Get The App

પાનેતર .

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
પાનેતર                                                   . 1 - image

- મુકુલ દવે

- સવારથી જ તેમનું મગજ ચકરાવે ચઢયું. મજૂરીએ ગયા, પણ ત્યાંય કામમાં જીવ ન લાગતાં બપોરે ઘરે પાછા આવી ગયા. રૂપાને કહ્યું, 'આજે કાંઈ ઠીક લાગતું નથી'

રૂ પલીએ આખી રાત અજંપામાં પસાર કરી. સવારે તે હળવેકથી ઊભી થઈ. ધૂ્રજતા હાથે કબાટ ખોલીને એણે એના લગ્નનું લાલ ચટક પાનેતર બહાર કાઢયું. તેને લાગ્યું, પાનેતરનો રંગ જાણે કે ફીક્કો પડી રહ્યો છે! પાનેતરમાં મોઢું છુપાવીને તે ધૂ્રસકે ધૂ્રસકે રડવા લાગી. આ પાંચ હજારના પાનેતર માટે આજે તેનો બાપ જેલમાં સબડી રહ્યો હતો. ગઈકાલે સાંજે તેના પિયરના ગામનો ચોવટિયો રતનિયો તેના ધણી ગોપાલને બજારમાં મળ્યો હતો. તેણે ગોપાલને વાવડ આપ્યા, 'તારા સસરા જીવા ભગતને મંદિરમાંથી પાંચ હજારની ચોરી કરવા બદલ ત્રણ વરસ ની જેલ થઈ છે. અરે! મંદિરના પૈસા પાછા ભરપાઈ કરવા માટે ભગતને ખોરડું પણ વેચી દેવું પડયું છે.'

જીવણલાલ એક સાદાસીધા અને ભલાભોળા માણસ. પચાસેક વર્ષની આસપાસ તેમની ઉંમર હશે. ગામ આખામાં તે એક આદરણીય વ્યક્તિ. રોજ રાતના વાળુ પરવારી, ખોરડાના ઓટલે તેમનો એકતારો લઈને બેસે અને તેમના બુલંદ, પહાડી અવાજમાં ભજનો લલકારે. ગામના લોકો પણ અનુકૂળતા મુજબ તેમના આંગણે ભેગાં થાય અને ભક્તિરસમાં તરબોળ થઈ જાય. આ કારણે, જીવણલાલ જીવા ભગત કે જીવા બાપાના નામથી ઓળખાવા લાગ્યા હતા. 

જીવણલાલના પરિવારમાં ત્રણ જણ હતાં. તે પોતે, પત્ની રેવા અને નાનકડી રૂપા એટલે કે, રૂપલી. તેમના દાંપત્ય જીવનમાં, તેમને ઘેર ઘણાં વર્ષો પછી પારણું બંધાયું હતું. આથી, જીવણલાલ અને રેવાને રૂપલી પ્રાણ કરતાં પણ અધિક વહાલી હતી. આ હસતાં રમતાં પરિવાર પર કાળનો ક્રૂર પંજો ફરી વળ્યો. રૂપલી ત્રણેક વર્ષની હતી, ત્યારે ગામમાં ફાટી નીકળેલો પ્લેગ રેવાને ભરખી ગયો. જીવણલાલ છૂટક મજૂરી કરીને તેમનું અને દીકરીનું ગુજરાન ચલાવતા હતા. તેમની ત્રેવડ મુજબ તેઓ રૂપલીને માત્ર સાત ધોરણ સુધી જ ભણાવી શક્યા હતા. નાની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, તેથી રૂપલી નાની ઉંમરથી જ ઘરકામમાં નિપુણ અને વ્યવહારકુશળ થઈ ગઈ હતી.

