Get The App

બંદૂક : માનવજાતિ પરનો મહાઅભિશાપ! .

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
બંદૂક : માનવજાતિ પરનો મહાઅભિશાપ!                        . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- માનવજાતિને હિંસા, હત્યા અને રક્તપાતના માર્ગે દોરનારી જ નહીં, પણ દોડાવનારી કોઈ બાબત હોય તો તે આ બંદૂક છે. કે જેની તાકાત પર માણસે માણસાઈનું નિકંદન કાઢયું છે

- પુલાવામાં આંતકી હુમલો

આ ફ્રિકાના પ્રવાસમાં એના એક મ્યુઝિયમમાં જોયેલું એક ચિત્ર વર્ષો થયાં, પણ મનમાંથી સહેજે ખસતું નથી. એક યુરોપિયન બંદૂક તાકીને ઊભો છે અને સામે જમીન પર ઘૂંટણિયે પડીને આફ્રિકન કબીલાનો રાજા બે હાથ જોડીને જીવ બચાવવા માટે આજીજી કરે છે. આફ્રિકાના એ પ્રવાસ દરમિયાન મેં જોયું કે બળવાન, મજબૂત અને મહેનતુ આફ્રિકન પ્રજાને યુરોપિયન પરાસ્ત કરી શકે તેની પાછળ કોઈ મુખ્ય કારણ હોય તો તે એની બંદૂક છે. એ બંદૂકોથી આફ્રિકનોની ક્રૂર હત્યા કરવામાં આવી અને એનાં જંગલોનાં સેંકડો પ્રાણીઓનો નાશ કરવામાં આવ્યો. 

માનવજાતિને હિંસા, હત્યા અને રક્તપાતના માર્ગે દોરનારી જ નહીં, પણ દોડાવનારી કોઈ બાબત હોય તો તે આ બંદૂક છે. કે જેની તાકાત પર માણસે માણસાઈનું નિકંદન કાઢયું છે. કોઈ એમ કહે કે વરાળથી ચાલતું એન્જિન બનાવીને જગતમાં ઔદ્યોગિક ક્રાંતિ સર્જાઈ, તો એની સાથે એમ પણ કહેવું જોઈએ કે બંદૂકની શોધ કરીને માણસે આ જગતમાં હિંસક એવી વિનાશક ક્રાંતિ કરી. 

અમેરિકા અને અન્ય દેશોમાં છાશવારે કેટલાય નિર્દોષ લોકો કોઈ ધૂની, મિજાજી, ધર્મઝનૂનીની બંદૂકમાંથી છુટેલી ગોળીઓનો ભોગ બને છે. અમેરિકામાં સ્વ-રક્ષણ માટે બંદૂક રાખવામાં આવે છે. એમાંથી આખુંય 'ગન કલ્ચર' ઊભું થયું. કોઈ સંસ્કૃતિ શસ્ત્રને નામે હોય તો તે વિદેશમાં જ બની શકે. આજે પહેલગામમાં થયેલી હત્યાઓમાં, સુદાનનાં બળવાખોરોમાં કે પછી આતંકવાદીઓ અને નક્સલવાદીઓ દ્વારા આ બંદૂકોનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવે છે. 

એકબાજુ વિશ્વને સકારાત્મક દ્રષ્ટિએ નિહાળતા સમર્થ ડચ ઇતિહાસવિદ્ રુટ્સ૨ બ્રેગમન એના ચારસોને પાંસઠ પૃષ્ઠના ઐતિહાસિક અને અભ્યાસપૂર્ણ પુસ્તક Human kind : A Hopeful History' માં માનવજાત અવળા માર્ગને બદલે ઉન્નતિના સદ્માર્ગે જઈ રહી છે, એમ ભારપૂર્વક કહે છે, તો બીજી બાજુ જેમ્સ જોઈસ જેવો લેખક યુલિસીસ દ્વારા માનવજાતની અવળી ગતિ બતાવે છે. 

ખુદ વાચકોએ જ વિચાર કરવો જોઈએ કે વર્તમાન સમયે જગત આખું સન્માર્ગે આગળ વધી રહ્યું છે કે પછી ખોટા રસ્તે દોડી રહ્યું છે ? ચોપાસ હિંસા, પારાવાર શોષણ અને પર્યાવરણના વિનાશને કારણે એમ લાગે કે આધુનિક વિશ્વની આવતીકાલ ભયાવહ કેવી હશે ? એમાં પણ જુદા જુદા સમૃદ્ધ રાષ્ટ્રોએ ગરીબ, પછાત કે અર્ધ વિકસિત રાષ્ટ્રો પર ગુજારેલા જુલમની વાત તો ક્યાંથી કરવી, પણ ખેર ! કેટલાંક ક્વિફ્ટન કેઇસ જેવા અકળાઈને કહે છે કે, 'આ યુગ એ માનવતાનો યુગ નથી, ટેકનોલોજીનો યુગ નથી, આ યુગ એ તો હત્યાનો યુગ(મોર્ટિસિન) છે. 

