Get The App

સફળ લગ્નજીવનની P.R.E.M. ફોર્મ્યુલા!

Updated: Dec 4th, 2022

GS TEAM


Google News
Google News
સફળ લગ્નજીવનની P.R.E.M. ફોર્મ્યુલા! 1 - image


- ચાર મંગળફેરા પછી પણ નવા જમાનાના આ ચાર 'સમજણ ફેરા' વધુ જરૂરી છે

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- રિલેશન કોઈ ઓવન નથી કે ગેરન્ટી સાથે આવે. પણ સારા, સુખી દાંપત્યના સમયમાં ચાર ચાવીઓ છે, જે ઘણી વખત તાળાને લાગુ પડી જાય તો પેલું સુખનું તોરણ દ્વારે ઝૂલતું રહે

પાડી સેંથી નિરખિ રહિ'તી

ચાંદલો પૂર્ણ કરવા,

ઓષ્ઠો લાડે કુજન કરતા,

'કંથ કોડામણા હો,

વલ્લીવાયૂ રમત મસતી

ગૅલ શાં શાં કરે જો !'

ત્યાં દ્વારેથી નમિ જઈ

નીચો ભાવનાસિદ્ધિ દાતા

આવ્યો છૂપો અરવ પદ,

જાણે ચહે ચિત્ત સરવા,

- ને ઓચિંતી કરઝડપથી

બે ઉરો એક થાતાં !

કંપી ડોલી લચિ વિખરિ

શોભા પડી સ્કંધદેશે,

છૂટી ઊંચે વળિ કરલતા

શોભવે કંઠ હોંસે :

'દ્હાડે યે શું ?' ઉચરિ

પણ મંડયાં દૃગો નૃત્ય કરવા,

'એ તો આવ્યો કુજન કુમળું

આ મિઠું શ્રોત્ર ભરવા.'

'એ તો રાતો દિન ફરિફરી

ઊર ઉપડયા કરે છે.'

'તો યે મીઠું અધિક

ઉભયે કંઠ જ્યારે ભળે છે.'

ગાયૂં : પાયાં જિગર જિગરે

પેયુષો સામસામાં,

ન્હૈ ત્યાં ચાંદાસુરજ હજિ,

એ પ્રેમ કેરી ઉષામાં.

બ.ક.ઠા યાને બળવંતરાય ઠાકોરની આ કવિતા જૂની ગુજરાતીમાં યથાતથ જોડણીમાં મૂકી છે. ઘણાએ જમ્પ કટ કર્યો હશે એમાં, આમે ય શુષ્ક જીવન જીવનારાઓ કવિતા કૂદાવી દેતા હોય છે ! પણ ભાષાના બદલતા પ્રવાહો બાજુએ રાખો તો કવિતા જૂની શૈલીમાં લખાયેલી છે, પણ જરાય જૂની થઈ નથી ! ઇનફેક્ટ, ક્રિએટીવ યંગ ક્રિએટર્સ તો આમાંથી કોઈ સરસ મ્યુઝિક વિડિયો બનાવી શકે, એવો 'સીન' જ વિઝ્યુલાઇઝ થયો છે. 'પ્રેમની ઉષા' નામની આ કવિતામાં.

શીર્ષક મુજબ આ લગ્નજીવનનો આરંભ છે. ન્યુલી વેડેડ કપલ છે. નવપરણીત દંપતી માટે પહેલું વર્ષ તો મેરેજ લાઇફમાં કાચનું ગણાય. ફ્રેજાઇલ તો ખરું જ. હજુ જો સ્નેહગાંઠ મજબૂત ન થઈ હોય તો નાની નાની વાતમાં તૂટી જાય. એ રીતે પણ કાચનું અને કાચ જેમ જેમ રંગબેરંગ અને ચમકદાર હોય. પારદર્શક અને ખનકદાર હોય એવું રુંડું. એ રીતે પણ ગ્લોરિયસ ગણાય ઇયર.

