- મૃત્યુ સમયે નિખાલસની મમ્મીએ નિખાલસને આપ્યો કર્તવ્યબોધ
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ઇપ્સા, તું ફરીથી પહેલાની જેમ જ મારે ઘેર આવી શકે છે. તને ફાવ્યું તેં માંગ્યું, મને ન ફાવ્યું એટલે મેં ઇનકાર ક્યો. પણ એ જ સંબંધનાં નિર્ણાયક પરિબળો ન બની જવાં જોઇએ
નિ ખાલસ ત્યારે આઠેક વર્ષનો હતો. જીવન અને મૃત્યુની ફિલસૂફી એના બાળમાનસમાં ઊતરે પણ ક્યાંથી ? હા, એને એટલી ખબર હતી કે એની મમ્મી બીમાર છે, એટલે પહેલાંની જેમ એને સાચવી શક્તી નથી. હવે એને સ્કૂલની બેગ જાતે જ તૈયાર કવી પડે છે. લંચબોક્સ કામવાળી લતા તૈયાર કરી દેતી હતી. હવે દરવાજા સુધી નિખાલસને 'આવજે બેટા' કહેવા માટે કોઈ આવતું નથી. નિખાલસનો ગાલ માની એક મીઠી ચૂમીનો પુરસ્કાર માગવાના અધિકારથી સાવ વંચિત થઇ ગયો હતો.
નિખાલસ ધારત તો એના પપ્પા પાસે એવું સુખ માગી શકત, પણ નિખાલસના પપ્પા મોહલકુમાર સાવ ઓછાબોલા. સ્કૂલે જતા નિખાલસને 'આવજે દીકરા' એટલા શબ્દો ઉચ્ચારતાં સંકોચ અનુભવતા હતા. કોણજાણે કેમ તેઓ નિખાલસને તેની મમ્મી જેવુ વહાલ દેખાડવામાં ઊણા ઉતરતા હતા.
અને એક રાત્રે નિખાલસ માટે વાત્સલ્ય વર્ષાથી અહર્નિશ ભીંજાવાના એના અધિકારથી સદા માટે વંચિત બનવાની ઘડી આવી પહોંચી. કેન્સરની ભયાનકતા નિખાલસના મમ્મીને ભરખી જવા તત્પર બની હતી. મમ્મીએ નિખાલસને પોતાની પાસે બોલાવીને કહ્યું હતું : 'બેટા, તારા પપ્પાને સાચવજો' અને એમણે પાર્થિવ જગતને અલવિદા કરી હતી. મૃત્યુ પહેલા નિખાલસની મમ્મીએ બતાવેલો વિવેક આજે પણ એ ભૂલી શક્યો નથી. સ્ત્રીઓ અવસાન અગાઉ પોતાના સંતાનની દરકાર રાખવાની વિનંતી પોતાના પતિ સમક્ષ અંતિમ આરજૂરૂપે વ્યક્ત કરતી હોય છે. ક્યારેક ફરી લગ્ન કરી સુખી થવાની સલાહ આપતી હોય છે... તો ક્યારેક ભાવનાશીલ પતિ પોતે ફરીથી 'લગ્ન નહીં કરે'નું વણમાગ્યું વચન પોતાની પત્નીને આપતા હોય છે. એમાં પ્રતિજ્ઞાની કઠોરતા કરતાં લાગણીના ઝરણાનો નાદ જ કેન્દ્રસ્થાને હોય છે, પણ નિખાલસની મમ્મીએ તેના પપ્પાને સાચવવાની જવાબદારી સોંપીને તેને કર્તવ્યનો બોધ આપ્યો. કામવાળી બાઈ લતા નિખાલસ અને તેના પપ્પાની કાળજી રાખતી હતી. એટલે નિખાલસના પપ્પા મોહલકુમાર ઘરસંસારથી સાવ અજાણ હતા.
