Get The App

આત્મ-પ્રકાશના ધ્યાનથી પ્રાપ્ત થાય સિદ્ધિઓ

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
આત્મ-પ્રકાશના ધ્યાનથી પ્રાપ્ત થાય સિદ્ધિઓ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- યોગીઓ ઇંટ, પથ્થર, કાચ, લોખંડ, સીસું, જુદા જુદા એસિડ, પોટેશિયમ સાઇનાઇડ જેવા જીવલેણ ઝેર ખાઇ જતા હોય છે અને તેને પચાવી દેતા હોય છે...

 દ્વિધૈવ વા આત્માનં બિભર્તિ-

યો।યં પ્રાણી યશ્ચાસાવાદિત્ય: ।

એષ ઉ એવ દ્વિધા ભૂત્વા સ્થિત:

અન્ત: પ્રાણ રૂપેણ બહિરાદિત્ય રૂપેણ ।।

આ આત્મા પોતાને બે પ્રકારે ધારણ કરે છે -

એક આ જે ભીતર પ્રાણના રૂપમાં છે અને બીજો આ જે બહાર આદિત્ય (સૂર્ય)ના રૂપમાં છે.

 દ્વિઘા એવ વા આત્માનં વિભજતે-

એકં ચ પરં ચ । યચ્ચ પરં તદશરીરં

યચ્ચાપરં તદ શરીરમ્ ।

અશરીરં વા આત્માનં વિદિત્વા

શરીરે ષ્વનવસ્થિત: ભવતિ ।।

આત્મા બે પ્રકારે પ્રકટ થાય છે - એક ઉચ્ચ, પરમ (ચેતના) રૂપે બીજો નિમ્ન, જીવાત્મા રૂપે. જે પરમ ઉચ્ચ સ્વરૂપ છે તે અશરીરી, નિર્ગુણ, નિરાકાર છે. અને જે બીજું છે તે શરીર સાથે બંધાયેલું જીવભાવમાં પ્રતીત થાય છે. (મૈત્રાયણ્યુપનિષદ)

 એકો દેવ: સર્વભૂતેષુ ગૂઢ:

સર્વવ્યાપી સર્વભૂતાન્તરાત્મા ।

કર્માધ્યક્ષ: સર્વભૂતાધિવાસ:

સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ય ।।

એક જ પરમાત્મા બધા પ્રાણીઓમાં છુપાયેલો છે, તે સર્વ વ્યાપી છે અને બધાનો અંતરાત્મા છે. તે બધા કર્મોનો અધ્યક્ષ, બધાનો આધાર, સાક્ષી, ચેતન અને 

નિર્ગુણ છે.

- શ્વેતાશ્વતર ઉપનિષદ 

(૬-૧૧)

નામાંકિત એસ્ટ્રોફિઝિસિસ્ટ અને ધ મિસ્ટરિયસ યુનિવર્સના લેખક સર જેમ્સ જીન્સ કહે છે -

‘The universe begins to look more like a great thought than like a great machine -  બ્રહ્માંડ હવે એક મહાન યંત્ર જેવું ઓછું અને એક મહાન વિચાર (ચેતના) જેવું વધારે દેખાવા લાગ્યું છે. એટલે કવૉન્ટમ ફિઝિક્સ જેમ જેમ આગળ વધ્યું છે તેમ તેમ બ્રહ્માંડ માત્ર યાંત્રિક વ્યવસ્થા (machine)  નહીં, પણ એક ગહન બુધ્ધિમત્તા કે ચેતના આધારિત સંરચનાના રૂપમાં જણાવા લાગ્યું છે. જગત અને બ્રહ્માંડ ચેતના, વિચારના પ્રકારથી ચાલે છે. પદાર્થ ચિદ્ શક્તિના સૂક્ષ્મ કણોના સંઘટ્ટનનું જ પરિણામ છે. એ જ રીતે બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની અને ખગોળ વિજ્ઞાની સર આર્થર એડિંગ્ટન  (Arthur Eddington)  પણ કહે છે  - The Stuff of the world is mind-stuff અર્થાત્ બ્રહ્માંડની મૂળ સામગ્રી મન, ચેતના જેવી પ્રકૃતિની છે. પદાર્થના કણો એ કોઈ નિશ્ચિત 'વસ્તુઓ' નથી હોતા, પણ સંભાવનાઓ (probability states) ના રૂપમાં રહે છે. દ્રષ્ટા, જોનાર (Observer)  પરિણામને પ્રભાવિત કરી દે છે. એટલે જ  the observer alters the observed : જોનાર (દ્રષ્ટા) જે વસ્તુને જુએ છે તેને બદલી કાઢે છે.

