Get The App

જસ્ટ બિકોઝ : નવા વર્ષે દિમાગના દરવાજા ખોલી દેતું જીવનજ્ઞાન!

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
જસ્ટ બિકોઝ : નવા વર્ષે દિમાગના દરવાજા ખોલી દેતું જીવનજ્ઞાન! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- નવું વર્ષ આવી ગયું છે ત્યારે નાનેરાં જ નહિ, મોટેરાંઓને પણ લાઈફની ટેકસ્ટબૂક ભણાવે એવી એક કબીરજીના દોહા જેવી શાણપણના મુક્તકો કહેતી કિતાબ હોલીવૂડ ફિલ્મસ્ટારે લખી છે!

'મે ચ્યોરિટી (પરિપક્વતા) એટલે શું?' 'તમે કરી શકતા હો છતાં પણ એ ના કરો, એ નિર્ણય લેવાની ક્ષમતા. એનું આત્મનિયંત્રણ. સેલ્ફ કંટ્રોલ.' 

મીન્સ, એક ઉંમર એક મુગ્ધતા એવી હોય કે તમે કશુંક એટલા માટે કરો કે એ તમે કરી શકો છો. નાનું બાળક કૂદાકૂદ કરતુ બધી જ વસ્તુ પકડી મોઢામાં મુકવા જાય. એને રોમાંચ થાય કે એ દોડી શકે છે, કશુંક પકડી શકે છે ને કશુંક ખાઈ પણ શકે છે. પણ એમાં તો એક જીવડાં કે કચરો કે ના ખાવાની કોઈ પણ ચીજ મોઢામાં મૂકી દે. કશુંક આપણે કરી શકીએ એટલા માત્રથી કરવું જરૂરી નથી. તમે પુખ્ત વ્યક્તિ હો ને તંદુરસ્ત હો તો તમે કોઈ બાળક કે કોઈ પણ તમારાથી નબળી વ્યક્તિને ધક્કો મારવા કે તમાચો મારવા સક્ષમ હો છો. પણ એટલામાત્રથી એવું કરો તો ત્રાસવાદી લાગો. એમ તો મિત્રો, સ્વજનો, પતિ પત્ની, માતા પિતા કે સંતાનો પાસે સૌથી વધુ મોકા હોય છે એકબીજાને મારી નાખવાના, લૂંટવાના કે નુકસાનીવાળી ભાંગફોડ કરવાના. પણ બધા એવું નથી કરતા એટલે તો દુનિયા ચાલે છે. જે આવું કરે છે એ ક્રાઈમના ન્યુઝની હેડલાઈનમાં હોય છે. 

આ સમજુતી તો આપણી છે. પણ એના સુધી પહોંચાડતી પેલી વ્યાખ્યાવાળો જવાબ કોણે આપ્યો ? કોઈ બાબાગુરુ કે સાહિત્યશ્રેષ્ઠી નહિ પણ હોલીવૂડના ફૂટડા ફિલ્મસ્ટાર મેથ્યુ મેકોનહે (એની અટપટી અટકનો ઉચ્ચાર સાચો આવો જ છે, બીજી ઓળખ એ કે ઇન્ટરસ્ટેલર કે સહારા જેવી સેંકડો ફિલ્મોમાં દેખાયેલો ઓસ્કારવિનર એક્ટર)નો આ જવાબ છે. મેથ્યુભાઈ ફિફ્ટી વટાવ્યા બાદ એક્ટિંગ કરતા કરતા સરસ પુસ્તકો પણ લખે છે ભૂતકાળના વેકેશન આર્ટિકલમાં એની આત્મકથા ગ્રીનલાઈટ્સ વાંચવાની ભલામણ કરેલી, જો ભૂલાઈ ના ગઈ હોય તો.

