- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- તમારું જીવન તમને હંમેશા કશુંક કહેતું હોય છે. મૂળભૂત આધ્યાત્મિક પ્રશ્ન છે : તમે સાંભળો છો ખરા?
તમારું જીવન તમને હંમેશા કશુંક કહેતું હોય છે. મૂળભૂત આધ્યાત્મિક પ્રશ્ન છે : તમે સાંભળો છો ખરા?
- ઓપ્રા વિન્ફ્રે
આ વિશ્વખ્યાત હસ્તી કહે છે કે અહીં દરેકને પોતાનું એક જી.પી.એસ.(ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ) કે હોકાયંત્ર મળેલું છે. જેને સાંભળીને આપણે દરેક સ્થળે પહોંચવાનું અને પળને પામવાનું હોય છે. આમ ક્યાંય પણ પહોંચવું કે પામવું આપણા હાથમાં હોય છે. - હલેસાં વાપરીએ કે સઢ. અંદરથી આવતા દરેક ઝીણા સાદને નકાર્યા કે અવગણ્યા વિના સાંભળવાના છે. આખરે, આપણે અહીં આપણી શ્રેષ્ઠતાને પામવા અને જીવવા આવ્યા છીએ. આપણો દરેક શ્વાસ, વિચાર, પળ, સ્પંદન આપણને કશુંક કહે છે.
વરસો પૂર્વે ન્યુઝ એન્કર અરનાબ ગોસ્વામીની કારકિર્દીનો પ્રથમ દિવસ હતો. ત્યારે તેમણે તે સમયના પ્રખ્યાત ન્યુઝ એન્કર પ્રણબ રોયને કહ્યું, 'હું નર્વસ છું!' તો પ્રણબ રોય કહે છે, 'એક કેમેરો એટલે એક માણસ. તેમાં ડર શેનો?' આજે અરનાબ ગોસ્વામી કહે છે, 'તમને સૌ સાંભળે તેમ તમે ઈચ્છતા હો તો બુમો પાડો.' અલબત, જાતને અને જગતને સાંભળવાની અવસ્થા અલગ છે. બધિરતા વધી છે તેથી મોટેથી બોલવું પડે છે. રાડારાડ, બૂમબરાડા, જોર જોરથી બોલવાથી શબ્દ સત્ય બની જતો હશે કે ઉઝરાડતો હશે? ખબર નથી. ક્યારેક પ્રશ્ન થાય છે કે સત્ય પ્રતીતિ છે કે પ્રત્યાઘાત ?
જીવનના જી.પી.એસ.ને સાંભળવાની શૈલી અનોખી છે. જયારે આપણે બોલતા બંધ થઈએ છીએ ત્યારે જીવન સંભળાય છે. જીવનના દરેક ઉત્સવમાં ટોળુ અને ઘોંઘાટ અનિવાર્ય નથી. ક્યારેક જીવન રૂપાંતરિત કરી નાખતો ઉત્સવ એકલા હોઈએ ત્યારે રચાતો હોય છે. હરમન મેલવીલ તો કહે છે કે પરમનો એક માત્ર ધ્વની તો મૌન છે. જગત ઓછું અને આછું થાય તો પરમનો અવાજ કે સાદ સંભળાય. સાદો નિયમ તો એટલો જ છે; અન્યના મન-બુધ્ધિ સમજવા હોય તો તેમના શબ્દો-અવાજ સાંભળો પણ જો અન્યનું હૃદય-આત્મા પામવા હોય તો તેનું મૌન સાંભળીએ.
પ્રેમ મૈત્રી પણ સુક્ષ્મ રીતે સાંભળવાની જ સાધના છે. ક્રમશ: બન્ને વ્યક્તિ પરિપક્વ અને પરિશુધ્ધ બને ત્યારે તે બન્ને મૌન બની જશે. અને કોઈ અવ્યાખ્ય એવી ત્રીજી ઉપસ્થિતિ બોલશે અને પ્રેમી-મિત્રો સાંભળશે. સંવેદનશીલ જર્મન કવી રિલ્કે અને ક્લેરાની આવી જ મૈત્રી હતી. તે બન્ને મૌન બની રહેતા અને પ્રેમ-એકાંત-જીવનને સાંભળતા. પરોઢ હોય કે સંધ્યાકાળ, અંગતખંડ હોય કે નદીનો તટ, બજાર વચ્ચે કે મંદિરમાં આપણી અંદરનો ધીમો અવાજ સાંભળવા આપણે બેસવાનું હોય છે. તે અવાજ આપણો જીવનમિત્ર છે. ઊંડા સંવાદમાં માત્ર બોલવું નહીં સમગ્રતાથી સાંભળવું પણ મુલ્યવાન છે. આ જીવન-મિત્ર જ આપણું જીવન-ભાષ્ય ભાખે છે. જીવન આખું આ ભીતરને ન્યોચ્છાવર કરનાર સાંઈ મકરન્દ દવે આ ચૈતન્ય અવસ્થાને આમ વ્યક્ત કરે છે :
સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,
બાવાજી, મુંને ચડે સમુંદર લેરું.