મોહલકુમારને માત્ર બિઝનેસ સિવાય બીજું કોઈપણ કામ ફાવતું નહોતું એટલે નિખાલસ એમને સાચવવાનો મોકો શોધ્યા કરતો હતો... મમ્મીના છેલ્લા શબ્દોનું સ્મરણ કરીને જમાનાથી સાવ અજાણ, ભોળા અને સીધાસાદા મોહલકુમારને માટે નિખાલસને બહુ જ ચિતા રહેતી હતી. મોહલકુમાર હતા પણ સાવ ઓછાબોલા. એમણે ક્યારેય નિખાલસ આગળ હૈયું ખોલ્યું નહોતું. દરરોજ મૂંગા મોઢે નિખાલસના માથા પર હાથ મૂકીને થોડી વાર જોઈ રહેતા હતા અને પછી પોતાની ઓફિસે ચાલ્યા જતા...
અને નિખાલસના સૂના જીવનમાં આગમન થયું ઇપ્સાનું. ઇપ્સાનો બગલો નિખાલસના બંગલાને અડોઅડ હતો. નિખાલસ અને ઇપ્સા એક જ સ્કૂલમાં ભણતાં હતાં. નિખાલસ તેની મમ્મીનું અવસાન થયું ત્યારે થોડા દિવસ સ્કૂલે ન ગયો એટલે એક દિવસ ઇપ્સા તેના ઘરે આવી ચઢી. તમે આંધી જોઈ છે ને ? બસ તો તો તમે ઇપ્સાના સ્વભાવની કલ્પના તરત જ કરી શકશો. ઇપ્સા એક આંધી હતી. એક તોફાની પવન, એક ઊછળતું મોજું, એક કડાકા કરતી વીજળી .. તમે કહેશો કે ઇપ્સા માટે વખાણના એક સામટા આટલા બધા શબ્દો શા માટે વાપરી દીધા ? હા, એનું વ્યક્તિત્વ જ એવું હતું. એની મસ્તી, એનું અલ્લડપણું જોઇને નિખાલસ પણ આનંદમાં આવી જતો હતો. અને નિખાલસે ઇપ્સાનું, એની બાળસંગિનીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નિખાલસે પોતાના રમકડાંનો પચાસ ટકા ભાગ ઇપ્સાને આપી દીધો હતો. અને ઇપ્સાએ નિખાલસને ઘરે રમવા આવવાનો નિત્યક્રમ બનાવી દીધો હતો.
ઇપ્સાની અવર-જવરથી નિખાલસને ઘર ભર્યું ભર્યું લાગતું હતું. નિખાલસને ખુશ જોઈ તેના પપ્પા મોહલકુમાર પણ ખુશ થઇ જતા હતા. તેમનો પ્રેમાળ હાથ નિખાલસ અને ઇપ્સાના માથે ફરતો રહ્યો. અને વર્ષો વીતતાં ગયાં.
નિખાલસ ભણી ગણી એક બાહોશ એન્જિનિયર બન્યો અને ઇપ્સા કોમર્સ ગ્રેજ્યુએટ. ઇપ્સાનું મોહક વ્યક્તિત્વ, આગવી છટા અને સૌજન્યની ખુશબો... આ બધું નિખાલસ માટે મહામૂલા ખજાના જેવું હતું. નિખાલસ અને ઇપ્સા અભિન્ન મિત્રો બની ચૂક્યાં હતાં. પણ ઇપ્સા સાથેના સંબંધને નિખાલસે મર્યાદામાં જ બાંધી રાખ્યો હતો.
ઇપ્સાને સંગીતનો શોખ હતો. એટલે નિખાલસને ઘેર જઇને સીડીમાં કેદ કરી રાખેલાં ગીતો સાંભળે, ઇપ્સા મોહલકુમાર જોડે પણ બેસતી, એમના ખબર-અંતર પણ પૂછે. તેમની સાથે ધર્મ-કર્મની ચર્ચા પણ કરે... ઇપ્સા બોલવામાં ખૂબ હોશિયાર હતી. એટલે એણે મોહલકુમારનું મન જીતી લીધું હતું. ગૃહ સંચાલનમાં એ કામવાળી બાઈ લતાને પણ મદદ કરતી.
