- આજકાલ-પ્રીતિ શાહ
- રોહિત અને તેમનાં પત્ની ગીતાંજલિ કહે છે કે આમાંથી કેટલાક પર્યાવરણવિદ્ બને કે ગ્રીન આંત્રપ્રેન્યોર બને તોપણ તેમનો પુરુષાર્થ સફળ ગણાશે
દિ લ્હીના કીડવાઈ નગરમાં રહેતા રોહિત મેહરા જ્યારે લુધિયાણામાં રહેતા હતા, ત્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા તેમના પુત્રએ જણાવ્યું કે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે તેને કારણે સ્કૂલમાં રજા જાહેર થઈ છે. આ સાંભળીને રોહિત મેહરાને તેમના દાદા વૃક્ષારોપણ કરવાનું કહેતા હતા, તે યાદ આવ્યું. રોહિત મેહરાનો સ્વભાવ સમસ્યા વિશે ફરિયાદ કરવાનો નહીં, પણ તેનો ઉકેલ શોધવાનો છે. તેઓ માને છે કે શહેરોના ફ્લેટમાં જગ્યા ન હોય તો ઈનડૉર પ્લાન્ટ્સ રાખવા, બાલ્કની કે ટેરેસ ગાર્ડન બનાવવું કે વર્ટીકલ ગાર્ડન બનાવીને કોઈ પણ રીતે છોડ કે વૃક્ષ વાવવા જોઈએ.
તેમણે વિચાર્યું કે શહેરમાં આધુનિક જીવનશૈલી સાથે ઉછરતા બાળકોનો કુદરત સાથે કોઈ સંબંધ નથી. આ બાળકોને ફિલ્મો વિશે, કાર, કપડાં, શૂઝ કે મોબાઈલની જુદી જુદી બ્રાન્ડ વિશે જાણવામાં કેટલી બધી ઉત્સુકતા હોય છે ! જો તેઓ આ બધું ગ્રહણ કરી શકતા હોય, તો તેમનામાં પર્યાવરણ અને વૃક્ષોની જાળવણી કેમ કરવી તેના વિશે જિજ્ઞાસા ન જગાડી શકાય ? આ વિચારમાંથી ૨૦૨૫માં સ્કૂલ ઑફ ટ્રીઝનો જન્મ થયો. આ સ્કૂલની વિશેષતા એ છે કે તેને માટે ન કોઈ ફી આપવાની છે કે ન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પ્રવેશ પર કોઈ રોકટોક નહીં. ન ક્લાસરૂમ કે ન અભ્યાસક્રમ ! માત્ર જોઈએ વૃક્ષો, માટી, જિજ્ઞાસા અને સમય ! ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ ઑફિસર તરીકે કાર્યરત રોહિત મેહરા શનિ-રવિમાં ઘરના ગાર્ડનમાં આ સ્કૂલ ચલાવે છે. રજાઓ અને વધારાના સમયનો ઉપયોગ પતિ-પત્ની પર્યાવરણ અને સસ્ટેનિબિલિટી માટે કરે છે.
દર અઠવાડિયે સાતથી સત્તર વર્ષની ઉંમરના આશરે પિસ્તાળીસ બાળકો આ 'ટ્રી પાર્ટીઝ'માં ભેગા થાય છે. બાળકો ગાર્ડનમાં અર્ધગોળાકારમાં ગોઠવાય જાય છે અને રોહિત મેહરા તેમને વૃક્ષો અને છોડ વિશે સમજાવે છે, ત્યારે બાળકો એકચિત્તે સાંભળે છે અને મનમાં ઊઠતાં અનેક પ્રશ્નો ઉત્સુકતાથી પૂછે છે. જેમકે વૃક્ષો શ્વાસ કેવી રીતે લે છે ? પોષણ કેવી રીતે મેળવે છે ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું મહત્ત્વ શું છે અને તે કેવી રીતે થાય છે ? કેટલાક વૃક્ષનાં પાંદડાં દિલ્હીમાં જાડા અને પર્વતીય વિસ્તારોમાં પાતળાં કેમ હોય છે ? વગેરે. રોહિત મેહરા તેમને સીડબોલ બનાવતા શીખવે છે અને તેનું મહત્ત્વ સમજાવે છે. તે બાળકોને એ ફોર ફોરેસ્ટેશન, બી ફોર બામ્બૂ, ઈ ફોર અર્થ એમ શીખવીને કહે છે કે તેઓ તેમને જીવનનું ધ્વનિશાસ્ત્ર શીખવે છે. વૃક્ષોનું નિરીક્ષણ એ એમની સૌથી લોકપ્રિય રમત છે. એક બાળક પાસે સ્ટોપવૉચ હોય અને અન્ય બાળકોએ આસપાસનાં વૃક્ષોને એક મિનિટ સુધી જોવાના અને પછી તેના નામ આપવાના હોય છે. તેમાં જે જીતે તેને ચોકલેટ આપવામાં આવે છે. આના કારણે આ બાળકો જ્યારે પ્રવાસે જાય છે, ત્યારે પણ વૃક્ષોનું નિરીક્ષણ કરતા રહે છે. તેઓ તેમના ઘરમાં છોડ વાવે છે અને તેનું જતન કરે છે.
