Get The App

ભરજુવાનીએ થયેલાં પત્ની અવસાન માટે વલ્લભભાઈ આજીવન મૂંગામંતર

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ભરજુવાનીએ થયેલાં પત્ની અવસાન માટે વલ્લભભાઈ આજીવન મૂંગામંતર 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- વલ્લભભાઈએ છતે લગને કે લગ્નભંગ પછી પોતાની પત્ની વિશે, લગ્નજીવન વિશે, પુન:લગ્ન વિશે કે પછી બાળકોના ઉછેર વિશે પણ ફરિયાદના, દુ:ખના કે ઉપદેશના વચનો કદી કહ્યાં નથી

- આપણે એટલું જ જાણીએ છીએ કે વલ્લભભાઈ વિધિની વક્રતાએ ઝવેરબાની મરણ ઘડીએ હાજર રહી શક્યા નહોતા. આ દુ:ખ એમણે હૃદયના ખૂણામાં એવી રીતે ઢાંકી મૂક્યું કે કદી તેનો અણસાર સરખો કોઈને આવ્યો નથી

મી તભાષી, છતાં ગોળગોળ નહીં. આખાબોલા, છતાં સંવેદનનો અભાવ નહીં. કડવા, છતાં દંશીય નહીં, આક્રમક છતાં વેધક્તા નહીં. આદર્શ, છતાં હવાઈ કલ્પનાઓ નહીં.  વલ્લભભાઈના આવા આવા વ્યક્તિત્વગુણો તેમનાં ભાષણો, પત્રો કે વાતચીતોમાંથી ઉભા થાય છે, તેની પાછળ જીવનભરનો કઠોર પરિશ્રમ, વાણી-વચનની એકરુપતા, મૂંગી ફનાગીરી અને ઈશ્વર શ્રદ્ધાનો અડગ પાયો રહેલો છે. 

તેમણે જાહેર જીવનના ૩૩ વર્ષો દરમ્યાન (ઈ.સ.૧૯૧૭ થી ૧૯૫૦) કદી પોતાના અંગતજીવન, ખાસ કરીને ભરજુવાનીએ આવી પડેલાં વિધૂરપણાં વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. 

વલ્લભભાઈએ છતે લગને કે લગ્નભંગ પછી પોતાની પત્ની વિશે, લગ્નજીવન વિશે, પુન:લગ્ન વિશે કે પછી બાળકોના ઉછેર વિશે પણ ફરિયાદના, દુ:ખના કે ઉપદેશના વચનો કદી કહ્યાં નથી. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક વખત પોતાની 'પ્રાચીન સાહિત્ય'વાળી લેખમાળામાં રામાયણના ઉપેક્ષિત પાત્ર, લક્ષ્મણ પત્ની ઉર્મિલા માટે 'અવ્યક્તવેદનાની દેવી' શબ્દ કહ્યો હતો. બરાબર એવો જ ભાવ આપણે ઝવેરબા વિશે કરી શકીએ. વલ્લભચરિત્રના જેટજેટલાં ગ્રંથો ખંખોળીએ તેટતેટલાંમાં ઝવેરબા વિશે ઝાઝા ઉલ્લેખો મળતાં નથી. ઉપરાંત વલ્લભભાઈએ પણ પોતાનાં આ ધર્મપત્ની વિશે કરેલાં ઉદ્ગારો ગમે તેટલું મથવા છતાં ઝાઝા મળતાં નથી.

આપણે એટલું જ જાણીએ છીએ કે વલ્લભભાઈ વિધિની વક્રતાએ ઝવેરબાની મરણ ઘડીએ હાજર રહી શક્યા નહોતા. આ દુ:ખ એમણે હૃદયના ખૂણામાં એવી રીતે ઢાંકી મૂક્યું કે કદી તેનો અણસાર સરખો કોઈને આવ્યો નથી.

જો કે ઝવેરબાના ગયા પછી વલ્લભભાઈ બોરસદનું કામકાજ આટોપી બેરિસ્ટર થવા ઈંગ્લેન્ડ ભણી ઉપડયાં, ત્યારે તેમણે પુત્રી મણિબેન અને પુત્ર ડાહ્યાભાઈ માટે મુંબઈમાં સારામાં સારી રહેવા-ભણવાની કાળજી રાખી હતી. કમનસીબે મુંબઈ રહેતાં તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબાનું પણ ઝવેરબાની પાછળ-પાછળ, બીજા જ વર્ષે અવસાન થયું હતું. નિયતિનો ક્રમ પણ કેવો હોય છે. જ્યારે બોરસદ રહેતાં ઝવેરબા માંદા પડયાં ત્યારે વિઠ્ઠલભાઈએ તેમને સારવાર માટે મુંબઈ બોલાવ્યાં, અને તેઓ ત્યાં અવસાન પામ્યાં. તો મુંબઈ રહેતાં દિવાળીબા માંદા પડયાં ત્યારે વલ્લભભાઈએ તેમને હવાફેર માટે બોરસદ તેડાવ્યાં, પણ ધાર્યું ધણીનું થાય એ ન્યાયે દિવાળીબા બોરસદે અવસાન પામ્યાં. આમ, ઈ.સ.૧૯૦૯ના આરંભે ઝવેરબા અને ૧૯૧૦ના આરંભે દિવાળીબા ગયા. વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બરાબર એક જ વર્ષના અંતરાલે વિધૂરતા પામ્યાં.

