- નવા વર્ષે સુખ અને દુ:ખને સમજવાનો પ્રયત્ન કરીએ : આપણે બધા એવા દર્દીઓ જે એકબીજાના ખાટલા બદલવા માંગે છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- ભગવાને ભક્તને કહ્યું કે 'જા, તારા દુ:ખો ભરેલું માટલું હું બતાવું તે જગ્યાએ મૂકી આવ અને બદલામાં ત્યાં જે બીજાના દુ:ખો ભરેલા માટલા પડયા છે તેમાંથી એક લઇ આવ, તેમાં ભરેલા દુ:ખ તારા રહેશે
પો તાને સૌથી દુ:ખી માનતી એક વ્યક્તિ ભગવાનને દુ:ખમાંથી મુક્ત કરવા આજીજી ભરી પ્રાર્થના કરતો. તેને ધંધામાં ખાસ બરકત નહોતી રહેતી.પુત્રીને સાસરામાં ફાવતું નહોતું તેથી ઘેર પરત આવી ગઈ હતી. પુત્રને વર્તમાન ધંધામાં રસ નહોતો પડતો અને કઈંક બીજું જ઼ કરવું હતું જેમાં તે સેટ નહોતો થઇ શકતો. પત્ની અવારનવાર બીમાર રહેતી હતી. આવા સંજોગો વચ્ચે આર્થિક સ્થિતિ પણ સંતોષકારક નહોતી.
હવે તે વધુ ધાર્મિક બની ગયો હતો. મુસીબતોમાંથી બહાર આવવા માટે દૂરના અંતરે આવેલા મંદિરમાં પગપાળા દર્શન કરવા જાય. ઉપવાસ એકટાણા કરે. અને વહેલી સવારથી ધ્યાન કરવા બેસી જાય. આવું બે વર્ષ ચાલ્યું. આખરે ભગવાન પ્રસન્ન થયા.
ભગવાને કહ્યું કે 'હું તારી આવી તપશ્ચર્યાનું કારણ જાણું છું. હું તારા દુ:ખોની યાદીને એક માટલામાં મૂકી દઉં છું. હું તને સાવ દુ:ખ મુક્ત તો કરી ન જ઼ શકું. જે નિયતિમાં હોય તેમાંથી તો પસાર થવું પડે જ઼. પણ તારી ભક્તિથી પ્રભાવિત થઈને હું એક રાહત કે અપવાદ તારા માટે સર્જી શકું. તું જે મંદિરે જાય છે ત્યાં એક પીપળાનું ઝાડ છે. ત્યાં સેકંડોની સંખ્યામાં બંધ માટલા તને જોવા મળશે.ખરેખર તો બધા લોકો તેમના દુ:ખો ઓછા થાય તે આશાથી તેમના દુ:ખો તેના માટલામાં મૂકીને તે માટલું પીપળાના ઝાડ નજીક મૂકી આવે છે. તેઓને એવી શ્રદ્ધા છે કે તેમનાં દુ:ખો આ રીતે મને અર્પણ કરે છે અને તે ઓછા થઇ જશે.
તારા માટે એક રાહત હું એ કરી આપું છું કે તું દુ:ખો ભરેલ તારું માટલું ત્યાં મૂકી આવ પણ એક શરત, તારે તે જગ્યાએથી કોઈ એક માટલું તો લાવવું જ઼ પડશે. તને તારા દુ:ખો તું દુનિયાનો સૌથી કમનસીબ હોય તેવા લાગે છે એટલે તું તારું માટલું ત્યાં મૂકીને તેની જગ્યાએ તને જે ગમે તે માટલું લઈને આવી જા. પણ હા, તારે તે માટલામાં ક્યાં દુ:ખો ભરેલા છે તે જાણવાનું નથી. માટલું ઉપરથી ચુસ્ત કપડાંથી બંધ કરેલ છે.'
ભગવાનની આવી ઓફર સાંભળી આ ભાઈ તો ખુશ થઇ ગયા કેમ કે તેમના દુ:ખો હવે ચાલ્યા જવાના છે. બીજું માટલું લેશે તેથી બોજ હળવો બનશે.
