- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'હા, તેમણે જ તમારું એડ્રેસ આપ્યું અને હવે દર મહીને મોટો ઓર્ડર અપાવવાની ખાતરી પણ આપી. રાધાનું નામ પડે અને મારો દ્વારકાધીશ કામ ના કરે એવું બને...'
'સ મજાતું નથી કે ઈશ્વર ક્યાં સુધી મારી પરીક્ષા કર્યા કરશે. જિંદગીની શરૂઆતથી લઈને આજે તેનો અંત આણવા સુધી પહોંચી છું પણ આ પરીક્ષાઓ પૂરી થતી નથી. મને એક વાત તો સમજાઈ ગઈ છે કે, ઈશ્વર તમારો ભવ સુધારે તેવું દર વખતે થતું નથી. મારી મા સાવ ખોટી હતી. મને ક્યારેય તેનો ઈશ્વર ફળ્યો નથી.' - રાધાના મનમાં વ્યથાનું વાવાઝોડું ચાલતું હતું.
'સાવ અનાથ જેવું બાળપણ આપ્યું. મા ત્રણ સંતાનોને મુકીને નાસી ગઈ અને બાપ પણ વ્યાભિચાર અને નશામાંથી નવરો પડતો નહોતો. બે દીકરા અને એક દીકરી પરાણે ઉછર્યા છે. મોસાળનો સાથ ન હોત તો આજે કદાચ તેમનું અસ્તિત્વ જ ન હોત. નાનીએ આ સંતાનોને ઉછેર્યા હતા. પરાણે તેમના માટે સારા પાત્રો શોધ્યા હતા.'
'આ પાત્રો પણ કદાચ નાનીના દ્રષ્ટિકોણ સારા હતા. બાકી તો ત્રણેય ભાઈ-બહેનો જે ભોગવી રહ્યા છે અથવા તો ભોગવી ચુક્યા છે તે માત્ર અમે જ જાણીએ છીએ. ત્રણમાંથી એકપણનું દાંપત્ય સારું રહ્યું નથી. જયેશભાઈના પત્ની તો લગ્નના ચાર વર્ષમાં જ દેવ થઈ ગયા. બિચારાએ બીજા લગ્ન કર્યા તો તેમાંય સુખ નહીં. બીજી ભાભીને પણ બે વર્ષ પહેલાં કેન્સર ડિટેક્ટ થયું. પરેશભાઈના તો નસીબ જ વાંકા નીકળ્યા. જે છોકરી ગમતી હતી તેની સાથે લગ્ન થયા નહીં અને જેની સાથે લગ્ન થયા તે મહિનામાં જ ઘરમાં ધાડ પાડીને જતી રહી. દર-દાગીના અને રોકડ બધું જ લઈ ગઈ. આજ સુધી પકડાઈ નથી.'
'પરેશભાઈએ બિચારાએ ફરી લગ્નની હિંમત જ ન કરી. તેમાંય પપ્પાની માંદગીની જવાબદારી તેમના માથે હતી. ઈશ્વરે એક કામ સારું કર્યું હતું કે, અમારા બાપને તેના કર્મોની સજા જીવતે જીવ આપી દીધી હતી. તેણે સંતાનો સાથે જે કર્યું હતું અને પોતાની જિંદગી સાથે જે કર્યું હતું તે ભોગવી રહ્યા હતા.'
'મારી તો જિંદગીની વાત જ કરવા જેવી નથી. પતિ સારો હતો પણ સાસરીમાં સુખ નહોતું. થોડી રાહત મળે તે માટે પતિની ટ્રાન્સફર થઈ, પરિવાર સાથે વડોદરા શિફ્ટ થયા ત્યાં ઈશ્વરે નવી જ મુસીબત લાવી દીધી. યુવાનીના ઉંબરા સુધી પહોંચેલા એકના એક દીકરાને ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધો. આ આઘતથી વિમલ સાવ તુટી ગયા હતા. તેઓ જીવતા હતા પણ અંદર કશું જ જીવીત કહી શકાય તેવું વધ્યું નહોતું. મારી સ્થિતિ પણ એવી જ હતી.'
'થોડાઘણા સારા મિત્રો મળ્યા હતા જેમની સાથે રહીને આ દુ:ખ થોડું હળવું કરી શકતા હતા પણ જ્યારે ઘરમાં એકલા હોઈએ ત્યારે ઘર ખાવા દોડતું હતું. પરાણે પાંચ સાત વર્ષ પસાર થયા. પીડાના અને એકલતાના ઉઝરડા થોડા સાજા થયા ત્યાં ઈશ્વરે વધુ એક આઘાત આપ્યો. આ આઘાત મારા માટે તો જીવલેણ જ હતો.'