પણ એણે ૨૦૨૩માં એણે એક પુસ્તક બહાર પાડયું. નામ આપ્યું 'જસ્ટ બિકોઝ'. પોતાના ત્રણ બાળકો સાથે વાતો કરતા કરતા એને આ બુકનો આઈડિયા આવેલો. કોઈ ઘોસ્ટરાઈટર વિના જાતે જ લખી. સાથે પાને પાને રેની કુરિલાએ બનાવેલા બાળકોને ગમી જાય એવા રંગબેરંગી ચિત્રો પણ છે. સાઈઝ મોટી, પણ દરેક પાને અંગ્રેજીમાં કપલેટ કહેવાય એવા વાક્યોના એક કે બે જોડકાં જ ! ડોલરને લીધે ભાવ વધારે લાગે એવા આ પુસ્તકમાં ગુજ્જુ બિઝનેસ માઈન્ડથી જુઓ તો લખાણ સાવ મેંગો આઈસ્ક્રીમમાં આવતી રિયલ મેંગો જેવું લાગે. મતલબ ઓછું એકદમ. પણ કન્ટેન્ટની ક્વોલિટી જુઓ તો બૂક એકદમ મૂલ્યવાન લાગે !

મેથ્યુ મેકોનહેએ આ અણમોલ પુસ્તક વિષે વાત કરતા કહેલું કે 'જીવન ઘણા બધા વિરોધાભાસોથી બનેલું છે. પણ આપણને સ્કૂલ કોલેજમાં એમ જ શીખવાડાય છે કે બસ આ જવાબ સાચો ને બાકીના બધા ખોટા. પણ નેચર આટલી હદે ફિક્સ્ડ નથી. એકસાથે એકથી વધુ જવાબો પણ સાચા હોઈ શકે છે એ ખબર પડતી થાય ત્યારે અક્કલનું વિસ્તરણ થાય છે.' બરાબર છે. તમારી લાગણી કોઈના વ્યવહાર કે વર્તનથી એકદમ હર્ટ થઇ છે. તમે એનાથી દુ:ખી છો. છતાં ગુસ્સે થઇ બદલો લેવા નથી નીકળતા. મક્કમ થઈને ખુશ રહો છો ને કોઈને માફ કરી દો છો. માફી એ વાસ્તવિકતા છે પણ એનો અર્થ એવો નહિ કે તમે બધું ભૂલીને પહેલા જેવા થઇ ગયા. તમે બસ મોટું મન રાખીને જતું કર્યું. એવું પણ થાય કે તમે કોઈ મોટી સ્પર્ધા કે પરીક્ષામાં ભાગ લો તો એકસાથે ચિંતા અને ઉત્સાહ બેઉ ફીલિંગ થાય. આમ તો આ બંને વિરોધાભાસી છે. પણ એકસાથે લોલકની જેમ એમાં ઝૂલો એવું બને.'

મેથ્યુને થયું કે પેરન્ટ તરીકે કે ટીચર તરીકે આપણે બચ્ચાંઓને આ સાચું ને આ ખોટું એવો બહુ બધો બોધ આપી દઈએ છીએ. પણ એમની જોડે ખુલીને ચર્ચા નથી કરતા જેથી મોટા થતા થતા એમને ખ્યાલ આવે કે ઘણી બધી બાબતો  જીવનમાં ઓપન એન્ડેડ હોય છે. રિલેશનશિપ હોય કે શિક્ષણ, વન સાઈઝ ફિટસ ઓલ જેવા એબ્સોલ્યુટ એન્સ્રર્સ ના ચાલે. અને જીમી ફેલન સાથેના ટીવી ઇન્ટરવ્યુમાં ''જસ્ટ બિકોઝ'' બૂકની લાઈન્સ ગાતા નાચતા શીખવાડવા લાગેલા મેથ્યુ એમ માને છે કે 'હું નાનો હતો ત્યારે મને એમ થતું કે ઝટ મોટા થવું છે. પણ હું ઈચ્છું છું કે મારા બાળકો ફટાફટ મોટા ના થાય. એ વધુ સમય બાળક રહે. સ્વીટ કન્ફયુઝનમાં રહે માસૂમિયતનાં. એમનું વિસ્મય વિલાઈ ના જાય.'