બીજે દિવસે તેણે તેનું માટલું મૂકીને બીજા કોઈનું માટલું લેવાનું હતું. પણ સાંજ વીત્યા પછી તેની બેચેની વધતી ગઈ. રાત પણ પડી.. મધરાત વીતતી ગઈ. પણ ભાઈ આમથી તેમ પડખા બદલતા હતાં. તેમને ઊંઘ નહોતી આવતી. તેને એ વિચાર સતત સળવળાટ કરતો હતો કે 'મારું માટલું મૂકીને બીજા કોઈનું માટલું લઈશ પણ તે માટલાંમાં મારાં કરતા પણ વધુ અને અસહ્ય દુ:ખો ભરેલા હશે તો. મારે જેવો પણ છે તેવો ધંધો તો છે જે મને અને મારાં પરિવારને બે ટંકનું ભોજન તો અપાવી શકે છે. એમ તો વાર તહેવારે મીઠાઈથી મોં પણ મીઠુ કરીએ છીએ. પુત્રી લગ્ન કરીને પરત આવી ગઈ છે તો શું થયું. સન્માન સાથે અને સમાજની પરવા કર્યા વગર તેને રાખીશ. તે તો સંસ્કારી છે. તે બીજા લગ્ન કરવા તૈયાર હશે તો તે માટે પણ હિંમત કેળવીશ. દીકરો બીજો ધંધો ભલે પસંદ કરે. મારે તેના પર મારો જ઼ ધંધો આગળ વધારે તેવી બળજબરી ન કરાય. નિષ્ફળતાના અનુભવથી તે ઘડાશે. તે વ્યસની કે આડે રવાડે તો નથી ચઢયો ને. અને હા.. પત્ની બીમારી સામે આત્મ શક્તિ કેળવે તે માટે તેને તૈયાર કરીશ. ઉપચાર કરાવીશ. લોકોને તો કેવી કેવી પીડાકારક અને અસાધ્ય બીમારી ભોગવવી પડે છે. હું ધંધામાં જમાનાને અનુરૂપ બદલાવ લાવવાનો પ્રયત્ન કરીશ. ધંધો બેઠો કરવા નવી પેઢીના મારાં સંતાનોના મંતવ્ય લઈશ. પણ મારાં દુ:ખોનું માટલું નહીં બદલું. સંસારમાં તો કેટકેટલાયે આધિ વ્યાધિ ઉપાધિ સાથેના દુ:ખો છે. પહેલી નજરે એવું લાગે કે આપણા કરતા બીજા સુખી કે ઓછા દુ:ખી પણ વાસ્તવિક સ્થિતિ એવી હોય કે દુ:ખ બદલાવ્યાં પછી ખબર પડે કે બહારથી સુખી કે ઓછી દુ:ખી દેખાતી વ્યક્તિ આપણા કરતા પોતાને વધુ દુ:ખી માનતી હોય.'
અહીં તો ભગવાને માટલામાં ભરેલ દુ:ખોની યાદી નહીં જોવાની તેમજ઼ બીજાના દુ:ખનું માટલુ લઇ લેવું અને પોતાનું માટલું ત્યાં મૂકી આવવાની શરત મૂકી હતી.
આ ભાઈ આખી રાત્રી ઊંઘી નથી શકતા. તેમને એવો ફફડાટ પેસી ગયો છે કે બીજાનું માટલું વધુ અસહ્ય, ક્યારેય છુટકારો ન મેળવી શકાય તેવા દુ:ખોથી ભરેલું હશે તો મારી અને પરિવારની જિંદગી બરબાદ થઇ જશે. મારે માટલું નથી બદલવું.'
બીજે દિવસે ભગવાન દેખા દે છે. તે પૂછે છે કે 'કેમ માટલું બદલાવવા નથી ગયો?'
તે વ્યક્તિ ભગવાનને કહે છે કે 'ના ભગવાન, હું જે છું તે બરાબર છું. મેં મારા કરતા પણ વધુ કેવા દુ:ખો હોઇ શકે તેની કલ્પના કરી તો ડરી ગયો.. આખી રાત્રી ઊંઘી નથી શક્યો.'
'હું મારા દુ:ખને ઓછું કરવા પ્રયત્નશીલ રહીશ. બાકી જે પરિસ્થિતિ પરિવર્તન લાવી શકે તેવી ન હોય તેનો સ્વીકાર કરી તેમાંથી પસાર થઈશ. સુખ અને દુ:ખ કંઈક અંશે મનનું કારણ અને મનની સમજનો અભાવ કે દ્રષ્ટિબિંદુ પર પણ નિર્ભર છે.'