આજે અમેરિકામાં જેટલી વસ્તી છે એના કરતા વધુ બંદૂક છે. આમ તો આત્મરક્ષાના સાધન તરીકે બંદૂક આપવામાં આવે છે, પરંતુ કોઈક વ્યક્તિ જીવનભરનાં ખાલીપાથી અકળાઈને, તો વળી કોઈ સનસનાટી સર્જવા માટે કે પછી પોતાના સાથી કર્મચારીઓ પ્રત્યેનાં દ્વેષને કારણે યા તો ધર્મઝનૂન કે આતંકને લીધે બંદૂકનો ઉપયોગ કરે છે. 

આફ્રિકાનો પ્રાચીન ઇતિહાસ અત્યંત ગૌરવમય હતો. ભારતના જેટલો જ ભવ્ય હતો, પરંતુ આ બંદૂકના આધારે યુરોપિયનોએ કબીલાના રાજાને ઘૂંટણિયે પાડયા અને એમની કુદરતી સંપત્તિ અને મજૂરો તરીકે આફ્રિકનોનો બેફામ ઉપયોગ કર્યો. એક અર્થમાં કહીએ તો આ બંદૂકોનો જન્મ તો વિવિધ હેતુઓ માટે થયો. બંદૂકની શોધનો પાયો છેક નવમી સદીમાં ચીનમાં ગન પાવડરની શોધ સાથે નખાયો, જે પાછળથી યૂરોપમાં વિકસીત થયો. આજે તો આ બંદૂકનું અદ્યતન સ્વરૂપ AK-47 અને AK-57 પ્રકારની બંદૂકો રૂપે જોઈ શકાય છે. બંદૂકને માટે ગન પાવડરનું ઘણું મહત્ત્વ છે અને આઠમી સદીમાં બ્રિટન બંદૂકના ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વનું અગ્રેસર હતું. 

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપારીના વેશમાં પ્રવેશ કર્યો અને પછી બ્રિટિશરોએ ભારતનું શોષણ કર્યું. પરંતુ એની સાથોસાથ એક બીજી બાબત પણ છે કે બ્રિટનને માટે ભારત માત્ર એક દેશ પરની સત્તા જ નહોતી, બલ્કે એની નજ૨ બિહારમાં ઉત્પન્ન થતા ગન પાવડરના મુખ્ય ઘટક સોલ્ટપીટર પર નિયંત્રણ મેળવવા પર હતી. આ નિયંત્રણ મેળવીને બ્રિટને બંદૂકની મૂળભૂત સામગ્રી પર લગભગ એકાધિકાર મેળવ્યો અને એ જ બંદૂકો દ્વારા એણે આફ્રિકા ખંડ પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. એશિયાઈ દેશોને પરતંત્ર બનાવ્યા અને છેક અમેરિકા સુધી એ સહુ પહોંચી ગયા. 

આ બંદૂકોએ અનેક દેશોનું સ્વાતંત્ર્ય ક્રૂરતાથી ઝૂંટવી લીધું. બંદૂક ધરાવનારા દેશોએ પ્રજાની આઝાદીને ગોળીએથી વીંધી દીધી અને એથીયે વધુ એ દેશની કુદરતી સંપત્તિ અને અર્થતંત્ર પર પોતાનો એકાધિકાર જમાવી દીધો. આનો અર્થ એ થયો કે આ બંદૂકથી યૂરોપની ઔદ્યોગિક ક્રાંતિએ પોતાની સત્તા અને સંપત્તિમાં બેફામ વધારો કર્યો. કેટલીક પ્રજાઓ તો સાવ નામશેષ થઈ ગઈ. એ અમેરિકાના રેડ-ઇન્ડિયનો હોય કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનાં મૂળ વતનીઓ હોય એમને બંદૂકના જોરે તાબામાં લીધા અને પછી રહેંસી નાખ્યા. 