તો શું છે આ બહુ ગમી ગયેલી 'જસ્ટ બિકોઝ'નો જાદૂ? સપનામાં બોબ ડાયલનનું કોઈ ગીત સાંભળતા હો એવી અનુભૂતિમાંથી મેથ્યુએ લખેલા આ પુસ્તકમાં દરેક પંક્તિ થકી રિધમમાં સામસામી સિચ્યુએશન બતાવી રિયાલીટીમાંથી પોઝિટીવિટી બતાવી છે. 

તો જસ્ટ બિકોઝ કહીને ઘણું જાણવા સમજવા જેવું છે, આ પુસ્તકમાં. ચાલો એમાં થોડાક ધુબાકા મારીને જરા તરોતાજા થઈએ !

***

આ લાઈન જુઓ : 'જસ્ટ બિકોઝ યુ થ્રૂ ધ શેડ, ડઝન્ટ મીન આઈ એમ આઉટ ઓફ સન, એન્ડ જસ્ટ બિકોઝ ધે શટ મી ડાઉન ધેટ ડઝન્ટ મીન આઈ હેવ નોટ વન.'

બાળકોના જોડકણા જેવો પ્રાસ નોંધ્યો ? પણ વાત બહુ ઊંડી છે. અનુવાદ કંઈક એવો થાય કે 'માત્ર તમે મારા પર છાંયડો નાખ્યો એનો અર્થ એવો નહિ કે મને સૂરજનો તડકો નહિ, મળે અને માત્ર તમે મને રોક્યો એટલે એમ ન માની લેશો કે હું જીત્યો નથી !' આનો ખુલાસો ખુદ લેખકે એક ઈન્ટરવ્યુમાં કરેલો. એણે કહેલું કે સેલિબ્રિટી તરીકે તમારું ટ્રોલિંગ થાય કોઈ મનોરોગી તદ્દન બેકાર ગંદી કોમેન્ટ કરીને પોતાનું અંધારું ઉલેચે તો શું તમારો આખો દિવસ એને લીધે બરબાદ થયો ? ના તમારો મૂડ પ્રફુલ્લિત હોય તો તમે તમારું અજવાળું શોધી શકશો ને આનંદમાં રહેશો.' 

પરફેક્ટ, એક સમયે વેન ઘોઘ, ટેસ્લા, ગાલિબ કે નરસિંહ મહેતા જેવાઓને બંધ કરાવવા મથેલા એમના બળતણખોર શત્રુઓ કે પછી નસીબજોગે આવી પડેલી દુર્દશા. તો શું એ યાદગાર ના બન્યા ? હુસેનના ચિત્રો સામે ખોટો ગોકીરો મચાવી એમને દેશ બહાર જવા મજબૂર કાર્ય તો શું એમના ચિત્રે ૨૦૨૫માં ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં સૌથી ઉંચી કિંમતે વેંચાવાનો રેકોર્ડ સર્જી હજુ પણ વિરોધીઓની બોલતી બંધ ના કરી ? જીવતેજીવ રજનીશને એમની તેજસ્વિતાથી ગિન્નાઈને દરબદરની ઠોકરો ખવડાવવાથી શું આજે ઓશોના લેક્ચર્સનાં વિડીયો જોવાતા બંધ થઇ ગયા ?

હવે આ ચાખો : 'જસ્ટ બિકોઝ યુ એન્સર, ધેટ ડઝન્ટ મીન યુ હર્ડ ધ કોલ, જસ્ટ બિકોઝ આઈ એમ એટ ધ ટોપ, ધેટ ડઝન્ટ મીન આઈ કેનનોટ ફોલ.' 

