Get The App

પઠાન અને ટાઈટરની પ્રિકવલ... 'આંખે'?

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
પઠાન અને ટાઈટરની પ્રિકવલ... 'આંખે'? 1 - image

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી

- 'આંખે' માત્ર બોલીવુડના સ્પાય યુનિવર્સની પ્રિકવલ નથી, બલ્કે ટોમ ક્રુઝની 'મિશન ઈમ્પોસિબલ' સિરીઝની પણ 'મા' છે! શી રીતે? 

ત મે નહીં માનો, પણ બોલીવૂડમાં જે 'સ્પાય યુનિવર્સ' છે ને, એનો પ્રિ-ડેટર 'આંખે' ફિલ્મનો હિરો હતો !

હવે પૂછશો કે 'પ્રિ-ડેટર' એટલે શું ? તો સાહેબો, આજની 'જેન-ઝી' પહેલાંની જનરેશનને 'મિલેનિયલ' કહે છે ને ? અથવા એમ કહો કે આજના સ્માર્ટફોન પહેલાં જે નોકિયાના ચાંપોવાળા મોબાઈલ આવતા હતા ને ? એવું !

કેમ કે 'આંખે'નો હિરો ધર્મેન્દ્ર આપણા બોલીવૂડના સ્પાય યુનિવર્સના જાસૂસની જેમ જ, છે તો ભારતનો જાસૂસ, પરંતુ કુંગ-ફૂ કરાટે શીખવાને બહાને જાપાન જાય છે ! અને ત્યાં એકપણ કરાટે કલાસ એટેન્ડ કર્યા વિના પેલી માલાસિંહા જોડે રોમાન્સ કરીને એક મસ્ત ગાયનના બહાને જાપાનના સીન-સીનેરી જોઈને ઈન્ડિયા પાછો આવતો રહે છે!

એ જ રીતે ભારતની ટ્રેનો બોમ્બથી ઉડાવી દેવાતી હોય. બોર્ડરો ઉપરથી વિદેશી શસ્ત્રો ઘૂસાડવામાં આવતાં હોય, દેશમાં કોમી રમખાણો ભડકાવવા માટે કાવતરાં થતાં હોય તો એની તપાસ માટે...

આ હીરો પડોશના દેશમાં નહીં, પણ ડાયરેક્ટ બૈરૂત જતો રહે છે ! (આ બૈરૂત એટલે આજના ઈસ્લામિક દેશ લેબેનોનનું કેપિટલ સિટી) હવે બૈરૂત જઈને આ ભાઈ શું કરે છે ? અરે, પેલી માલાસિંહા ત્યાં જ છે ને ! એની સાથે રોમાન્સ કરે છે ! (વધુ બે ગાયનો) સાથે સાથે કાર-ચેઝ પણ કરે છે, બોટ-ચેઝ પણ કરે છે, વેશપલટો કરીને 'દુશ્મનો કે ઠીકાને'માં ઘૂસીને બોમ્બથી ઉડાવી પણ દે છે અને મહેમૂદની સાથે મળીને કોમેડી પણ કરી લે છે !

જોયું ? બિલકુલ સ્પાય યુનિવર્સ જેવું જ છે ને ?

ફિલ્મ જોતાં જોતાં અમને થતું હતું કે યાર, રામાનંદ સાગરે બહુ મોટી ભૂલ કરી નાખી છે ! કેમકે માલાસિંહા તો ભારતીય જાસૂસ છે ! એની  જોડે તો પ્રેમમાં પડાતું હશે ? પણ ત્યાં જ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે... જ્યાં ધર્મેન્દ્ર 'દુશ્મન' દેશની ખુબસુરત જાસૂસણના પ્રેમમાં પડે છે ! બોલો.

હવે તો માનશો ને કે 'આંખે તો મોસ્ટ ઓથેન્ટિક રીતે સ્પાય યુનિવર્સની સૌથી પહેલી 'પ્રિકવલ છે?'

'આંખે' માત્ર બોલીવુડના સ્પાય યુનિવર્સની પ્રિકવલ નથી, બલ્કે ટોમ ક્રુઝની 'મિશન ઈમ્પોસિબલ' સિરીઝની પણ 'માં' છે ! શી રીતે ? 

તો સાંભળો, ફિલ્મમાં બબ્બે સુજીતકુમાર છે ! એક અસલી ભારતીય જાસૂસ છે અને બીજો તેની જગ્યાએ ઘૂસી ગયેલો દુશ્મન જાસૂસ છે ! આ ડબલ રોલ શી રીતે ભજવે છે ? એ અરે, 'મિશન ઈમ્પોસિબલ'ની જેમજ ! ચહેરા ઉપર રબ્બરનું માસ્ક પહેરીને ! સાલુ, બે ઘડી તો એમ થાય કે રામાનંદ સાગરે 'મિશન ઈમ્પોસિંબલ' ઉપર આઈડીયા ચોરવાનો કેસ ઠોકી દેવા જેવો હતો ! પણ પછી વિચાર આવ્યો કે ભલુ પૂછવું, રામાનંદ સાગરે જ આ માસ્કવાળો આઈડીયા કોઈ હોલીવૂડની મુવીમાંથી તફડાવ્યો હશે!

(ઉપરથી પોતાની જ પીઠ થાબડતો હોય એવો ડાયલોગ મુક્યો છે : 'વાહ, ક્યા પરફેક્ટ માસ્ક બનાયા હૈ ! ઈતના પરફેક્ટ, કે નકલી ભી અસલી દિખાઈ દેતા થા.'