તો કવિ અહીં ઘેર ડ્રેસિંગ ટેબલ સામે શણગાર સજતી નવોઢાનું શબ્દચિત્ર દોરે છે. પણ એનો સેંથો, ચાંદલો કે આજના જમાના મુજબ કહો કે મેકઅપ પુર્ણ થાય, અને એ ગણગણે છે એ ગીત પૂરું થાય એ પહેલાં જ અરીસામાં દેખાય નહિ એવી ચપળતાથી ધોળે દિવસે કામ પર ગયેલા પતિની કામરસપ્રચૂર એન્ટ્રી થાય છે. જાણે ધસમસતો પવન મસ્તીએ ચડયો હોય એમ એ બાથ ભરી લે છે, સરપ્રાઇઝ આપીને પત્નીને !

આ પ્રેમાક્રમણથી પત્નીના ઓળેલા વાળ અચાનક ખુલ્લા ખભા પર વીખેરાઈ જાય છે ગળામાં હાથ નાખીને એ જ્યારે પૂછે છે પતિને અચાનક આવવાનું કારણ તો એ બહાના બતાવે છે. પત્ની પણ સમજી જાય છે. છણકા કરે, પણ અંદરથી આ એટેન્શન, આ માદક મિલનની ભરતી એને ય ગમે છે. બેઉ એકમેકમાં ગૂંથાઈ જાય છે ત્યારે કવિ લખે છે એમ જીગર ખોલીને એકબીજાને આનંદનું અમૃત પાય છે, એવી રતિમસ્તી અનુભવે છે. સવારમાં 'ભળું ભાંખળું' કહેવાય એવી ઉષાની ગોરીના ગાલ જેવી રતુમડી લાલિમા ફેલાય ત્યારે સૂરજ ચંદ્ર એક સાથે આકાશે દેખાય એવી પળો હોય છે. હસબન્ડ એન્ડ વાઇફનું યુગલત્વ આવું છે. સન એન્ડ મૂન ટુ ગેધર. બેઉની ઓળખ જુદી આકાર જુદા આકાશ એક પણ પ્રકાશ એક.

સાયોકોલોજીસ્ટ ડેન વાઇન્ડની કિતાબ 'આફ્ટર ધ હનીમૂન'માં એક રિયાલિસ્ટીક ક્વૉટ છે : તમે જ્યારે તમારા લાંબા ગાળાના લાઇફ પાર્ટનર, જીવનસાથી પસંદ કરો છો ત્યારે તમે દસ, પંદર, પચાસ વર્ષો માટે એમના ઉકેલી શકાય એવા ગૂંચવાડા, ગમાડી ન શકાય એવી આદતો અને બદલાવી ન શકાય એવી લાક્ષણિકતાઓ (ટ્રેઇટસ) પણ ગુલદસ્તાની જેમ ઝુમખામાં પસંદ કરો છો ! વેલ સેઇડ. આ એક મોટું કારણ છે કે ઇન્ડીપેન્ડન્ટ થયેલી, ભણેલી અને આર્થિક રીતે પગભર યંગ જનરેશન જગતમાં મેરેજથી ભાગે છે. વધુ ને વધુ લોકો સિંગલ રહેવાનું પસંદ કરે છે.

ધે ડોન્ટ લાઇક ધેટ ધેર લાઇવ્ઝ આર બીઇંગ કન્ટ્રોલ્ડ બાય સમવન એલ્સ. ઘણાને તો ખુદના જ ઇમોશન્સ કે ફીલિંગ્સ પર કાબૂ નથી હોતો. એમને એમની મર્યાદાઓ બીજાઓ સામે એક્સપોઝ્ડ થવાનો ડર સતાવે છે કે પછી ભવિષ્યમાં કમિટમેન્ટ પાળી નહિ શકાય ને નકામી માથાકૂટ થશે, એ ભય રહે છે. ઘણાંને એમની ફ્રીડમ છીનવાઈ જવાની બીક છે. મોટો ખતરો બધાને સરસ ચાલતી ગાડી સામે કોઈક અચાનક આવે તો ભટકાઈ જાય, એમ પાર્ટનર કાયમ માટે વફાદાર કે કેરિંગ નહિ રહે એનો છે.

