Get The App

સરહદી સુરક્ષાની જવાબદારી મગર, સાપ, મધમાખીના માથે!

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
સરહદી સુરક્ષાની જવાબદારી મગર, સાપ, મધમાખીના માથે! 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારત-બાંગ્લાદેશની સરહદે ઘૂસણખોરી રોકવા માટે આ તરકીબ અજમાવવાની વિચારણા શરૂ થઈ છે, સરહદી સુરક્ષામાં સજીવોનો ઉપયોગ નવો નથી..

પ્રા ચીન સમયે વાગડુ નામનું એક રાજ્ય હતું. રાજ્ય સુખ-સાહ્યબીથી છલોછલ હતું. સોનાનો વરસાદ વરસતો. દરિયાકાંઠે આવેલા આ રાજ્યને બધી જ સુખ-સાહ્યબી સાત માથાવાળા બિડા નામના કાળા સાપના આશીર્વાદથી મળતી હતી. આ બિડા નામનો વિશાળ સાપ રાજ્યને માત્ર આશીર્વાદ જ નહોતો આપતો, પરંતુ દુશ્મનોથી રાજ્યનું રક્ષણ પણ કરતો હતો.

દરિયાના માર્ગેથી દુશ્મનો વાગડુ પર આક્રમણ કરવા આવતા ત્યારે આ આ દિવ્ય સાપ સમુદ્રમાં તોફાન લાવતો. દુશ્મનોના વહાણો ડૂબાડી દેતો. સેંકડો વર્ષો સુધી દુશ્મનો સોનાનો વરસાદ થતો હતો એ સમૃદ્ધ રાજ્ય વાગડુ પર આક્રમણોનું ષડયંત્ર ઘડતા રહ્યા, પરંતુ દરેક વખતે બિડા સાપ એ ષડયંત્રોને નાકામ કરી દેતો.

પણ રાજ્યને આ સમૃદ્ધિ અને સલામતીના બદલામાં સાપને દર વર્ષે બલિદાન આપવું પડતું. રાજાએ રાજ્યમાં દરેક પરિવારનો વારો રાખ્યો હતો. જેમનો વારો આવે તે બલિદાન આપે ને એમ સેંકડો વર્ષ સુધી રાજ્ય સમૃદ્ધ-સલામત રહ્યું, પરંતુ એક વખત એક યુવક આ સાપ સામે જંગે ચડયો. તેની પ્રેમિકાનો બલિદાનનો વારો આવ્યો અને તેને બચાવવા માટે યુવકે સાપને મારી નાખ્યો. બિડાએ મરતા પહેલાં વાગડુને શ્રાપ આપ્યો કે હવે પછી ક્યારેય સોનાનો વરસાદ થશે નહીં. એ દિવસથી રાજ્યના સોનેરી દિવસો આથમી ગયા.

આ આફ્રિકન દેશ ઘાનાની દંતકથા છે. ઘાનાના લોકો માને છે કે તેમના દેશમાં એક સમયે વાગડુ સામ્રાજ્ય દુનિયાનું સૌથી સમૃદ્ધ, સલામત અને શક્તિશાળી રાજ્ય હતું, પરંતુ એક પ્રેમકથાના કારણે તેનો અંત આવ્યો.

***

વેલ, કોઈ સાપ રાજ્યની રખેવાળી કરતો હોય એવી આ દુનિયાની એકમાત્ર દંતકથા નથી. વિશ્વની કેટલીય પ્રાચીન સંસ્કૃતિઓમાં સાપ કે ડ્રેગન કે મગરને રાજ્યના રખેવાળ ગણાવતી કથાઓ પ્રચલિત છે. જાપાનથી લઈને ફિલિપાઈન્સ સુધી દરિયાના કાંઠે આવેલા દેશોમાં સમુદ્રી સાપની કલ્પના થઈ છે. ભારતીય પૌરાણિક કથામાં તો શેષનાગને આખી પૃથ્વીને ધારણ કરનારા 'ધરણીધર' બતાવાયા છે.

પણ સવાલ એ છે કે શું રિઅલમાં આવું શક્ય છે?

