Get The App

શહેરી વિસ્તારોમાં દીપડાઓનો વધતો આતંક

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
શહેરી વિસ્તારોમાં દીપડાઓનો વધતો આતંક 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. વન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં 2274 દીપડા જોવા મળ્યાં છે. સૌથી વધુ દીપડા સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે

એ ક સમયે જંગલમાં રહેતાં દીપડાઓની ગણના તેમના વિસ્તારના રાજકુમાર તરીકે થતી હતી. પરંતુ વિવિધ કારણસર તેમનું રજવાડું નાનું પડવા લાગતા તેઓ માનવ વસાહતમાં ઘુસીને પોતાનો જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા છે. ભક્ષણ માટે કૂતરાં, ડુક્કર કે બકરીઓનો શિકાર કરતાં દીપડા તેની અડફેટે ચઢેલા માનવીને પણ નથી છોડતો એ વાત હવે નવી નથી રહી. આ હિંસક પ્રાણી માનવી પર ત્રાટકે છે તો સામી બાજુએ માનવફોજ તેને ખતમ કરવા મથી રહી છે.

મુંબઈમાં ૧૪૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા નેશનલ પાર્કમાં આરે કોલોની યેઉર બ્લોક તથા તુલસી લેક વિસ્તારનો સમાવેશ થાય છે.  સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના વિશાળ જંગલોમાં લગભગ ૩૫  દીપડા છે. વાસ્તવમાં આદિવાસીઓએ ઝૂપડાંઓ બનાવીને દીપડાઓના વિસ્તારમાં અતિક્રમણ કર્યું છે. અને તેમના ભોજનસ્થળને ઘેરી લીધું છે. દીપડાઓ જેના પર ખોરાક માટે નભે છે તે ખૂટયો છે. તેથી રહેણાંક વિસ્તારમાં પશુઓ અને માનવો દીપડાનો સરળતાથી શિકાર બની જાય છે. રાજ્ય સરકારે દીપડાઓના ખોરાક માટે જંગલોમાં ૫૦૦ ડુક્કર છોડવાનો નિર્ણય લીધો છે. પરંતુ તે પુરતો નથી. એટલે ભૂખ્યા દીપડાઓ આસપાસની આદિવાસીઓની વસતિ પર હુમલો કરે છે. જંગલ ખાતાના અધિકારીએ એવી પણ જાણકારી આપી હતી કે નેશનલ પાર્કના પ્રતિ ચોરસ કિલોમીટરમાં ૨૦,૦૦૦ માનવી વસવાટ કરે છે. આ અત્યંત વધુ ગીચતા ગણાય. 

પ્રાણીઓ માટે રોજીંદો નિર્વાહ વિસ્તાર ઘટતો જાય છે. એટલું જ નહિ, આ જંગલી પ્રાણીઓ જેના પર નિર્ભર છે તેવા તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા પણ આ જ કારણોસર અમુક જંગલ વિસ્તારોમાં ઘટી રહી હોવાની વિગતો બહાર આવી  છે.

નેશનલ પાર્ક પાસે આવેલી આરે કોલોની પાસેની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ કહ્યું હતું કે, પહેલા પણ અહીંઆ દીપડાના હુમલા થતાં હતા. ઘણીવખત ભોજનની શોધમાં દીપડાઓ અહીં ભટકતા રહેતા. ઘણી વખત તો તે ઘરના દરવાજા સુધી પણ આવી જતા. વાસ્તવમાં ઝૂપડપટ્ટી પાસેના જંગલમાં ઘણા દીપડા રહે છે. અને તેઓ હમેશાં હુમલો કરતા રહે છે. વનવિભાગના અધિકારીઓ કંઈ કરતા નથી.  માનવ વસતીમાં દીપડા ઘૂસી આવે છે એવી કાગારોળ મચાવવામાં આવે છે એ વિષયમાં જંગલ ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારની અંદર મકાનો બંધાવા માંડયા છે. એટલે માણસોનું એન્ક્ર્રંોચમેન્ટ વધતું જાય છે. એટલે શિકારની શોધમાં દીપડા માનવ વસતીમાં આવી ચડે છે. દીપડા ખાસ તો મરઘી, બકરી કે કૂતરાનો શિકાર કરે છે. એટલે રખડતા કૂતરાની શોધમાં આવી ચડે અને કોઇ માણસ ઝપટમાં ચડી જાય તો હુમલો કરી બેસે છે. 