અને એક ચીજ હોય છે : મિસમેચ. દેખાવે કે અમુક શોખ, વ્યવસાય પરફેક્ટ મેચ લાગે એ કપલ એક્ચ્યુઅલી સતત સાથે એક છત નીચે રહેવા માટે બન્યા ન હોય. પછી સતત તિખારા ઝરે. એમાં ય મોટો ખતરો છે, ઉપર ઉપરથી તો 'ઑલ ઇઝ વેલ' દેખાડવા મથતા અને કૃત્રિમ મીઠાશ બતાવતા લોકો. સેકરીનનું ગળપણ છેલ્લે કડવું લાગે, એમ આવી બનાવટી નૌટંકીનો તંબૂ અંતે તાણિયા તૂટી જતા ઉડી જાય ત્યારે વધારે ઘસરકા કરતો જાય. એક સર્વે છે કે જે કપલમાં ઝઘડા નથી થતા એમના ડિવોર્સ રેટ હાઇ હોય છે. કારણ કે જોડે રહો ને સાવ મતભેદ કે માથાકૂટ થાય જ નહિ એ તો શક્ય નથી. મતલબ એ ઘૂંટડા ગુસ્સા કે અણગમના અંદર ગળી જવા પડે. એ પછી ઘૂંટાઈને નફરત બને ત્યારે થતો વિસ્ફોટ પ્રચંડ હોય છે. રોજ વરાળ બહાર નીકળે એમાં ધડાકા મોટા થતા નથી.

વેલ, દુનિયામાં જો સુખ અને સફળતાની કોઈ અફર એવી સુપર સાયન્ટિફિક ફોર્મ્યુલા હોત તો કોઈ દુખી કે હેરાન હોત જ નહિ. રિલેશન કોઈ ઓવન નથી કે ગેરન્ટી સાથે આવે. પણ સારા, સુખી દાંપત્યના સમયમાં ચાર ચાવીઓ છે, જે ઘણી વખત તાળાને લાગુ પડી જાય તો પેલું સુખનું તોરણ દ્વારે ઝૂલતું રહે યુ નો ! ચાર મંગળફેરા હિન્દુ લગ્નવિધિમાં છે. ગૂ્રમ કિસ ધ બ્રાઇડ કે કબૂલ હૈ ખ્રિસ્તી/ ઇસ્લામિક લગ્નવિધિમાં છે. પણ આ ચાર બાબતો અંગ્રેજીના પ્રથમાક્ષરનું એકરોનિમ બનાવો તો 'પી.આર.ઇ.એમ.' યાને પ્રેમ થાય છે. ગિવ ઇટ એ ટ્રાય.

(૧) પી ફોર પ્રાઇવસી : જી હા, જૂની વ્યાખ્યા એ હતી કે લગ્ન એટલે બે ય માણસનું બધું ય જાહેર. પુરુષપ્રધાન પરિવાર હોય તો સ્ત્રીને સ્વતંત્ર જીવન ના હોય. પતિ પરમેશ્વરના ચરણોની દાસી થઈ જીવી જવાનું હોય. વન વે મજબૂતાઈમાં કુટુંબો લાંબુ ટકી ય જતા હતા, પણ હવે આ શક્ય નથી. છોકરીઓ ભણે છે ત્યારે માત્ર ડિગ્રી, સ્માર્ટનેસ કે પગાર નથી મેળવતી સાથોસાથ આઝાદીની ઝંખના પણ કેળવે છે. તો ઇન્ટેલીજન્ટ વુમન સિલેક્ટ કરશો, ત્યાં ઇન્ડિપેન્ડન્સ આવશે. એવું જ જૂનું ભવોભવનું બંધન એ હતું કે હસબન્ડ હંમેશા વાઇફની આંગળીના ટેરવે રહે એને રાખે એમ રહે.