મગર કે સાપ જેવાં ઝેરી-ખતરનાક સજીવો માનવીનું રક્ષણ કરી શકે?

ઈતિહાસ સાક્ષી પૂરે છે કે અગાઉ મગર અને સાપ જેવા સજીવોનો ઉપયોગ રાજ્યની સુરક્ષામાં થતો હતો. મોડર્ન સમયમાં થઈ રહેલા પ્રયોગો પણ એ વાત માનવા પ્રેરે છે કે માણસ ધારે તો વ્યૂહાત્મક રીતે જીવલેણ સજીવોના ઉપયોગથી સરહદી રક્ષણ કરી શકે છે.

યુદ્ધોમાં સદીઓથી માણસ પશુ-પંખીઓનો એક નહીં તો બીજી રીતે ઉપયોગ કરતો આવ્યો છે. ઘોડા, હાથી, ઊંટ તો જાણે પ્રાચીન સમયથી આર્મીનો હિસ્સો છે. વરુ અને જંગલી કૂતરા દુશ્મનો પર છોડવામાં આવતા હતા. કબૂતરો યુદ્ધ સમયે કે યુદ્ધ વગર પણ મેસેજની આપ-લે કરવામાં મદદરૂપ બનતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ૬૦૦ કબૂતરો અને ૨૦ હજાર કૂતરાઓની મદદથી મેસેજની આપ-લે કરી હતી. બીજા વિશ્વયુદ્ધમાં તો જાસૂસી ઉપરાંત સજીવોનો લશ્કરી ઉપયોગ પણ થયો.

૨૧મી સદીમાં સજીવોનો ઉપયોગ યુદ્ધોમાં ન થાય તેની હિમાયત કરતી સંસ્થાઓ બની. પ્રાણી-પંખીઓનો ઉપયોગ રોકવા માટે કાયદો બનાવવાની માગ ઉઠી ને તે છતાં પ્રાણીઓનો લશ્કરી ઉપયોગ ઘટયો નથી. એમાં વળી યુદ્ધ સિવાય જાસૂસી કે સુરક્ષાના હેતુથી નવી રીતે સજીવોનો ઉપયોગ થવા લાગ્યો છે. અમેરિકા, ચીન, ઈઝરાયલ, રશિયા જેવા દેશો જાસૂસી અને સુરક્ષામાં સજીવોનો સફળ ઉપયોગ કરી ચૂક્યા છે ને હવે આ લિસ્ટમાં ભારતનું નામ ઉમેરાશે.

***

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાર હજાર કિલોમીટરની સરહદ છે. દુનિયાની આ પાંચમા નંબરની વિશાળ સરહદ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરીનો પ્રશ્ન વર્ષો જૂનો છે અને હવે તો આસામ-પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં એ મોટો રાજકીય મુદ્દો પણ બની ચૂક્યો છે. સરહદનું રક્ષણ કરવા બીએસએફ તૈનાત છે. ૩૦૦૦ કિલોમીટરના વિસ્તારમાં તારની વાડ બનાવવામાં આવી છે છતાં અમુક હિસ્સો એવો છે જ્યાં સુરક્ષા કરવાનું કામ બેહદ કપરું છે. ગમે એટલા પ્રયાસો છતાં એ રસ્તેથી ઘૂષણખોરો દેશમાં પ્રવેશી જાય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં જ ઘૂસણખોરીની ૭ હજાર ઘટનાઓ બીએસએફના જવાનોએ અટકાવી છે. સરહદનો જે ભાગ નદીઓથી જોડાયેલો છે ત્યાં તારની વાડ બનાવવી શક્ય નથી. એમાંય વળી ૧૭૫ કિલોમીટરના વિસ્તારમાં દલદલ છે. આ કીચડમાં ફેન્સિંગ તો શક્ય નથી જ, પરંતુ બીજી રીતે સુરક્ષા કરવાનું પણ ખૂબ અઘરું છે. આ વિષમ સરહદમાં ઘૂસણખોરી રોકવા અત્યારે મધમાખીઓ મદદરૂપ બને છે. આસપાસના વિસ્તારોમાં વિશેષ તરકીબ અને સ્થાનિક લોકોની મદદથી મધપૂડા ગોઠવવામાં આવ્યાં છે. ઘૂસણખોરો અંધારાનો ગેરલાભ લઈને અવાવરુ માર્ગે ઘૂસવાની ફિરાકમાં હોય છે ત્યારે અજાણતા આ મધપૂડાના સંપર્કમાં આવી જાય છે અને પછી ભાગવું ભારે થઈ જાય છે. સુરક્ષાદળો તેમને ઝડપી લે છે.