કાળક્રમે રૂપલી મોટી થતી ગઈ. તેણે યુવાનીમાં પગ મૂક્યો અને દીકરીના બાપને, તેને પરણાવવાની ચિંતા થવા લાગી. રૂપલી ઘરકામમાં હોશિયાર હતી. સંસ્કારી, વિવેકી અને દેખાવડી પણ હતી. ચારપાંચ જગ્યાએ તેના વિવાહ માટે જીવણલાલે વાત ચલાવી જોઈ, પરંતુ કરિયાવર આપી શકવાની અસમર્થતાને કારણે ક્યાંય વાત બનતી નહોતી. આખરે, દૂરના એક ગામમાં વસતા તેમની જ જ્ઞાતિના વિધવા માના એકના એક દીકરા ગોપાલ વિશે કોઈકે તેમને વાત કરી. ગોપાલ ઁ્ભ થયેલો અને કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.

ગોપાલ તેની માતા સાથે રૂપાને જોવા આવ્યો. મા અને દીકરાને એક જ નજરે રૂપા પસંદ આવી ગઈ. લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ગોપાલ અને તેની માતાએ એક શરત મૂકી. તેમણે કહ્યું, 'અમે એક જ શરતે રૂપાનો સ્વીકાર કરવા તૈયાર છીએ. અમે રૂપાને સ્વીકારીશું, પરંતુ કરિયાવર પેટે અમને કાંઈ ન ખપે.' જીવણલાલને તો જે જોઈતું હતું તે સામે ચાલીને મળી ગયું. લગ્નની તારીખ નક્કી થઈ. બન્ને પક્ષે ખૂબ જ સાદગીથી લગ્ન કરવાં તેમ નક્કી કર્યું. આથી, લગ્ન માટે ખાસ કોઈ વિશેષ તૈયારીઓ કરવાની રહેતી નહોતી.

લગ્નના થોડા દિવસ પહેલા જીવણલાલે રૂપાને કહ્યું, 'બેટા, તને લગ્નમાં કોઈ કરિયાવર કે ભેટ સોગાતો આપવાની તારા બાપુની ત્રેવડ તો નથી, પરંતુ એવી ઈચ્છા છે કે તને પિયરનું પાનેતર ઓઢાડીને વિદાય કરું. ચાલ, તને તારી પસંદગીનું પાનેતર લઈ આપું.' બાપ દીકરી બજારમાં પાનેતર ખરીદવા નીકળ્યાં. બેત્રણ દુકાનો ફર્યાં, પણ રૂપાને કોઈ પાનેતર પસંદ ના આવ્યું. ચોથી દુકાનમાં રૂપાને એક લાલ ચટક પાનેતર પસંદ આવ્યું. દુકાનદારને તે પાનેતરની કિંમત પૂછી. દુકાનદારે કહ્યું, 'આ પાનેતરની કિંમત ફક્ત પાંચ હજાર રૂપિયા છે.' કિંમત સાંભળીને બાપ અને દીકરીની આંખો ફાટી ગઈ. બન્ને જાણતાં હતાં કે, આ કિંમત તેમની હેસિયત બહારની છે. ખિન્ન વદને બંને દુકાનના પગથિયાં ઉતરીને વિલા મોઢે ઘરે પાછા આવી ગયાં.

ઘરે આવીને, રૂપાએ ઉદાસ અને નિરાશ વદન લઈ બેઠેલા જીવણલાલને કહ્યું, 'બાપુ, નથી જોઈતું મારે કોઈ પાનેતર. મને સાદો સાલ્લો ઓઢાડીને વળાવજો. હું ખુશી ખુશી સાસરે વિદાય થઈ જઈશ, પરંતુ તમે આમ નાહક જીવ ના બાળશો.'  દીકરીની સમજદારી જોઈને જીવણલાલની આંખે ઝળઝળિયાં આવી ગયાં. આખી રાત પથારીમાં પડયા પડયા તે વિચારતા રહ્યા, ' આખી જિંદગીમાં મેં દીકરીને અપાવ્યું છે શું? તેની પસંદગીનું એક પાનેતર પણ જો તેને ના અપાવી શકું તો બાપ તરીકે મારું જીવતર ફોગટ છે.' સવાલ એ હતો કે, પાંચ હજાર રૂપિયા લાવવા ક્યાંથી? આવા પાંચ ભવે પણ પાંચ હજાર રૂપિયા ભેગા ના થાય.