બાળકોને એક પોટ અને બીજ આપવામાં આવે છે. તેને શીખવવામાં આવે છે કે તેને કેવી રીતે વાવવું, કેટલું પાણી આપવું અને તેનું નિરીક્ષણ કરવું. તેનાથી તેમનામાં એ છોડ ઉગાડવા પ્રત્યેની જવાબદારીનું ભાન થાય છે. બાળકોનો વર્ગ ગાર્ડનમાં પૂરો નથી થતો તેની અસર પરિવાર સુધી પહોંચે છે. બાળકોને પ્લાસ્ટિક બોટલમાં છોડ કેવી રીતે ઊગાડવા તે શીખવવામાં આવ્યું, ત્યારે એક બાળક કચરામાં પડેલી બોટલને પકડતાં અચકાતો હતો તો બોટલ ઘરે લઈ જઈ, સ્વચ્છ કરીને તેમાં છોડ વાવ્યો, જેનાથી તેના માતાપિતાને પણ પ્રેરણા મળી. રોહિત મહેરા માટે આ શનિ-રવિના દિવસે કરવાની પ્રવૃત્તિ નથી. આ તેમની જીવનશૈલી છે. તેઓ જે વિશ્વમાં આવ્યા છે તેને વધુ સારું બનાવીને જવા માંગે છે. તે કહે છે કે આ શરીર પંચતત્ત્વનું બનેલું છે. શરીરમાં પાણી છે તે પૃથ્વીના પાણીનું પ્રતિબિંબ છે, અગ્નિ મેટાબોલિઝમમાં પરિવર્તિત થાય છે. બહાર પ્રદૂષણ હશે તે આપણા શરીરને અસ્વસ્થ બનાવશે જ.
વૃક્ષો આપણાં પૂર્વજો છે. આપણે નહોતા ત્યારેય વૃક્ષો હતા જ. આ ગ્રહ પર તેમનો વધારે અધિકાર છે. અનેક નાના જંગલો, મિયાવાકી પદ્ધતિથી ઊગાડેલા અનેક જંગલો અને સિત્તેર ટન બોટલોમાંથી બનાવેલા પાંચસો જેટલા વર્ટીકલ ગાર્ડને તેમને 'ગ્રીન મૅન ઑફ ઇન્ડિયા'ની ઓળખ અપાવી છે. લુધિયાણામાં સત્તર હજાર બોટલથી બનેલા વર્ટીકલ ગાર્ડનને લિમકા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તેઓ આશરે હજાર વર્ષ પહેલાં સુરાપાલાએ લખેલ 'વૃક્ષાયુર્વેદ' ગ્રંથનો આધાર લઈને કોઈ પણ જગ્યાએ જંગલ બનાવવું હોય તો માટી, પાણી, હવા, જગ્યા અને તાપમાનનો અભ્યાસ કરીને કામ શરૂ કરવાનું કહે છે. તેઓ બાળકોને વૃક્ષને ભેટવાનું અર્થાત્ ટ્રી હગિંગ અને ગ્રીન હીલીંગ શીખવે છે. જેનાથી બાળક માનસિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ બને છે. રોહિત માને છે કે દરેક સ્કૂલમાં ટ્રી સ્કૂલ હોવી જોઈએ. રોહિત અને તેમનાં પત્ની ગીતાંજલિ કહે છે કે આમાંથી કેટલાક પર્યાવરણવિદ્ બને કે ગ્રીન આંત્રપ્રેન્યોર બને તોપણ તેમનો પુરુષાર્થ સફળ ગણાશે.
