Get The App

કંજલી .

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
કંજલી                                                   . 1 - image

- દુર્ગેશ ઉપાધ્યાય

- 'ડરવાનું નહીં, હું તારી સાથે લગન કરવા માગું છું. મને તારા જેવી પ્રામાણિક છોકરીની જરૂર છે, મારી એક છોકરી છે, એને તારે ઉછેરવાની છે. હું સારા વ્યક્તિની શોધમાં હતો અને ભગવાને તને મારી પાસે મોકલી છે.'

મ ધ્યપ્રદેશના એક ભાગમાં નદી પરના બંધનું કામ ચાલી રહ્યું છે. જ્યાં અનેક મજૂરો, ટ્રકો, ટ્રેક્ટરો જેવા વાહનોથી કામ ચાલી રહ્યું છે. આ મજૂરોનો ઠેકેદાર મોહનલાલ છે. આખી યોજનાનો મુખ્ય અધિકારી સત્યમ છે. અને આ યોજનાનો કલાર્ક કમ કેશિયર સંજય છે. આટલા પાત્રોમાં એક નવું પાત્ર કંજલી જે આદિવાસી યુવતી ઉમેરાય છે.

સવારનો સમય છે. બંધના કામના સ્થળ નજીક કામચલાઉ ઊભી કરેલી ઓફિસમાં કલાર્ક સંજય બેઠો છે. મજૂરોનો ઠેકેદાર મોહનલાલ આવીને સંજયને કહે છે, 'સંજયભાઈ, સાંભળ્યું છે કે, તમારા નવા સાહેબ અમદાવાદથી કોઈ સત્યમભાઈ કરીને આવે છે સાચી વાત છે ?' સંજયે કહ્યું, 'હા, પણ તમને ક્યાંથી ખબર પડી ? બે મહિનાથી અહીં સાહેબની જગા ખાલી પડી છે, એટલે કોઈ તો આવશે જ ને !'

મોહનલાલ : 'હું ગઈકાલે વડોદરાની મુખ્ય કચેરીએ ગયો હતો એટલે મને ત્યાંથી ખબર પડી મારા બે મહિનાના બીલો બાકી છે એટલે 

ગયો હતો.'

સંજય : 'તમારી વાત ખરી, પણ કોઈ સારા અધિકારી આવે તો સારું, અને પાછું આપણી જોડે ફાવવું પણ જોઈએ ને ? પણ તમારે જાણી લેવું હતું કે, એ નવા સાહેબ કેવા છે ?'

મોહનલાલ : 'હા, એ જાણવા પણ મેં પૂછપરછ કરી. પણ જાણ્યું કે, ખૂબ સિદ્ધાંતવાદી માણસ છે. એટલે જરા તકલીફ પડે, પણ આવવા દોને એ તો બધું ગોઠવાઈ જશે.'

સંજય : 'હા, મોહનભાઈ, તમારી માયાજાળ જ એવી છે કે ગમે તેવો અધિકારી તમારી યોજનામાં આવી જ જાય. તમે મોટા 

જાદુગર છો!'

મોહનલાલ : 'અરે એવું કંઈ નથી પણ તમારા જેવા સાહેબ બેઠા છે ને એટલે બધું ચાલે છે, ચાલો હું જાઉં છું. મારું કામ ચાલે છે. એટલે, અને રાત્રે તમારી રૂમે ટિફીન લઈને આવું છું.'

સંજય : 'સારું, અરે સારો માલ હોય તો પણ લેતા આવજો. તો બેસીશું.'

રાત્રે મોહન સંજયની રૂમે જાય છે, ટિફીનની સાથે અંગ્રેજી દારૂની બોટલ પણ છે. બંને મહેફિલ જમાવે છે.

સંજયે કહ્યું : 'મોહનભાઈ, બધું ખરું પણ નવા સાહેબ આવે એટલે ઓફિસમાં જરા વ્યવસ્થિત વાત કરજો, અને એમની આગતા-સ્વાગત પણ કરજો.'

મોહન : 'અરે મને એ ન શીખવવાનું હોય, તમે તો જાણો જ 

છો ને ?'

