- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મૃત માનવી જીવતો થઈને ચાલીને તેમની સામે આવ્યો એનું પણ આશ્ચર્ય અને તેના ચહેરા તરફ જોયું ત્યારે થયેલું બીજું આશ્ચર્ય!
અણિમા મહિમા ચૈવ ગરિમા લધિમા તથા ।
પ્રાપ્તિ: પ્રાકામ્યં ઇશિત્વં વશિત્વં ચાષ્ટસિદ્ધય: ।।
અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય ઇશિત્વ (ઇશિત) અને વશિત્વ (વશિતા) આ આઠ સિદ્ધિઓ કહેવાય છે
- શિવ પુરાણ, વિદ્યેશ્વર સંહિતા
ભા રતીય યોગની જેમ તિબેટનો યોગ પણ સિદ્ધિઓની વાત કરે છે. આપણે જેને સિદ્ધિ કહીએ છીએ એને તિબેટીય પરિભાષામાં નગોદ્રુબ (Ngodrub) કહેવાય છે. તુમ્મો (Tummo) આંતરિક ઉષ્માની સિદ્ધિ છે. એનાથી સિદ્ધ યોગી અત્યધિક ઠંડીમાં પણ શરીરને ગરમ રાખી શકે છે. બરફના પાણીમાં બોળેલા વસ્ત્રને ખુલ્લા શરીરની ગરમીથી થોડી મિનિટોમાં જ સૂકવી દે છે. નારોપના ષડયોગ (Six Yogas of Naropa)માં આની વિસ્તૃત માહિતી છે. બીજી એક સિદ્ધિ લંગ-ગોમ-પા (Lung-gom-pa) નામની છે જેનાથી હવામા ઊડતા હોય એવી ઝડપથી ચાલવા કે દોડવાની ક્રિયા કરાય છે. લાંબા સમય સુધી આ રીતે અત્યંત ઝડપથી દોડવા છતાં થાક લાગતો નથી. આનાથી યોગી શ્વાસ અને મન પર અસાધારણ નિયંત્રણ પ્રાપ્ત કરી લે છે. સ્વપ્ન યોગ (Dream Yoga) ની સિદ્ધિથી યોગી સ્વપ્નમાં સજગ રહે છે. તે સ્વપ્નને સાધનાનું માધ્યમ બનાવે છે અને સ્વપ્નમાં જ ઇન્દ્રિયાતીત જ્ઞાન શક્તિ (Dream-clairvoyance) ક્રિયાન્વિત થઈ જાય છે. એ રીતે આ યોગસિદ્ધિથી અતીન્દ્રિય જ્ઞાન, દૂર દર્શન, દૂર શ્રવણ, ટેલિપથી વગેરે શક્તિઓ પણ ઉપલબ્ધ થઈ જાય છે. બર્દો થોદોલ (Tibetan Book of the Dead) માં ફોવા (Phowa) નામની તિબેટન બૌદ્ધ ધર્મ (વજ્રયાન)ની એક યૌગિક સિદ્ધિની વાત પણ દર્શાવાઈ છે. તે ચિત્તોત્ક્રમણ એટલે કે એક પ્રકારે ચેતનાના સંક્રમણની પ્રવિધિ છે. તે ચિત્ત અને ચેતનાનું સ્થાનાંતરણ કહે છે. તે મરણ સમયે એટલે કે જીવનની અંતિમ ક્ષણોમાં ચેતનાને ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં ઊર્ધ્વીકૃત કરે છે જેથી આગલો જન્મ કલ્યાણકારી બને એ નિર્વાણની સિદ્ધિ પ્રાપ્ત થાય.
ઇંગ્લેન્ડના લીડ્સમાં જન્મેલા બ્રિટિશ સાઈકિયાટ્રિસ્ટ, ગૂઢ વિદ્યા વિશેષજ્ઞા અને લેખક ડૉ. એલેકઝાન્ડર કેનન (Alexander Cannon) ને તિબેટના સિદ્ધયોગીનો અદ્ભૂત પરચો થયો હતો જે અનેક પ્રકારની યોગસિદ્ધિઓ ધરાવતા હતા. ૧૯૩૩માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક 'ધ ઇન્વિઝિબલ ઇન્ફલુઅન્સ (The Invisible Influence)માં તેમણે પોતાને થયેલા તિબેટના સિદ્ધયોગીના અસાધારણ ચમત્કારિક અનુભવનું વર્ણન કર્યું છે. તેમણે ભારત, ચીન અને તિબેટનો પ્રવાસ કર્યો હતો.
