- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- અમેરિકાએ અત્યાર સુધી વર્લ્ડ ઓર્ડરનું મેનેજમેન્ટ બખૂબી કર્યુ છે, પરંતુ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિના કારણે આ મેનેજમેન્ટમાં ચીન ટક્કર આપી રહ્યું છે
અ મેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વર્લ્ડ ઓર્ડરનું મેનેજમેન્ટ કરતા આવડયું નથી કારણ કે વર્લ્ડ તેઓ અહંકેન્દ્રી છે અને અમેરિકા ફર્સ્ટની અતિ રાષ્ટ્રવાદી વિચારસરણીમાં માને છે. ઓર્ડરના મેનેજમેન્ટ માટે જે સર્વસમાવેશક બહોળી દ્રષ્ટિ જોઈએ તે તેમની પાસે નથી તેમ છતાં અમેરીકન વર્લ્ડ ઓર્ડર હજી ઘણા વર્ષો ટકી જશે. અર્થકારણમાં, રાજકારણમાં તથા મિલિટરી પાવરમાં અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાની સર્વોપરિતા અલબત્ત છે પરંતુ તે માટે ટ્રમ્પમાં કુશળતા નથી. અમેરીકન ડોલર જગતના તમામ દેશોની રીઝર્વ કરન્સી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાંકીય વ્યવહારો મુખ્યત્વે ડોલરની કરન્સીમાં થાય છે.
૧૯૪૫માં બીજુ વિશ્વયુદ્ધ પૂરૂ થયું ત્યાં સુધી જગતમાં બ્રિટિશ વર્લ્ડ ઓર્ડર ચાલતો હતો. લંડન સ્ટોક એકસ્ચેજ, બ્રિટીશ ફાયનાન્શિયલ માર્કેટ, બ્રિટનનો ર્સ્ટલીંગ પાઉન્ડ, બ્રિટિશ પાર્લામેન્ટ વગેરેનો જગતમાં દબદબો હતો કારણકે જગતમાં બ્રિટનની હકૂમત હેઠળ એશિયા-આફ્રિકાના સૌથી વધુ ગુલામ (કોલોનીઅલ) દેશો હતા. ભારત ૧૯૪૫માં બીજુ વિશ્વયુદ્ધ પૂરૃં થયું તે પછી ૧૯૪૭માં એક સ્વતંત્ર દેશ બની ગયો. તે પછીના વર્ષોમાં બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ, ઈટાલી, જર્મની, બેલ્જીયમ, હોલેંડ વગેરે પશ્ચિમ યુરોપના દેશોની ચુંગાલમાંથી એશિયા-આફ્રિકાના અનેક દેશો સ્વતંત્ર બની ગયા. જગતમાંથી કોલોનીયાલીઝમનો યુગ ખતમ થઈ ગયો. અમેરિકા ખુદ બ્રિટનની ગુલામી સુધી હતું એટલે અમેરિકાની ખ્વાહીશ અન્ય દેશોમાં પોતાની વસાહતો (કોલોનીઝ) સ્થાપવાની ન હતી. અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાની ધરતી પર બિલકુલ નુકશાન થયું ન હતું તેથી તે ફાવી ગયું. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના અનેક દેશો તારાજ થઈ ગયા. બ્રિટને પોતાની કોલોનીઝ ગુમાવી દીધી. આજે ભારતની લગભગ ૪ ટ્રીલીયન ડોલર્સની જીડીપીની સરખામણીમાં બ્રિટનની જીડીપી ૩.૯૬ ટ્રીલીયન ડોલર્સ અને પોતાને રશિયન બેર એટલે કે રશિયન રીંછ ગણાવતા રશિયાની જીડીપી માત્ર ૨.૨૫ ટ્રીલીયન ડોલર્સ છે.
અમેરિકન અર્થતંત્ર
અમેરિકાનું જગત પર શાસન તદ્દન ખતમ થઈ જતાં વાર લાગશે. અત્યારે તે કેટલું લાબું ચાલશે તે કહી શકાય તેમ નથી. અમેરિકાની મુખ્ય મુશ્કેલી એ છે કે ત્યાં કોઈ લેબર પોલીટીકલ પાર્ટી જ નથી કે કોઈ ગણનાપાત્ર ત્રીજો રાજકીય પક્ષ જ ઊભો થયો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા સિવાયના તમામ જગતને પોતાની કઠપૂતળી બનાવવા માગે છે. અત્યાર સુધી રશિયા અમેરીકાનું દુશ્મન નંબર ૧ હતું પરંતુ હવે ચીન અમેરીકાનું દુશ્મન નંબર એક છે કારણ કે અમેરીકાની ૩૦.૪ ટ્રીલીયન ડોલર્સની જંગી જીડીપી પછી ચીનની જીડીપી ૧૯.૨ ટ્રીલીયન ડોલર્સ પર પહોંચી ગઈ છે. પરંતુ સરાસરી વાર્ષિક માથાદીઠ આવકની બાબતમાં જગતના તદ્દન નાનકડા યુરોપીયન રાષ્ટ્રો (જેમ કે લક્ષમબર્ગ કે સ્વીર્ઝલેંડ)ને બાદ કરતા અમેરિકાને કોઈ પહોંચી શકે તેમ નથી.