કેટલીક જીવદયા સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી માણસો તેમના વિસ્તારમાં અતિક્રમણ કરવાનું નહીં છોડે ત્યાંસુધી આ હુમલા નહીં અટકે. શહેરી અને આદિવાસી બંને તેમના વિસ્તારો ઉપર તરાપ મારે છે. જંગલોમાં વસતાં આદિવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. તેઓ જમીન પર ખેતી કરે છે. વૃક્ષો કાપે છે અને પોતાની ઝૂંપડીઓ બનાવે છે. આનાથી વન્ય પ્રાણીઓનો વિસ્તાર ઓછો થતો જાય છે. આજ સૌથી મોટી સમસ્યા છે. બિલ્ડરો પણ આમાં ભૂંડી ભૂમિકા ભજવે છે.

આપણે જંગલ ખતમ કરી રહ્યા છીએ. યેઉરના પહાડોમાં થતાં નિર્માણોને લીધે દીપડાઓનું રહેવાનું ઠેકાણું રહ્યું નથી. કેટલીક ઈમારતોની દિવાલો તો જંગલની પાસે જ છે. એવામાં દીપડા અંદર ઘૂસીને હુમલો કરે તો નવાઈ ન લાગવી જોઈએ. કેટલીય ઊંચી  ઈમારતો છેલ્લા દસ વર્ષમાં યેઉરના જંગલમાં બની છે. આ જમીન વનભૂમિ અંતર્ગત ન આવતી હોવાથી તે ગેરકાયદેસર પણ ન ગણાય. તેમ છતાં તેના લીધે ઘણી સમસ્યા સર્જાય છે.

બોરીવલી નેશનલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે વન્યજીવોનું પર્યાવરણ ઝડપથી ખરાબ થઈ રહ્યું છે. શહેરી વિકાસ અને વનવિભાગે આ સમસ્યા પર ધ્યાન દેવું જોઈએ. વન તથા વનઉદ્યાનની આસપાસની ૧૦ કિ.મી.ની પટ્ટી પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર કહેવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારના આવાસ ન હોવા જોઈએ. પરંતુ આ નિયમનું પાલન કોઈ કરતું નથી. જ્યારે ત્યાં  દીપડા કે અન્ય પ્રાણી પહોંચે છે ત્યારે લોકો બૂમાબૂમ કરે છે. 

આવશ્યકતા એ છે કે વનવિભાગે તમામ માનવીય અતિક્રમણોને તરત જ દૂર કરવા જોઈએ. ગોરેગામ વિસ્તારના જંગલનો એક મોટો હિસ્સો એક ખાનગી  ક્લબે ઘેરી લીધો છે અને ત્યાં ગોલ્ફ કોર્સ બનાવ્યો છે. હવે ત્યાં પણ દીપડા ફરતાં જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ માટે નેશનલપાર્કની આસપાસ ૯૮ કિ.મી. લાંબી અને એકદમ ઊંચી દિવાલ બાંધવી જોઈએ. થોડાં વર્ષ પૂર્વે  મલાડ-કાંદિવલી વિસ્તારમાં ૨૨ કિ.મી. લાંબી દિવાલ બનાવવાનો આદેશ સરકારે આપ્યો હતો. 

બાઉન્ડરી બનાવવાથી જંગલ વિસ્તારના દીપડા પાર્કની બહાર નહીં આવી શકે. ગોરેગામની આરે કોલોનીનું જંગલ નેશનલ પાર્કનો ભાગ નથી. વનવિભાગે પણ હવે દિવાલ બનાવવાનો પ્રસ્તાવ પાઠવ્યો છે. પરંતુ મજાની વાત એ છે કે રાજકારણીઓ આનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે.