મોડી રાતે બંને છૂટા પડયા, અને મોહન તેના રહેઠાણે ગયો. સવાર પડતાં નવેક વાગે મોહનલાલ સંજયના રહેઠાણે આવીને ઓફિસની ચાવીઓ લઈ ગયો અને ઓફિસની સાફસફાઈ કરાવી કેટલીક ફાઈલો ઠેકાણે મૂકી દીધી.

સંજય ૧૦ વાગતાં ઓફિસમાં આવી ગયો, અને થોડી જ વારમાં એક ગાડી ઓફિસ આગળ આવીને ઊભી રહી, સંજય કેટલીક ફાઇલો ઠેકાણે કરવાની વેતરણમાં હતો, એવામાં જ ઓફિસમાં એક બેગ લઈને નવા સાહેબ સત્યમ પ્રવેશ્યા, અને કલાર્કને પોતાની ઓળખ આપી કહ્યું, 'હું છું સત્યમ મહેતા, આ પ્રોજેક્ટનો સુપ્રિટેન્ડેન્ટ, તમારું નામ શું છે ?'

સંજય, 'હું સંજય છું અહીં સિનિયર કલાર્ક કમ કેશિયર છું. બેસો સાહેબ, હું કોઈ માણસને બોલાવી તમારા માટે ચા-પાણીની વ્યવસ્થા કરું.'

સત્યમ્ : 'કેમ કોઈ પટાવાળો નથી, ક્યાં ગયો ?' સાહેબ એ ત્રણ દિવસની રજા પર ગામડે ગયો છે તેની પત્ની બીમાર છે : સંજયે કહ્યું.

સત્યમે કહ્યું, 'કોઈને બોલાવવાની જરૂર નથી હું પાણી જાતે જ પી લઈશ. મને મારું કામ જાતે જ કરવાની ટેવ છે.'

આ વાત ચાલતી હતી ને મોહનલાલ આવ્યો.

સંજયે કહ્યું : 'સાહેબ આ છે મોહનલાલ, આપણા મજૂરોના કોન્ટ્રાક્ટર, અને મોહનભાઈ, આ છે આપણા નવા સાહેબ સત્યમભાઈ.'

'પધારો સાહેબ, બેસો હું તમારા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરું.' મોહનલાલે કહ્યું.

સારું આજનો દિવસ ચા બનાવી લાવો. પછી ગાડીમાં મારો સામાન છે, તે મારા ઉતારે મૂકવાનો છે. એટલે મને ઉતારો બતાવી દેજો. સારું સાહેબ, પછી લઈ જાઉં. મોહનલાલે કહ્યું.

મોહનલાલ ગયા પછી સંજયે કહ્યું : 'સાહેબ, આ બહું સારો માણસ છે ભોળો છે, અને બધાને મદદરૂપ થવાનો એનો સ્વભાવ છે. એટલે દોડાદોડ કરે છે. સાહેબ મારું ટિફીન પણ એ જ લાવે છે, તમારા માટે પણ ટિફીન લઈ આવશે એને કહી દેવાનું.'

સત્યમ : 'એ બધું ખરું, પણ હું તો સ્વાશ્રયમાં જ માનું છું. જાતે બધું કરી લઉં. પણ સમય વધારે બગડે, એટલે એક નોકર રાખી લઈશ, કોઈ માણસ મળે તો શોધજો.'

સંજય : 'હા સાહેબ, આપણો પટાવાળો આવે એટલે એ ઘરની સાફસફાઈ બીજુ કામકાજ કરી આપશે.'

સત્યમ : 'ના પટાવાળાને ઘરનું કામ નહીં કરાવવાનું એ માટે જુદો માણસ રાખવાનો.'

સંજય : 'ઠીક છે સાહેબ, તમે કહેશો તેમ...'

એવામાં ચા લઈને મોહનલાલ આવે છે અને ચા-બિસ્કીટ કાઢી સાહેબને આપે છે.

સત્યમે મોહનલાલને કહ્યું : 'મોહનભાઈ આપણા સાહેબ માટે ઘરનું કામકાજ કરે એવો કોઈ માણસ શોધવાનો છે.'

