- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
શું તમે ક્યારેય કલ્પના કરી છેકે 'સિનેમાની દુનિયા પૃથ્વીની સીમાઓને પાર કરીને અવકાશમાં પહોંચી શકે?' આજે હોલીવુડ ફક્ત વિજ્ઞાન કથાઓમાં જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં અંતરિક્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ઇટાલિયન નિર્માતા આંદ્રેઆ આઈર્વોલિનો દ્વારા નિર્માણ થતી રોમેન્ટિક સ્પેસ ડ્રામા 'આઈ સી યુ' પૃથ્વીની સપાટીથી ૬૦ માઈલ ઉપર અવકાશમાં શૂટ થવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ સિનેમાના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પગલું છે, જે ફિલ્મ નિર્માણની સીમાઓને શાબ્દિક અર્થમાં નવી ઊંચાઈઓ સુધી લઈ જશે.
પશ્ચિમી સિનેમા માટે પ્રથમ વખત કોઈ ફિલ્મમેકર, કેમેરામેનને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલીને, દ્રશ્યો શૂટ કરશે. યાદ રહે કે આ ફિલ્મ સંપૂર્ણપણે અવકાશમાં શૂટ થશે નહીં, પરંતુ અવકાશમાં ફિલ્માયેલા દ્રશ્યોને સ્ટોક ફૂટેજ સાથે મિશ્રિત કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ આંદ્રેઆ આઈર્વોલિનોની 'સ્પેસ૧૧ કોર્પ' કંપની છે, જેનું ધ્યાન ફક્ત અવકાશ સંબંધિત વાર્તાઓ પર કેન્દ્રિત છે. નાસાના ભૂતપૂર્વ ફિલ્મ અને ટેલિવિઝન સંપર્ક અધિકારી બર્ટ અલરિચ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. જે નિર્માણને વધુ વિશ્વસનીયતા અને વાસ્તવિકતા અર્પણ કરે છે. આઈર્વોલિનોએ અગાઉ 'ફેરારી' 'ટુ ધ બોન,' 'માસેરાટી:' બ્રધર્સ' અને અલ પચિનો અભિનીત 'કેપ્ટિવેટેડ' જેવી નોંધપાત્ર ફિલ્મો બનાવી છે. સવાલ એ છેકે 'અંતરિક્ષમાં બનેલી ફિલ્મમાં શું હશે? ફિલ્મ કેવી રીતે બનશે ?
સિનેમાનો નવો અવકાશી મહેલ
અવકાશમાં ફિલ્મ શૂટિંગનો વિચાર નવો નથી, પરંતુ તેનું વાસ્તવિક અમલીકરણ તાજેતરમાં જ શક્ય બન્યું છે. આઈર્વોલિનોના શબ્દોમાં કહીએ તો, આ ફિલ્મ દર્શકોને યાદ અપાવશે કે ''અવકાશની નિશબ્દતામાં પણ પ્રેમ અને માનવતા દરેક સીમાને પાર કરશે.'' આ દાર્શનિક અભિગમ પ્રોજેક્ટને તમાશાથી કલા તરફ આગળ લઈ જાય છે. પરંતુ આ અભૂતપૂર્વ યાત્રા પાછળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે?
હોલીવુડથી પહેલાં, રશિયાએ ૨૦૨૩માં 'ધ ચેલેન્જ' નામની ફિલ્મ રજુ કરી હતી. જે અવકાશમાં શૂટ થયેલી પ્રથમ ફિલ્મ હતી. આ રશિયન ફિલ્મના કેટલાક દ્રશ્યો પૃથ્વીની સપાટીથી ૨૫૦ માઈલ ઉપર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) ખાતે ફિલ્માવવામાં આવ્યા હતા. આ પૂર્વવર્તી દાખલો દર્શાવે છે કે 'યોગ્ય આયોજન અને સહાય સાથે અવકાશમાં ફિલ્માંકન શક્ય છે.'