નવાઈની વાત તો એ છે કે પોતાના નાના બાળકો છતાં વલ્લભભાઈએ કદી બીજા લગ્નનો વિચારસુદ્ધાં કર્યો નથી. એ જમાને બીજું લગ્ન કરી લેવું એ ઘટના સાવ સામાન્ય ગણાતી હોવા છતાં, સંસારમાં બાળકોના ઉછેરની જવાબદારી હોવા છતાં, ચરોતરી પટેલ સમાજમાં પુર્નલગ્ન સાવ હાથવેંત હોવા છતાં, વલ્લભભાઈએ એ દિશામાં પોતાની આંખ ફેરવી નથી. 

તેઓ ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરી ભણતાં હતાં ત્યારે ઘણાં સ્નેહીસંબંધીઓએ તેમને ફરીથી લગ્ન કરી લેવા આજીજીભર્યા કાગળો લખ્યાં હતા. અરે, ઘણી કન્યાઓના માંગા, તેમનાં નામઠામ, ચહેરામહોરાનાં વર્ણનો પણ તેમને લખી જણાવ્યાં હતા. વલ્લભભાઈ જ્યારે આવા પત્રોના જવાબો લખે ત્યારે તેમાં બીજી ઘણી વાતો અને વિગતોનો પ્રત્યુત્તર વાળે, પરંતુ લગ્નની બાબતનો ઉચ્ચાર સરખો પણ ના કરે. એમ જ લાગે છે કે ફરીવાર નહીં પરણવાનો નિર્ધાર તેમણે ઝવેરબાના મૃત્યુ વખતે જ કરી લીધો હશે.

હા, વલ્લભભાઈ પાસેથી એવું થોડુંક મળે છે કે  લગ્નજીવન ભંગ થવાથી, નાના બાળકો હોય ત્યારે વિધૂર થવાથી કેવુંક દુ:ખ આવી પડે. એ વિશે અછડતાં-બેચાર લાઈનનાં ઉલ્લેખો તેમનાં કેટલાંક પત્રોમાં પડયાં છે, પણ તે ય છેક ઉત્તરાવસ્થાએ. પોતાની ભરજુવાનીમાં તો આ વિશે એક શબ્દ પણ પાડયો નથી.

પુત્ર ડાહ્યાભાઈની પત્ની યશોદાબાનું પણ ભરજુવાનીએ જ અવસાન થયેલું, ઈ.સ.૧૯૩૨ના અધવચ્ચે, ત્યારે વલ્લભભાઈ યરવડા જેલમાં હતા. ત્યાંથી પુત્રી મણિબેનને ૧૭-૭-૧૯૩૨એ લખેલાં પત્રમાં તેઓ લખે છે કે ''ચિ.ડાહ્યાભાઈના વિવાહના (બીજા લગ્નના) સંબંધમાં જે પૂછે તેને આપણે સભ્યતાથી માત્ર એટલો જ જવાબ આપવો કે ડાહ્યાભાઈ પોતાની ઈચ્છામાં આવશે તેમ કરશે... લોકો તો સમાજના રિવાજ પ્રમાણે પૂછે, તેથી શું?.... (તેમને) અત્યારથી આખી ઉંમર એકલા કાઢવી એ પણ કઠણ છે. તેમ બીજી ઉપાધિમાં પડવું એ પણ કઠણ છે. બેમાંથી કયો માર્ગ લેવો એનો નિર્ણય એ પોતે જ્યારે વખત આવશે ત્યારે વિચારી લેશે..... એને તાજો ઘા વાગ્યો છે, તે રુઝાતાં વખત લાગશે. વર્ષ બે વર્ષ પછી એની ઈચ્છા ફરી લગ્ન કરવાની થશે, તો ભલે કરતો, અને નહીં કરવું હોય તો તે પણ સારું છે.'' 

વલ્લભભાઈએ આવા શબ્દો લગ્નભંગ પછી બાવીસેક વર્ષે, પુત્રવધુના અવસાન સંબંધે લખ્યાં છે, પણ પત્નીના અવસાન બાબતે તો આજીવન મૂંગામંતર જ.