અર્થાત તમે ફોન ઉપાડી લો છો એનો મતલબ એવો નથી કે તમે જવાબ દઈ દો છો અને તમે સફળતાની ટોચ પર પહોંચ્યા એનો અર્થ એવો નથી કે તમે ત્યાંથી ગબડી ના પડો એવા પતનપ્રૂફ છો ! અને આ પણ જુઓ : જસ્ટ બિકોઝ ધે થ્રુ ધ ડાર્ટ ડઝન્ટ મીન ધેટ ઇટ સ્ટક, જસ્ટ બિકોઝ આઈ હેવ ગોટ ધ સ્કિલ ધેટ ડઝન્ટ મીન ધેર ઈઝ નો લક. 

યાનિ કી, તમારા પર કોઈ તીર ફેંકાયું એનો અર્થ એ નથી કે તીર તમને ભોંકાયું ! એક વાર એક્સિડન્ટ થવાથી થોડું આજીવન વાહનમાં બેસવાનું બંધ કરી દેવાય છે ? લગ્નોનાં હનીમૂનમાં મર્ડર જોવા મળે કે પહેલગામમાં જેહાદી ત્રાસવાદીઓની ગોળીઓ હનીમૂન કપલ પર વરસે તો થોડું છે કે કોઈ લગ્ન જ ના કરે ને ફરવા જ ના જાય ? એક ઘટના બનવાથી આખી જિંદગી અટકી નથી પડતી. વાંધો નહિ, પીડા થઇ તો. સહન કરો, ઘા રૂઝવો ને આગળ ધસો. 

પણ આગળ વધવામાં એ યાદ રાખવા જેવું કે માત્ર આવડત હોવાથી જ કાયમ સફળ નહિ થવાય. થોડીક કિસ્મતની કરામત પણ હોય છે. આ ઈન્ટરેસ્ટિંગ છે. જો આવડત કેળવો જ નહિ તો ભાગ્યમાં હોય એ પણ છીનવાઈ જાય. માટે કર્મ કરવાનું કૌશલ્ય તો જોઈએ જ. તીર ચલાવવાનું સામર્થ્ય હોય તો કોઈ હનુમાન ટ્રબલશૂટર બને. ગાંડિવ ચલાવો તો કોઈ કેશવ રથ ચલાવે. પણ લાઈફમાં જેમ જેમ મોટા થઈને દુનિયાને નજીકથી નિહાળો એમ સમજાય કે ભલે અંધશ્રધ્ધામાં સરી પડીને આળસુ નથી થવાનું, પણ કશુંક એક્સ ફેક્ટર છે. જેને લીધે અણીના સમયે મદદ મળે છે, કે કોઈ હાથમાં આવેલો મોકો અચાનક સરકી જાય છે. આ અહેસાસ જરૂરી છે, જે તમને ગુમાની ઈગોઈસ્ટીકને બદલે થોડા કુદરત કે ઈશ્વરના ચેકમાં રાખીને હમ્બ્લ બનાવે.

આવા તો અનેક ચમકારા મગજને તેજ કરી દે એવા આમાં પાને પાને છે. 'જસ્ટ બિકોઝ યુ ગોટ ધ ગોલ્ડ, ડઝન્ટ મીન યુ હેવ વન !' થોડા મહિના પહેલા અમેરિકામાં ટ્રમ્પ ને મસ્કના ગજગ્રાહમાં એ સાબિત થયું જ ને ? મસ્કને શરૂઆતમાં લાગ્યું કે ભારે દબદબો મળ્યો ને આપણે તો છવાઈ ગયા આ વિજયથી. પણ પછી છાશ ખાટી નીવડતા એને જીત્યા છતાં પણ હાર્યાનો કડવો અહેસાસ થયો. દરેક વખતે ખજાનો મળવો એ જ જીત નથી. નેપોલિયન તો સમ્રાટ હતો ને હિટલરે સમૃદ્ધ દેશો પર કબજો કરેલો છતાં આખરે પરાજિત તરીકે મરવું પડયું. 