ફેલો ઑફ ધ રોયલ સોસાયટીના આ ખગોળ- ભૌતિક વિજ્ઞાની સર એડિંગ્ટન કહે છે - અમે જાણતા નથી કે એ શું છે ? પણ કેટલીક અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. ચેતના (Consciousness)  ને હું મુખ્ય માનું છું અને ભૌતિક પદાર્થને ગૌણ. પહેલાનો નાસ્તિકવાદ જતો રહ્યો છે. ધર્મ એ આત્મા અને મનનો વિષય છે એનો કોઇ નિષેધ કરી શકે એમ નથી. બધા જ ભૌતિક પદાર્થો બૌધ્ધિક શક્તિથી ભરેલી વૈશ્વિક ચેતનાનું સંઘટ્ટિત / સઘન રૂપ (condensed form) જ છે.

આત્મા-ચેતના અવિનાશી તત્ત્વો છે. તે શરીરમાં વ્યાપ્ત છે અને શરીરની બહાર બ્રહ્માંડમાં પણ વ્યાપ્ત છે, એટલે એ માત્ર શરીરની જ નહીં, પણ આખા બ્રહ્માંડની માહિતી પ્રાપ્ત કરી શકે છે. આખું બ્રહ્માંડ ચેતનાના વિશાળ સાગર જેવું જ છે, જેનો કણે કણ એકબીજા સાથે જોડાયેલો છે. અને એકબીજાની જાણકારી ધરાવે છે. એટલે જ આપણે ત્યાં પરમ-આત્માને સર્વશક્તિમાન (omnipotent) સર્વવ્યાપી (Omnipresent) અને સર્વજ્ઞા (omniscient) કહેવામાં આવે છે. એ પરમ-આત્માનો જ નાનો અંશ જીવાત્મા છે. એટલે એનામાં પણ એ ગુણધર્મો અંતર્નિહિત છે.