આજે પણ બંદૂકના દુરુપયોગથી આતંકવાદ અને હિંસા ફેલાઈ રહ્યા છે. AK-47 રાઇફલ એ તો વિશ્વભરની સેનાઓ, બળવાખોરો અને આતંકવાદીઓ માટે સૌથી વધુ પસંદગીનું હથિયાર છે. એ લાંબા સમય સુધી ટકે છે, એવી જ રીતે વર્તમાન સમયમાં ભૂમિદળ એ સ્થિર તોપોને બદલે RPG-7 અથવા તો FGM-148 જેવલિન જેવા ટેન્ક-વિરોધી હથિયારોનો ઉપયોગ કરે છે. તો વળી લાંબા અંતરના નિશાન માટે સ્નાઈપર રાઈફલ્સ તથા સૈનિકોની ગતિશીલતા માટે હળવા વજનની મશીનગનનો ઉપયોગ કરે છે. 

આ બંદૂકોનું સતત આધુનિકીકરણ કરવામાં આવે છે, જેમાં વધુ ચોક્સાઈ, ઓછો ધુમાડો અને વધુ ઝડપી ફાયરિંગ રાઉન્ડ્સ થઈ શકે તેવા સંશોધનો ક૨વામાં આવે છે. આ બંદૂકોએ માત્ર માનવજાતિને જ હિંસાના ખપ્પરમાં ધકેલી નથી, બલ્કે એણે અબોલ પ્રાણીઓનો નિર્દય રીતે શિકાર કર્યો છે. બંદૂકો દ્વારા વિંધાયેલા પશુ અને પક્ષીની કેટલીક જાતો તો નામશેષ થવાના આરે છે. દરિયાઈ વ્હેલનો વધ આ બંદૂકને કારણે જ થયો. 

બીજી બાજુ આજે બંદૂકોનો કાયદેસર અને ગેરકાયદેસર વેપાર ચાલે છે. માનવજાતિને માટે તો બંદૂક એ વ્યવસ્થિત હત્યા કરનારું યંત્ર જ નથી, બલ્કે પ્રાણીજીવનનો વિનાશ કરનારું સાધન પણ છે. શ્રી પ્રતાપ ભાનુ મહેતા પોતાના પુસ્તક 'પ્રોગ્રેસ એટ ગનપોઇન્ટ'માં લખે છે કે ઈ. સ. ૧૭૫૦થી ૧૯૦૦ દરમિયાન યૂરોપની બહાર કશાય કારણ વિના માનવીઓને બંદૂકથી વીંધી નાખવાની સંખ્યા બસો મિલિયન જેટલી છે અને એ જ રીતે આ બંદૂક દ્વારા સાઈઠ મિલિયન બાયસન, દસ મિલિયન હાથી, બે મિલિયન વ્હેલ અને બીજી અન્ય પ્રજાતિઓનો નાશ થયો છે અથવા તો છેક લુપ્ત થવાને આરે લાવી દીધી છે. 

બંદૂકનો જુદા જુદા હેતુઓ માટે પણ ઉપયોગ થતો રહે છે. માત્ર યુદ્ધ જ નહીં, બલ્કે ભય પેદા કરવા, રક્ષણ અને આતંકવાદ વિરોધી કામગીરી માટે પણ એનો ઉપયોગ થાય છે. એના ઉપયોગનો વિચાર કરીએ તો લશ્કર, પોલીસ દળ અને અન્ય અર્ધલશ્કરી દળો તેનો ઉપયોગ હુમલો કરવા માટે અથવા તોફાને ચડેલા ટોળાને કાબૂમાં લેવા માટે કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ પ્રાણીઓનો શિકાર કરવા માટે અથવા નિશાનબાજીની સ્પર્ધાઓમાં ભાગ લઈ આનંદપ્રમોદ માટે કરતા હોય છે. બંદૂકના ઉપયોગના હેતુ મુજબ તેની બનાવટ ક૨વામાં આવે છે. દા.ત. યુદ્ધના મેદાન પર શત્રુ પર હુમલો કરવા કે તોફાને ચડેલાં ટોળાંઓને કાબૂમાં લેવા જે બંદૂકોનો ઉપયોગ કરવામાં આવે છે તે બંદૂકો કઠણ સાધનોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. જ્યારે પક્ષીઓ કે પ્રાણીઓનો શિકાર કરવા માટે નિશાનબાજીની સ્પર્ધાઓમાં નિર્જીવ નિશાનને તાકવા માટે જે બંદૂકો બનાવવામાં આવે છે તે પ્રમાણમાં હળવાં સાધનો દ્વારા બનાવવામાં આવતી હોય છે. સૈનિકો દ્વારા યુદ્ધભૂમિ પર ઉપયોગમાં લેવાતી બંદૂકો સ્વયંચાલિત અથવા અંશત: સ્વયંચાલિત હોય છે. જેમાંથી ગોળીઓની ઝડી વરસાવી શકાય, જ્યારે શિકાર માટેની કે સ્પર્ધા માટેની 