૩૪ કરોડની વસતીવાળા અમેરિકાની સરાસરી વાર્ષિક માથાદીઠ આવક લગભગ ૯૦,૦૦૦ ડોલર્સની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ૧૪૦ કરોડની વસતી ધરાવતા ચીનની તે ૧૩૮૦૬ ડોલર્સ અને લગભગ સાડા ત્રણ કરોડની વસતી ધરાવતા રશિયાની તે લગભગ ૧૫,૦૦૦ ડોલર્સ પર પહોંચી ગઈ છે. ભારતની માથાદીઠ સરાસરી વાર્ષિક આવક ટચુકડી ૨.૭૮ ડોલર્સ છે. ટૂંકમાં દેશની કુલ જીડીપીની બાબતમાં તેમજ માથાદીઠ સરાસરી આવકની બાબતમાં યુરોપના તદ્દન નાના દેશોને બાદ કરતા અમેરિકાનો કોઈ અન્ય દેશ મુકાબલો કરી શકે તેમ નથી.
અમેરિકન લશ્કર
અમેરિકાની લશ્કરી તાકાત આગળ જગતના તમામ દેશો વામણાં છે. અમેરીકાનું મીલીટરી બજેટ અન્ય દેશોના મીલીટરી બજેટથી ઘણું જ મોટું છે. અમેરીકાનું મીલીટરી બજેટ ૯૯૭ બીલીયન ડોલર્સનું હતું જ્યારે ચીનનું ૩૧૪ બીલીયન ડોલર્સ, રશિયાનું ૧૪૯ બીલીયન ડોલર્સ, જર્મનીનું ૮૮.૫ બીલીયન ડોલર્સ, ભારતનું ૮૬.૧ બીલીયન ડોલર્સ છે. જગતના તમામ દેશોના મીલીટરી બજેટસનો સરવાળો કરીએ તો એકલા અમેરિકાનું બજેટ જગતના કુલ મીલીટરી બજેટના ૩૭ ટકા બજેટ એકલા અમેરીકાનું છે. વળી અમેરીકા ૩૨ દેશોના સૈન્યનું બનેલું નાટોનું અગ્રણી સભ્ય છે. નાટોના નામ માત્રથી રશિયા, ચીન અને નોર્થ કોરિયા જેવા દેશો થરથર કાપે છે. નાટોના કોઈ પણ સભ્ય દેશ પર ચીન કે રશિયા કે નોર્થ કોરિયા કે ઈરાન હુમલો કરે તો નાટો તેને પોતાના પર થયેલો હુમલો ગણે છે અને તેથી હુમલો કરનાર દેશ કે દેશોમાં તે ભૂક્કો બોલાવી દે તેમ છે. અત્યારે રશિયા એક જ બાબતથી થરથર કાપે છે કે યુક્રેન જો નાટોનું સભ્ય બની જશે તો તેની શું સ્થિતિ થશે ? જગતભરમાં અમેરીકાના લગભગ ૭૦૦ મીલીટરી બેઝ છે. આ મીલીટરી બેઝ પર અમેરીકન સરકારની સંપૂર્ણ સત્તા છે. આ બેઝ અમેરીકન કાયદાઓ હેઠળ કામ કરે છે. જગતના કોઈપણ દેશ પર અમેરીકન મીલીટરી બેઝ પરથી હવાઈ હુમલો અમેરીકા બે-ત્રણ કલાકમાં જ કરી શકે છે. અમેરીકાથી હવાઈદળ હુમલા કરે તો કલાકો વીતી જાય તે અમેરીકાને પરવડતું નથી. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને અમેરીકાના પર્લ હાર્બરના મીલીટરી બેઝ પર હુમલો કર્યો તેના જવાબરૂપે અમેરીકાએ હીરોશીમા અને નાગાસાકી પર એટમબોમ્બઝ નાખીને જાપાનને તારાજ કરી નાંખ્યું. અત્યારે જગતમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ્સ અમેરીકા પાસે છે.
અમેરિકન ઈનોવેશન્સ
બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાએ નવી નવી શોધોમાં નાયગ્રાનો ધોધ વરસાવી દીધો. અમેરિકાએ એકલે હાથે ડીજીટલ રીવોલ્યુશન, એઆઈ રીવોલ્યુશન અને સમગ્ર સેટેલાઈટ રીવોલ્યુશનની રચના કરી. અમેરીકાએ જગતમાં પ્રથમવાર માનવને ચંદ્ર પર મોકલ્યો. અત્યારે એઆઈ ક્ષેત્રમાં અમેરિકા જગતમાં સૌથી આગળ છે.
આ કારણે વર્લ્ડ ઓર્ડરના મેનેજમેન્ટમાં અમેરિકા હજુય અવ્વલ છે, પરંતુ ટ્રમ્પની અતિ રાષ્ટ્રવાદની પૉલિસીના કારણે હવે ચીનનો પગપેસારો વધતો જાય છે. ભવિષ્યમાં અમેરિકા કેન્દ્રીત વર્લ્ડ ઓર્ડરને ટક્કર મળે એવું વાતાવરણ બની રહ્યું છે.