બીજા દિવસે, સવારથી જ તેમનું મગજ ચકરાવે ચઢયું. મજૂરીએ ગયા, પણ ત્યાંય કામમાં જીવ ન લાગતાં બપોરે ઘરે પાછા આવી ગયા. રૂપાને કહ્યું, 'આજે કાંઈ ઠીક લાગતું નથી, એટલે ઘરે પાછો આવી ગયો. થોડી ચા બનાવી દે, તો કાંઈક સારું લાગે.' રૂપા ચા બનાવી લાવી. રૂપાએ બનાવેલી ચા પીને જીવણલાલ ઓસરીમાં ખાટલામાં આડે પડખે થયા. સાંજે ઊઠીને પોતાના નિત્યક્રમ મુજબ તેઓ વિઠ્ઠલનાથ મંદિરે દર્શન કરવા માટે ગયા.

ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરી જીવણલાલ મંદિરના એક ખૂણે બેસી મંદિરના મહારાજ સાથે રોજની જેમ વાતોએ વળગ્યા. વાતો કરતાં કરતાં, તેમની નજર મંદિરના મુનીમજી જસવંતરાય મહેતા તરફ ગઈ. તે મંદિરની ભીંતમાં જડેલી લોખંડી તિજોરીમાં, આજે આવેલ દાન, દક્ષિણા અને ભેટના રૂપિયા ગોઠવી રહ્યા હતા. આટલા બધા રૂપિયા જોઈને જીવણલાલના મગજમાં પાપનો કીડો સળવળવા લાગ્યો. પોતાની યુવાનીમાં જીવણલાલ ડુપ્લીકેટ ચાવીઓ બનાવવાનું કામ કરતા હતા. આ કસબમાં તેઓ માહેર હતા. કોઈના તાળાની ચાવી ખોવાઈ હોય, તો તાળાની સંરચના જોઈને તે તાત્કાલિક ડુપ્લીકેટ ચાવી બનાવી આપતા હતા. જસવંતલાલે રૂપિયા તિજોરીમાં ગોઠવીને તિજોરીનું તાળું બંધ કર્યું અને તેની ચાવી મહારાજના હાથમાં મૂકી. જીવણલાલે એ ચાવીનું બરાબર નિરીક્ષણ કરી લીઘું. ચાવીની છાપ તેમના મગજમાં અંકિત થઈ ગઈ.

રાતે મંદિરથી ઘરે આવીને જીવણલાલે ડુપ્લીકેટ ચાવીઓ બનાવવાના સાધનોનો થેલો માળિયામાંથી ઉતાર્યો. લોખંડનો એક ટુકડો લઈને ડુપ્લીકેટ ચાવી બનાવવા લાગ્યા. તેના અવાજથી રૂપા જાગી ગઈ. તેણે પૂછયું, 'બાપુ, અડધી રાતે આ શું કરો છો?' જીવણલાલે જવાબ આપ્યો, 'કાંઈ નહીં. આજે મંદિરમાં એક જૂનો દોસ્ત મળી ગયો. તેને એક તાળાની ડુપ્લીકેટ ચાવીની તાત્કાલિક જરૂર પડી છે. મેં એને કહ્યું કે, હવે મેં આ કામ છોડી દીધું છે. તે ના માન્યો અને આગ્રહ કર્યો કે, હું જ એને આ ચાવી બનાવી આપું. આવતીકાલે સાંજ સુધીમાં તેને આ ચાવી પહોંચતી કરવાની છે. જા, તું સૂઈ જા. મારું કામ પતાવીને હું પણ સૂઈ જઈશ.'

