- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- બાળકને માવડી શબ્દના અર્થની ખબર નથી 'મોમ કે મમ્મા'થી તે ઓળખે છે. 'લન્ચ' શબ્દથી જ ટેવાયેલા બાળકને શિરામણનો અર્થ ક્યાંથી આવડે?
ગુ જરાતી ભાષાનું શબ્દભંડોળ વિદેશી શબ્દોના આક્રમક આગમનથી વધ્યું છે પણ આપણા દેશ્ય અને કેટલાક તદ્ભવ શબ્દોના ઓછા વપરાશને કારણે તે ઘટતું જાય છે, એ ચિંતાનો વિષય છે. બાળકને માવડી શબ્દના અર્થની ખબર નથી 'મોમ કે મમ્મા'થી તે ઓળખે છે. 'લન્ચ' શબ્દથી જ ટેવાયેલા બાળકને શિરામણનો અર્થ ક્યાંથી આવડે ? બ્રશથી દાંત સાફ કરતા બાળકને 'દાતણ' શબ્દની નવાઈ જ લાગે ને ?
એમ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા, વપરાશમાંથી ઘસાતા જતા કેટલાક ક્રિયાવાચી શબ્દોના અર્થોના વૈવિધ્ય વિશે જાણીએ.
છડવું - ફોતરાં કાઢવાં, ચોખા અને બાજરી જેવાં ધાનનાં ફોતરાં કાઢી ખીચડી રંધાતી, છડવાનું કામ સાંબેલું કરતું.
ખાંડવું - લાડવા બનાવવા મૂઠિયાંને ઝીણા તો ક્યારેક સૂપડું પણ છડે છે. ખાડવાં પડતાં - ચલમ કે હુક્કામાં પીવાની તમાકુને ઝીણી ખાંડવી પડતી. મરચાં ખંડાવીને મરચું બનાવી ઘરમાં ભરી લેતાં.
ફોલવું - મગફળી, ચણા, મગની સિંગને ફોલવી પડે, તેમાં પણ ફોતરાં હટાવવાનાં છે. હાથથી જેનાં ફોતરાં દૂર થાય તે ફોલવું અને સાંબેલાથી જેનાં ફોતરાં દૂર તાય તે છડવું.
છોલવું - આ ક્રિયામાં પણ છોતરાં-ફોતરાં હટાવવાની જ વાત છે. જેની સાથે ચામડીની જેમ સજ્જડ જોડાયેલાં ફોતરાં હોય.... કેરી, બટાટા, શક્કરિયાં વગેરેનાં ફોતરાં દૂર કરવાની ઘટનાને છોલવું કહેવાય. સુથાર પણ લાકડા ઉપર રંધો ફેરવી જે ભાગ દૂર કરતો જાય તે પણ છોલ પાડીને છોલવાનું કામ કરે છે.
લણવું - બાજરી કે જુવારના ડૂંડાં-કણસલાં તોડી તોડી છૂટાં પાડી પૂળા-અલગ કરવાની ક્રિયાને લણવું કહે છે. પાક લણી લેવો. ઝાટકવું - સૂપડાની મદદથી હાથ ઊંચો નીચો કરીને ફોતરાં હટાવવાની ક્રિયાને ઝાટકવું કહે છે. કસોજણ - અનાજના ઢગલામાંથી સાવરણાની મદદથી ઝીણા દાણા એક તરફ કરવાની ક્રિયાને કસોજણ કહે છે. ઉત્તર ગુજરાતમાં તેને 'ઓંચેણ' કહે છે.
પોંખવું - ખેતરમાં ખાતર, અનાજ વગેરે વેરવાની ક્રિયાને પોંખવું (પૂંખવું) કહે છે. 'વિલાયતી ખાતર પૂંખ્યું' એમ ખેડૂતો બોલે છે, વાવેતર કરવાની ક્રિયા.
કાપણી - અનાજ તૈયાર થાય ત્યારે ખેતરમાંથી કાપી લેવાની ક્રિયાને કાપણી કહે છે તેને ઘણી જગ્યાએ વાઢવું પણ કહે છે.
નેંધલવું - મોટું થવું, વૃદ્ધિ થવાની ક્રિયાને કહે છે. બાજરી અંકુરાઈને છેક ડૂંડે આવે ત્યારે તેને 'નેંઘલી' છે એમ કહેવાય. કણસલાં દેખાય ત્યારે કહેવાય.
ઊપણવું - કૃત્રિમ પવન નાખીને અનાજમાંય ફોતરાં-કચરું ઊડાડી દૂર કરવાની ક્રિયાને ઉપણવું કહે છે જેમાં પછેડીનો ઉપયોગ થાય છે. બે છેડા બાંધવા કે પકડવા પડે છે.
