Get The App

અઘોરપંથના મહાગુરુ બાબા કીનારામની તપોભૂમિ

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
અઘોરપંથના મહાગુરુ બાબા કીનારામની તપોભૂમિ 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- નાનપણથી અઘોરપંથ અને અધ્યાત્મ તરફ આકર્ષણ ધરાવતાં બાબા કીનારામે વેદ-પુરાણો-ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પુખ્ત વયે દીક્ષા લીધી....

વા રાણસીમાં આવેલી અઘોરપીઠ વાસ્તવમાં બાબા કીનારામની સાધનાસ્થળી છે, જેમનો જન્મ કાશી જનપદ સ્થિત ચન્દૌલી જિલ્લાના રામગઢ ગામમાં અકબરસિંહની પત્ની પૂજનીય મનસા દેવીને ત્યાં વિ.સં. ૧૬૮૬ના ભાદરવા મહિનાની અઘોર ચતુર્દશીના રોજ થયો હતો... વિ.સં. ૨૦૭૯ પ્રમાણે જોવા જઈએ તો આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં! એવું કહેવાય છે કે, જન્મ પશ્ચાત્ એ શિશુએ રુદન નહોતું કર્યુ, જેના પરિણામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સ્વયં સાધુના વેશમાં એમની કુટિરે આશિષ આપવા ગયા હતાં અને એ પછી બાળકનું પહેલું રુદન સાંભળવા મળ્યું.

અઘોરપીઠના પ્રવેશદ્વાર પર 'ક્રીં કુંડ' લખાયેલું છે. બાબા કીનારામનો ગુજરાત અને એમાં પણ ખાસ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ સાથે ગાઢ સંબંધ છે. અઘોરપંથ સામાજિક દ્રષ્ટિએ અલગ અને અંતર્મુખી હોઈ શકે, પણ ખરા સાધક-ઉપાસક માટે અત્યંત ફળદાયી અને નિષ્પાપ હોય છે. દેવીના નિમ્નસ્વરૂપો - કર્ણપિશાચિની, સભામોહિની વગેરે - ની અહીં વાત નથી, કારણકે એ તો સમાજમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરીને મોહાતુર થવાની ઘટના છે! પરાપરરહસ્યને જાણવામાં અઘોરીઓને કોઈ રસ નથી.

અઘોરના સાર્વભૌમ સિદ્ધાંતને સ્પષ્ટ કરવા માટે 'શિવમહિમ્ન સ્તોત્ર'નો એક અંશ જ પર્યાપ્ત છે :

નાનપણથી અઘોરપંથ અને અધ્યાત્મ તરફ આકર્ષણ ધરાવતાં બાબા કીનારામે વેદ-પુરાણો-ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પુખ્ત વયે દીક્ષા લીધી. સાધના હેતુ ભગવાન દત્તાત્રેયને પોતાના ગુરુપદે સ્વીકારનાર બાબા કીનારામ જૂનાગઢ પધાર્યા અને સાધનાશિરોમણિ સમાન ગિરનાર પર એમણે મંત્રસાધનાનો આરંભ કર્યો. એવું કહેવાય છે કે ગુરુ દત્તાત્રેય એ એમને સદેહે દર્શન આપ્યા હતાં અને સાધનાસિદ્ધિ માટેનું આશ્વાસન પણ!

એ પછી (આજના બલુચિસ્તાન -પાકિસ્તાન જઈને) પાંડવોના કુળદેવી - મા હિંગળાજને એમણે આહ્વાન આપ્યું. ભગવતી મહાશક્તિ હિંગળાજ એમનાથી એટલા પ્રસન્ન થયા કે બાબા કીનારામની પાછળ આવીને કાશીના 'ક્રીં કુંડ'માં સ્થાપિત થયા. કીનારામજીએ વિધિવત્ રીતે એમની'ક્રીં કુંડ'માં પ્રાણ-પ્રતિષ્ઠા કરી અને હિંગળાજ માતાના સ્થાનકની નજીકના સ્મશાનમાંથી લાવવામાં આવેલા ચિતાના લાકડાંનો ઉપયોગ કરીને અઘોરપીઠમાં પવિત્ર ધૂણી ધખાવી.

આજે ૪૦૦ વર્ષ બાદ આજે પણ અવિરતપણે આ ધૂણી ધખે છે! પવિત્ર કાષ્ઠ ધૂણીમાં પધરાવતાંની સાથે જ એ આપોઆપ પ્રજ્વલિત થઈ ઉઠે છે અને કોઈ ઘી-તેલ વગર દિવસોના દિવસો સુધી એમાંથી જ્વાળા સળગતી રહે છે! દુનિયાનો એકપણ વૈજ્ઞાનિક અઘોરપીઠના આ રહસ્યને હજુ સુધી ઉકેલી શક્યો નથી.

એવું કહેવાય છે કે સમસ્ત વિશ્વમાં ફક્ત બે જ સ્થાનો પર હિંગળાજ માતા બિરાજમાન છે : (૧) પાકિસ્તાનના બલુચિસ્તાનની શક્તિપીઠ (૨) કાશીના ક્રીં કુંડમાં!

'ક્રીં' એ વાસ્તવમાં મહાકાલી સ્વરૂપા દેવીઓનો બીજમંત્ર છે. જો તમે શાક્તપંથમાં સક્રિય હો તો, બાબા કીનારામની અઘોરપીઠ તમને પોતાની તરફ અત્યંત તીવ્રતા સાથે ખેંચી લાવશે. તમે એના મોહપાશમાં એવી રીતે બંધાશો કે મુલાકાત લીધા વિના આરામ નહીં મળે. કાશી જવાનું થાય ત્યારે અઘોરપીઠમાં સ્થિત બાબા કીનારામની આરસપહાણની વિશાળ તેજોમય પ્રતિમા સમક્ષ તમારું મસ્તક ન નમે તો કહેજો!