હવે મધમાખીઓની સાથે સાથે મગર અને સાપના ઉપયોગનો પ્રસ્તાવ રજૂ થયો છે. બાંગ્લાદેશ-ભારતની સરહદે હરિભંગા, ઈચ્છામતી અને રાયમંગલ જેવી એક-બે નહીં ૫૪ નાની-મોટી નદીઓ વહે છે. એ નદીઓના પટમાંથી સર્જાયેલા દલદલનો ગેરલાભ લઈને ઘૂસણખોરો ભારતમાં પ્રવેશે છે તેને રોકવા માટે બીએસએફે આ વિસ્તારમાં મગર અને ઝેરી સાપ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જ્યાં ફેન્સિંગ થઈ શકે તેમ નથી ત્યાં મગર અને સાપ તૈનાત કરવાથી ઘૂસણખોરોમાં ડર પેદા થશે એવી ધારણા છે. કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરે છે અને એક સ્ટડી પણ કરાવશે.

પ્રસ્તાવની તરફેણમાં દુનિયાભરના ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે અને પ્રાચીન સમયમાં રાજાઓ કિલ્લાની આસપાસ ઊંડી ખીણ બનાવીને તેમાં પાણી નાખીને મગરો મૂકતા હતા એટલે આ તરકીબ અજમાવવામાં કશું અયોગ્ય નથી એવી દલીલો થઈ રહી છે. આ તરકીબનો હજુ વિચાર જ શરૂ થયો છે. સ્ટડી બાદ જ પ્રયોગ કરવો કે નહીં તે નક્કી થશે, પરંતુ પ્રસ્તાવ આવ્યો તે સાથે જ ભારત સહિત દુનિયાભરના પર્યાવરણવિદેનું ધ્યાન આ તરફ ખેંચાયું છે.

***

આ પ્રસ્તાવ સામે મુખ્ય બે સવાલો ઉઠયા છે. એક મુદ્દો સુરક્ષામાં સજીવોના ઉપયોગનો છે ને બીજો મુદ્દો છે નાગરિકોની સલામતીનો. સજીવોના આ પ્રકારના ઉપયોગની હિમાયત હવે થતી નથી. ઈનફેક્ટ, આવો ઉપયોગ ન કરવા કેમ્પેઈન થાય છે. એક જગ્યાએથી સજીવોને બીજા વાતાવરણમાં લાવવાથી તેમના પર જોખમ આવે છે. જુદા વાતાવરણમાં સજીવો ટકી શકે કે નહીં એ સવાલ સર્જાતો હોય છે. કદાચ તેની આસપાસમાંથી જ સજીવોને મૂકવામાં આવે તો આ સવાલનો ઉકેલ તો મળી જાય, પરંતુ બીજો મુદ્દો નાગરિકોની સલામતીનો પણ ખરો.

સાપ ને મગર જેવા સજીવોને આ રીતે એક સ્થળે મોટી સંખ્યામાં છૂટા મૂકી દેવાથી સ્થાનિક લોકોની સુરક્ષા જોખમાઈ શકે. ઝેરી સાપ જ્યાં મૂક્યા હશે ત્યાં ને ત્યાં રહેવાના નથી. એ તેની જગ્યા બદલશે અને દૂર-દૂર જઈ ચડશે ત્યારે નાગરિકો પર જીવનું જોખમ આવી પડે. મહાવિનાશક પૂર આવે ત્યારે આ ખતરનાક સજીવો તણાઈને બીજા વિસ્તરોમાં પહોંચી જઈ શકે અને તેનાથી પણ નવી સમસ્યા સર્જાઈ શકે. આવું જોખમ ટાળવા સિક્યોરિટી એક્સપર્ટ્સ સજીવોને બદલે ડ્રોન, સર્વેલેન્સ કેમેરા જેવી ટેકનોલોજી પ્રયોજવાની ભલામણ કરે છે.