નિખાલસને હજી ઇપ્સાના શબ્દો યાદ છે : 'નિખાલસ, તને એમ નથી લાગતું ને કે હું અહીં તારે ઘરે રોજ આવીને લપ કરું છું ? તું એમ માની ના લેતો હું તારા ઘર પાસેથી કશુંક વસૂલ કરવા આવી છું.'
ત્યારે નિખાલસે તેને કહ્યું હતું : 'ઇપ્સા, નેક અતિથિઓ હંમેશા કશુક માગવા નહીં, પણ કશુંક આપવા પણ આવતા હોય છે. અને માગી માગીને તું મારી પાસે શું માગવાની હતી ? મારા સૂના કાંડા પર રાખડી બાંધીને... વહાલસોયા ભાઈનો સંગાથ જ ને ?... જા તારી ઇચ્છા પૂરી થશે.'
નિખાલસ અને ઇપ્સાની વાતો સાંભળી તેના પપ્પા મોહલકુમાર ઇપ્સાને પાસે બેસાડીને કહેતા : 'બેટા, તારા જેવા અતિથિઓ આવતા હોય તો એક નહીં ભલે એક હજાર આવે. બાકી જમાનો તો ચેતીને ચાલવા જેવો છે અને મારા નિખાલસને ઝાઝી લપછપ ગમતી નથી. એટલે ક્યારેક તને એ અતડો પણ લાગશે.'
અને ત્યારથી ઇપ્સાને નિખાલસના ઘરમાં આવવાનો અબાધિત અધિકાર મળી ગયો હતો.
પણ કોણ જાણે કેમ નિખાલસને સતત લાગ્યા કરતું હતું કે, ઇપ્સાના ભાતૃપ્રેમમાં ભગિનીની હૂંફ અને નિર્દોષતાનો રણકાર નથી. નિખાલસે કયું શર્ટ પહેરવું, કયા બૂટ પહેરવા, ક્યાં હેરકટ કરાવવા, કેવી હેરસ્ટાઇલ કરવી, કોની સાથે વાત કરવી, કોની સાથે વાત ન કરવી... પિકચર પણ તેના સિવાય બીજા કોઈ સાથે જોવા ન જવું... આવાં બંધનો કોઈ બહેને પોતાનાં ભાઈ પર મૂક્યાં હોય એવું બનતું નથી. જેટલો ઇપ્સા નિખાલસની નજીક જવાનો જેટલો પ્રયત્ન કરતી હતી, તેટલો જ નિખાલસ તેનાથી દૂર જવાની કોશિશ કરતો હતો. કારણ કે લાગણીનાં નીરને ડહોળી નાખવાનું એને ગમતું નહોતું અને તેથી જ નિખાલસ ઇપ્સાના મમ્મીને મળીને તેના માટે યોગ્ય જીવનસાથી શોધી લેવાની પ્રેરણા આપતો હતો.
ઇપ્સાની મમ્મી સાથેની નિખાલસની મુલાકાતની વાત તેને કદાચ ખબર પડી ગઈ હશે, એટલે જ એક દિવસ ઇપ્સાએ નિખાલસને એક લાંબોલચ પત્ર લખીને એની લાગણીનું અસલી સ્વરૂપ પ્રગટ કરી દીધું હતું. નિખાલસ ઇપ્સાને કશોક જવાબ આપે તે પહેલાં તો એ પત્ર મૂકીને ભાગી ગઈ હતી. અને નિખાલસે પણ તેને ફરી મળવાની કોશિશ ન કરી. ઇપ્સાએ નિખાલસના ઘરે એકાએક આવવાનું બંધ કરી દીધું. કદાચ એ નિખાલસના ઉત્તરની રાહ જોતી હશે. એમ માની નિખાલસે પણ ઇપ્સાને એક પત્ર લખીને ઉત્તર આપ્યો.