હવે જે બેલેન્સ કેળવવાનું છે, એ ઇમ્પોર્ટન્ટ છે : મેરેજમાં શેરિંગ થવું જોઈએ પણ મીસ્પેસ ગુમાવ્યા વિના ! ઇન્ટરનેટે દરેકને આખા પરિવાર વચ્ચે બેઠાં બેઠાં પણ એક પ્રાઇવેટ સ્પેસ આપી દીધી છે. લોહી ચાખી ગયેલા વાઘની જેમ માત્ર ઉપદેશોથી એ કોઈ છોડવાનું નથી એટલે દરેક વાત સામેનાની જાણી જ લેવામાં દુ:ખી થશો !! આપણી સાથેની ઉષ્મા, ભરોસો, કાળજી, ચાહત, બધું જરૂર જોવાનું પણ સતત એમના ઝોનમાં દખલ નહિ દેવાની.

લર્ન ટુ રિએક્ટ કાયમ સામે સૂવું પણ જરૂરી નથી. અલગ સૂઈને પોતપોતાના કામ કે શોખ કે શાંતિથી આરામ કરી શકો અને તાજામાજા થઈને અલગ થયા વિના એકમેક જોડે રહી શકો. એકબીજામાં ઓગળી શકો. પ્રવાસો આસાન છે, મિત્રો બનાવવા અને કોમ્યુનિકેશન કરવું સહેલું છે તો એ થશે. દરેક વખતે કોઈ સતત પૂછપૂછ કરીને કોર્ટના ઇન્ટરોગ્રેશન જેવી લોજીક લગાવતી લપ કરે, તો એની એલર્જી થઈ જાય. પ્રાઇવસી મિન્સ મેન્ટલ પીસ ટુ.

અને આ વાત વડીલોએ પણ સમજવાની ખરી કાયમ બે જણા કેમ જીવે છે એની ખણખોદ કર્યા વિના એમને એમની રીતે આનંદ કરવા દો. સતત પોતાના હેપી ફેમિલી ડ્રીમને પૂરું કરવા રિમોટ કન્ટ્રોલ પર ન રાખો. સંયુક્ત પરિવારની ફરજો ને જવાબદારીઓના નામે કોઈનું દાંપત્ય ગૂંગળાવી ના નાખો. જવાન હૈયાઓને સ્પેસ આપો. ખલીલ જીબ્રાન દંપતી માટે લખી ગયા છે. મંદિરની છત એક છે પણ એને ટકાવતા થાંભલા અડોઅડ નથી લાગતા. લગ્ન થોડા દૂર દૂર પણ સપ્રમાણમાં સાથે રહી, પરિવારની એક છત ટકાવવાની કસરત છે.

(૨) આર ફોર રિસ્પોન્સ : યુગલત્વમાં સ્પર્શ જેટલું જ મહત્ત્વ સંવાદનું છે. અગાઉ લખેલું જ કે કેવી રીતે મીનિંગલેસ લાગતા કોમ્યુનિકેશનથી એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આદર વધી શકે. વ્હાલ ઉમટી શકે. મોટી મોટી ગુજરાતી ફેમિલી નાટકોના સંવાદો જેવી પ્રીચી- પ્રીચી વાતો નહિ. સાવ ફાલતુ જેવી વાતો, પણ દિવસમાં આઠ- દસ વાર હોંકારો આપવો ને મળવો જોઈએ. સથવારાના સથિયારાનો. પછી એ દાળનો સબડકો હોય કે ક્રિકેટ મેચનો છક્કો કે પંખીનો ટહુકો હોય કે લાડથી મારેલો ધક્કો.

જ્યારે ઉત્સાહથી પતિ કે પત્ની એમને ગમતી વાતનો, પછી નવો ડ્રેસ હોય કે ઓફિસમાં એપ્રિસિએશન કોઈ પણ બાબતની ઉમળકાથી રજૂઆત કરે, એના પર ટાઢું પાણી ના રેડવું એને તરત એટલી જ ખુશી કે ગમની વાત હોય તો ઇમોશન સાથે સાંભળી એમાં એક્ટિવ રિસ્પોન્સ આપવો.