એક ફોરેસ્ટ ઓફિસરે કહ્યું હતું કે લોકોને દીપડાના હુમલાથી બચાવવા માટે વનરક્ષકો સતત પેટ્રોલિંગ કરતા રહે છે. જંગલી જનાવરો સામે કઇ જાતની સાવચેતી રાખવી એ વિશે જાગૃતિ ફેલાવવા માટે પેમ્ફલેટ પણ વહેંચવામાં આવ્યાં છે. 

આ અફસરે લોકોને સલાહ આપી હતી કે ક્યાંક દીપડો દેખાય તો ગભરાઇને શોરબકોર ન મચાવવો કે ફટાકડા ફોડીને અવાજ ન કરવો. દીપડો ક્યાંક સંતાઇને બેઠો હોય તો તરત જ વનરક્ષકોની બચાવ ટુકડીને જાણ કરી દેવી જોઇએ અને લોકોની ભીડને હટાવી દેવી જોઇએ. કારણ વધુ પડતા શોરબકોરથી ઉશ્કેરાઇને દીપડો હુમલો કરી બેસે છે.  ફિલ્મસિટી એરિયા નેશનલ પાર્કના જંગલની બાજુમાં જ આવેલો હોવાથી અગાઉ પણ એક દીપડો ઘૂસી જતા સેટ ઉપર દોડધામ મચી ગઇ હતી. 

૩,૨૦૦ એકરમાં ફેલાયેલા સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે ફક્ત આઠ જ ફોરેસ્ટ ઓફિસર હોવાથી જંગલના નરભક્ષી દીપડા પર નજર રાખવા માટે આટલો સ્ટાફ અપૂરતો છે, એવો આક્ષેપ એક વિધાનસભ્યએ કર્યો હતો. બે વર્ષ પહેલાં પર્યાવરણ અને જંગલ વિભાગે બાવીસ કિલોમીટરની બાઉન્ડરી બનાવવા માટે દસ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પણ આ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના વિરોધને લીધે આ કામ નથી થઈ શક્યું.

તેમણે આ જંગલમાં કેટલાં પ્રાણીઓ રહે છે એ વિશે કહ્યું હતું કે 'ઉદ્યાનમાં ૩૫ દીપડા ઉપરાંત આઠસોથી વધુ હરણ, ચીતળ, સસલા, જંગલી ડુક્કર વગેરે પ્રાણીઓ રહે છે જે દીપડાના કુદરતી શિકાર છે. આમ છતાં દીપડા સહેલાઈથી મળી જતા શિકાર પર પસંદગી ઉતારે છે. કૂતરો  અને બકરી પણ તેમનો મનગમતો શિકાર છે. દીપડાના શિકારનો સમય સાંજે સાતથી દસ અને સવારે ત્રણથી પાંચ વાગ્યા સુધીનો હોય છે. બેઠેલા કે સૂતેલા માણસો કે નાનાં બાળકોનો શિકાર તેઓ આસાનીથી કરી શકે છે. કુદરતી હાજતે કે બહાર રમવા ગયેલાં બાળકો પર તેણે હુમલો કર્યો હોવાના બનાવ બન્યા છે.'

છેલ્લા કેટલાક વખતથી ગુજરાતમાં  દીપડાઓએ માનવ હુમલા કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અમરેલી, વિસાવદર સહિતના વિસ્તારમાં દીપડાઓએ ૧૪થી વધુ લોકોને ફાડી ખાધા હતા જયારે ૬૭ લોકો પર હુમલો કરીને ઘાયલ કર્યા હતાં. 

ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં ૬૩ ટકાનો વધારો થયો છે. વન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં ૨૨૭૪ દીપડા જોવા મળ્યાં છે. સૌથી વધુ દીપડા સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. છેલ્લે ૨૦૧૬માં જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે આ સંખ્યા ૧૩૯૫ જેટલી હતી.

દીપડાની વસતી પાંચ વર્ષે કરવામાં આવે છે પરંતુ કોરોના સંક્રમણના કારણે સમયસર ગણતરી થઇ શકી ન હતી. વન વિભાગના તાજેતરના સર્વેમાં કેટલીક બાબતો સામે આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા ઉપરાંત સુરત, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં દીપડા વધી રહ્યાં છે. બીજીતરફ ભરૂચ અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં માનવીય રહેઠાણો પાસે દીપડા જોવા મળ્યાં છે.

