- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- 100 કિ.ગ્રા.થી વધુની સ્પર્ધામાં સળંગ ચાર ઓલિમ્પિકમાં પાંચ સુવર્ણ ચંદ્રક જીતનારા ટેડીએ 12 વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે એક દશક સુધી 150થી વધુ મુકાબલા જીતવાનું અદ્વિતિય સીમાચિહ્ન હાંસલ કર્યું
કે ટલીક વિરલ પ્રતિભાઓ તેમની સફળતા અને વિશેષ શૈલી થકી આગવો પ્રભાવ પાડવાની સાથે પોતાના માટે એક અલાયદુ સ્થાન ઉભું કરે છે. વિશ્વભરના ચાહકોના માનસ પટલ પર પોતાની ઘેરી છાપ છોડી જનારી પ્રતિભાઓની છાપ ઈતિહાસના પૃષ્ઠોમા અમીટ બની જાય છે. તેમણે મેળવેલી સિદ્ધિઓ આવનારી પેઢીઓ માટે માપદંડનું શિખર બની રહે છે અને તેની બરોબરી કરવા કે પછી તેને આંબી જવાની આગવી હોડ પણ જામતી જોવા મળે છે. સામાન્ય રીતે તો કહેવાય છે કે, ખેલાડી નહીં, પણ રમત મહાન છે. જોકે, આ કથનમાં પણ કેટલાક અપવાદરુપ કિસ્સા જોવા મળે છે. જે ખુદ પોતાની રમતની જ ઓળખ બનીને ઉભરી આવે છે. જ્યારે જ્યારે તેમની રમતનો ઉલ્લેખ થાય એટલેે ચાહકોના મનમાં જે તે ખેલાડીનો ચહેરો કે તેની શૈલી સ્વાભાવિક રીતે ઉભરી આવે.
ભારત જેવા ક્રિકેટ પ્રેમી દેશમાં તેંડુલકરને તો ક્રિકેટના ભગવાનનું બીરુદ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ફૂટબોલની વાત આવે એટલે પેલે-મેરાડોના તેમજ રોનાલ્ડો-મેસીનું ચિત્ર માનસ પટલ પર ખડુ થયા વિના ન રહે. તે જ પ્રકારે હોકીમાં મેજર ધ્યાન ચંદ અને બોક્સિંગમાં મુહમ્મદ અલી તેમજ સ્વિમિંગમાં માઈકલ ફેલ્પ્સ પણ પોતાની ઓખળ ઉભી કરી ચૂક્યા છે. આ જ યાદીમાં ફ્રાન્સના મહાકાય જુડોકા ટેડી રિનેરનું નામ પણ ઉમેરવું જ પડે. ઓલિમ્પિક જેવા રમતોના મહાકુંભથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતની મેજર ટુર્નામે્ન્ટ્સમાં ટેડી રિનેરે હરિફ જુડોકાઓને ધોબીપછાડ આપીને પોતાનો આગવો દબદબો સ્થાપિત કર્યો છે. આ જ કારણે રમતના ઈતિહાસમાં તેને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે.
ટેડીએ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકથી લઈને ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિક સુધી સળંગ ચાર ઓલિમ્પિકમાં જુડોમાં ૧૦૦ કિલોગ્રામથી વધુના વજનવર્ગમાં પાંચ સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યો છે, જેમાંથી ચાર સુવર્ણ વ્યક્તિગત સ્પર્ધાના અને એક ટીમ ઈવેન્ટના છે. જ્યારે આ ઉપરાંત તેના નામે ઓલિમ્પિકના બે કાંસ્ય ચંદ્રકો પણ સામેલ છે. આ ઉપરાંત જુડોની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેણે હરિફો પર આગવું પ્રભુત્વ જમાવતા ૧૨ સુવર્ણ ચંદ્રક જીત્યા છે અને તેના સિવાય એક રજત અને એક કાંસ્ય ચંદ્રક પણ તેણે હાંસલ કર્યો છે. જુડો જેવી સ્પર્ધાત્મક રમતમાં આટલા સાતત્ય સાથે ટોચ પર પ્રભુત્વ જાળવી રાખવાની કુશળતાએ જ ટેડી રિનેરને દુનિયાના મહાન રમતવીરોમાં આગવું સ્થાન અપાવ્યું છે.
ફ્રાન્સના ૩૭ વર્ષના જુડોકાની ઊંચાઈ છ ફૂટ અને આઠ ઈંચ છે અને તેનું વજન ૧૩૧ કિલોગ્રામ છે. જોકે કસાયેલું શરીર ધરાવતા ટેડી રિનેરની મજબુત પકડ અને ચપળતાભરી મુવમેન્ટ જ તેની સફળતાનું રહસ્ય છે. આ જ કારણે તે જુડોની મેટ પર એક પછી એક હરિફને પછાડતો રહ્યો છે. તેણે વર્ષ ૨૦૧૦થી લઈને ૨૦૨૦ સુધી લગલગાટ ૧૫૭ જુડો મુકાબલા જીતવાની સાથે રેકોર્ડ બુકમાં સૌથી લાંબી વિજયકૂચની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો હતો. જાપાનનો યામાશિતા યાશુહિરો ૧૯૭૭ થી ૧૯૮૭ દરમિયાન ૧૦૦ કે વધુ કિગ્રાની જુડોની સ્પર્ધામાં સતત ૨૦૩ મુકાબલા જીત્યો હતો. પોલેન્ડનો પાવેલ નેસ્તુલા ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને તે ફેબુ્રઆરી ૧૯૯૪થી માર્ચ ૧૯૯૮ દરમિયાન સતત ૩૧૨ મુકાબલા જીત્યો હતો. જોકે તેની સફળતા -૯૫ કિગ્રા વજન વર્ગની હતી. જોકે તે -૧૦૦ કિગ્રા વજનવર્ગમાં પોતાનું પ્રભુ્ત્વ જાળવી શક્યો નહતો. આ પ્રકારે જોતા ટેડીની સિદ્ધિ ઐતિહાસિક રહી છે.
