- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- આપણે એ દુ:ખની ભીતરમાં જઈને એની ચિકિત્સા કરીને તાગ મેળવ્યો કે આપણા મોટા ભાગનાં દુ:ખો એ હકીકતમાં દુ:ખ હોતા જ નથી
ઘણી વાર તો એ દુ:ખનું કારણ માનવીનું બનાવટી જીવન છે. વિમાનમાં પ્રવાસ કરતી વખતે એર-હોસ્ટેસ એના ચહેરા પર એક બનાવટી હાસ્ય લઈને ફરતી હોય છે
અ જ્ઞાન, દુર્ગુણો, ભ્રામક માન્યતા, નિરંકુશ કામનાઓ અને ભૂતકાળ પરસ્તીથી આવતી આપત્તિને આપણે ઓળખીશું, તો આપણાં અડધાં દુ:ખો ઓછાં થઈ જશે. દુ:ખના મૂળમાં જતાં અનેરું સત્ય લાધતું હોય છે. આપણે એ દુ:ખની ભીતરમાં જઈને એની ચિકિત્સા કરીને તાગ મેળવ્યો કે આપણા મોટા ભાગનાં દુ:ખો એ હકીકતમાં દુ:ખ હોતા જ નથી.
ઘણી વાર તો એ દુ:ખનું કારણ માનવીનું બનાવટી જીવન છે. વિમાનમાં પ્રવાસ કરતી વખતે એર-હોસ્ટેસ એના ચહેરા પર એક બનાવટી હાસ્ય લઈને ફરતી હોય છે. એવી જ રીતે વ્યક્તિ એક જુદો ચહેરો-મહોરો લઈને જીવતી હોય છે. એનું બેવડું વ્યક્તિત્વ એના જીવનની પરેશાનીનું કારણ બને છે. વળી માણસને એના દુ:ખની વાત મલાવી, મલાવીને, આંખમાં આંસુ સાથે કહેવી બહુ ગમે છે. તમારા સંસાર-વ્યવહા૨ પ૨ નજ૨ કરો તો ખ્યાલ આવશે કે એવી ઘણી વ્યક્તિઓ તમારા સંપર્કમાં હશે કે જે સતત દુ:ખનાં ગાણાં જ ગાતાં હોય. ક્યારેક તો એમ લાગે કે એમને સુખનાં બદલે દુ:ખ કોઠે પડી ગયું છે અને દુ:ખ જ એમને વધુ પસંદ છે.
રમણલાલ અને મગનલાલ નામના બે મિત્રો હતા. એમાં રમણલાલે મગનલાલને પ્રશ્ન કર્યો, 'ધારી લે કે તું જંગલમાં જતો હોય અને સામે કોઈ સિંહ મળી જાય તો શું કરે ?'
'બસ, જીવ મુઠ્ઠીમાં લઈને જોરથી દોડવા માંડું, બીજું શું કરું.'
રમણલાલે કહ્યું, 'પણ જેમ તું દોડે તેમ સિંહ પણ તારી પાછળ દોડવા માંડે તો શું કરે ?'
'તો પછી એનાથી બચવા માટે દરિયામાં છલાંગ લગાવું. સિંહ દરિયામાં ક્યાંથી આવવાનો છે ?'
૨મણલાલે વળતો પ્રશ્ન કર્યો, 'ધારી લે કે સિંહ તારી પાછળ દરિયામાં છલાંગ લગાવે તો તું શું કરીશ ?'
મગનલાલે કહ્યું, 'તો હું ઝડપથી તરીને સામા કિનારે પહોંચી જઈશ.'
રમણલાલે વળી સવાલ કર્યો, 'સિંહ બરાબર તારી પાછળ પડયો છે, એ પણ દરિયામાં તરતો તરતો સામે કિનારે પહોંચી જશે, પછી તું શું કરીશ ?'
'તો હું ઝાડ પર ચડી જઈશ.'
ધારી લે કે સિંહ પણ તારી માફક ઝાડ પર ચડી જાય, તો તું શું કરીશ?'
ધારી લેવાનાં આટલા બધાં પ્રશ્નોથી મગનલાલને ભારે કંટાળો ચડયો અને એમણે અકળાઈને કહ્યું, '૨મણલાલ ! તું મને એટલું કહે કે તું મારી તરફ છે કે સિંહની તરફ ?'
આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘણી વ્યક્તિઓ સુખને બદલે દુ:ખની તરફ રહેતી હોય છે. આપણે ત્યાં અકસ્માત, દુર્ઘટના અને મૃત્યુ પછી વ્યક્તિ આવા દુ:ખોનું એટલી બધી વાર વર્ણન કરે છે કે એનું મનોબળ તૂટી જાય છે. એ અંદરથી ભાંગી જાય છે. વળી દરેક વ્યક્તિ આવો પ્રશ્ન પૂછે કે, 'કઈ રીતે તમારા સ્વજનનું મૃત્યુ થયું ?' અને પછી તમારે દરેકને એનું વિગતવાર બયાન આપવું પડે.