મંદિરની તિજોરીના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવીને જીવણલાલ નિરાંતે સૂઈ ગયા. સવારે ઊઠીને નિત્યક્રમ અને પૂજાપાઠ પરવારીને જમી લીધું. ત્યાર બાદ, રોજની જેમ મજૂરીએ નીકળી ગયા. સાંજે ઘરે આવીને, કપડાં બદલીને વિઠ્ઠલનાથ મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને હંમેશની જેમ, મહારાજ સાથે વાતોએ વળગ્યા. મંદિરની પાછળની ઓરડીમાં મહારાજનું નિવાસસ્થાન હતું. જીવણલાલ વિચારી રહ્યા હતા કે, મહારાજ જમવા માટે તેમની ઓરડીમાં જાય, તે દરમ્યાન મંદિરની તિજોરી ખોલીને તેમાંથી પાંચ હજાર રૂપિયા કાઢી લઉં. કોણ જાણે કેમ, આજે મહારાજ જમવા જવાનું નામ જ નહોતા લેતા. જીવણલાલે મહારાજને પૂછયું, 'કેમ મહારાજ, આજે જમવા નથી જવું?' મહારાજ બોલ્યા, ધના ભાઈ, આજે પેટમાં ગરબડ જેવું લાગે છે, એટલે સાંજે જમવાની ઇચ્છા નથી.' મહારાજનો જવાબ સાંભળીને જીવણલાલને નિરાશા વ્યાપી. ફરી પાછા બન્ને વાતો કરવા લાગ્યા.

બન્ને વાતોમાં મશગૂલ હતા, તેવામાં કોઈ ભાઈ મંદિરમાં આવ્યા. મહારાજને બે હાથ જોડી વિનંતી કરી, 'મહારાજ, મારી દીકરીની પહેલી સુવાવડ પછી, આણું વળાવી તેના સાસરે વિદાય કરી રહ્યો છું. જો આપ થોડી વાર માટે મારા ઘરે આવીને મારી દીકરી તથા તેના નવજાત બાળકને આશીર્વાદ આપશો તો આપનો ખૂબ ખૂબ ઉપકાર થશે.' મહારાજે જીવણલાલને કહ્યું, 'ભગત, ઉતાવળ ના હોય તો બેસજો. હું અડધા કલાકમાં પાછો આવી જઈશ.' આમ કહીને મહારાજ પેલા આગંતુક ભાઈ સાથે રવાના થઈ ગયા. જીવણલાલને પોતાનું ધાર્યું કરવા માટે સોનેરી અવસર પ્રાપ્ત થઈ ગયો. તે ઊભા થયા. ભગવાન વિઠ્ઠલનાથ સામે બે હાથ જોડી મનમાં બોલ્યા, 'હે પ્રભુ, મેં મારી જિંદગીમાં કોઈ પાપ નથી કર્યાંં. દીકરીની એક ખુશીની ખાતર આજે એક મહાપાપ કરવા જઈ રહ્યો છું. શક્ય હોય તો, માફ કરજે, નહીંતર આ પાપની જે સજા તું આપીશ, તે ભોગવવા હું તૈયાર છું.' તે પછી, તેણે બનાવેલી ચાવીથી સિફતથી તિજોરી ખોલી. તિજોરીમાં પડેલા લાખો રૂપિયામાંથી ફક્ત પાંચ હજાર રૂપિયા લીધા અને પોતાની ઝોળીમાં મૂકી દીધા. હળવેથી તિજોરી બંધ કરીને પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. થોડી વારમાં, મહારાજ પાછા આવ્યા. તેમને રામરામ કહીને ભગતે પોતાના ઘરની વાટ પકડી.