વેલ, દુનિયામાં અત્યારે ૬૦ કરોડ સજીવો માનવસહાયક બનીને દિવસ-રાત મજૂરી કરે છે. ટેકનોલોજીની મદદ મળતી થઈ પછીય માણસે સજીવોની સેવા લેવાનું શરૂ રાખ્યું છે. ક્લિનિકલ ટ્રાયલમાં વર્ષે ૧૦ કરોડ જેટલાં સજીવોનો ભોગ લેવાય છે એ અલગ. આવી સ્થિતિમાં પર્યાવરણની દૃષ્ટિએ અને નાગરિકોની સુરક્ષાની રીતેય સરહદી વિસ્તારોમાં સજીવોનો ઉપયોગ ન થાય એ જ યોગ્ય ગણાશે. 

ભારત સિવાયના દેશોમાં સુરક્ષા માટે સજીવોનો ઉપયોગ

અમેરિકન નૌકાદળે કોલ્ડવોરમાં જે સજીવો પરંપરાગત રીતે જાસૂસીમાં ઉપયોગી બનતા હતા તેના બદલે નવી દિશામાં વિચારીને ડોલ્ફિન-સીલ જેવા સમુદ્રી જીવોને જાસૂસીની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના અધિકારીઓએ બિલાડીઓને જાસૂસ બનાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ટર્મ વખતે મેક્સિકોની સરહદે પાણી ભરેલા તળાવો બનાવીને તેમાં ખતરનાક મગર છોડવાની વિચારણા થઈ હતી. એના પ્રયોગો પણ થયા હતા, પરંતુ ટ્રમ્પની ટર્મ પૂરી થતાં એ પ્રયોગો રોકી દેવાયા હતા. અમેરિકાએ અલ્કત્રાઝની જેલ બહાર ઊંડા તળાવો બનાવ્યા છે અને એમાં વિશાળકાય મગર રાખ્યા છે. જો કોઈ કેદી જેલમાંથી બહાર નીકળી પણ જાય તો આ મગરનો શિકાર બની જાય છે. આ તરકીબનો પણ અમેરિકામાં ખૂબ વિરોધ થયો હતો. રશિયા વર્ષોથી બેલુગા વ્હેલનો ઉપયોગ દરિયાકાંઠે ઘૂસણખોરી રોકવા કરે છે. રશિયાનું લશ્કર દરિયાઈ સજીવોનો ઉપયોગ દરિયાના પેટાળમાં છુપાવેલા દુશ્મનના ઉપકરણો શોધવામાં કરે છે. રશિયા તો વ્હેલની મદદથી દૂર-દૂરના દરિયાકાંઠે જાસૂસી પણ કરે છે. વ્હેલમાં કેમેરા સહિતના ડિવાઈસ લગાવેલા દરિયાઈ જીવો અગાઉ પકડાઈ ચૂક્યા છે. સૌથી ખતરનાક ઉપયોગ કરે છે ઈઝરાયલ. પેલેસ્ટાઈનની હદ પાસે ઈઝરાયલ જંગલી ભૂંડનું ટોળું તૈનાત રાખે છે. ખૂબ આક્રમક જંગલી ભૂંડ અજાણ્યા લોકો પર તૂટી પડે એવી તાલીમ આપવામાં આવે છે. ચીને વિએટનામ બોર્ડરે કબૂતર જેવા દેખાતા પક્ષીઓ નિગરાની માટે તૈનાત રાખ્યા છે અને એક જંગલી ડોગની આર્મી પણ બનાવી છે. આ કૂતરાઓ એટલા ખતરનાક હોય છે કે અજાણ્યા માણસને પળવારમાં પીંખી નાખે છે.