આને બદલે એને આશ્વાસન આપીને ભવિષ્યને માટે સહારો આપવાની જરૂર હોય છે, પરંતુ આપણે તો ધર્મસભાને પણ શોકસભા જેવી બનાવી દીધી છે. ઉપદેશકનો ચહેરો ઉદાસીન હોય અને સાંભળનારનો ચહેરો ગંભીર હોય. નરકમાં મળનારી યાતનાઓની વાત થતી હોય, પાપી જીવનનું વર્ણન થતું હોય અને સાથોસાથ જાણે હસવાની મનાઈ હોય. આથી જ ધર્મ એ આનંદનાં ઉત્સવને બદલે ઉદાસીનતાનું પર્વ બની ગયું છે.
એક ગામમાં હાસ્ય કલાકારનો કાર્યક્રમ હતો અને તેમાં સરપંચ બેઠા હતા. હાસ્ય કલાકારે જોયું કે ઘણી મહેનત કરવા છતાં કોઈ વ્યક્તિ હસતી નથી. એણે ઘણી ૨મૂજો રજૂ કરી, પણ કોઈના ચહેરા ૫૨ સહેજે હાસ્ય આવે નહીં. એને સવાલ થયો એટલે સરપંચને પૂછયું તો એમણે કહ્યું કે, મેં તમને અહીં બોલાવ્યા, ત્યારે ગામમાં ઢંઢેરો પીટાવ્યો હતો કે આ કાર્યક્રમમાં સહેજે હસ્યા કે ખી..ખી.. કરી તો આ બે નાળી(બંદૂક) તમારી શરમ નહીં રાખે.'
આજે ધર્મ એ મનનો બોજ વધા૨વાનું માધ્યમ બની ગયો છે. હકીકતમાં એણે માનવીના મનનાં બોજને મુક્ત કરવાનું કામ કરવું જોઈએ. કૃષ્ણભક્ત મીરાં ઘૂંઘરું બાંધીને નાચતી હતી, મહાયોગી આનંદધન મોજથી આધ્યાત્મિક પદો ગાતાં હતાં, સંત કબીર રસ્તા પર ચાલતા હોય અને મજાની સાખી બોલતા હોય કે આપણા કવિ દયારામ ગરબીમાં ઘૂમતા હોય, પણ આપણે ધર્મને મનનો બોજ બનાવ્યો છે અને ધર્મ સાધનાને જીવનનું કષ્ટ બનાવી છે. એની સાધના ઘણી વાર આનંદને બદલે પીડા આપનારી લાગે છે. આથી હું એટલું જ કહીશ કે સ્મિત વગ૨નો કોઈ ચહેરો જુઓ તો તમારું સ્મિત એને આપજો. આ સંદર્ભમાં મને જ્હોન મર્ફીનું ઉદાહરણ યાદ આવે છે.
જ્હોન મર્ફી અને એની પત્નીનું જીવન બદલાઈ ગયું. હાર્ટ એટેક આવ્યા પહેલાં આખું ઘર આનંદ, ઉલ્લાસ અને છલોછલ હાસ્ય ઉભરાતા હતા. સામાન્ય મોજમજાકની બાબતમાં પણ બંને ખૂબ હસતાં હતાં, પરંતુ આ બીમારી પછી એમનું જીવન સાવ શુષ્ક બની ગયું. તેઓ ગંભીર અને ઉદાસીન રહેવા લાગ્યા.
આ સમયે જ્હોન મર્ફીએ એક કામ કર્યું. એણે હાસ્ય જગાડે એવી સામગ્રી એકઠી કરવા માંડી. એક પોસ્ટરમાં લખ્યું, 'જીવન અત્યંત મૂલ્યવાન છે, તેને ગંભીરતામાં ડુબાડી વેડફી નાખશો નહીં' અને બીજા પોસ્ટ૨માં લખ્યું, 'જિંદગીને મોજથી માણો, જિંદગી એ કોઈ રિહર્સલ નથી.'
અને પછી જ્હોન મર્ફીએ હાસ્યપ્રેરક કાર્ટૂનો, વીડિયો અને ઓડિયો કેસેટ શોધીને એકત્રિત કર્યા. ૨મૂજ અને હાસ્ય જગાડે એવાં પુસ્તકો ભેગા કર્યા અને એક 'હાસ્ય બાસ્કેટ' બનાવ્યું અને એ 'હાસ્ય બાસ્કેટ' હોસ્પિટલોમાં આપવા લાગ્યા. હોસ્પિટલનો દર્દી વીડિયો જુએ, કેસેટ સાંભળે, હાસ્યનું પુસ્તક વાંચે અને આ બધા સમયે એ હસતો હોય અને બીજાને રમૂજ કહેતો હોય.