મોહને કહ્યું, 'હા જરૂર શોધી કાઢું. અને સાહેબ તમારું ટિફીન હું બનાવીને તમને પહોંચાડીશ. તમે ચા પી લો પછી તમારી રૂમ પર તમને લઈ જાઉં.'

સત્યમે કહ્યું : 'રૂમ પછી જઈશું, અહીંનું કામકાજ થોડું જોઈ લઉં.'

ચા પીને સત્યમે ફાઈલો તપાસવા માંડી. હાજરીનું મસ્ટર, કેશ પેમેન્ટનું રજિસ્ટ્રર અને વાઉચરો વિગેરે જોવા માંડયાં.

સંજય પાસે જે દફતર માગ્યું એ સંજયે તીજોરીમાંથી શોધી શોધીને આપવા માંડયું. સંજયને મનમાં ડર હતો, કે કંઈ ગરબડ ઝડપાશે તો શું થશે ? એ સાહેબને બીજે પાટે ચઢાવવા વાતો કરતો હતો. એટલે સત્યમે કહ્યું, 'ભાઈ કામની વાત કરો. બીજી વાતો મારે નથી સાંભળવી.'

સંજય ચૂપ થઈ ગયો.

સત્યમે કહ્યું : 'આ ફાઈલો મારે ઉતારા પર લઈ જવી પડશે, રાત્રે તપાસી લઈશુ. અત્યારે આપણે બંધનું કામ જોવા સાઇટ પર જવું છે.'

સંજય : 'સારું સાહેબ, પણ આજે તમે બહારગામથી આવ્યા છો, થાકેલા હશો. આરામ કરો, સાઇટ પર કાલે જઈએ તો ચાલશે.'

સત્યમ : 'ના આજે જ જવું છે. મને કોઈ થાક લાગ્યો નથી, આ ફાઈલો-રજિસ્ટર તિજોરીમાં મૂકી ચાવી મને સોંપી દો.'

સંજયે ફાઈલો તિજોરી મૂકી ચાવી સત્યમને આપી દીધી, સત્યમે કહ્યું : 'ચાલો, અને ઓફિસ બહાર મૂકેલી ગાડી લઈ સાઇટ પર ચાલ્યા, સાથે સંજય પણ હતો.'

સાઇટ નજીક ગાડી મૂકી બંને ચાલતા કામ ચાલતું હતું ત્યાં આવ્યા. ત્યાં ઠેકેદાર મોહનલાલ હાજર હતો એણે આવીને સાહેબને સલામ ભરી સાહેબ કામ જોઈ રહ્યા હતા.

મોહનલાલે કહ્યું : 'સાહેબ આ બધુ કામ એક વર્ષમાં જ થયું છે. બહું ઝડપી કામ ચાલે છે. રોજ દોઢસોથી વધુ મંજૂરો અહીં કામ કરે છે. હવે થોડાં સાધનો અને મજૂરો પણ વધારવાનાં છે. એટલે સરકારશ્રીને આપેલા સમયમાં કામગીરી પૂરી થાય.'

આ બાજુની જમીન ડૂબમાં જાય છે. એટલે ત્યાંથી વસાહતો ખસેડવાની અને ઝાડ વિગેરે કાપવાનું કામ ચાલે છે. જે આજે બંધ છે. એ કોન્ટ્રાક્ટર પણ આપણો છે સાહેબ !

સત્યમ : 'બરાબર, પણ સંજયભાઈ તમે કેમ ચૂપ છો... ? અને આ મોહનલાલ.. !'

સંજય : 'સાહેબ એ બહુ બોલકણા છે એટલે, બાકી માણસ ભોળો છે.'

'સારું, પણ આજના મજૂરો ઓછા જણાય છે, રોજ ૧૫૦ મજૂરો કામ કરતા હોય તો આજે બીજા ક્યાં છે ? અને મસ્ટરમાં હાજરી તો પૂરી ભરો છો.' સત્યમે કહ્યું.