હવે હેપસેફ ભણાવીએ
કનિકા શર્માનું માનવું છે કે આવું શિક્ષણ એ ભવિષ્યની સ્કૂલો માટે કરોડરજ્જુ સમાન બની રહેશે અને દરેક બાળક ગૌરવ અને ભયમુક્તિનો અનુભવ કરશે
ફ રીદાબાદના રૂઢિવાદી કુટુંબમાં જન્મેલી કનિકાના પિતાએ તેને ડૉક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે કનિકાએ મેડીસીનમાં અભ્યાસ કરીને ડૉક્ટર બની હેલ્થકેર મેનેજમેન્ટ ક્ષેત્રે પણ સફળતાપૂર્વક કામ કર્યું. નાનપણમાં ત્રીસ વ્યક્તિઓના સંયુક્ત કુટુંબમાં ઉછરેલી કનિકા જ્યારે અગિયાર વર્ષની હતી, ત્યારથી તેનાથી નાના ભાઈ-બહેનોની સંભાળ રાખતી હતી. પરંતુ લગ્ન પછી માતા બની ત્યારે બાળકો વિશે વિશેષ વિચારવા લાગી. ઘણી વાર બાળકોનું હાસ્ય, અપાર જિજ્ઞાસા અને નિર્દોષતાથી પૂછાયેલા પ્રશ્નો મોટાઓને નિ:શબ્દ બનાવી દે છે અથવા હસીને વાતને અન્ય વિષય પર કેન્દ્રિત કરી દે છે. બેંગાલુરુમાં રહેતી ડૉ. કનિકા શર્માએ જ્યારે પોતાના ચાર વર્ષના પુત્ર સાથે વાત કરી ત્યારે આ વાસ્તવિકતા સમજાઈ. એક દિવસ તેનો પુત્ર સ્કૂલેથી આવ્યો અને કનિકાએ પૂછયું કે આજે તે સ્કૂલમાં શું શીખ્યો ? ત્યારે તેણે માતાને કહ્યું, 'ગુડ ટચ, બેડ ટચ' અને રમવા માટે દોડી ગયો.
આ નાનકડા વાર્તાલાપે કનિકાને વિચારતી કરી મૂકી. તેને થયું કે આનાથી બાળક શું શીખે ? આટલું શીખે તે પૂરતું છે ? આ વિચારમાં બાળકની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય માટે તેણે 'હેપચી' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. હેપચી એટલે હેપ્પી ચિલ્ડ્રન. તેની પાછળનો તેનો આશય બાળકોની ખુશી અને સલામતીનો છે. તેને એમ લાગતું હતું કે શિક્ષણના ક્ષેત્રે આના વિશે ખાસ જાગૃતિ નથી. બાળકોની સલામતી માટે તેમને કહેવામાં આવે છે કે ધારદાર વસ્તુઓને અડવું નહીં, પાણીની નજીક રમવું નહીં કે રોડ ઉપર દોડવું નહીં, પરંતુ આમાં ક્યાંય શરીરની સલામતી વિશે કહેવામાં આવતું નથી. 'ગુડ ટચ' અને 'બેડ ટચ' વિશે શીખવવામાં આવે છે, ત્યારે પણ તે બાળકને પૂરું જાગ્રત કરવા માટે પૂરતું નથી હોતું. શિક્ષણ અને જાગરૂકતા વચ્ચેના અંતરને ઘટાડવા માટે તેમણે બાળકો સમજી શકે તેવી ભાષામાં 'બી સ્માર્ટ, બી સેફદ, 'કોકોઝ ફીલિંગ્સ' અને 'ઇટ્સ ટાઇમ ટુ વૉઇસ માય ચોઇસ' નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં. કોરોનાકાળ સમયે ૨૦૨૦માં કનિકાએ આઈઆઈએમ, બૅંગાલુરુમાં વિમેન સ્ટાર્ટઅપનો એક પ્રોગ્રામ ચાલતો હતો. તેમાં ભાગ લીધો અને ૨૦૨૧માં હેપચીનો જન્મ થયો. સ્કૂલો સાથે વર્કશોપ કરવાની શરૂઆત કરી, પરંતુ તેમાં બાળકની સેફ્ટી અંગે ભાવનાત્મક પાસા પર ભાર મૂક્યો હોવાથી ઘણી સ્કૂલો આ પ્રોગ્રામ કરવા ખચકાટ અનુભવતી હતી. વર્કશોપની શરૂઆત થતાં કનિકા એ જાણવા પ્રયત્ન કરતી કે બાળકોને વર્કશોપ પછી કાંઈ યાદ રહ્યું છે કે નહીં, પરંતુ તેને ખ્યાલ આવ્યો કે બાળકો ખાસ કંઈ યાદ રાખતા નથી. તેથી તેને તેમાં પરિવર્તન કરવાની જરૂર લાગી. આમાંથી જન્મ થયો હેપસેફનો. હેપસેફમાં પહેલા ધોરણથી શરૂ કરીને બારમા ધોરણ સુધીનો અભ્યાસક્રમ ડિઝાઈન કર્યો. આમાં દુર્વ્યવહારને રોકવો, ભાવનાત્મક પરિવર્તન, ઑનલાઇન સેફ્ટી, ભયથી રક્ષણ આપવું, માનસિક સ્વાસ્થ્ય, કિશોરાવસ્થાની સમસ્યાઓ, પોતાના સાથીઓ કે સહાધ્યાયીના દબાણ કે તણાવ વિશે આમ આવા અનેક વિષયોને તેમાં આવરી લેવામાં આવ્યા છે.