ભારતના મહાન ઋષિઓ અને યોગીઓએ આત્માની સરખામણી સૂર્ય સાથે કરી છે અને જીવાત્માનું સ્વરૂપ પ્રકાશ બિંદુના રૂપમાં વર્ણન કર્યું છે. યોગની નિરાકાર સાધનામાં આજ્ઞાચક્રની જગ્યાએ બન્ને ભૃકુટિની મધ્યમાં સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશપુંજનું ધ્યાન કરવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય સાધનાઓમાં જ્યોતિ અવતરણમાં, પ્રાણાવર્ષણ પ્રાણાયામમાં સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશ પુંજનું ધ્યાન કરવામાં આવે છે. મહર્ષિ અરવિંદના સહયોગી પૂ. માતાજીએ રૂપાંતરણની જે પધ્ધતિઓ બતાવી છે તેમાં તે કહે છે - 'પ્રકાશનું ધ્યાન કરવું, તેની સાથે એક રૂપ થવું. તે પ્રકાશને વિશ્વવ્યાપી બનાવવો અને તેને પરમ પ્રભુ તરીકે માનવો. સાધકના સ્વરૂપમાં અવતરણ પામતા પ્રકાશને સંકલ્પ બળે પ્રથમ સમગ્ર સ્વરૂપમાં  સ્થાપવો. પછી તેને કોષોમાં પણ ઉતારવો.' શ્રી માતાજી દિવ્ય શરીરમાં બીજું દિવ્ય શરીર રચવાની ક્ષમતા ધરાવતા હતાં. આવા પોતાના જ અનેક દિવ્ય સ્વરૂપો રચી એક જ સમયે તેને વિવિધ સ્થળોએ હાજર કરવાનો પ્રયોગ કરતાં હતાં. આ ઘટનાને શ્રી માતાજી યુબિકિવટી (Ubiquity) કહેતા હતાં. આત્મ-પ્રકાશના ધ્યાનથી અનેક સિદ્ધિઓ મળે છે. મહાન યોગી મહર્ષિ અરવિંદ 'યોગ વિશે પત્રો-ભાગ ૩'માં લખે છે - 'આપણા પ્રાણ વૈશ્વિક પ્રાણનો અવિભાજ્ય અંશ છે. શાંતિનું અવતરણ એવું નવી પ્રકાશમય ચેતનાનું અવતરણ પ્રાણની અશુદ્ધિઓ દૂર કરી દિવ્ય પ્રાણ રચે છે.' યોગ કુણ્ડલ્યુપનિષદમાં આત્મ-ભેદનની વિભિન્ન યૌગિક ક્રિયાઓનું વર્ણન કરતાં અંતે કહેવામાં આવ્યું છે - 'પિણ્ડબ્રહ્માણ્ડયોહૈક્યં લિંગ સૂત્રાત્મનોરપિ । સ્વયં વા કૃતયોહૈક્યં સ્વપ્રકાશ ચિદાત્મનો: । આ રીતે પિણ્ડ અને બ્રહ્માંડ, લિંગદેહ અને સૂત્ર રૂપથી શરીરમાં રહેલા આત્મા સાથે ઐક્ય થઈ જાય છે અને આત્મા સ્વયં પોતાને પ્રકાશ અને પ્રજ્ઞાન રૂપે અનુભવ કરવા લાગે છે.'

દ્રશ્ય પ્રકૃતિનો સૃષ્ટા સૂર્ય છે તે રીતે શરીર રૂપી સૃષ્ટિનો સૃષ્ટા પણ આંતરિક સૂર્ય છે જે નાભિમાં રહેલો છે. અંતદ્રષ્ટિ જાગૃત કરનાર પ્રત્યેક સાધનાનો પ્રારંભ નાભિમાં રહેલા મણિપુર ચક્રને જાગૃત કરવાથી થાય છે. કુંડલિની યોગના સાધકને પણ પ્રાણાયામની પર્યાપ્ત માત્રા એકત્રિત કરી લીધા બાદ સર્વ પ્રથમ લોમ-વિલોમ સૂર્યભેદન પ્રાણાયામનો જ અભ્યાસ કરવો પડે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે - જે આ નાભિમાં રહેલા અગ્નિની ઉપાસના કરે છે તે તેજસ્વી, સિદ્ધ, પ્રદીપ્ત જઠરાગ્નિવાળો, સ્વસ્થ અને દીર્ઘાયુ બને છે.'

ઘણીવાર યોગીઓ ઇંટ, પથ્થર, કાચ, લોખંડ, સીસું, જુદા જુદા એસિડ, પોટેશિયમ સાઇનાઇડ જેવા જીવલેણ ઝેર ખાઇ જતા હોય છે અને તેને પચાવી દેતા હોય છે કે તેના પ્રભાવથી શરીરને મુક્ત રાખી શક્તા હોય છે તે પણ આ મણિપુર ચક્ર સ્થિત આંતરિક સૂર્યથી સિદ્ધ કરતા હોય છે. સ્વામી વિશુદ્ધાનંદજી, નિમ કરૌલી બાબા, યોગી નરિસિંઘ જેવા અનેક સિદ્ધયોગીઓ આંતરિક સૂર્યની સાધનાથી પ્રાપ્ત થયેલ આત્મશક્તિ અને યોગ સિદ્ધિઓથી આવું કરવા સમર્થ બને છે.