Get The App

એઆઈ લિટરસી : 2026માં લેવા જેવો સંકલ્પ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
એઆઈ લિટરસી : 2026માં લેવા જેવો સંકલ્પ 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ડિજિટલ દુનિયામાં એઆઈની એન્ટ્રી થઈ પછી આખું પિક્ચર બદલાઈ ગયું. એઆઈનો ઉપયોગ શરૂ થયો એમ એના ફાયદા સાથે ગેરફાયદા પણ સામે આવ્યા છે, ત્યારે એઆઈ અવેરનેસ સૌથી જરૂરી બની રહેશે

આ ર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આજે વાતેવાતે વપરાતો આ શબ્દ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જોન મેકાર્થીએ પહેલી વખત ઉપયોગમાં લીધો એને આ વર્ષે ૭૦ વર્ષ થશે. ૧૯૫૬માં પહેલી વખત ડાર્ટમાઉથ કોન્ફરન્સમાં તેમણે માણસની બુદ્ધિમત્તાને ટક્કર આપે એવી મશીનની બુદ્ધિમત્તા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા યાને 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ' શબ્દ પ્રયોજ્યો ને એમાંથી કમ્પ્યુટર સાયન્સનું આખું ફીલ્ડ અસ્તિત્વમાં આવ્યું. આ ટર્મ આપવા બદલ અને માર્વિન મિન્સ્કી સાથે મળીને દુનિયાની પ્રથમ એઆઈ લેબોરેટરી બનાવવાના પ્રદાન રૂપે જોન મેકાર્થી અને માર્વિન મિન્સ્કી એમ બંનેને 'ફાધર ઓફ ધ એઆઈ' કહેવામાં આવે છે.

તો ત્યારથી શરૂ થયેલો એઆઈનો યુગ છ-સાત દશકા પછી હવે સુવર્ણયુગમાં પ્રવેશ્યો છે. ૨૦૨૨ના અંતે પ્રથમ એઆઈ ચેટબોટ ચેટજીપીટી લોંચ થયા બાદ ટેકનોલોજીની મોટી કંપનીઓએ એઆઈ ચેટબોટ્સ, એઆઈ ટૂલ્સ, એઆઈ એજન્ટ્સ બનાવવાની સ્પર્ધામાં ઝંપલાવ્યું. પરિણામે ૨૧મી સદી ૨૫ વર્ષની થઈ ત્યાં સુધીમાં ટેકનોલોજીની ક્રાંતિએ એઆઈના નામનો નવો ગિઅર બદલ્યો. આજે જુદા જુદા કામ માટે એઆઈ ટૂલ્સ આપણી મદદે આવે છે. કોઈ ફોટો જનરેટ કરવામાં કુશળ છે. કોઈ રિસર્ચ ટૂલ તરીકે અજોડ છે. કોઈ વીડિયો ક્રિએટ કરવામાં કામ લાગે છે તો કોઈ ઓફિસ આસિસ્ટન્ટ બનીને સહાય કરે છે.

આપણી આસપાસ એટલી એઆઈ એપ્સ અવેલેબલ થઈ ગઈ છે કે ઘણી વખત કયા ટૂલ્સ પાસેથી કેવું કામ લેવું તેની મૂંઝવણ થાય છે. આપણે કોઈ જુદી એઆઈ એપની મદદ લેતા હોઈએ એમાં કોઈ ફ્રેન્ડ કહે કે - 'હું જેમાં કામ કરું છું એ એપ બેસ્ટ છે,' તો આપણે એ પણ ડાઉનલોડ કરીને પ્રયોગો કરવા માંડીએ છીએ. ખરેખર તો જે એઆઈ ટૂલની જેમાં હથોટી હોય એની મદદ લેવાથી વધારે સારું કામ કરી શકાય. પરંતુ એવું દરેક વખતે બનતું નથી.