કેટલીક સ્કૂલોએ કહ્યું કે હેપચીમાં એક સમયે એક વિષય પર જ વાત થતી હતી, પરંતુ હેપસેફમાં એક સાથે મોટી સંખ્યાને બદલે એક એક વર્ગમાં વાત કરવાથી વિદ્યાર્થીઓ મોકળા મને બોલી શકે છે. છઠ્ઠા ધોરણની એક વિદ્યાર્થિનીએ અભ્યાસ છોડી દીધો હતો, તે પોતાની લાગણીઓ યોગ્ય રીતે વ્યક્ત કરી શકતી નહોતી, પરંતુ તેની સાથે નિયમિત વાતચીત કરવાથી તે હવે પોતાની જાતને અભિવ્યક્ત કરી શકે છે, અન્ય વિદ્યાર્થિનીઓ સાથે મિત્રતા કેળવાઈ અને આત્મવિશ્વાસ વધતા વર્ગમાં સક્રિય રીતે ભાગ લે છે. સાત વર્ષની એક વિદ્યારથિની એકાએક તીવ્ર ગુસ્સો, હતાશા કે સ્ટ્રેસનો અનુભવ કરતી તેને 'સ્મેલ ધ કેક, બ્લો ધ કેન્ડલ'ની ટૅક્નીકથી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા શીખવી. આજે કેટલાય વિદ્યાર્થીઓ સ્ટ્રેસ વખતે આ પદ્ધતિ અપનાવે છે.
ડૉ. કનિકા શર્માએ હેપસેફ પછી ૨૦૨૫માં હેપસ્માર્ટની શરૂઆત કરી. જેનું લક્ષ્ય પ્રિવેન્શન પર છે. આ પ્લેટફોર્મમાં ચૅટબોટનો સમાવેશ કર્યો છે અને તે હેપબડી તરીકે ઓળખાય છે. તે ઉંમર પ્રમાણે વિદ્યાર્થીને અને માતા-પિતાને માર્ગદર્શન આપે છે. અત્યાર સુધીમાં હેપચી સાઠ સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને સાઠ હજાર વિદ્યાર્થીઓ, દસ હજાર માતા-પિતા અને પાંચ હજાર શિક્ષણવિદો સુધી પહોંચ્યું છે. ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં હેપચી સત્તર સ્કૂલોના સહયોગથી તેર હજાર વિદ્યાર્થીઓની અઢી હજાર સેશન કરી છે. હેપચી અત્યારે કર્ણાટક અને તમિલનાડુમાં શહેરી અને અર્ધ-શહેરી સ્કૂલ કોમ્યુનિટી સાથે કામ કરે છે. ડૉ. કનિકા શર્માનું માનવું છે કે આવું શિક્ષણ એ ભવિષ્યની સ્કૂલો માટે કરોડરજ્જુ સમાન બની રહેશે અને દરેક બાળક ગૌરવ અને ભયમુક્તિનો અનુભવ કરશે. આના માટે સ્કૂલોએ એક પદ્ધતિ વિકસાવવી પડશે, માતા-પિતાએ તાલીમ લેવી પડશે અને શિક્ષણવિદોએ તેને શિક્ષણના મહત્ત્વના ભાગ તરીકે સ્થાન આપવું પડશે.