'જસ્ટ બિકોઝ આઈ એમ સીટીંગ સ્ટીલ, ધેટ ડઝન્ટ મીન આઈ એમ નોટ બિઝી.' 

વાહ. હું ચૂપચાપ બેઠો છું એટલે નવરો છું એમ ના માની લેતા. આ બારીક વાત બહુ બધાએ સમજવાની જરૂર છે. તમે ગામમાં હો એટલે મળવા આવીએ કે જમવા આવો એવું કહેનારાઓએ ખાસ. કોઈ સર્જનાત્મક જીવ માટે એકાંત પણ એક જણસ છે. એસેટ ઓફ સોલિડ સોલિટયુડ. એ ખામોશ બેઠા હોય તો કોઈ વિચારનો પ્રવાહ અંદર વહેતો હોય. જોડે મુસાફરી કરો એટલે કાયમ વાતો જ કર્યાં કરવી એ જરૂરી તો નથી જ, પણ એકધારો તોબરો ચડાવી બેસવાના સામા છેડાનો અવિવેક છે. કોઈ વસ્તુઓ સાથે મજુરી ને માથાફોડ કરે તો જ કામ કરતા હોય એ મસમોટો ભ્રમ છે. મનમાં કોઈક ગોઠવણ કે તર્ક પણ ચાલતા હોય શાંત બેઠા બેઠા જેમાં ખલેલ ના ગમે. 

આવું જ વાક્ય છે, 'જસ્ટ બિકોઝ આઈ લાઈ, ધેટ ડઝન્ટ મીન આઈ એમ લાયર.'

ક્યા બાત ! હું ખોટું બોલ્યો ને હું જૂઠાડો છું - આ બે વાત વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ક્યારેક સામા માણસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાને બદલે ટાળવા માટે સહજ જૂઠ બોલવું પડે. કોઈ મધરાતે હેરાન ના થાય માટે બધું બરાબર છે કહી એમનો ઉચાટ ઘટાડવો પડે. કોઈ દર્દીનો ઉત્સાહ વધારવા કે કોઈ બાળકને આનંદમાં રાખવા જૂઠ બોલવું જ પડતું હોય છે. આ કોઈ ફ્રોડ નથી. આ લેખ લખવા બેઠા હો ને કોઈ અગત્યની વ્યક્તિ પણ મળવા માટે આવવા કોલ કરે તો આપણો કામનો સમય સાચવવા ઘરમાં નથી એમ કહેવું પણ પડે. તબિયત સાચવવા ઉપવાસનું બહાનું કાઢવું પડે. આવા નિર્દોષ અસત્યની છૂટ તો નારદ સાથેના સંવાદમાં કૃષ્ણે પણ આપી છે. એ પાપ નથી, અપરાધ નથી. એક્ચ્યુઅલી, એમાં પણ સામી વ્યક્તિ માટે રિસ્પેકટ ને કેર પ્રગટ થાય છે. સેલ્ફ કમિટમેન્ટ માટેની દ્રઢતા દેખાય છે. આમાં છેતરીને કશુંક મેળવી લેવાનો કે કોઈને નુકસાન કરવાનો હેતુ નથી. અને આમ પણ, એકાદ વખત કોઈ ખોટું બોલવામાં કે વોટએવર ભૂલ કે વાંધામાં પકડાઈ જાય તો એક ઘટનાને લીધે આખા માણસ પર કાયમી લેબલ મારવાની ઉતાવળ કરવી એ અસલી અભણનું લક્ષણ છે. જીવન જજ-મેન્ટલ થવાની ખંજવાળ હોય તો જાણી લો, જીવન બહુ વિશાળ, રંગબેરંગી  અને પરિવર્તનશીલ છે.