બીજા દિવસે સવારે, તેમણે રૂપાના હાથમાં પાંચ હજાર રૂપિયા મૂક્યા અને કહ્યું, 'લે રૂપલી, આ પાંચ હજાર રૂપિયા અને તારી પસંદગીનું પાનેતર લઈ આવ.' રૂપાએ પૂછયું, 'બાપુ, આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી?' જીવણલાલ બોલ્યા, 'ગઈકાલે રાત્રે જે દોસ્ત માટે ચાવી બનાવી હતી ને, તે દોસ્તે ખુશ થઈને આપ્યા.' જો કે, રૂપાને આ વાત ગળે ઉતરી નહીં. તેણે કહ્યું, 'કોઈને ખબર પડે અને પૂછે કે, તારા બાપુ પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તો શો જવાબ આપવો?' જીવણલાલે કહ્યું, 'તો, તું કહી દેજે કે, મારી માનો દૂરનો મસિયાઈ ભાઈ વિઠ્ઠલ વિલાયત રહે છે. મારા એ વિઠ્ઠલ મામાએ લગનનું પાનેતર ખરીદવા કોઈની મારફત મારા બાપુને મોકલાવ્યા છે. જા, જઈને પાનેતર લઈ આવ.' રૂપા ઉત્સાહભેર બજાર ગઈ અને પાનેતર લઈને ઘરે આવી. લગ્નનો શુભ દિવસ આવ્યો. ખૂબ જ સાદાઈથી ગોપાલ અને રૂપાના લગ્નનો પ્રસંગ સંપન્ન થયો. પોતાની પસંદગીનું પાનેતર ઓઢી નવોઢા રૂપા પોતાનું નવજીવન શરૂ કરવા સાસરે વિદાય થઈ. જીવણલાલ સાવ એકલા પડી ગયા. તેમના જીવનમાં શૂન્યાવકાશ વ્યાપી ગયો.

વિઠ્ઠલનાથ મંદિરની પ્રણાલી હતી કે, પહોંચ આપીને જ દાન અને ભેટ સ્વીકારવા. રોજ સાંજે પહોંચોની રકમ સાથે આવેલી રોકડનો તાળો મેળવી, રોકડ મંદિરની તિજોરીમાં મૂકી દેવાની. મહિનાના છેલ્લા દિવસે ફરીથી આ બધી પહોંચોની રકમ સાથે આખા મહિના દરમ્યાન મળેલ રોકડ રકમનો તાળો મેળવી, બીજા દિવસે સવારે એ રકમ બેંકમાં ભરી દેવાની. છેલ્લાં કેટલાંય વર્ષોથી મુનીમ જસવંતરાય મહેતા આ કાર્ય નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવતા હતા. અત્યાર સુધી, આ હિસાબમાં કોઈ ભૂલ આવી નહોતી. આ વખતે, પહેલી વાર હિસાબમાં ભૂલ આવી. પહોંચોની રકમની સરખામણીએ રોકડ રકમમાં પાંચ હજાર રૂપિયા જેટલી ઘટ આવી હતી. આથી, મહેતાજી આકુળવ્યાકુળ અને વિહ્વળ બની ગયા. તેમને જોઈને મહારાજે પૂછયું, 'કાં મહેતાજી, આમ ગભરાયેલા કેમ લાગો છો?' મહેતાજીએ કહ્યું, 'મહારાજ, પહોંચોની સરખામણીએ રોકડ રકમમાં પાંચ હજાર રૂપિયા જેટલી ઘટ આવે છે.  મેં ફરીફરીને ત્રણ વાર ગણ્યું.' આથી, મહારાજે જાતે બે વાર રોકડની ગણતરી કરી. મહેતાજીની વાત સાચી હતી. આવું તો ક્યારેય બન્યું નથી. હવે શું કરવું? મહારાજે મહેતાજીને કહ્યું, 'અત્યારે તમે ઘરે જાઓ. શું કરવું, તેનો નિર્ણય કાલે કરીશું.

મહેતાજી ઉદાસ થઈને ગયા પછી, મહારાજે મંદિરના મેનેજીંગ ટ્રસ્ટીને ફોન કરી આખી બીના કહી સંભળાવી. આ સાંભળીને ટ્રસ્ટીશ્રી મહારાજ અને મહેતાજી પર ભડકી ગયા અને કહ્યું, 'મંદિરના પૈસા બાબતે આવી બેદરકારી હરગીઝ ચલાવી ના લેવાય. કાલે સવારે જ પૈસાની ઉચાપત અંગે મહેતાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દો.' મહારાજે કહ્યું, 'મહેતાજી એક સંનિષ્ઠ સેવક છે એટલે...' ટ્રસ્ટીએ તેમની વાત કાપીને ગુસ્સામાં આવીને સંભળાવ્યું, 'મારે કશું સાંભળવું નથી. કાયદેસર જે કરવું પડે તે કરો. મંદિરનો વહીવટ કેમ કરવો એ મને શીખવાડવાની જરૂર નથી.' બીજા દિવસે, કચવાતા મને મહારાજે મહેતાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પોલીસ મહેતાજીને પોલીસ થાણે લઈ ગઈ અને કસ્ટડીમાં પૂરી દીધા. ગામલોકોને ધીરે ધીરે આ વાતની ખબર પડવા લાગી, પણ જીવા ભગતને આ વાતની જાણ નહોતી.