વાત માત્ર આટલેથી અટકતી નથી. કઈ ઈમેજ એઆઈ જનરેટેડ છે, વીડિયો બનાવવામાં એઆઈ ટૂલ્સની મદદ લેવાઈ છે કે નહીં, કન્ટેન્ટ મેળવવામાં એઆઈનો ઉપયોગ થયો છે કે નહીં - આ બધું પણ જાણવું જરૂરી બનતું જાય છે. એઆઈના ઉપયોગને લગતી, એઆઈની ઓળખને લઈને જે અવેરનેસ એઆઈ યુઝર્સમાં હોવી જોઈએ તેને કહેવાય - એઆઈ લિટરસી.

***

જ્યારે જોન મેકાર્થી ડાર્ટમાઉથ કોન્ફરન્સમાં એઆઈની વ્યાખ્યા સમજાવતા હતા ત્યારે દુનિયાની અડધી વસતી પોતાની માતૃભાષા લખી-વાંચી શકતી ન હતી. ૧૯૫૫માં જગતની વસતિ ૩૦૦ કરોડ હતી ત્યારે અક્ષરજ્ઞાન ધરાવતા લોકો ૧૬૦ કરોડથી વધારે ન હતા. તે વખતે 'લિટરસી' યાને સાક્ષરતા સૌથી મોટો પડકાર હતો. લોકો એટલીસ્ટ પોતાની એક ભાષામાં લખવા-વાંચતા થાય તે માટે કેમ્પેઈન ચાલતા હતા. એમાંથી દુનિયાને બહાર નીકળતા દાયકાઓ લાગ્યાં.

ને હવે ૨૧મી સદીમાં જુદાં પ્રકારની સાક્ષરતા માટે કેમ્પેઈન શરૂ થયું. એનું નામ છે - ડિજિટલ લિટરસી. ૮૩૦ કરોડના ગ્લોબલ પોપ્યુલેશનમાંથી ૫૬૦ કરોડ લોકો પાસે સ્માર્ટફોન્સ છે. દુનિયાના ૬૦૦ કરોડ લોકો પાસે ઈન્ટરનેટ એક્સેસ છે. ૫૫૦ કરોડ લોકો સોશિયલ મીડિયા યુઝર્સ છે. વોટ્સએપ સહિતની મેસેન્જર એપ્સમાં ૩૦૦ કરોડ ડેઈલી યુઝર્સ છે. ગ્લોબલી અત્યાર સુધીમાં ૧૨૦૦ કરોડ મોબાઈલ નંબર એક્ટિવ થઈ ચૂક્યા છે. ડયૂઅલ સિમની સુવિધાના કારણે ૨૫૦ કરોડ યુઝર્સ પાસે બબ્બે મોબાઈલ નંબર છે.

આ બધા જ આંકડાં વર્ષ દર વર્ષ વધી રહ્યાં છે અને આગામી વર્ષોમાં પણ એ વધતાં રહેવાના છે. ડિજિટલની દુનિયા જેટલી મોટી થતી જાય છે તેમ ઓનલાઈન છેતરપિંડીથી લઈને કંઈ કેટલાય પ્રકારના જોખમો પણ મંડરાતાં થયા છે. એવી સ્થિતિમાં યુઝર્સનું સુરક્ષાકવચ બને છે - અવેરનેસ. ઈન્ટરનેટ એક્સેસ, સોશિયલ મીડિયા, ઈ-કોમર્સના આગમન પછી ડિવાઈસ ઓપરેટ કરી લેવાથી કામ બની જતું ન હતું. ડિજિટલ સાક્ષરતા પણ એટલી જ આવશ્યક બાબત ગણાવા લાગી.

ઓનલાઈન આર્થિક વહેવારો કરવાથી લઈને ડિજિટલ પ્રોફાઈલમાં બને એટલું પ્રાઈવસી અને ડેટાનું ધ્યાન રાખવું જરૂરી બનતું જાય છે. આપણે જે ડિજિટલ વર્લ્ડમાં કલાકો પસાર કરીએ છીએ એના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા આવશ્યક છે. કરોડો યુઝર્સમાંથી માંડ અમુક ટકા લોકો જ હજુ તો ડિજિટલ સાક્ષર બન્યાં છે ત્યાં બે-ત્રણ વર્ષથી આપણી ડિજિટલ દુનિયામાં એઆઈનો ઉમેરો થયો છે એટલે એના પણ પ્લસ-માઈનસ ધ્યાનમાં રાખવા પડશે. એઆઈના પ્લસ-માઈનસ જાણવાની આવડતને એઆઈ લિટરસી કહેવાય છે.