આ કેમ એ જરા વિગતે સમજવા એક સ્ટડી લઈએ. ધારો કે કોઈ હોંશથી કહે છે કે, 'મને આ એચિવમેન્ટ મળી' એ પછી ઇન્સ્ટાગ્રામ પોસ્ટની લાઇક્સ હોય કે બિઝનેસ ડીલ હોય કે એવોર્ડ અથવા પ્રમોશન એનિથિંગ હોય. તો એક્ટિવ પોઝિટિવ રિસ્પોન્સ બેસ્ટ ગણાય. એ છે, વાહવાહી કરીને ઝીણી ઝીણી વિગતો પૂછો. ક્યારે થયું, કોણે કહ્યું, કેવું લાગે છે, સામે હોય તો હગ કરો, કિસ કરો, આંખમાં આંખ પરોવી હસો. પાર્ટી ને સેલિબ્રેશનનો ધમધમાટ કરો. બીજા બે-ત્રણને પાર્ટનરની ખુશી વિશે પ્રસંશા સાથે તમે પોતે કહો.

બીજો ક્રમ છે : પેસિવ પોઝિટિવ. સરસ, ગુડ, વેલ ડન એવું કહેવાનું ને છૂટી જવાનું. કોલ્ડ ઇમોશન્સ હોય, પણ ટીકા ન હોય. યુ ડિઝર્વ ઇટ, તારી લાયકાતની કદર થઈ એ સારું થયું એમાં માત્ર કોમ્પ્લિમેન્ટસ હોય. ઘણીવાર સંબંધ જૂનો થાય ત્યારે આવા રિસ્પોન્સ આવે.

ત્રીજું ખતરનાક છે. એક્ટિવ નેગેટિવ. રસ તો બહુ લેવાનો રિસ્પોન્સમાં, પણ સામાની ખુશીને કાપતો. 

અરેરે તો હવે શું થશે આમાં તો ફલાણી જવાબદારી વધશે, ઢીકણું કામ મારે કરવું પડશે. આ બધું વધામણી પછી નિરાંતે એવાને બદલે તરત પોચકાં મૂકી કહેવાનું અને ગમ્યું ન હોય એવા ભાવ સાથે ભવાં ચડાવવાના. ખાસ ટચ નહિ કરવાનો એવું.

ચોથું છે. બ્રેક અપ તરફ ધમસમતું ડિઝાસ્ટર આખી વાત જ સાંભળવાની નહિ, કોઈ ખાસ પ્રતિસાદ નહિ. ઔપચારિકતા ખાતર વાત થાયતો ભળતી જ કરવાની. છોડો, જમવામાં શું છે ? પછી પેલા પ્રોબ્લેમનું કંઈ થયું એવી. કે ખાસ રસ લીધા વિના વાત ને વ્યક્તિની ઉપેક્ષા કરી દૂર ચાલ્યા જવું તે.

જે કપલ ઇમોશનલી ઇન્ટેલીજન્ટ છે, એ એકબીજાને નાના મોટા રિસ્પોન્સ આપવાથી થાકતા કે કંટાળતા નથી. એ ઉલટું ધીરે ધીરે અન્યના વ્યક્તિત્વને અને દુનિયાને ઓળખી જાય છે. એના સંબંધો, મિત્રો, સ્વજનો, શોખ બધું અપનાવે છે. વન વે નહિ, ટુ વે. બંને થોડા થોડા બદલાય છે જેથી હળીભળી શકે. માત્ર સામી વ્યક્તિને જ નથી ચાહતા પણ એ વ્યક્તિ જે બાબતોને ચાહે છે એમાં પણ રસ લે છે.

(૩) ઇ ફોર એક્સાઇટમેન્ટ : લગ્ન મોજ ને બદલે બોજ લાગે જ્યારે એમાં સરપ્રાઇઝીઝ ન રહે. બધું પ્રેડિક્ટેબલ એન્ડ ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય. ધિસ ઇઝ ડેન્જરસ. કારણ કે પેશન તો જોયનું ફ્યુઅલ છે. એટલે માણસ પછી બીજેથી એ પુરાવતા થઈ જાય. સોશ્યલ નેટવર્ક, ફ્રેન્ડશિપ, અફેર જેવી કંઈ પણ. માટે લગ્નજીવનમાં થોડી ઉત્તેજના ટકવી જોઈએ.