કદાચ નિખાલસનો એ પત્ર વાંચીને ઇપ્સા નિખાલસ પર ખાસ્સી ચિઢાઈ હશે.
પત્રમાં નિખાલસે લખ્યું હતું : 'ઇપ્સા, વિધિની વક્રતાએ મને એટલો ય મોકો ન આપ્યો કે વિખૂટાં પડવાની પળોએ તારી લાગણીની અદાલતમાં મારો કેસ રજુ કરી શકું. કારણ કે તું પત્ર મુકીને ઊભી જ ન રહી. ઇપ્સા, દરેક સંબંધની એક શાન હોય છે, નોખું સ્વરૂપ હોય છે, અને તેથી જ સંબંધની સીમાઓનું અનુપાલન કરીને આપણે વ્યવહારની રીતો ગોઠવવી પડે છે. મારી મમ્મીના અવસાન પછી મારા એકલવાયા જીવનમાં તે મારા 'બાળસાથી' તરીકે પ્રવેશ કર્યો અને મારા જીવનની ઝોળીને આનંદથી ભરી દીધી. એ માટે હું તારો ઋણી રહીશ.'
ઇપ્સા મેં તારામાં લાગણી નીતરતી બહેનના દર્શન કર્યા હતા. અને તેં પણ એક અભિન્ન દોસ્ત બનીને મને સાથ આપ્યો હતો. પણ તારું વ્યક્તિત્વ આખરે કમજોર સાબિત થયું. તારા દંભની ગંધ મને આવી ગઈ. અને તેથી જ મેં દંભનો પડદો ચીરી નાખ્યો છે. હું તને મારી એક અભિન્ન દોસ્ત અને ભગિની તરીકે જોવા ઇચ્છતો હતો. કારણ કે મેં મારી લાગણી મુજબ તને ભગિનીના સિંહાસન પર વિરાજિત કરી હતી. લાગણીમાં પાટણી બદલુઓને સ્થાન નથી. તારી પાટલી બદલવાની ચાલ તને ભારે પડી હોય, તો એમાં મારો શો દોષ ?
ઇપ્સા, તું ફરીથી પહેંલાની જેમ જ મારે ઘેર આવી શકે છે. તને ફાવ્યું તેં માંગ્યું, મને ન ફાવ્યું એટલે મેં ઇનકાર ક્યો. પણ એ જ સંબંધનાં નિર્ણાયક પરિબળો ન બની જવાં જોઇએ. કશુંક બચી રહે છે, એવું કશુંક, જેને મિટાવવાની આપણી તાકાત નથી હોતી, એ છે નિર્મળ અને ઘનિષ્ઠ સંબંધ જે અંતરના એકાંત ખૂણે સંઘરાયેલો હોય છે. સંબંધોની પણ એક શાન હોય છે...
ઇપ્સા, સંબંધના સૂત્રો આપણે કદાચ બહારથી તોડી શકીએ, કારણ કે આપણી પહોંચ બહાર સુધી હોય છે પણ અંદરનાં બંધનો તો અંતિમ શ્વાસ સુધી અતૂટ રહે છે. એક યાદગાર સંભારણું બનીને. આપણો પરિચય તો ખૂબ જ જૂનો છે. જ્યારે ખરેખર તો મારે એક દોસ્તની જરૂર હતી ત્યારે તેં મારા જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેં મારા પપ્પાની, મારી... બધાંની કાળજી રાખી, તારા આનંદી સ્નેહાળ સ્વભાવે મારું અને મારા પપ્પાનું મન પણ મોહી લીધું.