***

એઆઈ લિટરસી.

આ વ્યાખ્યા ૨૦૧૬માં પહેલી વખત વપરાઈ હતી. એઆઈ ટૂલ્સ પર દુનિયાભરમાં સંશોધનો થઈ રહ્યાં હતાં ત્યારે અમેરિકાના રિસર્ચ ગુ્રપે એઆઈના સંભવિત જોખમોની ચર્ચા કરતાં રિસર્ચ પેપરમાં પહેલી વખત 'એઆઈ લિટરસી' શબ્દ પ્રયોજીને એવી ભલામણ કરી હતી કે એઆઈનો ઉપયોગ વધશે તેની સાથે લોકોએ એઆઈનું નોલેજ કેળવવું પડશે. નહીંતર એઆઈના ગંભીર પરિણામો સામે આવશે.

ક્ષમતા વિકસાવવાના સંદર્ભમાં એઆઈ લિટરસી ટર્મ ૨૦૨૦માં વપરાઈ હતી. ગૂગલ એથિક્સમાં કાર્યરત ડયૂરી લોંગ અને બ્રાયન મેગર્કોએ એઆઈના ભવિષ્ય અંગે ચર્ચા કરતાં લખ્યું હતું કે એવરીડે લાઈફ અને વર્કપ્લેસમાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવો હશે તો એઆઈ સાક્ષરતા કેળવવી પડશે. આ બંનેએ કહેલું કે એઆઈ યુઝર્સે પોતાની જાતે જ સમીક્ષા કરવી પડશે કે તેઓ જે મેથડથી એઆઈનો ઉપયોગ કરે છે તે ખરેખર ઉપયોગી છે કે પછી એમાં ફેરફારની જરૂરિયાત છે.

એઆઈના સંભવિત જોખમો અને એઆઈથી ક્ષમતા વિકસાવવી - આ બંને સંદર્ભમાં ૨૦૨૧માં પબ્લિક મેન્ટલ હેલ્થ રિસર્ચર ડિઆંગ એન્જીએ ચાર પરિબળોની સમજ પર ભાર મૂક્યો હતો:

એઆઈનું જ્ઞાન અને સમજદારી.

એઆઈનો ઉપયોગ કરવાની આવડત.

એઆઈનું મૂલ્યાંકન અને એના આધારે ક્રિએશન.

એઆઈથી સર્જાતી નૈતિક બાબતોની સ્પષ્ટતા.

આ વ્યાખ્યા પ્રમાણે એઆઈ સાક્ષરતાનો બહોળો અર્થ થાય છે. એઆઈના સંભવિત જોખમોની સાવધાની રાખવાની સાથે એઆઈનો ઉપયોગ આપણી સરળતા માટે કરતાં શીખવું પડશે. અસંખ્ય એઆઈ ટૂલ્સમાંથી આપણાં કામનું શું છે એનું નોલેજ રાખવાથી એઆઈ એજન્ટ્સ આપણાં સહાયક બનશે. નહીંતર એનો ઉપયોગ ખાસ ઉપયોગી સાબિત થશે નહીં. એઆઈનું મૂલ્યાંકન કરીને એના આધારે ટૂલ્સ બનાવવાનું કામ મેકર્સનું છે. એઆઈથી કોપીરાઈટ, પ્રાઈવસી સામે જોખમો સર્જાયા છે. ડીપફેક જેવી અવળી અસર પણ હાહાકાર મચાવે છે. આ બથા મુદ્દા નૈતિકતાના છે. મજબૂત પૉલિસી બનાવીને તેને નિયંત્રિત કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. એ પણ એઆઈ સાક્ષરતાનો જ ભાગ છે.