નેક્સ્ટ, 'જસ્ટ બિકોઝ આઈ એમ ફિનિશ્ડ, ધેટ ડઝન્ટ મીન આઈ એમ ડન.' 

જેબ્બાત. અમિતાભ બચ્ચનની ઉંમર વધતી હતી અને પ્રકાશ મહેરા, મનમોહન દેસાઈ સાથેની ફિલ્મો પીટાઈ ગઈ ત્યારે વીકલીમાં તંત્રી પ્રીતિશ નંદીએ કવર સ્ટોરીનું મથાળું બાંધેલુ : ફિનિશ્ડ ! એ પછી વીકલી ફિનિશ થઈને બંધ થઇ ગયું અને પ્રીતિશ પણ થોડા સમય પહેલા ગુજરી ગયા. બચ્ચન હજુ પણ કરોડપતિ થયા કરે છે ! લાઈફમાં દરેક વખતે હારી જનાર ખતમ નથી થઇ જતા. બાઉન્સ બેક થાય છે. એક સમયે નરેન્દ્ર મોદી કે સોનિયા ગાંધી માટે પણ આ માની 

લેવાયું હતું. બેઉએ રાજનીતિમાં નેશનલ લેવલ પર કમબેક કરેલો. આવા તો ઢગલો ઉદાહરણો મળશે. 

આ લાઈનનો બીજો અર્થ પણ થઇ શકે છે. કામ પતાવી દેવું અને કામ પૂરું કરવું એ બે બાબતોમાં ફેર છે. એક પુસ્તક લખવાનું પૂરું થાય કે એક ફિલ્મનું શૂટિંગ પૂરું થાય એટલે પ્રોજેક્ટ પૂરો નથી થતો. પછી લેઆઉટ, ડિઝાઈન, ટાઈપસેટિંગ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ વગેરે બુકમાં અને એડીટિંગ, વીએફેક્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પેચવર્ક, ડબિંગ, પોસ્ટર, ટીઝર, ટ્રેલર, પ્રમોશન વગેરે ફિલ્મમાં બાકી રહે છે. સ્વાદિષ્ટ રસોઈ બનાવી ને બધા જમી લે એટલે રસોડાંમાં ગૃહિણીનું કામ પૂરું નથી થતું ! ક્યારેક મેચ પૂરો થયા પછી ટુર્નામેન્ટ બાકી રહે એવો ઘાટ જીવનમાં થતો હોય છે. ચૂંટણી જીતી લેવાથી સારી સરકાર નથી ચાલતી. માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ.  

મજા પડી ? આ તો આપણે લાંબી સમજુતી લખી પણ બહુ ઓછા શબ્દોમાં પણ મેથ્યુએ 'જસ્ટ બિકોઝ'માં એટલી હદે નક્કર વાતો મૂકી છે કે આઇન્સ્ટાઇન યાદ આવે. ફુગ્ગો મોટો હોય ને આરસનો ટુકડો નાનો. પણ સાઈઝ કરતા માસ હંમેશા એનર્જી વધુ આપે. કોઈની કિલોમીટર લાંબી પોસ્ટ કરતા આવા એકાદ વાક્યમાં અસરકારક જીવનસાર છે. તો આ સફર આગળ પણ ચાલુ રાખીશું. જસ્ટ બિકોઝ આ લેખ પૂરો થયો, એનો મતલબ એ નહિ કે આ વાત પૂરી થઇ !

ફાસ્ટ ફોરવર્ડ

'આનંદ પ્રક્રિયામાં હોય છે, પરિણામમાં નહિ. જીવનને પૂર્ણવિરામ માનવાને બદલે સંખ્યાબંધ અલ્પવિરામની શૃંખલા માનશો (સિરીઝ ઓફ કોમાઝ ઇન્સ્ટેડ ઓફ પિરિયડસ) તો ટકી જશો !' ( મેથ્યુ મેકોનહે)