એણે હસતાં ચહેરાવાળા સ્વયંસેવકો તૈયાર કર્યા. હોસ્પિટલની લોબીમાં અને વોર્ડમાં દર્દીઓ પાસે જઈને એ બધાને હસાવતા હતા. એમણે 'હાસ્યખંડ' બનાવવાની માગણી કરી, જ્યાં હાસ્ય જન્માવતી વીડિયો બતાવવામાં આવે.
આ રીતે જિંદગીમાં વિધયાત્મક દ્રષ્ટિ હોવી જોઈએ. દેશના લોકપ્રિય વડાપ્રધાન બનેલા લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે ગંગા નદી તરીને ભણવા જતા હતા. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની એવી ગરીબ દશા હતી કે એ ઘોડા પર એક જગાએથી બીજી જગાએ જતા, ત્યારે સતત અભ્યાસ કરતા. અબ્રાહમ લિંકન અનેકવાર ચૂંટણીમાં હાર્યા છતાં અંતે અમેરિકાના પ્રમુખ બન્યા અને આજ સુધીનાં પ્રમુખોમાં શ્રેષ્ઠ અમેરિકન પ્રમુખ ગણાય છે.
ઘણી વાર દુ:ખની ઘટનાને દૂરથી જોઈએ તો ખ્યાલ આવે કે એ અણધાર્યું દુ:ખ મારા જીવનમાં સુખમાં પલટાઈ ગયું હતું. એ આફત આશીર્વાદ બની ગઈ અને એ મુશ્કેલી મને નવો માર્ગ બતાવી ગઈ. આ સંદર્ભમાં વિશ્વના શ્રેષ્ઠ હાસ્ય અભિનેતા ચાર્લી ચેપ્લિનના જીવનની ઘટના ભૂલવા જેવી નથી.
રંગમંચ પર એમની માતા મધુર કંઠે ગીત ગાતા ગાતા નૃત્ય કરતા હતા. પાંચ વર્ષનો બાળક ચાર્લી ચેપ્લિન વિંગમાં એક ખૂણે ઊભો રહીને માતાની કલાને જોતો હતો, પણ એક દિવસ એણે જોયું તો માતાએ ગાવાનું શરૂ કર્યું, પણ એનો અવાજ તૂટવા લાગ્યો. એ ગાઈ શકતી નહોતી, વારંવાર પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ ગઈ. આ સમયે પાંચ વર્ષનો ચાર્લી માતા સાથે અહીં આવતો અને માતાને ગાતી અને નૃત્ય કરતા જોતો હતો. એ પછી એની માતાના સાથી કલાકારો આગળ એની આબાદ મિમિક્રી કરીને એ સહુને ખુશ કરતો હતો. પાંચ વર્ષના ચાર્લી ચેપ્લિન પાસે મેનેજર આવ્યો અને કહ્યું, ''ચાલ છોકરા, સ્ટેજ પર આવ. રોજ તારી માતા કેવી છટાથી ચાલે છે, કેવી રીતે ગાન-નૃત્ય કરે છે એની નકલ કરે છે! આજે એ સ્ટેજ પર કરી બતાવ.''
ચાર્લી ચેપ્લિને આત્મવિશ્વાસથી કહ્યું, ''હું જરૂર કરી બતાવીશ અને ખૂબ સારી રીતે કરી બતાવીશ. તમે સહેજે ગભરાશો નહીં.''
પાંચ વર્ષના ચાર્લી ચેપ્લિનનો આત્મવિશ્વાસ જોઈને મેનેજ૨ થોડી વાર એની સામે તાકીને જોઈ રહ્યા અને પછી હસતાં હસતાં વિંગમાં ચાલ્યા ગયા. ચાર્લી ચેપ્લિન મંચ પર આવ્યો. દર્શકો સમક્ષ પોતાની માતાની આબાદ મિમિક્રી કરી. દર્શકોએ તાલીઓના ગડગડાટથી એને વધાવી લીધો અને એના પર પૈસાનો વરસાદ વરસાવ્યો. ચાર્લી ચેપ્લિન એની માતા પાસે ગયો અને માતાની આંગળી પકડીને કહેવા લાગ્યો, ''ચાલ મા, હવે ઘેર જઈએ. હું હવે ગાઈશ અને નાચીશ અને ઘણા બધા પૈસા કમાઈશ.''
દુ:ખની ક્ષણિકતા જોઈને હવે પછી આપણે સાચું સુખ કેવું હોય તે વિશે વિચારીશું...(ક્રમશ:)