એ રાત્રે રોજની જેમ, જીવા ભગત ભજન મંડળી જમાવીને બેઠા. ભક્તજનોમાં અંદરોઅંદર થતી ચકચાર તેમના કાને પડી, ત્યારે તેમને મહેતાજીની ધરપકડની જાણ થઈ. તે જાણીને તેમનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. જેમતેમ ભજન પતાવી, ભક્તજનોને વિદાય કર્યાં. ભારે અજંપા સાથે તેમણે પથારીમાં લંબાવ્યું. આખી રાત વિચારતા રહ્યા, 'બિચારા મહેતાજીનો કોઈ વાંક નથી. મારા પાપની સજા એ ભોગવે એ તો અન્યાય જ કહેવાય. હું એવું નહીં થવા દઉં.' બીજા દિવસે સવારે, નિત્યક્રેમ અને પૂજાપાઠ પરવારીને એ સીધા પોલીસ થાણે પહોંચ્યા. ત્યારે પોલીસ ઇન્સ્પેકટર મહેતાજી સામે કેસ દાખલ કરવા ચાર્જશીટ અને અન્ય જરૂરી કાગળો તૈયાર કરી રહ્યા હતા. તેમણે સાદ કર્યો, 'જમાદાર સાહેબ, જરા થોભો. સૌ પ્રથમ તો મહેતાજીને જેલમાંથી છોડો. એમનો કોઈ વાંકગુનો નથી. મંદિરમાંથી ચોરી મેં કરી છે.'

આ સાંભળીને ત્યાં હાજર રહેલ દરેકને અચરજ થયું.  આવો ઓલિયા જેવો માણસ ચોરી કરે, તે માનવા કોઈ તૈયાર નહોતું. જીવા ભગત ખુરશીમાં બેઠા અને પોતાનું નિવેદન લખાવવા માંડયું. તેમણે શા કારણે, ક્યારે અને કેવી રીતે પૈસા ચોર્યા તે અંગે બધી જ વિગત નિવેદનમાં લખાવી. તે પછી, મહેતાજીને કસ્ટડીમાંથી મુક્ત કર્યાં. જીવા ભગત મહેતાજીના પગમાં પડી ગયા. ગળગળા થઈ કહ્યું, 'મહેતાજી, મારા પાપની સજા રૂપે તમારે એક રાત આ કાળકોટડીમાં વિતાવવી પડી, તેનું મને અત્યંત દુ:ખ છે. મારો આ ગુનો મારો વિઠ્ઠલ કદી માફ નહીં કરે.' જીવા ભગત સામે ચોરીના આરોપસર કેસ ચાલ્યો. ગુનો પુરવાર થયો. જજ સાહેબે હુકમનામું વાંચી સંભળાવ્યું, 'મંદિરમાંથી પાંચ હજાર રૂપિયાની ચોરીના ગુના સબબ, અદાલત તેમને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવે છે અને મંદિરના પાંચ હજાર રૂપિયા ભરપાઈ કરવાનો હુકમ કરે છે. જો તેઓ આ રૂપિયા ભરપાઈ નહીં કરી શકે, તો બીજા બે વર્ષની જેલની સજા ફરમાવવામાં આવે છે.'