ગુજરાતમાં દીપડાની સૌથી વધુ ૫૭૮ જેટલી સંખ્યા જૂનાગઢમાં છે. ગીર સોમનાથમાં ૨૫૭ દીપડા જોવા મળ્યા હતા. એવી જ રીતે દાહોદમાં ૨૦૦, પંચમહાલમાં ૧૧૯ અને છોટા ઉદેપુરમાં ૧૧૧ની સંખ્યા થઇ છે. છ વર્ષ પહેલાં જૂનાગઢમાં ૩૫૪ અને ગીર સોમનાથમાં ૧૧૧ દિપડા હતા.

અત્રે એક વાત નોંધવા જેવી છે કે મુંબઇનું સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (એસ.જી.એન.પી.) વિશ્વનું એક માત્ર એવું નેશનલ પાર્ક  છે જેના નાના વિસ્તારમાં દીપડાની સંખ્યા સૌથી વધારે  છે.એટલે કે એસ.જી.એન.પી.ના ૧૪૦ કિલોમીટરના વિસ્તારમાં ૩૫  દીપડા રહે છે. વળી, એસ.જી.એન.પી. દુનિયાનું એક માત્ર એવું નેશનલ પાર્ક છે  જે  મુંબઇ મહાનગરની મધ્યમાં   છે અને તેની ફરતે  શહેર વસેલું છે. 

આ અહેવાલમાં   જોકે એવો ઉલ્લેખ પણ છે કે  એસ.જી.એન.પી. ફરતેના મુંબઇના  શહેરી વિસ્તારમાં દર એક  કિલોમીટરના વિસ્તારમાં ૨૦,૦૦૦ નાગરિકો વસે છે.  માનવ વસતિની   ગીચતાનું  આ પ્રમાણ નજીકના   તુંગારેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ક્ચુરી(ટી.ડબલ્યુ.એલ.એસ.) ફરતેની માનવ વસતિની ગીચતા કરતાં વધારે  છે.

મહારાષ્ટ્રના ૨૯ જિલ્લામાં દીપડાની વધતી જતી રંજાડ ઓછી કરવા અને દીપડાનો ત્રાસ ઓછો કરવાના પગલાં લેવા માટે રાજ્ય સરકાર તરફથી તાજેતરમાં વન-વિભાગને ૫૬૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ભંડોળમાંથી જ્યાં દીપડાનો સૌથી વધુ ત્રાસ છે એવાં પુણે, નાસિક, અહિલ્યાનગર જિલ્લામાં ૧૮૦૦ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરવામાં આવશે.

આ વિસ્તારોમાં જંગલોમાં દીપડાની વસતી વધીને ૬૦૦ની આસપાસ થઈ ગઈ છે.

ગ્રામજનો કહે છે કે દીપડાની દહેશતને લીધે સ્કૂલો બંધ રાખવી પડે છે, શેરડીની કાપણીનું કામ ખોરવાયું છે, સાંજ પછી ગામડાઓમાં કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળે છે અને લોકોએ રાતે જાગરણ કરીને ચોકી પહેરો કરવો પડે છે.

આ સિવાય દીપડાઓ માનવી પર હુમલો ન કરી શકે તે માટે લો-વોલ્ટેજની સૌરવાડ ઊભી કરાશે. આ વાડ દેખીતી રીતે જ ઓછા વોલ્ટેજની હશે. જે પણ આ વાડને સ્પર્શશે તેમને વીજળીનો હળવો આંચકો લાગશે. આનાથી કોઈ નુકશાન નહીં થાય. પરંતુ દીપડાઓ જંગલમાંથી માનવવસતિમાં નહીં આવે. એ જ રીતે માણસ પ્રતિબંધિત વિસ્તારની અંદર નહીં પ્રવેશી શકે. આ વાડ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં ભાંડુપ, પવઈ અને આરે કોલોનીમાં આ વાડ ઊભી કરવામાં આવશે. આ વિસ્તારોમાં દીપડાઓ દ્વારા વધુ પડતા હુમલા થયા છે. વાડ ઊભી કરવા માટે કિ.મી. દીઠ એક લાખ રૂપિયાનો ખર્ચ થશે.