'હા, આજે બીજાને બાજુના ગામ પાસે જ્યાં ઝાડ રોપવાનાં છે, ત્યાં મોકલ્યાં હશે.' સંજયે કહ્યું.

સત્યમ્ : 'મોકલ્યાં હશે એવું ન ચાલે, તપાસ કરવી પડે.'

સંજયે ડોકુ હલાવ્યું અને મૌન રહ્યો.

સત્યમ પહેલો દિવસ હતો એટલે વધુ બોલ્યા વિના કહ્યું, 'સાંજ થવા આવી છે, હવે જવું જોઈએ.'

ગાડી લઈ બંને ઓફિસ આવ્યા, અને બેઠા. થોડીવારમાં મોહનલાલ ત્યાં આવ્યો, અને સાહેબને સરકારી ગેસ્ટહાઉસના રૂમ પર લઈ ગયો. મોહનલાલે સામાન ગાડીમાંથી લઈ રૂમમાં મૂક્યો, અને ચાલ્યો ગયો. જતાં કહ્યું, 'સાહેબ આઠેક વાગે ટિફીન લઈને આવું છું.'

સત્યમે 'હા' કહ્યું : સામાન ગોઠવી બેગમાંથી કપડાં કાઢ્યાં અને નહાવા ગયો.

થોડીવારે સંજય આવ્યો અને તે પછી ટિફીન લઈ મોહનલાલ ત્યાં આવ્યો. સાહેબે જમી લીધા પછી મોહનલાલ અને સંજય જવા નીકળ્યા.

રસ્તામાં મોહનલાલે સંજયને કહ્યું : 'આ સાહેબનું કામકાજ ભારે છે. બધી ઊંડી તપાસ રાખે છે. આપણે કોઈ મુશ્કેલીમાં ન આવી જઈએ તો સારું સંજય કહે, હા બરાબર છે. હવે કાલથી મજૂરો હોય એટલી જ હાજરી મસ્ટરમાં પૂરજો. અને સાહેબ માટે કોઈ માણસ શોધવાનું છે જે ઘરનું કામકાજ કરે.'

મોહનલાલ : 'હા, મારી નજરમાં એક આદિવાસી છોકરી છે. એને ઘરનું સાફસફાઈ, રસોઈ જેવા કામમાં મૂકી આપીશું. અને એને સાહેબને કેવી રીતે ખુશ રાખવાના એ સમજાવી દઈશું.'

સંજય : 'હા, એ બરાબર, પણ ધ્યાન રાખજો કંઈ આડું ન વેતરાઈ જાય.'

મોહનલાલ : 'અરે કંઈ આડું ન વેતરાય, તમે મને તો ઓળખો જ છો ને ? આપણું કામ એટલે ભલભલા શીશામાં ઉતરી જાય.'

સંજય : 'હા એ વાત તો ખરી હો, પણ સાહેબ એકલા છે. એટલે છોકરીને કામે નહીં રાખે તો ?'

મોહનલાલ : 'એ પછી વિચારીશું. ચાલો હું જાઉં છું. કાલે મળીશું.' અને બંને છૂટા પડયા.

બીજા દિવસે સવારે ગરમાગરમ ચા લઈને મોહનલાલ સાહેબની રૂમે આવ્યા અને બારણું ખટખટાવ્યું.

'સાહેબ ચા લાવ્યો છું.'

સત્યમ : 'અરે મોહનભાઈ, આવો આવો. પણ તમને તકલીફ દેવાનું મને ગમતું નથી. આપણે બધી વ્યવસ્થા અહીં જ કરવી છે. અને સામાન હોય તો ચા પાણી તો હું પણ બનાવી લઉં.' 

મોહનલાલ : 'હા, સાહેબ એ પણ થઈ જશે. આ તો અમારી ફરજ છે, તમને તકલીફ ન પડવા દેવાય. સાહેબ કાલે માણસની વાત થઈ હતી તે એક છોકરી છે, આદિવાસી છે અને ઘરનું બધું કામકાજ કરી લે એવી છે. તો અહીં મૂકી આપું એવું વિચારતો હતો. મેં વાત પણ કરી છે.'