હુકમનામું સાંભળીને ભગતે કહ્યું, 'મારે દેવનું દેવું માથે રાખીને નથી જીવવું કે નથી મરવું. છેવટે, હું મારું ખોરડું વેચીને પણ મંદિરના પૈસા પરત કરી દઈશ. અહીં હાજર ગામલોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે, આ બધી વાતની ખબર મારી રૂપલીને ના થવી જોઈએ, નહીંતર એ બિચારી ઘૂંટાઈ ઘૂંટાઈને કમોતે મરી જશે.' આમ છતાં, પંચાતિયા રતનિયાના પેટમાં વાત ટકી નહીં. તેણે ગોપાલને બધી વાત જણાવી દીધી. બીજી તરફ, ભગતની લાચારીનો ગેરલાભ લઈને ગામના લુચ્ચા મુખીએ તેમનું ખોરડું દસ હજાર રૂપિયાની મામૂલી કિંમતે પડાવી લીધું અને તેમાંથી મંદિરના પાંચ હજાર રૂપિયા ભરપાઈ કરી દીધા. 

રતનિયાએ આપેલ ખબરથી રૂપાનું હૈયું દ્રવી ઊઠયું. તે અને ગોપાલ તાત્કાલિક જીવા ભગતને મળવા માટે નીકળ્યાં. ગામ આવીને સીધા જેલમાં ગયાં. કેદીને મળવા માટેની અનુમતિની પ્રક્રિયા પતાવી તેઓ જીવા ભગતને મળ્યા.

 બાપુની હાલત જોઈને રૂપાની આંખો ભરાઈ આવી. ગોપાલે હૈયાધારણ આપતા કહ્યું, 'બાપુ, ખોરડું નથી રહ્યું, તો ચિંતા ના કરશો. હું તમારો દીકરો જ છું. તમારી સજા પૂરી થતાં જ તમને અમારી સાથે અમારા ઘરે લઈ જઈશું. ગોપાલની લાગણી જોઈ ભગતને ગોપાલ અને રૂપા માટે ખૂબ માન ઉપજ્યું. તેમણે મનોમન વિઠ્ઠલનાથ ભગવાનનો પાડ માન્યો.

જીવા ભગત જેલમાં જેમતેમ દિવસો વિતાવતા હતા. તેમને મનમાં એક અજંપો હતો, 'દીકરીના ઘરનું તો પાણી પણ ના પીવાય, ત્યાં આ પાછલી અવસ્થામાં મારે દીકરી અને જમાઈને માથે પડવાનું? હે વિઠ્ઠલનાથ, મને એવો દિવસ ના દેખાડશો.' જોતજોતામાં ત્રણ વર્ષ પૂરા થઈ ગયાં. સજામુકિતના દિવસે ગોપાલ અને રૂપા ભગતને લેવા આવી પહોંચ્યા. થોડી વારમાં, જેલના ચાકરો સ્ટ્રેચર ઉપર જીવા ભગતનો મૃતદેહ લઈને બહાર આવ્યા. તેમણે જણાવ્યું કે, થોડી મિનિટો પહેલાં જ ભગતે દેહત્યાગ કર્યો. છેલ્લે એ એટલું બોલ્યા, 'હે વિઠ્ઠલનાથ, મારે દીકરી જમાઈના ઓશિયાળા નથી થાવું.'

જીવા ભગતના મૃતદેહને ગોપાલ અને રૂપા સ્મશાન લઈ જવા નીકળ્યા. જીવા ભગતના અવસાનના સમાચાર આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગયા. જોતજોતામાં લગભગ આખું ગામ ભેગું થઈ ગયું. ગોપાલ અને રૂપાએ ભગતના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપ્યા. ત્યાં હાજર સર્વે ગ્રામમજનો એકસાથે બોલી ઊઠયાં, 'જીવા ભગતની જય, જીવા બાપા અમર રહો.' બાપુ પ્રત્યેનો ગ્રામજનોનો અદ્ભુત આદર જોઈને રૂપાનું હૈયું હરખાઈ ઊઠયું. બીજી તરફ, બાપુના અવસાનનો શોક પણ હતો. રૂપાની આંખે અશ્રુસાગર છલકાઈ ઊઠયો. તે નક્કી ના કરી શકી કે, એ આંસુ હરખનાં હતાં કે શોકનાં.