Get The App

2026માં કઈ ફિલ્મો જોશો? .

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
2026માં કઈ ફિલ્મો જોશો?                                        . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- આ વર્ષે રણબીર કપૂરની 'રામાયણ' આવશે, તો સંજય લીલા ભણસાલી 'લવ એન્ડ વોર' લઈને આવશે. શાહરૂખ 'કિંગ' બનીને ત્રાટકશે, તો સલમાન 'બેટલ ઓફ ગલવાન' સાથે પેશ થશે. 'ધુરંધર'ની સિક્વલ તો ખરી જ. ૨૦૨૬નું વર્ષ હિન્દી સિનેમા માટે ધમાકેદાર પૂરવાર થાય તેવા પૂરા આસાર છે... 

આ વર્ષે બોલિવુડની એવી કઈ ફિલ્મો આવવાની છે જેની રાહ જોવાનું આપણને મન થાય? આવો, જોઈએ... 

ધુરંધર-ટુ: 'ધુરંધર' પાર્ટ વને જે રીતે સપાટો બોલાવી દીધો છે તે જોતાં ૨૦૨૬ની મોસ્ટ એન્ટિસિપિટેડ એટલે કે અતિ પ્રતિક્ષિત ફિલ્મ તો એની સિક્વલ જ હોવાની. રણવીર સિંહ પાર્ટ વનમાં હમઝા અલી મઝારી નામનો ભારતીય જાસૂસ બન્યો તો ખરો, પણ સઘળી લાઇમલાઇટ અને વાહવાહી અક્ષય ખન્ના (ખલનાયક રહમાન ડકૈત) તાણી ગયો. એનું કારણ એ છે કે રણવીરે બેકગ્રાઉન્ડમાં ભળી જઈને જે પોતાની આસપાસ કંઈ ચાલી રહ્યું છે તેનું ચુપચાપ નિરીક્ષણ કરવાનું હતું. રણવીર પાર્ટ-ટુમાં છવાઈ જવાનો છે, કેમ કે એના જીવનનો ફ્લેશબેક હવે ખુલવાનો છે. રણવીરના કિરદારનું મૂળ નામ છે, જસકિરત સિંહ રેન્ગી. 'ધુરંધર'ના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયેલા ફિલ્મમેકર રામગોપાલ વર્મા તો કહે છે કે 'ધુરંધર-વન' કરતાંય 'ધુરંધર-ટુ' વધારે મોટી હિટ થશે. લિખ લો! ફિલ્મ આ વર્ષે ૧૯ માર્ચે રિલીઝ થશે. 

રામાયણ: શું તમને પણ અંદરખાને લાગી રહ્યું છે કે 'રામાયણ'ના સ્વરૂપમાં ભારતીય સિનેમા એક વિરાટ હનુમાન-કૂદકો મારશે? ટચવુડ! 'રામાયણ'નું ચકિત કરી નાખે એવું ટીઝર રિલીઝ થયું તે અરસામાં પ્રોડયુસર નમિત મલ્હોત્રાએ ખૂબ બધા ઇન્ટરવ્યુમાં ફિલ્મના મેકિંગ વિશે અવનવી વાતો કરીને આપણી અપેક્ષાઓ ઔર વધારી દીધી છે. ભારતના અને હોલિવુડના ટોચના સંગીતકારો એવા એ.આર. રહેમાન અને હેન્સ ઝિમરની જોડીએ કંઈક અજબગજબનું મ્યુઝિક પિરસ્યું છે. રણબીર કપૂર રામ બન્યો છે અને દક્ષિણની સાઈ પલ્લવી, સીતામાતા. રાવણની ભૂમિકા 'કેજીએફ' ફેમ યશ ભજવશે. ફિલ્મનું ડિરેક્શન નિતેશ 'દંગલ' તિવારીના હાથમાં છે એટલે આપણા જીવને નિરાંત છે. સાથે સાથે આશા પણ છે કે ૮ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ 'આદિપુરુષ'નાં સઘળાં પાપ ધોઈ નાખશે. 

લવ એન્ડ વોર: આ વર્ષે રણવીર અને રણબીર વચ્ચે વોર ફાટી નીકળવાનું છે એ તો નક્કી, કેમ કે રણવીર સિંહના હાથમાં 'ધુરંધર-ટુ' નામનો હુકમનો એક્કો છે તો રણબીર કપૂરના તો બન્ને હાથમાં લાડવા છે, એક હાથમાં 'રામાયણ' અને બીજા હાથમાં સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'. સંજય લીલા ભણસાલી બોલિવુડના એટલા મોટા ડિરેક્ટર છે કે એમની પ્રત્યેક ફિલ્મ એક 'ઇવેન્ટ' બની હોય છે. ફિલ્મમાં રણબીર ઉપરાંત આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ છે. સુપર્બ કાસ્ટિંગ! શરૂઆતમાં એવી વાતો સંભળાઈ હતી કે યુદ્ધના બેકગ્રાઉન્ડમાં આકાર લેતી આ ફિલ્મમાં 'સંગમ' પ્રકારની પ્રણય ત્રિકોણ છે. જે હશે તે વાજતેગાજતે માંડવે આવ્યા વગર રહેશે નહીં. સંજય ભણલાસીની ફિલ્મ છે એટલે મ્યુઝિક પણ મસ્ત હોવાનું. ચાહકો તો કહે છે કે તમે ફિલ્મ ભલે ગમે ત્યારે રિલીઝ કરો, કમસે કેમ એનાં ગીતો વહેલાં-વહેલાં રિલીઝ કરી નાખજો.    