અલ્યા, સુજીત કુમારના ચહેરાની બાજુમાં જે ચીજ લબડતી બતાડી છે તે ફુટી ગયેલા રબ્બડના ફૂગ્ગા કરતાંય વિચિત્ર દેખાય છે !)

એમ તો લલિતા પવારને વિલન જીવણની આસિસ્ટન્ટ તરીકે જોઈને અમે ચોંકી ગયેલા ! 'અરે ? લલિતાજીની આ શું હાલત કરી છે ? આવાં ભડકીલા રંગના વન-પિસ સ્કર્ટ? આવાં ટાઈટ ફિટીંગ પેન્ટ-શર્ટ ? ઉપરથી 'યબ બોસ,' સિવાય કોઈ ડાયલોગ પણ નહીં ?

પણ થોભો, સ્ટોરીમાં આગળ ટ્વીસ્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે લલિતા પવારને એમના અસલી કચકચિયણ સાસુજી ટાઈપની વેશભૂષા કરાવીને ભારતીય એજન્ટના ઘરમાં 'જાસૂસી' કરવા માટે ઘૂસાડવાનાં હતાં !

ફિલ્મમાં જેને 'આખું કોળું શાકમાં ગયું' જેવો એક મોટો લોચો છે ! આ તો જુની ફિલ્મોના રસિયાઓને છેક આજ સુધી નહીં દેખાયો હોય ! શું છે એ લોચો ?

વાત એમ છે કે ધર્મેન્દ્ર અને માલાસિંહાના પિતાજીઓ એક જમાનામાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના શૂરવીર અફસરો હોય છે. એમણે આઝાદ હિંદ ફૌજનાં અન્ય લોકો સાથે મળીને એક ગુ્રપ બનાવ્યું છે, જે પોતાની રીતે જાસૂસી કરીને દેશના દુશ્મનો સામે લડવા માગે છે... વગેરે... પરંતુ બોસ, આખી ફિલ્મમાં ક્યાંય, સમ ખાવા પુરતો પણ, સુભાષચંદ્ર બોઝનો ફોટો દેખાતો નથી ! બોલો.

છતાં, પાકિસ્તાનના ભિખારીઓને સખ્ખત જેલસી થઈ આવે અને એમનો જીવ બળી જાય એવું પણ આંખેમાં બતાડયું છે !

મામલો એવો છે કે દુશ્મનોના હાથમાં ઝડપાઈ ગયેલા ધર્મેન્દ્રને શોધવા માટે મહેમૂદ, માલા સિંહા અને ધૂમ્મલ ભિખારીઓ બનીને બૈરૂત, લેબનોન, ગ્રીસ અને ઈવન જાપાનમાં જ્યાં જ્યાં જાય છે (તુજ કો રખ્ખે રામ તુજ કો અલ્લા રખ્ખે ગાતાં ગાતાં) ત્યાં દરેકે દરેક ઠેકાણે ૨૦૦-૫૦૦થી વધારે લોકો આ ઈન્ડિયન ભિખારીઓને જોવા સાંભળવા માટે ભેગા થાય છે ! બોલો, વટ છે ને ?

બાકી પાકિસ્તાની ભિખારીઓને તો આજે કેટકેટલા દેશોમાંથી તગેડી મુકવામાં આવે છે, તમે જાણો છો ને !

'આંખે'ની એક હિસ્ટોરીકલ વેલ્યુ પણ એ રીતે છે કે તેનું શૂટિંગ બૈરૂત શહેરમાં ૧૯૬૭-૬૮માં થયું હતું. તે વખતે ત્યાં કોમી એખલાસ હતો. ત્યાર બાદ ત્યાંની કોમી હાલતમાં ખતરનાક ફેરફારો થવાને કારણે ૧૯૭૫માં લેબનોનમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે લોહિયાળ સિવિલ વોર ફાટી નીકળી હતી. 'આંખે'માં પહેલાનું સુંદર બૈરૂત શહેર જોવા મળે છે.

= 'આંખે' ૧૯૬૮ની સૌથી વધુ કમાણી કરનારી હિટ ફિલ્મ હતી.

= ફિલ્મમાં દારાસિંહનો પુત્ર પ્રદ્યુમન સિંહ એક નેગેટિવ (દેશદ્રોહીના) રોલમાં દેખાય છે.

= 'સજ્જન'નામ ધરાવતા કલાકારને આ ફિલ્મ સહિત લગભગ ૧૦૦ ફિલ્મોમાં દુર્જનના જ રોલ મળ્યા છે ! જોકે એ પહેલાં સજ્જને લગભગ પંદર-વીસ ફિલ્મોમાં હીરો અથવા સાઈડ હીરોના રોલ કર્યા હતા.

= ડેઈઝી ઈરાની, જે જાવેદ અખ્તરની સાળી થાય, તેણે અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે વાહવાહ લીધી હતી પરંતુ 'આંખે'માં તેને 'લીલી' નામનો સાવ મામુલી ગ્લેમરસ રોલ મળ્યો છે.

= ધર્મેન્દ્રની બહેન બનેલી કુમકુમ, જેને રામાનંદ સાગર સાથે 'કંઈક' હોવાનું ચર્ચાતું હતું, તે 'આંખે' પછીની ફિલ્મોમાં ખાસ્સી પાતળી દેખાતી હતી.

= 'આંખે'નું ઘણું શૂટિંગ જાપાન, બૈરૂત, ઈઝરાયેલ અને ગ્રીસમાં થયું હતું.

= રામાનંદ સાગરની 'ચરસ' (૧૯૭૬) એક રીતે 'આંખે'ની સિકવલ જ હતી !