છેલ્લા કેટલાક વર્ષોથી, 'એજ ઓફ ટુમોરો' દિગ્દર્શક ડગ લિમેન ટોમ ક્રૂઝ અને સ્પેસએક્સ સાથે મળીને એક મોટા પ્રોજેક્ટ પર કામ કરશે, એવી વાતો વહેતી થઇ રહી છે. જો કે સૂત્રના જણાવ્યા પ્રમાણે, ક્રૂઝ-લિમેન-સ્પેસએક્સનો સહયોગ ''વાસ્તવિક પ્રોજેક્ટ ઓછો, અને કલ્પનાપૂર્ણ સ્વપ્ન જેવો વધુ લાગે છે.'' તેમનો પ્રોજેક્ટ વ્યવહારુ આયોજનમાં 'આઈ સી યુ' જેટલું આગળ લાગતું નથી. આ તુલના એક મહત્વપૂર્ણ તથ્ય ઉપર પ્રકાશ પાડે છે : ઘણા નિર્માતાઓ અવકાશમાં શૂટિંગનું સ્વપ્ન જોઈ શકે છે, પરંતુ આવા નિર્માણને ખરેખર અમલમાં મૂકવાના પડકારો અપાર છે. રશિયાની 'ધ ચેલેન્જ'એ અવકાશમાં શૂટ થયેલી પ્રથમ ફિલ્મ બનાવીને મુહરત માટે - પ્રથમ અવકાશ પૂજન' કર્યું હતું. તેના પગલે પગલે હવે પશ્ચિમી ફિલ્મ ઉદ્યોગનો અવકાશ-આધારિત ફિલ્મ નિર્માણમાં આગળ વધી રહ્યો છે.હાલના તબક્કે 'આઈ સી યુ' પ્રોજેક્ટ વ્યવહારુ હાઇબ્રિડ અભિગમ અને રોકેટ ઉપયોગ બાબતે વાસ્તવિકતા તરફના માર્ગ પર વધુ આગળ હોવાનું જણાય છે. જ્યારે આ સીમાચિહ્ન અંતરીક્ષમાં ફિલ્મ શૂટિંગ અને અંતરીક્ષ વિષયક ફિલ્મો તરફ દર્શકોનો ઝૂકાવ દર્શાવી રહ્યું છે.
'આઈ સી યુ'
આમ જોવા જઈએ તો 'આઈ સી યુ' ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. તેમાં અંતરીક્ષનું પરિમાણ ઉમેરાઈ જતા, તે એક વિશેષ ફિલ્મ બની શકે છે. આગામી વર્ષે શરૂ થવાની અપેક્ષા ધરાવતી આ ફિલ્મના મુખ્ય દ્રશ્યો, અંતરિક્ષમાં શૂટ કરવામાં આવશે. લગભગ ૯૬ થી ૧૦૦ કિલોમીટરની ઊંચાઈ ઉપર અંતરિક્ષમાં ફિલ્મોનું દ્રશ્યંકન કરવામાં આવશે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છેકે 'સમગ્ર ફિલ્મ નું શૂટિંગ અંતરિક્ષમાં થવાનું નથી, પરંતુ અંતરિક્ષમાં શૂટ થયેલ દ્રશ્યો માંથી ૮૫ ટકા જેટલા દ્રશ્યો ને ફિલ્મમાં ઉમેરવામાં આવશે.' ફિલ્મનો પ્લોટ અને કથા વસ્તુ હજી ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ એક વાત જાણવા મળેલ છે તે પ્રમાણે : 'આ ફિલ્મનો રોમેન્ટિક ડ્રામા, માનવીય સહનશક્તિ, એકલતા અને ભાવનાત્મક જોડાણની આસપાસ ફરશે.' પૃથ્વી પર શુટ કરવામાં આવેલ ફિલ્મો કરતા, અંતરિક્ષના દ્રશ્યો અંતિમ અલગ વાતાવરણને રજૂ કરે છે, જ્યાં મનુષ્યોની દૈનિક જીવનશૈલીથી લઈને માનવ વચ્ચેના સંબંધોમાં શૂન્યાવકાશ અલગ રીતે રજૂ કરવામાં આવશે. અંતરીક્ષમાં જીવન ટકાવવા માટે જરૂરી બધી જ ટેકનોલોજીને પણ દર્શાવવામાં આવશે. અવકાશની અંધકારમય વિશાળતામાં માનવીય સહનશક્તિ, એકલતા અને ભાવનાત્મક જોડાણ કેવી રીતે કામ કરશે? ફિલ્મમાં આ વાતનોવાસ્તવિક જીવન સાથે સંબંધ અને અંતરિક્ષના અનુભવોનો પડઘો સાંભળવા મળશે. અંતરીક્ષમાં માલ સામાન અને વ્યક્તિને લઈ જવી, મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં પ્રોજેક્ટ સાથે સંકળાયેલ લોકો અંતરીક્ષમાં જશે. ઓછામાં ઓછાં પરંતુ શ્રેષ્ઠ ટેકનિકલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરીને ફિલ્મ શૂટ કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગ વખતે સલામતીનું ખાસ ધ્યાન રાખવું પડશે. જે લોકો અંતરિક્ષમાં જવાના છે, તે લોકોએ અંતરીક્ષમાં શરીરને અનુકૂળ કરવા માટે પ્રાથમિક તાલીમ પણ લેવી પડશે.૨૦૨૬માં ફિલ્મની કામગીરી શરુ થશે. જો કે ભીડભાડવાળા પ્રક્ષેપણ કાર્યક્રમોને કારણે, રોકેટ લોન્ચિંગ માટે અનુકૂળ તારીખ ન મળે તો શિડયુલ લંબાઇ જવાની શક્યતાઓ રહેલી છે.