સત્યમ વિચારમાં પડયો.

'સાહેબ શું વિચારો છો ? તમે કંઈ મૂંઝાશો નહીં. અમે બધા છીએ ને વ્યવસ્થા થઈ જશે. પણ એક વાત પૂછું.'

હા, પૂછોને શું ?

'સાહેબ તમારાં ઘરવાળાં બહેન અહીં રહેવા આવવાનાં નથી એ ગામડે છે ?'

ના, મોહનભાઈ એ તો અકાળે સ્વધામ પહોંચી ગઈ, મારે એક છ વર્ષની દીકરી છે, અને એ મારી મા સાથે ગામડે રહે છે, ત્યાં ભણે છે અને મારી નોકરી એવી કે આવી બદલી થતી રહે એટલે એને લઈ આવવાથી ભણવાનું બગડે.

'પણ સાહેબ, દીકરી નાની છે, તમારી ઉંમર પણ બહું નથી તો બીજું લગન કરી લેવું જોઈએ તો એ દીકરીને પણ સાચવી લે.' મોહનલાલે કહ્યું.

'ના ભાઈ ના, બીજુ લગ્ન કરું ને એ બાઈ કેવી હોય કે દીકરીને ન સાચવે ને તકલીફ આપે તો ? અત્યારે એ બધું જોખમી છે. સારું પાત્ર મળવું મુશ્કેલ છે.' સત્યમે જવાબ આપ્યો.

મોહનલાલ, 'હા સાહેબ, આ ચા પી લો, ઠંડી થાય છે મેં તમને પૂછીને વળી દુ:ખી કર્યા.'

'ના ભાઈ ના એમાં દુ:ખ શું ? એ તો કિસ્મતની વાત છે.' સત્યમ બોલ્યો.

મોહનલાલ : 'ચાલો, સાહેબ જાઉં છું, મારે સાઇટ પર મજૂરો આવી ગયાં હશે.' મોહનલાલ જતા હતા ને સામે સંજય મળ્યો બંને બહાર જ વાતે વળગ્યા. મોહનલાલે ધીમેથી સાહેબની પરિસ્થિતિની વાત કરી મોહનલાલના ગયા પછી સંજય સાહેબને મળવા રૂમમાં ગયો.

પછી સાહેબને સંજય ઓફિસ પર લઈ ગયો. આખો દિવસ કામમાં વીતી ગયો.

રાત્રે મોહનલાલ સાહેબનું ટિફીન લઈને રૂમ પર આવ્યો, સાથે એક છોકરી પણ હતી એને બધો પાઠ ભણાવીને મોહનલાલ લાવ્યો હતો.

બારણું ખૂલ્યું, સત્યમે કહ્યું : 'મોહનભાઈ તમે ? હા, સાહેબ આ છોકરીને લઈને આવ્યો છું. એને અહીં કામ પર રાખવાની છે, બધી વાત કરી લીધી છે, પગાર પાંચ હજાર કહે છે, તમે વાત કરી લ્યો.'

સત્યમ, 'તારું નામ શું ?'

'કંજલિ' છોકરી બોલી.

'કંજલિ, જો તારે ઘરની સાફસફાઈ, કપડાં ધોવાનાં, વાસણ સાફ કરવાનાં, ચા બનાવવાની અને ખાવાનું બનાવવાનું આવડે તે બનાવવાનું આવું કામ છે ફાવશે ? પગાર તો તું કહીશ તે આપીશ,' સત્યમે કહ્યું.

કંજલિએ કહ્યું : 'હા, સાહેબ, તમે ચંતા ન કરતા.'

સત્યમે કહ્યું : 'જો બાજુમાં અલગ રૂમ છે, ત્યાં તારો સામાન મૂકી દે, ત્યાં તારે રહેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. તું ભણી નથી?'

કંજલિ : 'ના સાહેબ બે ત્રણ ચોપડી ગામની નિશાળમાં ભણી પછી મારો બાપ દારૂ પીતો તે મરી ગયો. અને માને પેલો ક્યો રોગ 'ખ' ખય એને કંઈ ટીબી કે છે, એ હતો એટલે એ પણ ગઈ સાલ મરી ગઈ, હું હવે અહીં મજૂરી કરું છું અને કાકાને ઘેર રહું છું. પણ મારો કાકો મજૂરીના બધા પૈસા લઈ લે છે. અને ખાવાપીવામાં પણ ઠીક બધું...'