કેવી રીતે ? કશુંક અણધાર્યું કરતા રહેવાનું થોડા થોડા સમયે બેઉએ હોં કે ! એક જ કર્યા કરે તો પછી ફ્રસ્ટ્રેટ થઈ જશે. ક્યાંક બહાર પણ જાઓ તો પાર્ટનરના શોખને વ્યક્તિત્વની કોઈ નાનકડી, સીધી રીતે ન કહેવાયેલી વાત યાદ રાખીને મોંઘી નહિ તો પર્સનલાઇઝ્ડ પણ ગિફ્ટસ લઈ આવવાની. ક્યારેક અચાનક મૂવી, લંચ/ડિનર, નાટક, સંગીત, પાર્ટી એમ બહાર જવાનું ગોઠવવાનું. દર વર્ષે સાથે મળીને કમ સે કમ બે આઉટડોર ટ્રિપ પ્લાન કરવાની. પોતપોતાની સગવડ મુજબ, પણ એકના એક વાતાવરણથી છૂટવાનું નવું નવું વાંચતા સાંભળતા કહેતા રહેવાનું. જીવતા રહેવાનું મુગ્ધ આંખે, બાળકો થાય ત્યારે ફરીથી એમની નજરે.

અને યાદ કરવાની લગ્ન કે હનીમૂન કે સગાઈ કે ડેટિંગ વખતની મોમેન્ટસ. ત્યારે કેવો રોમાંચ હતો ? કેવી મજા આવતી ? એવા રહેવાની કોશિષ કરવાની કે એકમેકની હળવી મજાકો, કોઈ બીમારી, દુ:ખ, અકળામણની ઘડીમાં ટેકો. એક વાત બરાબર સમજવાની. મેરેજ આપણી પ્રાઇમરી પ્રાયોરિટી રિલેશનશિપ છે. પણ ઓન્લી રિલેશનશિપ નથી. લગ્ન પહેલા ને પછી સંસાર વ્યવહારમાં બીજા સંબંધો ય બંધાય છે, હોય છે. પાડોશથી પરિવાર સુધી નવા વિસ્તરણ થાય છે સારું દાંપત્ય એ છે કે જે એમાં ગુંગળામણ નહિ, મોકળાશ અનુભવે. જરૂર પડે વેન્ટીલેશન કરે એમને દુ:ખે મનમાં એ વાતોનું એવા વિશ્વાસપાત્ર મિત્રો સાથે. અને એમની જોડે બધા એક્સાઇટમેન્ટના પ્લાનિંગ કરે. જેથી (બહાર જવું કે મનોરંજન માણવું મોનોટોનસ ના લાગે.

(૪) એમ ફોર મૂવ ઓન : સામાન્ય રીતે આ શબ્દ બ્રેકઅપ બાદ વપરાય કે ભૂલીને આગળ વધો. પણ એક મોટા પાયે જેમ ઊંઘ એ નાનકડું મૃત્યુ છે, થોડી કલાકોનું એમ મિનિ મૂવ ઓન હોવા ને થવા જ જોઈએ દરેક રિલેશનશિપમાં.