આ પ્રેરણાત્મક ઉદાહરણનો મર્મ ઈસુના નવા વર્ષે આપણા સૌની મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે જાણવો જરૂરી છે.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે દુનિયામાં બધા દર્દી જ છે અને તે સૌ એકબીજાના દુ:ખ બદલવા માંગે છે. પગના ઘૂંટણની પારાવાર પીડા ધરાવતી વ્યક્તિ એવું માને છે કે આના કરતા ખભાના સ્નાયુનો દુખાવો સારો. પેટના કોઈ અંગના દર્દી નિરંતર પીડા અનુભવે ત્યારે એમ કહેતો હોય કે ડાયાબિટીસ સારું. ખાંડ ઓછી ખાઈને અને ગોળી લઈને પીડા વગર દિવસ તો વિતાવી શકાય. કિડનીનો દર્દી અચાનક કોઈ યુવાનનું હૃદય રોગના હુમલાથી નિધન થયું તે સમાચાર જાણે ત્યારે તેને લાગે છે કે કિડનીની બીમારી 'જાન હૈ તો જહાં હૈ'ની આશા તો આપી શકે છે. આપણે બધા ભવરોગી છીએ. આપણા કરતા બીજાની સ્થિતિ વધુ સુખદ લાગે છે. તેને લીધે જ 'ભગવાન મારી જોડે જ કેમ ' તેવી ફરિયાદ કરતા હતાશા સાથે જીવન વિતાવીએ છીએ. કે પછી બીજાનું સુખ નથી જોઈ શકતા. પ્રત્યેક પળ ઈર્ષા અને બળતરા સાથે વીતાવીએ છીએ.
ખરેખર તો આજુબાજુ પરિચિત કે આપરિચિત લોકોને જોઈશું તો એવી વ્યક્તિ કે પરિવાર નજરે ચઢશે જ કે તેની તુલનામાં આપણી પાસે જે પણ સબંધો, સંજોગો, બીમારી કે આર્થિક સ્થિતિ છે તે તુલનાત્મક ઓછું દુ:ખ કે પછી વધુ સુખદ અનુભૂતિ આપતી હશે. પણ સમસ્યા એ છે કે આપણે ભૌતિક કે સ્વાસ્થ્યની રીતે આપણા કરતા ચઢીયાતા હોય તેના પર નજર માંડીએ છીએ.
ભલે તમારી પાસે નાની કાર હોય પણ બળબળતા બપોરે કે ભારે વરસાદ વખતે સ્કૂટર કે સાયકલ પર જનારા વિશે વિચારવાની જગ્યાએ મોટી અને મોંઘી કાર નહીં હોવાનો રંજ ખટકતો હોય છે.
તમે કારમાં પતિ પત્ની ઝઘડતા હો ત્યારે બાજુમાંથી પસાર થતી મોટર સાયકલ પર બે બાળકો અને પતિ પત્ની એકબીજાને ચીપકીને બેસવું પડે તેવી સીટ પર બેસીને હંસી મજાક કરતા પવનની ઝડપે સવારી કરતા હોય ત્યારે ક્લેશ સાથેના તમારા જીવનનો બોજ ઉઠાવતી પોશ કારને પેલી મોટર સાયકલની ઈર્ષા આવતી હોઇ શકે.
આપણે ઊંઘની ગોળી જે મેડિકલ સ્ટોરમાંથી લેવા જઈએ ત્યાં રસ્તાની એક બાજુ હાથ લારી પર માથા પર તડકો ઓઢીને મજુર ગાઢ નિંદ્રા લેતો જોઈ શકાય છે.
જે વ્યક્તિ કે પરિવાર પાસે સુખી હોવાના તમામ અનુકૂળ સંજોગો હોય છે તો પણ તે સુખનો અનુભવ જ ન કરતો હોય તેવું બને. તે તેના સુખના સંજોગોની રીતે, વ્યવસાય કે ધંધામાં તેની પ્રગતિ હોય, એક મુકામ પ્રાપ્ત કર્યો હોય તો પણ તેની નજર તેના કરતા જે આગળ છે તેના પર મંડાયેલી છે.
અને છેલ્લે.. એક મહિલા સાડી ખરીદવા નામાંકિત મોટા સ્ટોરમાં ગઈ. દુકાનદારે એક પછી એક ભાત ભાતની સાડી બતાવી. મહિલા દરેક સાડીને નકારતી રહે અને બોલતી જાય 'આ પણ નહીં.' દુકાનદારને આશ્ચર્ય થયું કેમ કે લગભગ બધી જ સાડી એક પછી એક ખોલીને મોટો ઢગલો થઈ ગયો હતો.
દુકાનદારે થાકેલ અવાજ સાથે કહ્યું કે 'બેન તો તમારે કેવી સાડી જોઈએ છે.'
મહિલાએ દુકાન પરથી પગ બહાર કાઢતા કહ્યું કે 'મારી બેનપણી કીટી પાર્ટીમાં પહેરીને આવી હતી ને તેવી.'
જ્ઞાન પોસ્ટ
સુખની ચાવી કઈ રીતે મળે?
જવાબ : તાળું માર્યું જ છે કોણે?