આ તો મોહનભઈએ કીધું કે, 'સાહેબનું કામ કરવાનું સેં, ને પૈસાય સારા મળશે એટલે હું અહીં આવી' કંજલી બોલી.

સત્યમ : 'ભલે, સારું થયું ચિંતા ન કરીશ, અહીં રહેજે અને તારે ભણવું હોય તો હું ભણાવીશ.'

'હા, સાહેબ જેવી તમારી મરજી.' કંજલિ બોલી.

કંજલિ બીજા રૂમમાં ચાલી ગઈ, બીજા દિવસ સવારે મોહનલાલ ચાનો બધો સામાન અને દૂધ લઈને આવી ગયો.

કંજલિએ ગેસ્ટહાઉસના કીચનમાં જઈ ચા બનાવી લાવી અને બધાએ પીધી. સત્યમે કહ્યું : 'ચા તો સરસ બનાવી છે.'

કંજલિ હસી પડી, અને બોલી : 'સાહેબ, જમવાનું પણ બનાવતાં આવડે છે, ભૂલ થાય તો તમે શીખવાડજો. એવું બનાવીશ.'

સત્યમે 'હા' ભણી.

કંજલિએ મોહનને કહ્યું, 'સાહેબ તો ભણવાનું પણ કહે છે. એ ઘેર જ ભણાવશે. તો લખતાં-વાંચતાં તો આવડે ને ?' મોહનલાલે કહ્યું : 'વાહ, તો તો ખૂબ સારું પણ તું ચત રાખીને ભણજે, અને સાયેબને સાચવજે.' કંજલિ : 'હા, ઈમાં કંઈ કહેવું નો પડે.' મોહનલાલ ગયા.

કંજલિએ કિચનમાં જઈ ભાખરી ને શાક બનાવ્યાં, જમીને સાહેબ ઓફિસ પર ગયા.

ઓફિસમાં ફરી પાછું આજે દફતરનું ચેકિંગ ચાલ્યું, સંજયે કહ્યું, 'સાહેબ કોઈ ભૂલ હોય તો કહેજો, ભૂલ સુધરી જાય.'

સત્યમ : 'બધા દફતરમાં ભૂલો છે કે ગોટાળા એ ખબર પડે પછી શું કાર્યવાહી કરવી એ સમજાય. ફાઈલોમાં ઘણી ગેરરીતી જણાય છે.'

આવાં ખોટાં વાઉચરો પાસ કરી બીલો ઉપરી અધિકારીને મોકલીએ તો હું પણ આમાં સામેલ છું એવો અર્થ થાય. માટે બધું સુધારવું પડશે અને આજથી દફતરની તિજોરીની ચાવીઓ મારી પાસે રહેશે.

સંજય સાંભળી રહ્યો, કંઈ બોલ્યો નહીં. સાંજે સાહેબના ગયા પછી સંજય મોહનને મળ્યો અને બધી વાત કરી.

મોહનભાઈએ સંજયને ધીરજ રાખવા જણાવ્યું અને કંજલિ જ બધો ખેલ પાડશે. એમ કહ્યું.

બીજી તરફ કંજલિ સત્યમ માટે રોજ સરસ જમવાનું બનાવે છે. રોજ સાંજે સત્યમ્ ભણવા બેસાડે છે, અને હવે લખતાં-વાંચતાં આવડયું છે. સત્યમ એના કામથી ખુશ છે. અને સત્યમના વર્તન અને પ્રામાણિકતાથી કંજલિ પણ ખુશ છે. એક દિવસ સત્યમે કહ્યું : 'હું શહેરમાં જઈશ, તો તારા માટે નવાં કપડાં લાવીશ. એ તારે પહેરવાનાં. તું હોંશિયાર છે એટલે તને લખતાં-વાંચતાં આવડી ગયું, તારી બોલી પણ સુધરી, હવે સારાં કપડાં પહેરીશ પછી તારા રંગઢંગ બદલાઈ જશે.'