પાલો કરવો - બે પ્રકારના ધાન ભેગા કરવાની ક્રિયાને પાલો કરવાનું કહે છે અથવા બે પ્રકારની, ખાતર કે ચાની ભુકીનો પણ પાલો કરાય છે.
નિંદામણ - બીનજરૂરી તણખલાં તોડીને-વીણીને ચૂંટીને જમીનમાંથી ઊંચકી લઈને મૂળ પાકને મોકળો કરવાની ક્રિયાને નિંદામણ કહે છે.
પેરવું - ખેતરમાં બાજરી, ઘઉં, જુવાર કે કોઈપણ ધાન પેરણી દ્વારા મુઠ્ઠી મુઠ્ઠી નાખીને (બળદ દ્વારા થતી ખેતી) ખેતરમાં વાવવાની ક્રિયાને પેરવું કહે છે.
સલો કરવો - પાક લઈ લીધા પછી, કલ્લા ઉપાડી લીધા પછી ખેતરમાં નજરે નહિ પડેલું ધાન વીણવાની ક્રિયાને હલો કરવો કહે છે.
શૂળ કાઢવું - (કાંટા વીણવા), પૂંજા પાડવા (ખાતર વેરવું), વરાપ (ઉઘાડ નીકળ્યા પછીનું ખેતર) પાથરા કરવા, કલ્લા કરવા, પૂળા બાંધવા, પાણત કરવું, પાણી વાળવું - આ બધી ક્રિયાઓના અર્થ થોડાક જાણીતા છે પણ 'અભરામ નંદાવે' આપ્યું નો શો અર્થ ? (અભ્રમેણ દત્ત) વેચાણખતમાં લખાય. કોઈપણ જાતના ભ્રમ કે ગફલત વગર અક્કલ હોશિયારીથી દીધું છે. જેમાં પછી દેનારનો કશો હક્ક, દાવો રહેતો નથી. 'નંદાવા ખેતર વેચ્યું' એ પ્રયોગ થાય છે તેનો અર્થ ન-દાવે ખેતર વેચ્યું એમ થાય છે. 'નવ્વાણું વરસની શરતે'નો અર્થ વેચાણ કરવું જ થતો હતો એ વખતે વેચાણ દસ્તાવેજ થતા ન્હોતા એટલે ૯૯ વર્ષની અવધ રખાતી, પણ વેચાણ જ થયેલું ગણાય. શેરડી, જુવાર કે વાંસની બે ગાંઠો વચ્ચેનાં ભાગને 'કાતળી' કહે છે તેવી જ રીતે કપાસ કે તુવરના છોડની દાંડીને 'કરાંઠી' કહેવાય. શેરડીનો કાપેલા સાંઠાને 'ગંડેરી' કહેવાય. સુક્કી કપાસ અને તુવરની 'સાંઠી' કહેવાય. એકવાર બળતણનો જથ્થો ચૂલામાં નાખવો તેને 'ઊં/ઓબાળ' કહેવાય. હાથે દળવાની ઘંટીમાં મૂઠી વડે એકવાર નંખાતું અનાજ, તેને 'ઓરણું' કહે છે. ખેતરમાં ઘાસની શંકુ આકારની રચનાને 'ઓઘો' કહે છે. મૂળ સહિત ખેતરમાંથી આમળીને એને ઉખેળી નાખવાની ક્રિયાને 'ઊંબેળવું' કહે છે. સળગતા ઘાસના સાંઠાને કે લાકડાને 'ઊંબાડિયું' કહે છે, ગાડાના ચાકમાં તેલ બોળેલું ચીંથરું ચોપડી મુકવાની ક્રિયાને 'ઊંજવું' કહે છે. ગાડામાં પાછળના ભાગમાં વજન વધારે થઈ જાય અને ઊંટડાનો ભાગ ઊંચો થઈ જાય તો તેને 'ઊલળવું' કહે છે. બારણાના આગળાને 'ઉલાળો' કહે છે. તે પ્રસૂતિ વચ્ચેના ગાળાને 'ઉવેલ' કહે છે. ગાડું આગળની બાજુ વધારે ભારવાળું બને ત્યારે 'ધરાર' કહે છે. વાસણની ઉચ્ચા વચતા ક્રમમાં કરેલી થપ્પીને 'ઊતરડ' કહે છે, શરીર ઉપર લોહી વગરનો જે લોહિયાળ કાપો કે ઘા પડે તેને 'ઉઝરડો' કહે છે. ખોદીને બહાર કાઢવાની ક્રિયાને 'ઉખાળવું' કહે છે. ખાંડવાના ખાડાને ખાંડણિયો કે ઉખળિયો કહે છે. બુદ્ધિપૂર્વક ઢોરને કે માણસને ઘેરી લેવો તેને 'આંતરવું' કહે છે. ઘઉંના કણસલાને 'ઊંબી' કહે છે. આપણા વૈભવથી જ આપણે કેટલા બધાં અજાણ થઈ રહ્યા છીએ ?