તિબેટના એક લામા યોગીએ તેમને એમના મંદિરની મુલાકાત લેવા નિમંત્રણ આપ્યું તું. તેમણે સાંભળ્યું હતું કે તે લામા યોગી ગૂઢ વિદ્યાના નિષ્ણાત હતા અને અનેક યોગસિદ્ધિઓ પણ ધરાવતા હતા, એટલે એમને મળવાની અને એમની યોગસિદ્ધિઓ પ્રત્યક્ષ નિહાળવાની એમને ભારે ઉત્કંઠા હતી. ડૉ. એલેકઝાન્ડર કેનન (જેમ્સ એલેકઝાન્ડર કેનન) એમના એક પરિચિત સાધુની સાથે એ સિદ્ધ લામા યોગીને મળવા નીકળ્યા. તે પછી શું થયું તેનો તાદૃશ ચિતાર આપતાં તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે -
''જ્યાં લામા યોગી રહેતા હતા તે મંદિરની પાસે અમે પહોંચી ગયા હતા. અમને મંદિર સામે જ દેખાતું હતું પણ ત્યાં પહોંચવું શક્ય નથી એવું અમને જણાયું કેમકે અમારી સામે ૫૦ ગજ પહોળી અને ખૂબ ઊંડી એવી એક ખાઈ હતી. હવે કેવી રીતે આગળ જવું એની અમે વિમાસણ અનુભવતા હતા. ત્યાં જ અમે એક સાધુ જોયો. અમે જે લામા યોગીને મળવા જતા હતા તેમનો જ તે શિષ્ય હતો. તે અમારી જ રાહ જોતો ત્યાં ઊભો હતો. તેણે અમને કહ્યું - હું જે યોગ ક્રિયા કરાવું તે કરો તે પછી જ આ ખાઈ ઓળંગીને સામે જઈ શકાશે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારે તો લામા યોગીને મળવા જવું જ હતું એટલે અમે તેણે કહ્યું તે કરવા માંડી. અમે આંખો બંધ કરીને તે યોગ ક્રિયાઓ કરી રહ્યા હતા. થોડીવાર બાદ એક અદ્ભૂત ઘટના બની. એક ક્ષણ જેટલા સમયમાં અમે ખાઈની પેલે પાર મંદિર પાસે ઊભા હતા. અમને લાગ્યું કે જાણે હવામાં ઝડપથી તરતા કે ઊડતા હોઈએ એમ અમે ત્યાં પહોંચી ગયા હતા.''
તે પછી ડૉ. કેનન અને તેમના સાથીદાર બૌદ્ધ મંદિરમાં પ્રવેશ્યા અને લામા યોગી પાસે પહોંચ્યા. લામા યોગીના શરીરની ચારે તરફ ગાઢા ભૂરા રંગનું એક તેજવલય ( ચેચિ) છવાયેલું હતું. તેમણે ડૉ. કેનનનું સ્વાગત કર્યું અને ગૂઢ વિદ્યાને લગતી વાતચીત કરી. ડૉ. કેનને તેમને કોઈ યોગસિદ્ધિનો ચમત્કાર બતાવવા કહ્યું. તે લામા યોગીએ કફનથી લપેટાયેલા એક મૃત માનવીનું શરીર ત્યાં મંગાવ્યું અને તેનું તબીબી પરીક્ષણ કરવા કહ્યું. ડૉ. કેનને તેનું પરીક્ષણ કરીને કહ્યું - આ માનવીને મરણ પામ્યે એક અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે. પછી તે સિદ્ધ લામા યોગીએ કોઈ યોગ ક્રિયા કરી અને મંત્રોચ્ચાર કરવા માંડયો. તે પૂર્ણ થયા બાદ તેમણે પેલા મૃત માનવીને ઊભા થઈને ચાલવાનો આદેશ કર્યો. તે સાથે જ તે મૃત માનવી ઊભો થઈને ચાલીને તેમની પાસે આવ્યો.
ડૉ. કેનન અને તેમના મિત્ર તેને જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. મૃત માનવી જીવતો થઈને ચાલીને તેમની સામે આવ્યો એનું પણ આશ્ચર્ય અને તેના ચહેરા તરફ જોયું ત્યારે થયેલું બીજું આશ્ચર્ય ! તેનો ચહેરો નજીકથી જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો એ જ સાધુ હતો જેને લામા યોગીએ એમને ખાઈને ઓળંગીને આ તરફ આવવા મોકલ્યો હતો ! આ સાધુએ જ તેમને યોગક્રિયા કરાવી ખાઈ ઓળંગાવી હતી, પછી તે એકાએક ક્યાં ચાલ્યો ગયો તે તેમને ખબર પડી નહોતી. આ સાધુ તે જ હતો તો પછી અહીં તે મૃત સ્થિતિમાં કેવી રીતે હતો ? તે સાધુ લામા યોગી પાસે ગયો અને એમને પ્રણામ કરી, ડૉ. કેનન અને તેમના મિત્ર સામે સ્મિત કરી ગુરુના આદેશ પ્રમાણે કફનમાં સૂઈને મૃત થઈ ગયો. લામા યોગીએ ડૉ. કેનનને ફરી તે મૃત શરીરનું પરીક્ષણ કરવા કહ્યું. ડૉ. કેનને તેનું શરીર ચકાસ્યું તો પહેલાંની જેમ તે એક અઠવાડિયા કરતાં પણ પહેલાં મરણ પામેલું હોય તેવું હતું. તે પછી સિદ્ધપુરુષ એવા લામા યોગીએ ડૉ. કેનનને કહ્યું - મારો આ શિષ્ય સાત વર્ષથી મરેલો છે અને હજુ બીજા સાત વર્ષ આવી મૃત દશામાં રહી શકે એમ છે. હું યોગ સિદ્ધિથી એને મારે જરૂર હોય ત્યારે થોડીવાર માટે જીવતો કરી મારું કામ કરાવી પાછો મૃત કરી દઉં છું ! ડૉ. એલેકઝાન્ડર કેનન કહે છે કે યોગસિદ્ધિના આવા અકલ્પ્ય ચમત્કાર વિશે પહેલાં કદી સાંભળ્યું નહોતું, તેને પ્રત્યક્ષ નિહાળીને તેમનાં રૂવાડાં ખડા થઈ ગયા હતા.