ફિલ્મનો મુખ્ય આધાર!
'આઈ સી યુ' પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક વ્યક્તિ સ્કોટ કેલી છે.ખાસ કરીને, તેઓ અમેરિકન અવકાશયાત્રી દ્વારા સૌથી લાંબી એક જ અવકાશ ઉડાનનો રેકોર્ડ ધરાવે છે. તેમણે ૧૭ વર્ષની 'નાસા'ની કારકિર્દી દરમિયાન વિવિધ મિશન પર ચાર વખત અવકાશમાં ઉડાન ભરી છે. કેલીએ 'ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન'નું નિયંત્રણ સંભાળ્યું હતું. તેઓ અહીં ભ્રમણકક્ષા પ્રયોગશાળામાં સંપૂર્ણ એક વર્ષ વિતાવનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી બન્યા હતા. આ અનુભવો અવકાશમાં જીવનને પ્રામાણિક રીતે દર્શાવવાનો પ્રયાસ કરતા ફિલ્મકારો માટે અમૂલ્ય સાબિત થશે. તેમની અવકાશયાત્રી કારકિર્દીની બહાર, કેલી એક લેખક અને વક્તા પણ છે. તેમણે લખેલું અને લોકપ્રિય બનેલું પુસ્તક એટલે 'એન્ડયુરન્સ : અ યર ઇન સ્પેસ, અ લાઇફટાઇમ ઓફ ડિસ્કવરી'. જે ૨૦૧૭ માં પ્રકાશિત થયું હતું. આ ઉપરાંત તેમણે બાળકો માટે અને યુવાનો માટે અન્ય ત્રણ પુસ્તકો લખ્યા છે. યાદ રહે કે સ્કોટ કેલી સ્ક્રિપ્ટ સલાહકાર તરીકે ડ્રામા ટીમ સાથે જોડાયા છે. તેઓ સ્ક્રિનરાઇટર્સ ડાયન ફ્રોલોવ અને આન્દ્રુ સ્નાયડર સાથે સીધા કામ કરશે. નિર્માતા આંદ્રેઆ આઈર્વોલિનો માટે, આ પ્રોજેક્ટમાં કેલીનો સમાવેશ સોનામાં સુગંધ ભળે તેવી ઘટના છે. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું, 'સ્કોટ કેલીનો અનુભવ અમારા દ્રષ્ટિકોણમાં વૈજ્ઞાનિક વાસ્તવિકતા લાવશે.'
કેલી નિર્માતા, અભિનેતાઓ અને દિગ્દર્શકને, અંતરિક્ષમાં સલામતીનાં પગલાં લેવામાં મદદ કરશે. તેઓ આ જોખમી પ્રસ્તાવને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં પણ મદદ કરશે. તેમનું 'ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' પર એક વર્ષના રોકાણે, તેમને અંતરિક્ષનું વ્યવહારિક જ્ઞાન પ્રદાન કર્યું છે. તેઓ વજનહીનતામાં શારીરિક સંવેદનાઓથી માંડીને, અવકાશમાંથી પૃથ્વીને જોવાની માનસિક અસર સુધી દરેક બાબતમાં, અલગ અહેસાસ પ્રદાન કરી શકે છે. તેઓ અવકાશયાનમાં જીવનની દૈનિક દિનચર્યાઓ કઈ રીતે થાય ત્યાંથી માંડીને ફિલ્મકારોને જીરો ગ્રેવીટીમાં કેવાં સંભવિત જોખમો આવશે? ત્યાં સુધીનું માર્ગદર્શન આપશે.