મોટાભાગની બંદૂકોનો ઉપયોગ કરતી વેળાએ દરેક વખતે ગોળીબાર કરતા પહેલાં તેમાં ગોળીઓ નવેસરથી ભરવી પડતી હોય છે. સ્વયંચાલિત કે અંશત: સ્વયંચાલિત બંદૂકો ઓચિંતા હુમલા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. તેના નિશાનનું ક્ષેત્ર ઘણું લાંબું હોય છે અને તેમાંથી છોડેલી ગોળી ધાર્યું નિશાન સાપેક્ષ રીતે વધુ ચોક્સાઈથી પાડી શકે છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે આ બંદૂકોનો ધીકતો ગેરકાયદેસર વ્યાપાર ચાલે છે અને તે આતંકવાદીઓ અને ઉદ્દામવાદી રાજકીય જૂથોને સહેલાઈથી પ્રાપ્ત થાય છે. એના પર કડક નિયંત્રણો હોય છે, પરંતુ એનો કશો પ્રભાવ પડતો નથી. આજે તો બંદૂક માણસના હાથ ૫૨ જ નહીં, બલ્કે એના મગજ પર કબજો જમાવીને બેઠી છે અને એને કારણે જ 'કિલ ફોર ધ સેક ઓફ કિલીંગ' અર્થાત્ હત્યા કરવાની ઇચ્છાથી કોઈને હણી નાખવા એવી માનસિકતા પણ વ્યાપક બની રહી છે.

મનઝરૂખો 

વિશ્વના મહાન નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયો ટોલ્સ્ટોય (જ. ઈ. ૧૮૨૮. અ. ઈ. ૧૯૧૦)ને એમના મિત્રએ મીઠો ઉપાલંભ આપતાં કહ્યું કે મેં નોકરી માટે મારા એક પરિચિતને તમારી પાસે મોકલ્યો હતો. એની પાસે અનેક ઊંચી પદવીઓ હતી. અભ્યાસમાં એની કારકિર્દી પણ અત્યંત તેજસ્વી હતી. આટલાં બધાં પ્રમાણપત્રો ધરાવતો હોવા છતાં તમે એમની પસંદગી કરી નહીં. એ તો ઠીક, પરંતુ તમે એ સ્થાન માટે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે કોઈ ઊંચી પદવી નહોતી કે કોઈ વિશાળ અનુભવ નહોતો, તો મારે જાણવું એ છે કે તમે શા માટે મારા સૂચનનો અનાદર કર્યો અને પદવીધારી યુવાનને નોકરી આપી નહીં? લિયો ટોલ્સ્ટોયે કહ્યું, ''મેં જેની પસંદગી કરી, તેની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એવાં પ્રમાણપત્રો કે જે કોલેજ કે યુનિવર્સિટી દ્વારા મળ્યાં ન હોય; પરંતુ જીવનની પાઠશાળામાંથી મેળવેલાં હોય.''

ટોલ્સ્ટોયનો મિત્ર મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું, ''મને તો એવી કોઈ જીવનની પાઠશાળાની ખબર નથી કે જે આવાં પ્રમાણપત્રો આપતી હોય.''

ટોલ્સ્ટોયે કહ્યું, ''જુઓ, તમે જે વ્યક્તિને મોકલ્યો હતો, એણે પ્રવેશતાંની સાથે જ ધડાધડ પોતાનાં પ્રમાણપત્રો બતાવવા માંડયાં, પોતાને વિશે મોટી બડાશ હાંકવા લાગ્યો. તમારી સિફારિશનો પણ ઉલ્લેખ કર્યો અને જાણે ઉપકાર કરતો હોય એ રીતે એણે કહ્યું કે તમે મને નોકરીમાં રાખશો, તો તમને ઘણો લાભ થશે.''

મિત્રએ પૂછયું, ''તમે જેને નોકરીમાં રાખ્યો, એણે શું કર્યું ?''

ટોલ્સ્ટોયે કહ્યું, ''ખંડમાં પ્રવેશતાં પૂર્વે એણે અમારી પરવાનગી માગી. બારણું અથડાય નહીં એ રીતે એને ધીમેથી બંધ કર્યું. એનાં કપડાં સામાન્ય હતાં; પરંતુ અત્યંત સ્વચ્છ હતાં. અમારી રજા માગીને એ ખુરશી પર બેઠો અને આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવાબો વ્યવસ્થિત અને સચ્ચાઈપૂર્ણ હતા. એનામાં પ્રગતિ કરવાની એક ધગશ હતી. આવી ગુણસંપન્ન વ્યક્તિની પાસે કોઈની સિફારિશ કે મોટી મોટી પદવીઓ ન હોય તેથી શું ? હવે તમે જ કહો કે મેં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી ને.''