કંજલિ: 'પણ સારાં કપડાં પહેરીને મારે ક્યાં જવું છે ? મારે ભણી ગણીને ક્યાં મેડમ થવું છે ?'

સત્યમ : 'કેમ તને મેડમ બનાવીશ, તું જોજે તો ખરી !'

કંજલિ : 'સાહેબ તમે ય શું મારી મજાક કરો છો.'

સત્યમ્ : 'ના મજાક નથી. તને આટલું આવડયું તો સારી રીતભાતથી વર્તવાનું પણ આવડી જશે.'

કંજલિ : 'ભલે સાહેબ, તમારી મરજી.'

બીજા દિવસે સાહેબ ઓફિસ ગયા, ત્યારે બપોરે મોહન કંજલિને મળવા સાહેબની રૂમ પર આવ્યો. અને કંજલિને પૂછ્યું કે, 'કેમ ચાલે છે?'

ત્યારે કંજલિએ કહ્યું : 'સાહેબ મને ભણાવે છે અને મને નવાં કપડાં લાવી આપશે, સાહેબ તો મેડમ બનાવવા માગે છે.'

મોહન હસ્યો, 'મેડમ ? અને તને? તને કોણ સંઘરે, એ તો હું અહીં સુધી તને લાવ્યો ને કામ અપાવ્યું, તારા કાકાને મેં પંદર હજાર આપ્યા છે. એટલે તને અહીં લાવવા સંમત થયા. પણ મેં કહેલું તેમ તારે કરવાનું છે. સમજીને -'

કંજલિ બોલી : 'મોહનભાઈ, આ સાહેબ તો ભગવાનના માણસ છે. ખૂબ સજ્જન છે એમને ફસાવવાનું પાપ કરું તો મને ભગવાન પણ માફ નહીં કરે. એવું કામ મારાથી નહીં થાય.' મોહન આ સાંભળી અવાચક રહી ગયો, એ પગ પછાડતો ચાલ્યો ગયો. સાંજે સત્યમ આવ્યો ત્યારે કંજલિએ બધી વાત કરી, 'સાહેબ, આ મોહનભાઈ બહું લુચ્ચો માણસ છે, એ મને તમને ફસાવવાનું કામ સોંપી ધમકી આપે છે પણ મારાથી એવું ખોટું કામ ના થાય. આ મોહનલાલે મારા કાકાને પંદર હજાર આપી મને અહીં રાખવા મનાવ્યા છે.' સત્યમ આ સાંભળી ચોંકી ગયો. 

તેને ખ્યાલ આવી ગયો કે, આ બધી ચંડાળ ચોકડી છે. એ ભ્રષ્ટાચાર આદરી પોતાનું કૌભાંડ ઢાંકવા ઉપરી અધિકારીઓને પણ ફસાવે છે. પણ આ તો સારું થયું કે, આ છોકરી સારી ઈમાનદાર નીકળી ને હું એમની જાળમાં આવ્યો નહીં.

સત્યમે બીજા દિવસે તાકીદે વડી કચેરીને બધી માહિતી પહોંચાડી, અને મોહનલાલ અને સંજયને બેસાડીને ખખડાવ્યા.

વળી જણાવ્યું કે, 'તમારા બંનેની મીલી ભગત ખુલ્લી પડી ગઈ છે. બધા પુરાવા મારી પાસે છે ખબરદાર જો કંજલિને કંઈ થયું છે તો !'

અને સત્યમે ઘેર અને ઓફિસ પર સિક્યોરિટી ગોઠવી દીધી.

રૂમ પર આવીને કંજલિને કહ્યું, 'તું ગભરાઈશ નહીં, તારે મોહનલાલ સામે પુરાવો આપવો પડશે કે એ તને અહીં શું ઇરાદે લાવ્યો હતો, અને તને એમનો બદઈરાદો પાર પાડવા ધમકી આપતા હતાં.'