કિંગ: આ શાહરૂખ ખાનની એક્શન થ્રિલર છે, જેમાં તેઓ પોતાની દીકરી સુહાનાને નવેસરથી લોન્ચ કરશે. મૂળ પ્લાનિંગ તો એવું હતું કે સુજોય ઘોષ આ ફિલ્મ ડિરેક્ટર કરશે અને સિદ્ધાર્થ આનંદ ('પઠાણ'ના ડિરેક્ટર) પ્રોડયુસર બનશે... પણ કોણ જાણે શું થયું કે સુજોયનું પત્તું કપાઈ ગયું. હવે સિદ્ધાર્થ આનંદ જ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ મસ્ત છે: શાહરૂખ ઉપરાતં દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખર્જી, અરસદ વારસી વગેરે. ફિલ્મમાં શાહરૂખ એક ખતરનાર હત્યારો બન્યો છે અને સુહાના એની સહાયક છે. જોઈએ, આ ફિલ્મ સુહાનાના 

કરીઅરનું ટેક-ઓફ કરવામાં સહાયક નીવડી શકે છે કે કેમ. બાકી ફિલ્મ સિદ્ધાર્થ આનંદની છે એટલે ભરપૂર સ્ટાઇલિશ હશે તે વાતની ગેરંટી. 

બેટલ ઓફ ગલવાન: યુદ્ધની વાત ચાલી રહી છે તો ભેગાભેગી આ ફિલ્મની વાત પણ કરી લઈએ. ૨૦૨૦માં ગલવાન વિસ્તારમાં લગભગ ૨૦૦ ભારતીય સૈનિકોએ ૧૨૦૦ જેટલા ચીની સોલ્જર્સનો જોરદાર મુકાબલો કર્યો હતો. આ ફિલ્મ આ જ ઘટનાક્રમ પર આધારિત છે. સલમાન ખાન કર્નલ બી. સંતોષ બાસુ બન્યો છે. અપૂર્વ લાખિયાએ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને મ્યુઝિક હિમેશ રેશમિયાનું છે. ફિલ્મના લેખક રાજકોટના તેજસ્વી યુવાન ચિંતન શાહ છે. સલમાને ખરેખર તો 'કિસી કા ભાઈ કિસી કી જાન' ટાઇપની ફિલ્મોને બદલે આવા રોલ્સ જ કરવા જોઈએ, કેમ કે એને મર્દાના કિરદાર ખૂબ સુટ થાય છે.  ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થવાની છે.  

મહાકાલી: અક્ષય ખન્નાએ 'ધુરંધર'માં એવો સપાટો બોલાવ્યો છે કે ઓડિયન્સના મનમાં એની અન્ય ફિલ્મો વિશે પણ જોરદાર ઉત્સુકતા જાગી ચૂકી છે. તો સાંભળો, 'મહાકાલી' નામની સાઉથ ઇન્ડિયન પૌરાણિક ફિલ્મમાં એ અસુરોના ગુરૂ શુક્રાચાર્યના રોલમાં દેખાશે. એનો લૂક જાહેર થઈ ચૂક્યો છે. જબરદસ્ત લાગે છે કે અક્ષય શુક્રાચાર્યના ગેટઅપમાં. વીએફએક્સથી ભરપૂર આ ફિલ્મનાં ડિરેક્ટર છે, પૂજા કોલ્લુરુ. હિરોઇન છે, ભૂમિ શેટ્ટી.  એમ તો 'દ્રશ્યમ-થ્રી'માં અક્ષય ખન્ના દેખાવાનો હતો, પણ કહે છે કે, શૂટિંગ શરૂ થવાના પાંચ જ દિવસ પહેલાં અક્ષયે ફિલ્મ છોડી દીધી.   

ઓ રોમિયો: વિશાલ ભારદ્વાજની રાજકીય વિચારસરણી જે હોય તે, તેઓ એક બહુ જ કાબેલ ફિલ્મમેકર છે તે હકીકત તો એમના ઘોર વિરોધીઓએ પણ સ્વીકારવી પડે. આ વર્ષે વિશાલ ભારદ્વાજ  અને શાહિદ કપૂર ઢેંટેણેણેણે... કરતા 'ઓ રોમિયો' નામની ફિલ્મ લાવવાના છે. અહીં આઝાદી પછીના મુંબઈમાં ધીમે ધીમે વિકસી રહેલા અન્ડરવર્લ્ડની વાત છે. તૃપ્તિ ડિમરી ફિલ્મની હિરોઈન છે. જોઈએ, વિશાલ ભારદ્વાજ અને શાહિદની જોડી 'કમીને' (૨૦૦૯) અને 'હૈદર' (૨૦૧૪)નો જાદુ રિપીટ કરી શકે છે કે કેમ. 