બીજી એક અગત્યની વાત એ છે કે  દીપડા  હમેશાં  માણસના ગળા પર  દાંત ભરાવી  મોતને ઘાટ ઉતારતા  હોવાથી ખેતરોમાં  મજુરી  કરતા લોકોને અણિયાળા  કાંટાવાળા લોખંડી  ગળાપટ્ટા  (નેક-બેલ્ટ)  નું વિતરણ  શરૂ   કરવામાં આવ્યું છે.    દીપડા  પોતાના શિકારને   ગળેથી  જ પકડીને  ઢસડી જતા  હોય છે.  એટલે  ખેતરોમાં  કામ કરતા મજૂરોને  આ અણિયાળા  કાંટાવાળા   લોખંડી  બેલ્ટ પહેરાવવામાં આવ્યા છે,  જેથી  દીપડો   ગળેથી પકડવા જાય તો આ કાંટા તેના મોઢામાં વાગવાથી   શિકાર  મૂકી  નાસી જાય છે. ઉપરાંત ઠેકઠેકાણે  એ.આઈ. ટેક્નોલોજીથી સજ્જ કેમેરા  ગોઠવાયા  છે અને દીપડાની અવરજવર  હોય એ રૂટ  પર અને ખેતરોની ફરતે સોલાર- ફેન્સ લગાડવામાં આવી  રહી  છે. 

હવે તો વધતાં જતા દીપડાના ઉપદ્રવ અને હુમલાના બનાવોને અંકુશમાં લેવા માટે સરકારે એ.આઈ. આધારિત એલર્ટ સિસ્ટમની ગોઠવણી કરી છે. ડ્રોનથી નજર રાખવા ઉપરાંત દીપડાને પકડવા માટે પીંજરાની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.

જુન્નર વિસ્તારમાં સૌથી વધુ દીપડાની દહેશત વ્યાપી હોવાથી અગાઉ  ત્યાં  ૨૦૦ પીંજરા  મૂકવામાં આવ્યા હતા.  એ સંખ્યા વધારીને એક હજાર કરવામાં આવી છે.સ્પેશ્યલ કેમેરા સાથે જોડવામાં આવેલી એ.આઈ. આધારિત એલર્ટ સિસ્ટમને લીધે દીપડો ગામમાં દાખલ થશે એ જ વખતે સાયરન ગાજી ઊઠશે.

ખેડૂતોએ રાતના સમયે દીપડાના જોખમનો સામનો કરીને ખેતીના કામ માટે ખેતરોમાં જવું ન પડે એટલે દિવસે સિૅંચાઈ માટે વીજળી પુરવઠો આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.  ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકે માટે વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે અને ઉંચે આકાશેથી દીપડાની હિલચાલ પર ચાંપતી નજર રાખવા માટે ડ્રોન પૂરા પાડવામાં  આવ્યાં છે. આ બધી ઉપાય યોજના માટે ૧૧ કરોડ ફાળવવામાં આવ્યાં છે.

જુન્નર વિભાગમાં કામ કરી ચૂકેલા વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક બિલાલ હબીબે જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં જન્મ નિયંત્રણના પરિણામો પ્રોત્સાહક હતા. 'જો આપણે બે વર્ષ સુધી જન્મ નિયંત્રણ કરીએ તો બચ્ચાઓની સંખ્યા નિયંત્રણમાં આવશે,' પરંતુ આપણે જોવું પડશે કે, તે કેવી રીતે કામ કરે છે, કારણ કે ભારતમાં આ પહેલો પ્રયાસ છે. તેથી આ પ્રયોગ પાંચ માદાઓ પર કરવામાં આવશે. સફળતાના આધારે આ પ્રાંતમાં ભાવિ યોજના ઘડી કાઢવામાં આવશે. જો કે જીવ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, નસબંધી એ ઝડપી ઉકેલ લાવવાની પદ્ધતિ નથી.