'હું હજી તો જયેશભાઈના ઘરેથી પરત આવીને રૂમમાં ગોઠવાઈ જ હતી ત્યાં ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલ્યો તો સામે એક છોકરો ઊભો હતો. તેણે કહ્યું કે, આ વિમલ સરે તમને આપવાનું કહ્યું છે. છોકરો તો બેગ પકડાવીને જતો રહ્યો. મેં બેગ ખોલી તો મારા માટે વધુ એક આઘાત રાહ જોઈને બેઠો હતો. અંદર વિમલનો સામાન, ફોન, લગભગ વીસ લાખ જેવી રોકડ રકમ, સાઈન કરેલા ચેક અને વિમલના અન્ય દસ્તાવેજો હતા. આ બધાની ઉપર એક પત્ર હતો.'
'રાધા, મને માફ કરજે. હવે સહન થતું નથી. કેશવનો અભાવ હવે જીરવાતો નથી. આસપાસ બધાના સંતાનોને ઉછરતા, વિકસતા જોઉં છું તો મારી પીડા બેવડાઈ જાય છે. હવે મેં નક્કી કર્યું છે કે, હું આ દુનિયામાં રહેવા માગતો નથી. હું જીવનના અંતિમ ક્ષણ સુધી એકલો રહેવા માગું છું. હું સાધુતાના રસ્તે આગળ વધી રહ્યો છું. મારી તમામ આર્થિક જવાબદારીઓ પૂરી કરી દીધી છે. વધેલી રકમ, ખાતામાં છે. તને જરૂર પૂરતી રકમ રોકડ મોકલાવી છે. તે સિવાય ઘરના દસ્તાવેજો અને અન્ય દસ્તાવેજો જે આપણા નામે છે તે પણ તને મોકલાવ્યા છે. સાથે મારું ડેથ સર્ટિફિકેટ પણ છે. હવે તું મુક્ત છું અને હું પણ મુક્ત છું.'
'બસ હવે મારે નથી જીવવું. આ પત્ર, આ દસ્તાવેજો, આ રોકડ રકમ મારે કશાની જરૂર નથી. જે ભોગવવા માટે માણસો જોઈએ તે જ અસ્તિત્વ ન ધરાવતા હોય તો હું જીવીને શું કરીશ. જીવનના પ્રારંભે મા જતી રહી, પછી દીકરો જતો રહ્યો અને હવે જીવનસાથી પણ નથી. આ જીવનનો હવે અંત આણી દેવો જોઈએ.' - રાધાએ મનોમન નક્કી કર્યું અને બેડરૂમમાં રાખેલી ડાયરી અને પેન હાથમાં લઈને છેલ્લી લાગણીઓ લખવા બેઠી.
'આદરણીય જયેશભાઈ, પરેશભાઈ તમને બંનેને વંદન અને વહાલ. મારાથી જીવનની આ પીડા હવે સહન થતી નથી. એક પછી એક બધું ગુમાવે જ રાખવાનું. મારે મને પૈસા, વૈભવ કે સંપત્તી કશું જ મહત્ત્વના નથી. મારો માણસ જ નથી તો આ બધાનું હું શું કરીશ. મારી તમામ સંપત્તી અને દર-દાગીના, રોકડ જે પણ હોય તે બધું જ તમે બંને ભાઈઓ સરખા ભાગે વહેંચી લેજો. મને માફ કરજો.' -રાધાએ ડાયરીમાં નોંધ કરી.
રાધા ત્યાંથી ઊભી થઈ, બેડરૂમમાં ગઈ અને કબાટમાંથી એક મોટી ચાદર લઈ આવી. ડ્રોઈંગરૂમમાં ટેબલ પાસે જ હિંચકાના ખાલી કડામાં ચાદર ભરાવવા ટેબલ ઉપર ચડી. ચાદર લટકાવી, ગળાનું માપ લીધું અને ગળામાં ચાદર લપેટી ત્યાંજ ડોરબેલ વાગ્યો. પહેલાં તો થયું કે ભલે વાગતો પણ પછી નીચે ઉતરી અને દરવાજો ખોલ્યો.
'બેન, ઘરના બનાવેલા ખાખરા, થેપલા, સેવ-મમરા અને બીજા નાસ્તા લેશો.' - આગંતુક બહેને કહ્યું.
'અરે અહીંયા મરવાનો સમય નથી ત્યાં ખરીદી શું કરીએ. કંઈ નથી જોઈતું મારે.' - રાધાએ થોડા અણગમા સાથે કહ્યું.
'અરે, તમે તો રાધા બેન છો ને. આપણે દ્વારકામાં ભેગા થયા હતા યાદ આવ્યું.' - નાસ્તો વેચનારા બેને કહ્યું.