'આલ્ફા: યશરાજના સ્પાય યુનિર્વસમાં હવે આલિયા 'આલ્ફા' ભટ્ટનો ઉમેરો થવાનો છે. શિવ રવૈલના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં આલિયા એક ડેન્જરસ મિશન પર નીકળી છે. સવાલ એ છે કે 'ધુરંધર' સ્પાય ફિલ્મોનાં એટલાં ઊંચાં ધારાધોરણો સ્થાપ્યાં છે કે ટાઇગર અને કબીર જેવા પુરુષ જાસૂસો સામે સુદ્ધા એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ પેદા થઈ ગઈ ેછે. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટની સ્ત્રી-જાસૂસનું શું થશે? જોઈએ...  

ધ ઇન્ટર્ન: મૂળ તો આ હોલિવુડની ફિલ્મ છે, જેમાં રોબર્ટ દ નીરો અને ઍન હેથવે મુખ્ય પાત્રોમાં ચમક્યાં હતાં. આની હિન્દી રીમેકમાં અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ દેખાશે. દીપિકા એક સફળ ઓનલાઇન ફેશન કંપનીની માલિકણ છે, જે પોતાના સહાયક તરીકે કોઈ સિનિયર સિટીઝનની નિમણૂક કરવા માગે છે. આ સિનિયર સિટીઝન એટલે અમિતાભ બચ્ચન, જે પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયા છે. મૂળ ફિલ્મ ખૂબ એન્ટરટેનિંગ હતી. જોઈએ, ડિરેક્ટર અમિત શર્મા તેની કેવીક રીમેક બનાવે છે.   

અન્ય કેટલીક ફિલ્મોના ઉલ્લેખો કરી લઈએ. રાજકુમાર સંતોષી 'લાહોર ૧૯૪૭' લઈને આવી રહ્યા છે. હીરો છે, સની દેઓલ અને વિકી કૌશલ. આમિર ખાન પ્રોડક્શનની 'હેપી પટેલ: ખતરનાક જાસૂસ' (હીરો, વીર દાસ) ઇન્ટરેસ્ટિંગ કોમેડી ફિલ્મ લાગે છે. વીર દાસ રાજ એન્ડ ડીકેની 'ગો ગોવા ગોન-ટુ'માં પણ દેખાશે, સૈફ અલી સાથે.ઇમ્તિયાઝ અલીની એક અનટાઇટલ્ડ ફિલ્મમાં દિલજીત દોસાંજ, શર્વરી અને નસીરુદ્દીન શાહ જેવાં કલાકારો છે. 'મર્દાની-થ્રી'માં રાની મુખર્જીની સાથે આપણી ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા ફરી એક વાર ઓડિયન્સને વશીભૂત કરવા મેદાનમાં ઉતરશે. કાર્તિક આર્યન 'નાગઝિલ્લા: નાગ લોક કા પહલા કાંડ' નામની માઇથોલોજિક ફિલ્મમાં દેખાશે. અનુરાગ બાસુ પણ કાર્તિકને લઈને 'તૂ મેરી ઝિંદગી હૈ' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. હિરોઈન છે, આર્યા શ્રીલીલા. હોમી અડજાણિયાની 'કોકટેલ'જોઈને પહેલી વાર લાગ્યું હતું કે ના, દીપિકા પદુકોણ એક્ટિંગ પણ સારી કરી શકે છે. કોણ જાણે કે 'કોકટેલ-ટુ'માં આખી કાસ્ટ બદલાઈ ગઈ છે - રશ્મિકા મંદાના, કૃતિ સેનન અને અર્જુન રામપાલ.  'સૈયારા'ની સિક્વલના તો કશા ન્યુઝ નથી, પણ તેની હિરોઈન અનીત પદ્દા મેડોક બેનરની 'શક્તિ શાલિની' નામની ફિલ્મમાં દેખાય તેવી સંભાવના છે. આપણે તો 'એનિમલ'ની સિક્વલ 'એનિમલ પાર્ક', એસએસ રાજામૌલિની 'વારાણસી' અને ઇવન 'બ્રહ્માસ્ત્ર-ટુ'ની પણ રાહ જોઈ રહ્યા છીએ, પણ આ ફિલ્મો આવતા વર્ષે આવશે, ૨૦૨૭માં. એન્જોય! 

શો-સ્ટોપર 

'ક્રિશ-ફોર'નું ડિરેક્શન હૃતિક રોશન કરવાનો છે. ડિરેક્ટર તરીકેની એની આ સૌથી પહેલી ફિલ્મ હશે. 

- મૂકેશ ભટ્ટ (ફિલ્મ લેખક)