ઇપ્સા, હજી યે મેં તને પરાઈ ગણી નથી. અને ગણવાનો પણ નથી. પલાયનવાદી બનવા ન માગતી હોય તો હજીયે તારો ભાઈ નિખાલસ, તારી સાથે જ છે. લાગણીના હોજમાં નહાવા કે તરવા જવાય, ચોવીસ કલાક પડયા ન રહેવાય, આટલી સીધી વાત તું કેમ સમજતી નથી ? અશ્રુભીની આંખે ઇપ્સાને લખેલો પત્ર નિખાલસ આપવા જવા માગતો હતો...
પણ એકાએક ક્રંદનના શબ્દો એના કાને પડયાં. ઘરમાં જોયું તો પપ્પાજી ગેરહાજર ! કામવાળી બાઈ લતાને પૂછ્યું તો એણે નિખાલસનાં પ્રશ્નનો જવાબ આપવાને બદલે છુટ્ટા મોઢે રડવાનું શરૂ કરી દીધું.
નિખાલસે ખૂબ જ આગ્રહ કરી એને રડવાનું બંધ કરી સાચી વાત જણાવવા વિનંતી કરી... લતાને ગળે ડૂમો ભરાયેલો હતો. એણે ઇશારો કરી નિખાલસને શાન્ત રહેવા કહ્યું. સાડીના છેડાથી આંસુ લૂછતાં એણે કહ્યું : 'નાના, શેઠ, આપણા ઘરે આવે છે તે ઇપ્સાબેને ઊંઘની પુષ્કળ ગોળીઓ ગળી આપઘાત કરાવનો પ્રયત્ન કર્યો છે. એટલે એમની મમ્મી રડારોળ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સમાં એમને હોસ્પિટલ લઇ ગયા છે. તમારા પપ્પા પણ ઇપ્સાબેનના પપ્પાજીની સાથે હોસ્પિટલ ગયા છે. હે ભગવાન, એ ભલી-ભોળી છોકરીનું રક્ષણ કરજે.'
નિખાલસ તરત જ હોસ્પિટલ જવા દોડી ગયો. ડૉક્ટરના જણાવ્યા મુજબ ઇપ્સાની કન્ડીશન ચિંતાજનક હતી. બધાં આખી રાત વેઇટિંગ લોન્જમાં બેસી રહ્યા.
સવારે નર્સે આવીને કહ્યું : 'તમારામાંથી નિખાલસભાઈ કોણ છે ? ચાલો, ઇપ્સાબેન ભાનમાં આવી ગયા છે અને તમને યાદ કરે છે.
એટલે ઇપ્સાને રાખવામાં આવેલા ઇમરજન્સી વોર્ડમાં નિખાલસ પહોંચી ગયો.
નિખાલસને જોઇએ ઇપ્સાએ સ્મિત વેરતાં કહ્યું : 'નિખાલસ, મનમાં કશી ચિંતા ના રાખશો. તમારી પાસે કશુંક માગવા નથી બોલાવ્યા. આ જન્મની ઓળખાણ પૂરી કરી મેં નવો જન્મ ધારણ કર્યો છે. અને આ નવા જન્મમાં ભગિનીનાં ઘોડાપૂર છે, નિર્મળ લાગણી છે. આકર્ષણ નથી, પણ શુદ્ધ ભગિનીપ્રેમ છે. નિખાલસ, માણસના મનને ડગતાં કંઇ થોડી જ વાર લાગે છે ! હું ડગી પણ તમે ડગ્યા નહિ, તું નો સંબંધ પૂરો થયો અને હવે 'તમે'નો સંબંધ શરૂ થયો છે.' અને નિખાલસની આંખમાં અશ્રુનીર ઊભરાતાં રહ્યાં અને એને ઇપ્સાના શબ્દો કાને પડયા : 'ભઈલા, હવે છાના રહો, તમારી બહેનનાં સોગંદ.'