અંતરિક્ષમાં ફિલ્મ સ્ટુડિયો?
આ ફિલ્મ સંભવિતપણે અવકાશ-આધારિત મનોરંજન નિર્માણના નવા યુગનો દરવાજો ખોલે છે. સ્વાભાવિક છે કે 'અંતરીક્ષમાં ફિલ્મ તૈયાર થશે, એટલે વિષય વસ્તુ પણ અંતરીક્ષ અને વિજ્ઞાન આધારિત રહેશે. જે લોકોમાં વિજ્ઞાન ટેકનોલોજી અને અંતરીક્ષ પ્રત્યેનો અભિગમ અને લગાવ બદલવામાં મદદરૂપ થશે.' સામાન્ય રીતે અંતરિક્ષમાં જંગ કે પ્લોટ ઉપર ઘણી બધી ફિલ્મો આવી ચૂકી છે. પરંતુ હવે નિર્માતા અંતરિક્ષમાં રોમેન્ટિક સ્પેસ ડ્રામા ઉમેરીને, ફિલ્મ નિર્માણમાં એક નવું ટેસ્ટ ગ્રાઉન્ડ ઉભું કરી રહ્યા છે. આવી ફિલ્મમાં માનવીય લાગણીઓ અને સંબંધો પર ફિલ્મનું મુખ્ય ફોકસ રહેશે.
આ ટીમમાં સંકળાયેલ અન્ય લોકોના નામની જાહેરાત હજી કરવામાં આવી નથી. આપણે અભૂતપૂર્વ પ્રોજેક્ટ પર વધુ જાહેરાતની રાહ જોઈએ છીએ. જેમાં અવકાશમાં ફિલ્માંકનનો પડકાર સ્વીકારનાર દિગ્દર્શકની જાહેરાત, અભિનેતાઓની પસંદગી અને ૨૦૨૬ની પ્રક્ષેપણ તારીખ વગેરે વગેરે વિગતોનો સમાવેશ થાય છે. નિર્માતા આંદ્રેઆ આઈર્વોલિનોના દ્રષ્ટિકોણ, અનુભવી અવકાશયાત્રી સ્કોટ કેલીની નિપુણતા-અનુભવ, લેખકો ડાયન ફ્રોલોવ અને આન્દ્રુ સ્નાયડરની પ્રતિભા, અને વાણિજ્યિક અવકાશયાત્રાની વધતી સુલભતાને જોડીને હોલીવુડની ફિલ્મોનો વાસ્તવિક રીતે પૂન:જન્મ કરશે. આ પ્રોજેક્ટ પશ્ચિમી સિનેમામાં કંઈક અભૂતપૂર્વ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. આ વિલક્ષણ કાર્ય માટે તેમને ચોક્કસ બિરદાવવા જોઈએ.
ભૂતકાળમાં અંતરીક્ષ એ સરકારી અવકાશ એજન્સીઓનું મોનોપોલી ગ્રાઉન્ડ ગણાતું હતું, તે હવે કોમર્શિયલ બની રહ્યું છે. અંતરિક્ષમાં માત્ર સ્પેસ ટુરીઝમ જ ચાલશે તે માન્યતા થોડા સમયમાં દૂર થઈ જશે. હવે અંતરીક્ષમાં ફિલ્મ મેકિંગ એટલે કે 'સ્પેસ મુવી મેકિંગ'નો નવો આયામ ખુલી રહ્યો છે. 'અત્યાધુનિક સીજીઆઈ અને વર્ચ્યુઅલ પ્રોડક્શનના યુગમાં પણ, અંતરિક્ષમાં માનવ જીવન કેવું હોય? તેમના પ્રણય સંબંધો કેવી રીતે વિકસે છે? આ સવાલોનો પ્રામાણિક જવાબ, એક આહ્લાદક અનુભવોનો સરવાળો બની રહેશે છે.