ઓર એક ઉપાય તરીકે દીપડા અને કૂતરાને શિકાર માટે માનવવસ્તીમાં ઘૂસણખોરી કરતા અટકાવવાના ઉપાય તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મોટી સંખ્યામાં બકરીઓને  જંગલમાં છોડી મૂકવામાં આવશે. જંગલમાં જ ભોજન મળી રહેવાથી દીપડા ગામમાં આવતા અટકશે.

મહારાષ્ટ્રના જંગલ ખાતાના    પ્રધાન ગણેશ નાઈકે  જણાવ્યું હતું કે દીપડાના હુમલામાં ચાર વ્યક્તિ મૃત્યુ પામે તો સરકારે એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડે છે. આટલું ઉચું વળતર ચૂકવવું ન પડે એટલા માટે એક કરોડની બકરીઓ જંગલમાં છોડી મૂકવાનું ફોરેસ્ટ ખાતાને જણાવ્યું છે જેથી દીપડા માનવવસ્તીમાં આવે જ નહીં.મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં દીપડાનો વધુ ત્રાસ છે ત્યાંના જંગલોમાં હવે બકરીઓ છોડવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.  પુણે, નાસિક અને અહિલ્યાનગરમાં વધુમાં વધુ દીપડાનો ત્રાસ છે. દીપડી એક સુવાવડમાં ચાર બચ્ચાં જણે છે. આમ દીપડાની આબાદી ઝડપથી વધી રહી છે.દીપડાની વધતી જતી વસતીને રોકવા નસબંધીના ઉપાય વિશે વિચારણા ચાલી રહી છે.

ઓર એક ઉપાય રુપે દીપડાને અને  વાઘને માનવવસ્તીમાં જતા અટકાવવાના પ્રયાસ  રૂપે જંગલની ફરતે બાંબૂનું વાવેતર કરવામાં આવશે. અત્યારે જંગલમાં ફળ આપતા વૃક્ષો ઘટતા જાય છે. એટલે ફળાહારી અને શાકાહારી પ્રાણીઓ ઓછા થવા માંડયા છે. એટલે જ દીપડા અને વાઘ શિકારની શોધમાં માનવવસ્તીમાં પહોંચી જાય છે. એ તો જાણે ઠીક, પરંતુ નાસિકની ભોંસલે મિલિટરી સ્કૂલ-કોલેજ પરિસરમાં એક દીપડો ઘૂસી ગયો હતો. ચારેબાજુએ ઊંચી દીવાલ ધરાવતાં આ કેમ્પસમાં દીપડો દેખાયા બાદ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને સલામતીના કારણસર રજા આપી દેવામાં આવી હતી. આ સિવાય પૂણે એરપોર્ટ વિસ્તારમાં ગયા મહિને એક દીપડો ઘૂસી ગયો પછી આઠ મહિના બાદ એક ટનલમાંથી પકડાયો હતો. દીપડાને ઝડપી લેવા કુલ ૩૦ જણની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

તાજેતરમાં નાગપુરમાં વિધાનમંડળનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે  પુણે જિલ્લાના જુન્નરમાં વધતા જતા દીપડાના હુમલાને કારણે ઉભી થયેલી ભયજનક સ્થિતિનો ખ્યાલ આપવા જુન્નરના વિધાનસભ્ય શરદ સોનાવણે   વિધાનભવનમાં દીપડાનું મહોરૃં પહેરી વેશ ધારણ કરીને આવ્યા હતા.

આમ દીપડા અને માનવજાત વચ્ચેનો સંઘર્ષ વધતો જાય છે. ત્યાં બીજી તરફ વાઘ દ્વારા પણ માનવવસાહતમાં ઘુસી જવાના કિસ્સા યુ.પી. બિહારમાં વધી ગયા છે. થોડાં વરસ પૂર્વે માનવભક્ષી વાઘણ અવનીએ મહારાષ્ટ્રના જંગલમાં તરખાટ મચાવ્યા પછી તેની હત્યા થઈ એ પગલે પણ ભારે વિવાદ થયો હતો.

- ભાલચંદ્ર જાની