કોઈપણ સંબંધ લાંબો ચાલે એમાં ત્રણ 'સી' આવે જ. ફર્સ્ટ ઇઝ કમ્પ્લેઇન. ફાઇન. ફરિયાદો વિના તો એકબીજાને શું ફાવે છે ને શું નહિ, એ ખુલીને કહી કેમ શકશો ? એ વિના તો જીવન જેલ થઈ જશે, બધું સહન કરીને. સતત ટકટક નહિ તો ય કમ્પ્લેઇન સાંભળવાની, કહેવાની સાનુકૂળ મૂડ જોઈને. પણ પછીનો સી છે ક્રિટીસીઝમ. ટીકાટીપ્પણ અને આલોચના. એ ય ક્યારેક જરૂરી. પણ જો વારંવાર થાય તો ઇરિટેટિંગ થઈ જાય. ત્રાસ જન્માવે. આ પ્રોબ્લેમ છે એવું કહેવાને બદલે તું પ્રોબ્લેમ છો, ત્યાં સુધી વાત વણસી જાય અને એમાંથી શરૂ થાય કન્ટેમ્પ્ટ યાને કંકાસ, કજીયા, ઝેરીલા વાગ્બાણો છોડવાના, ઉંચા સાદ, ભીસાતા દાંત, બીજાના દેખતા અપમાન, પગ પછાડી ચાલ્યા જવાના ઉત્પાત, અબોલા.

આ યોગ્ય નથી. આદર્શ પ્રોમિસ તો લગ્ન વખતે બધાની હાજરીમાં એ લેવાનું છે કે ગમે તે માથાકૂટ થાય સૂતા પહેલા આઇ લવ યુ કહેશું અને ઝગડા પછી ય જમવાનું જોડે રાખીશું. રૂસણું લંબાવીશું નહિ. આમે ય સમજી લેવાનું છે કે આપણા હેપિનેસનું કારણ આપણે પોતે છીએ, અન્ય પર એ આધારિત નથી કે એના પર દોષ મઢી, એને જવાબદાર માનીએ છીએ. એ ય ઉપયોગી છે કે સગાવહાલા કે મિત્ર વર્તુળમાં કોઈ બે- ત્રણ ભરોસાના વ્યક્તિઓને તમારા ઝગડાના લૂપમાં રાખવા જેથી ઇન્ટેન્સિટી હાઇ ન થાય. અને યાદ રાખવું કે લગ્ન પહેલા જે પર્સનાલિટી ઘડાઈ હોય એ મોટે ભાગે સાયન્ટિફિકલી ૭૦% એવી જ રહે, ૩૦% બદલાય એટલે રાતોરાત ચમત્કાર ન થાય પસંદગીમાં ધ્યાન રાખવું પડે.

પણ જતું કરતા શીખો, ને બે ય સજોડે શીખો એ બેસ્ટ સોલ્યુશન. જવાન હો તો શરમ છોડીને સમજી લો કે એનો એક ઉત્તમ રસ્તો ગુડ સેક્સલાઇફ છે. ટેન્શન ફ્રી થઈ જવાય ને ઝગડો બાજુએ રહી જાય.

પણ એ સિવાય વૉશિંગ્ટન યુનિવર્સિટીના જગતભરમાં કસોટીએ ચડી વખણાયેલા રિસર્ચની વાત અગત્યની છે જેને 'ફાઇવ ટુ વન' કહેવાય છે. ધારો કે, તમને પાર્ટનર તરફ કરેલી તમારી ભૂલનો કે તમારા વાણી વર્તનના ઓવરટેપિંગનો અહેસાસ થયો તો સોરી બોલી દો, કે પેચ અપ કરવા એકાદ સારું જેશ્ચર બતાવો એ પૂરતું નથી. એક ખરાબ મેમરીને ભૂંસવા પાંચ સારી મેમરી બનાવવી પડે છે. ટૂંકમાં, એક નેગેટિવ ઘર્ષણનું ઇન્ટરએક્શન થાય તો એને બેલેન્સ કરવા પાંચ પોઝિટિવ ઇન્ટરએક્શન કરવા. આ રેશિયો જેમ ઘટે, એમ લગ્નબંધનનો ઇમોશનલ બોન્ડ તૂટે !

બસ, ત્યારે બાકી એકમાંથી બે થઈ કરો મજા !

ફાસ્ટ ફોરવર્ડ

દીકરી : ''મમ્મી, મારે કિચનમાં ગોંધાઈને લાઇફ બરબાદ નથી કરવી, નહિ કરું રસોઈ.''

મા : 'શીખી લે બેટા, ક્યારેક વર સાજોમાંદો હોય કે બહાર જાય તો કામ લાગશે !'

Tags :