'હા મારું નામ રાધા છે પણ આપણે દ્વારકામાં ભેગા થયા હતા તેવું મને યાદ નથી.' - રાધા હજી બીજા જ ઝોનમાં હતી.
'દ્વારકાથી શિવરાજપુર જતા દરમિયાન રસ્તામાં એક કિટલી ઉપર તમારો અને મારો પરિવાર ભેગા થઈ ગયા હતા. તમે મારા થેપલા ખાઈને કહ્યું હતું કે, તમારે તો મોટો બિઝનેસ કરવો જોઈએ. તમે ક્યારેક વડોદરા આવજો હું તમને બિઝનેસ સેટ કરી દઈશ.' -નાસ્તાવાળા બેને ફરીથી યાદ દેવડાવ્યું.
'અરે હા. ગોપી બેન. તમે ખરેખર મારી વાત માનીને વડોદરા આવી ગયા. તમને મારું ઘર કેવી રીતે મળ્યું.' - રાધાને આશ્ચર્ય થયું.
'બેન, ઈશ્વરે તમારો ભવ સુધારવાનું નક્કી કર્યું હોય ને તો પછી તે કંઈપણ કરી આપે છે. તમે વિચારો કે હું રાજકોટમાં રહેનારી હવે વડોદરા આવી ગઈ. ઘરે ઘરે જઈને નાસ્તો વેચવાનો શરૂ કર્યો આજે પહેલો જ દિવસ છે. તમે મળી ગયા. ઈશ્વર આનાથી વધારે શું મદદ કરી શકે.' - ગોપીબેન બોલી પડયા.
'અંદર આવો. બેસો. હું હમણાં જ તમારું કામ કરી દઉં.' - રાધાએ તેમને અંદર બોલાવયા.
'બેન કામ કરી દઉં નહીં કામ થઈ ગયું છે. તમે કામ કરી દીધું છે. આજે સવારે જ્યાં નાસ્તો વેચવા ગઈ ત્યાં એક દુકાનમાં માલ આપ્યો. તેમણે ચાખ્યો અને ઓર્ડર આપ્યો. આ દરમિયાન મેં તમારી સાથેની ઘટના કહી. તેમણે તમારું નામ સાંભળતા જ થેપલા, ખાખરા અને સેવ-મમરાનો મોટો ઓર્ડર આપી દીધો. તમારું નામ કામ કરાવે છે. જય દ્વારકાધીશ.' -ગોપીબેને કહ્યું અને રાધા હસી પડી.
'તમે જયેશભાઈને મળી આવ્યા.' - રાધા બોલી.
'હા, તેમણે જ તમારું એડ્રેસ આપ્યું અને હવે દર મહીને મોટો ઓર્ડર અપાવવાની ખાતરી પણ આપી. રાધાનું નામ પડે અને મારો દ્વારકાધીશ કામ ના કરે એવું બને. મને શ્રદ્ધા હતી કે, પરીક્ષા મોડે સુધી ચાલશે પણ જ્યારે પરિણામ આવશે ત્યારે અકલ્પનિય હશે. જૂઓ મારા દીકરાને ભણાવવા વડોદરા આવી. તેના ખર્ચા માટે ઘરેથી જ નાસ્તો બનાવવાનો અને વેચવાનો શરૂ કર્યો અને પહેલા દિવસે બેડોપાર.
તમે મારો ભવ સુધારી દીધો બેન.' - ગોપીબેન ઉઠીને સીધા જ રાધાને ભેટી પડયા. રાધા કંઈક જવાબ આપે તે પહેલાં ફોન રણક્યો.
'રાધાબેન બોલો છો...' - સામેના છેડેથી સવાલ થયો.
'હા બોલું છું.' - રાધાએ કહ્યું.
'હું રેલવે પોલિસમાંથી વાત કરું છું. વિમલભાઈ તમારા હસબન્ડ છે.' - ફોન કરનારે કહ્યું.
'હા. મારા જ હસબન્ડ છે.' - રાધા ઉત્સાહ સાથે બોલી પડી.
'અમારા એક જવાનને તેઓ બેભાન અવસ્થામાં અયોધ્યાની ટ્રેનમાં મળી આવ્યા હતા. તેમની થોડી કડકાથી પુછપરછ કરી એટલે તમારો નંબર આપ્યો. તેમને કાલે વડોદરા લાવવાના છે. તમે રેલવે સ્ટેશન પાસેના પોલિસ સ્ટેશને આવીને લઈ જજો.' - સામેના છેડેથી વાત કરીને ફોન મુકાઈ ગયો.
'બેન, તમે પણ મારો ભવ સુધારી દીધો. ગોપીનું નામ પડે તો પણ દ્વારકાધીશ રાજી તો થાય જ છે.' - રાધા ખૂબ જ હેતથી ગોપીબેનને ભેટીને રડી પડી.