બિગ ટેડી અને ટેડી બિયર જેવા હૂલામણા નામ ધરાવતા ટેડી રિનેરનો જન્મ કેરેબિયન પ્રદેશમાં આવેલા અને ફ્રાન્સનું આધિપત્ય ધરાવતા ગ્વાડેપલુમાં થયો હતો. તેના માતા મેરી પિયરે રિનેર અને પિતા મોસેસે થોડા સમય બાદ પેરિસમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. તેઓ માત્ર બે વર્ષના ટેડીને લઈને પેરિસ પહોંચ્યાં, જ્યા તેનું બાળપણ વિત્યું. તેઓ ઈચ્છતાં હતા કે ટેડી વિવિધ રમતોમાં ભાગ લે અને બાળપણથી તે ખુબ જ એક્ટિવ હતો. તેણે સ્થાનિક કલબમાં ફૂટબોલની સાથે ટેનિસ અને બાસ્કેટબોલની રમતમાં પણ ભાગ લેવાનું શરુ કર્યું. પેરિસમાં ચાલતી એકેડમીમાં જ તેણે જુદી-જુદી રમતો પર હાથ અજમાવ્યો. જોકે, થોડો સમય બાદ તેના માતા-પિતા અને ટેડીને પણ વ્યક્તિગત રમત પર પસંદગી ઉતારવાનો વિચાર આવ્યો.
બાળપણથી જ ટેડી તેના મજબુત બાંધા અને ઉંચાઈને કારણે સમવયસ્ક બાળકોમાં અલગ તરી આવતો અને આ કારણે તે જુડોમાં વધુ સફળતા મેળવશે તેવું બધાને લાગતું. આ કારણે તેણે અન્ય રમતોને છોડીને માત્ર જુડો પર જ ધ્યાન આપવાનું શરુ કર્યું. વિવિધ રમતોમાં ભાગ લેવાના કારણે ટેડીની ફિટનેસ તો જબરજસ્ત હતી જ અને હવે તે જુડોમાં હરિફ ખેલાડીઓને ભોંયભેગો કરવામાં પણ કુશળતા કેળવવા માંડયો હતો. તેને પેરિસની બોલિવર કલબમાં જુડોની પદ્ધતિ સરની તાલીમ મળી. તેના લડાયક મિજાજ અને કોઈ પણ સ્થિતિમાં હાર ન માનવાની માનસિકતાથી તેના કોચ ખુબ જ પ્રભાવિત થયા.
સ્થાનિક સ્પર્ધામાં કિશોરવયથી જ કમાલ દેખાડવા માંડેલા ટેડીને ૧૫ વર્ષની વયે રાષ્ટ્રીય તાલીમ સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો અને ત્યાં સઘન અને વૈજ્ઞાનિક ઢબની તાલીમ તેમજ નિષ્ણાત કોચના માર્ગદર્શનમાં તેની પ્રતિભા ખીલી ઉઠી. આખરે ૨૦૦૭માં તેને ફ્રાન્સની જુડો વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તેણે ૧૮ વર્ષની કારકિર્દીનું સૌ પ્રથમ વર્લ્ડ ટાઈટલ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. જોકે તેના જેવી વિરાટ પ્રતિભા માટે આ તો સવારના સોનેરી કિરણો જેવી શરૂઆત માત્ર હતી. તેણે ધીરે ધીરે પોતાની કુશળતાને વિસ્તાર આપ્યો, તેની સાથે સાથે વિવિધ તકનિકોમાં પણ નિપૂર્ણતા મેળવવા માટે કમર કસી.
બેઈજિંગ ઓલિમ્પિક ૨૦૦૮માં કાંસ્ય સાથે શરૂઆત કરનારા ટેડીએ ત્યાર બાદ ૨૦૧૨, ૨૦૧૬ અને કોરોનાના કારણે એક વર્ષ વિલંબથી એટલે ૨૦૨૧માં યોજાયેલા ટોકિયો ઓલિમ્પિકમાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. તે ૨૦૨૪માં પણ વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો હતો, જે તેનો ઓલિમ્પિકમાં આઠ વર્ષ પછીનો પહેલો અને ઓવરઓલ પાંચમો સુુવર્ણચંદ્રક હતો. જ્યારે વર્લ્ડ ચેમ્પિયશિપમાં પણ તેણે ૧૨ સુવર્ણ અને એક રજત તેમજ એક કાંસ્યની સાથે પોતાની પ્રતિભાને નવી જ ઉંચાઈ પર પહોંચાડી હતી.
પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્તિની જાહેરાત કરનારા ટેડીએ હવે ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં પુનરાગમન કરવાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. હવે તે ઓલિમ્પિકમાં રેકોર્ડ છઠ્ઠો સુવર્ણ અને નવમો ચંદ્રક જીતવાનો પ્રયાસ કરશે. ટેડી પેરિસની વિખ્યાત પેરિસ સેંટ જર્માઈન કલબ એટલે કે પીએસજીની જુડો ટીમનો સભ્ય છે. પેરિસ ઓલિમ્પિક પુરા થયા તે પછી ડિસેમ્બરમાં તેના જમણા હાથની કોણીની સર્જરી કરવામાં આવી હતી અને હવે તે ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયારી કરી રહ્યો છે.