વેલ, એઆઈનો ઉપયોગ જેટલી ઝડપે વધ્યો છે એટલી ઝડપે એઆઈ લિટરસી આવી નથી. સેંકડો લોકો એઆઈ જનરેટેડ ઈમેજને સાચી માની લે છે. અસંખ્ય લોકો એઆઈથી ક્રિએટ થયેલી ઈમેજ-વીડિયો અને કન્ટેન્ટમાં સાચાં-ખોટાંના પારખા કરી શકતા નથી. એઆઈ માનવજાત પર કાબૂ મેળવે તે પહેલાં માનવજાતે એઆઈ પર કાબૂ મેળવવો હશે તો એઆઈ લિટરસી વગર ચાલવાનું નથી - આ વાત જેટલી વહેલી સમજાશે એટલો ફાયદો છે! 

70 હજાર એઆઈ એપ્સ, 180 કરોડ યુઝર્સ

૨૦૨૨ના અંતે માઈક્રોસોફ્ટના ફંડથી ઓપનએઆઈ કંપનીએ એઆઈ ચેટબોટ ચેટજીપીટી લોંચ કર્યો એ સાથે જ એઆઈનો યુગ શરૂ થયો હતો. તે પહેલાં ગૂગલે લેંગ્વેજ મોડલ લામડાના પ્રયોગો કર્યા હતા, પરંતુ એને જોઈએ એવી સફળતા મળી ન હતી. ચેટજીપીટી પછી ગૂગલે ઉતાવળે બાર્ડ નામથી સોફ્ટવેર લોંચ કર્યું, પરંતુ એણે ચેટજીપીટીને ટક્કર આપી નહીં એટલે ગૂગલે ધરખમ સુધારા કરીને જેમિનાઈને મેદાનમાં ઉતારીને સ્પર્ધા આપી. ફેસબુક-વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામની કંપની મેટાએ મેટા એઆઈથી સ્પર્ધામાં ઝંપલાવ્યું.

ગૂગલ-માઈક્રોસોફ્ટ-મેટા વચ્ચે એઆઈનો ત્રિપાંખિયો જંગ જામ્યો પછી ઈલોન મસ્કે ગ્રોક સાથે બરાબરની ટક્કર આપી. હવે ત્રણ-સાડા ત્રણ વર્ષ પછી અલગ અલગ કામ આપતા એઆઈ એજન્ટ્સ આપણી સહાયમાં તૈનાત થઈ ચૂક્યા છે. જનરેટિવ એઆઈનો જમાનો આવી ગયો છે. આપણા કામ પ્રમાણે એઆઈ ટૂલ બનાવવાની મોકળાશ પણ આવી ચૂકી છે. ટેકનોલોજીની મોટી કંપનીઓ ઉપરાંત પણ અનેક કંપનીઓએ એઆઈ એપ્સ બનાવવામાં ઝંપલાવ્યું છે.

પરિણામે ૨૦૨૬ની શરૂઆતમાં ૭૦ હજાર એઆઈ એપ્સ આપણી મદદ કરવા અવેલેબલ છે. દુનિયાના ૧૮૦ કરોડ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરી રહ્યાં છે. ટોટલ ઈન્ટરનેટ યુઝર્સ, મોબાઈલ યુઝર્સની સરખામણીએ આ આંકડો નાનો છે, પરંતુ બે વર્ષમાં આ યુઝર્સ બમણાં થવાનો અંદાજ છે. અત્યારે એઆઈ ટૂલ્સના ડેઈલી એક્ટિવ યુઝર્સ ૬૦ કરોડ છે. અત્યારે ગ્લોબલ વર્કફોર્સમાં જેમનો દબદબો છે એવા મિલેનિયલ્સ અને જેન-ઝીમાં એઆઈ એડપ્શનનો રેટ ૬૫ ટકા જેટલો ઊંચો છે. યુઝર્સ વધશે એમ યુઝર્સને પોતાની તરફ વાળવા હજુય નવી નવી કંપનીઓ મેદાનમાં આવશે. આ નવું શરૂ થયેલું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં દોઢ લાખ એઆઈ એપ્સ બની જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.