંથોની પસંદગીમાં પણ ગ્રંથિનો ભેદ જોવા મળે. અર્થાત્ કોઈ એક જ ગ્રંથ વિશે સદૈવ વાત કરવાને બદલે 'શ્રી ઉત્તરાઘ્યયનસૂત્ર', 'અષ્ટાવક્રગીતા', 'ભજ ગોવિંદમ્' અને એમ જુદા જુદા અનેક ગ્રંથો વિશે એમનું દર્શન સત્સંગ દ્વારા જાણવા મળે. એમણે 'આત્મર્પિત' જીવનશૈલીનો એક ક્રાંતિકારી પથ પણ દર્શાવ્યો જેમાં સાધક સૌમ્ય અને સંપૂર્ણ ત્યાગ માટે તૈયાર રહે. એ સદૈવ આઘ્યાત્મિક સાધનામાં અને નિષ્કામ જનસેવામાં નિમગ્ન રહે છે અને એ રીતે નિરંતર સંવેગવૃદ્ધિ અને અંતરંગ શાંતિની ગવેષણા કરે છે. આવા આત્માર્પિતો શ્રીમદ્ રાજચંદ્ર મિશનની પ્રવૃત્તિમાં એકરૂપ બની ગયા છે.
તેમની સત્સંગ શ્રેણી યોજાવાની છે ત્યારે આપણને એનું સ્મરણ થાય કે એ કેવી અંતર્મુખતા હશે કે જ્યારે સાવ નાની વયે એમણે એમના માતુશ્રી રેખાબહેન ઝવેરીને પૂછયું કે, 'ઘરની બહારથી કોઈનું 'ડેડ બોડી' જાય, તો તમને શું થાય છે ?'
ત્યારે એમના માતાએ કહ્યું કે, બ્લડ રિલેશન ન હોય, તો એ આત્માની શાંતિ માટે ત્રણ નવકાર ગણી લઈએ.'
અને એ ક્ષણે બાળક રાકેશભાઈએ માતાને કહ્યું, 'તો બસ, તું મને તારો માન જ નહીં અને મને સાધના કરવા માટે ગુફાઓ અને જંગલોમાં જવું છે, તો તું મને જવા દે.'
એમના માતાએ બાળક રાકેશભાઈના મુખ તરફ જોયું અને ત્યારે એમને શું દેખાયું ? એમને એમની આંખોમાં સાહસિકતાનો તરવરાટ દેખાયો અને સાવ નાની વયથી જ અર્થાત્ માત્ર ચાર વર્ષની વયે જ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના જીવનમાં અઘ્યાત્મજ્ઞાનની ઉત્કૃષ્ટતા પ્રગટ થઈ. આઠમા વર્ષે શ્રીમદ્ રાજચંદ્રના ચિત્રપટને જોતા ગુરુની પ્રાપ્તિ થઈ અને દસમા વર્ષે તો એમની પાસેથી આઘ્યાત્મિક જિજ્ઞાસાઓનું માર્ગદર્શન મેળવવા મુમુક્ષુઓ આવવા લાગ્યા અને તે સત્સંગનો રંગ જામવા લાગ્યો. એ સત્સંગમાં આજ સુધી સહુ કોઈનો 'મ્હાયલો' શાંત સ્વીકારની ભાવનાથી અંતર્મુખતાના પુરુષાર્થના પાવનત્વનું સ્નાન કરી રહ્યા છે.