કંજલિએ કહ્યું : 'હા સાહેબ, પણ મને ડર છે...' સત્યમે કહ્યું, 'ડરવાનું નહીં, હું તારી સાથે લગન કરવા માગું છું. મને તારા જેવી પ્રામાણિક છોકરીની જરૂર છે, મારી એક છોકરી છે, એને તારે ઉછેરવાની છે. હું સારા વ્યક્તિની શોધમાં હતો અને ભગવાને તને મારી પાસે મોકલી છે. તું લાચાર કે નિરાધાર છે એટલે નહીં પણ તું મારી પરીક્ષામાંથી પાર ઉતરી છે એટલે તને સ્વીકારવાનું મેં નક્કી કર્યું છે.'

કંજલિ તો બધું સાંભળતી જ રહી ગઈ. એ લાગણીવશ થઈ રડવા માંડી, 'સાહેબ તમે શું કહો છો ? તમે મને પરણશો ? મારા જેવી ગામડાની અભણ છોકરીને સાહેબ...' એમ બોલતાં તેને ડૂમો વળ્યો અને બોલી ના શકી.

સત્યમે તેને ખભે હાથ મૂકી સાંત્વના આપી અને પાણી આપ્યું. 'લે રડીશ નહીં, પાણી પી લે. હું સાચું કહું છું. તારી સાથે લગ્ન કરીશ તને 'મેડમ' બનાવીશ એમ કહ્યું હતું ને ? હવે એ સાચું ઠરશે અને તું 'મેડમ' બનીશ. આ તારા પર કોઈ ઉપકાર નથી. પણ મારી ફરજ છે કે, તને યોગ્ય સ્થાન મળે અને તારા પર મારા કુટુંબની જવાબદારી સોંપવા માગું છું. હવે તો તું લખી-વાંચી શકે છે, ક્યાં અભણ છે ?'

અને કંજલી હસી પડી, 'સાહેબ તમે જ મને ભણાવીને 'મેડમ' પણ બનાવી. મારે એથી વધું શું જોઈએ ?!'

બીજા દિવસે વડી કચેરીથી એક માણસ તાકીદના કાગળો લઈને આવ્યો. એ કાગળો જોઈ સત્યમે ઓફિસમાં જઈને સંજયને બતાવ્યા, 'જુઓ મિસ્ટર સંજય, આ ઓર્ડર વાંચો, ઉપલી કચેરીનો છે એમાં તમારી અને મોહનની ગેરરીતિઓ પકડાતાં સસ્પેન્શનનો ઓર્ડર છે, અને મોહનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરાયો છે.'

તમારા કરતૂતોનો બધો અહેવાલ પુરાવા સાથે મેં વડી કચેરીને મોકલી આપ્યો હતો, તે સાબીત થતાં આ ઓર્ડર થયો છે.

સંજય રડવા જેવો થઈ ગયો, પણ કરે શું ? એના કરતૂતો જ એવા હતા, કે એને ભોગવવાનો વારો આવ્યો, એ નીચું મોઢું રાખી ઉભો હતો.

સત્યમે કહ્યું : 'જાવ બધો હવાલો મને સોંપીને તમારા બિસ્તરા બાંધવા માંડો અહીં બીજો અધિકારી તમારી જગ્યાએ આવશે.'

સત્યમ રૂમ પર આવ્યો ત્યારે કંજલિએ આ બધી વાત જાણી અને ખોટાનો પર્દાફાશ થતાં ખુશ થઈ. બે દિવસ વિત્યાને બીજો એક ટેલિગ્રામ આવ્યો.

એમાં સત્યમને બઢતી અપાઈ હતી, વળી આખું કૌભાંડ પકડવા બદલ સરકાર દ્વારા એને મેડલ આપી સન્માન કરવાનું જણાવ્યું હતું.

આ વાત જ્યારે કંજલિને કરી ત્યારે કંજલિ તો ખુશીથી કૂદી પડી અને સાહેબના ગળે વળગી પડી.

સત્યમે પણ એને પહેલીવાર ગળે લગાડી અને બોલ્યો : હવે બોલો 'મેડમ' ખુશ ને ??