- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'માઇકલ' એક ક્રિટિક-પ્રૂફ ફિલ્મ છે. માઇકલ જેક્સનના ચાહકોને તે ઝુમાવી દે છે, ઇમોશનલ બનાવી દે છે અને વિચારતાં પણ કરી મૂકે છે, કારણ કે...
ના ઇટક્લબમાં બરાબરનો રંગ જામ્યો છે. રસિક સ્ત્રી-પુરુષો મસ્તીથી ઝૂમી રહ્યાં છે. તેમની સામે મંચ પર પાંચ છોકરાઓ સંગીતના સૂર રેલાવી રહ્યા છે. આ પાંચમાંથી ચાર ટીનેજર છે ને એક તો માંડ દસેક વર્ષનો છે. સૌથી વધુ જમાવટ તો આ ટેણિયાએ જ કરી છે, કેમ કે મ્યુઝિક બેન્ડનો મુખ્ય સિંગર એ જ છે. એનું ગાયન અને એનો ડાન્સ જોઈને ઓડિયન્સ રંગમાં આવી ગયું છે. સાઇડમાંથી એક માણસ ઝીણવટભેર છોકરાઓનું અને ઓડિયન્સના રિએક્શનનું નિરીક્ષણ કરી રહ્યો છે. એ આ પાંચેય છોકરાઓનો બાપ છે.
કટ ટુ - એમનું ઘર.
આજે નાઇટક્લબમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું છે એટલે પાંચેય ભાઈઓ પોરસાઈ રહ્યા છે. એમને એમ કે આજે પપ્પા રાજી થશે ને શાબાશી આપશે. આ એમની ધારણા છે. હકીકતમાં બને છે શું? બાપ પોતાનો બેલ્ટ ઉતારે છે અને નાનકડા ટાબરિયાને પટ્ટે-પટ્ટે મારે છે. કેમ? કદાચ પર્ફોર્મન્સ દરમિયાન છોકરાથી ક્યાંક કોઈ જગ્યાએ ગાતાં ગાતાં ચપટી વગાડવાનું ચૂકાઈ ગયું હતું કે એવી કશીક તદ્દન નગણ્ય ભૂલ થઈ હતી. એક જમાનામાં બોક્સર રહી ચૂકેલા બાપનો ઢોરમાર માસૂમ બચ્ચાથી કેવી રીતે સહન થાય? એની ચીસાચીસ સાંભળીને ચારેય મોટા ભાઈઓ ફફડી ઉઠે છે. પ્રશંસાના બે શબ્દો તો બાજુએ રહ્યા, અહીં તો...
પેલો નાચતો-ગાતો અને પછી પિતાનો ઢોરમાર ખાતો નાનકડો છોકરો એટલે માઇકલ જેક્સન, જે આ અસલી પ્રસંગના થોડાંક જ વર્ષોમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો દંતકથારૂપ સિંગર-ડાન્સર બની જવાનો હતો. આ ઘટનાક્રમ તાજેતરમાં રિલીઝ થયેલી એની બાયોપિક 'માઇકલ'માં અસરકારક રીતે કેપ્ચર થયો છે.
'માઇકલ' વિશે આગળ વાત કરતાં પહેલાં સૌથી પહેલાં તો આ ફિલ્મને બેકાર રિવ્યુ આપીને ઉતારી પાડનારા પેલા ચાંપલા ફિલ્મ રિવ્યુઅર્સને માનસિક રીતે ભડાકે દઈ દો. 'માઇકલ' ન ગમાડવા માટે તેઓ ભલે ગમે તેવા 'તાર્કિક' કારણો આપતાં હોય, આપણે તે નથી જ સાંભળવા. માઇકલ જેક્સન એ લેજન્ડ છે, જેણે દુનિયાભરની એક કરતાં વધારે પેઢીઓને નાચતી કરી છે. આજે જેમની ઉંમર ચાલીસ-પચાસ-સાઠ વર્ષ છે એવા સિનિયર વાચકો માટે તો માઇકલ જેક્સન એમની તરૂણાવસ્થાનો, એમની યુવાનીનો ખૂબસૂરત હિસ્સો છે. દુનિયાએ માઇકલ જેક્સનની કક્ષાનો કલાકાર અગાઉ ક્યારેય જોયો નહોતો, ને ભવિષ્યમાં જોશે પણ નહીં.
માઇકલ જેક્સનની કરીઅર એટલી વિરાટ છે અને એમનું જીવન (જન્મ: ૧૯૫૮, મૃત્યુ: ૨૦૦૯) એટલું ઘટનાપ્રચૂર છે કે ૧૨૭ મિનિટની ફિલ્મમાં તે સઘળું આવરી લેવું શક્ય જ નથી. તેથી જ આ ફિલ્મમાં એમના બાળપણથી માંડીને ૧૯૮૮નું વર્ષ - કેે જ્યાં સુધીમાં એ પોતાની મ્યુઝિકલ કારકિર્દીના શિખર પર પહોંચી ચૂક્યા હતા - એટલો જ સમયખંડ દેખાડવામાં આવ્યો છે. તેથી જ જે વિવાદોને કારણે પાછળનાં વર્ષોમાં એમની ઇમેજ ગંભીર રીતે ખરડાઈ હતી તે પ્રસંગો અહીં સમાવી શકાયા નથી. માઇકલ જેક્સનનું બાળપણમાં થયેલું એમનું ઘડતર અને યુવાનીમાં પિતા સાથેના સંબંધનો અકળાવી મૂકે એવો ચિતાર - તે આ ફિલ્મની મુખ્ય ધરી છે.
માઇકલને ચાર ભાઈઓ અને ત્રણ બહેનો. ફાધર જોસેફ જેક્સને પોતાના ભાઈ સાથે એક મ્યુઝિકલ બેન્ડ પણ શરૂ કરેલું. 'પરિવાર, પ્રતિષ્ઠા ઔર અનુશાસન' - આ સૂત્રને એ જડભરતની જેમ વળગી રહેલા. જોસેફ જેક્સન બરાબર જાણતા હતા કે પોતાના સૌથી નાના દીકરાને કુદરતે ઠાંસી ઠાસીને પ્રતિભા આપી છે. જોસેફે દુનિયા જોઈ હતી. એ હંમેશા કહેતા કે જમાનો બહુ ક્રૂર છે. એમાંય આપણા જેવા અશ્વેત કલાકારના નસીબમાં તો સંઘર્ષ બાય ડિફોલ્ટ લખાયેલો હોય છે. એટલે જો સફળ થવું હશે, જીવનમાં આગળ વધવું હશે તો 'અબ્સોલ્યુટ પરફેક્શન' અચીવ કર્યા વગર ચાલશે નહીં. તેથી જ પોતાનાં સંતાનોને, ખાસ કરીને માઇકલને, શિસ્તમાં રાખવા માટે, એની પાસેથી ધાર્યું પર્ફોર્મન્સ કઢાવવા માટે હિંસા આચરવી પડે તો તે પણ એમને મન સ્વીકાર્ય હતું. જોસેફ જેક્સનને પરફેક્શન અને ઉત્કૃટતા કરતાં ઓછું કશું ખપતું નહીં. તેઓ એવું માનતા કે 'મને તો હવે બધું આવડી ગયું છે'
એવો ભાવ માઇકલમાં કે બીજાં સંતાનોમાં ભૂલેચૂકેય જાગવો ન જોઈએ. નાનકડા માઇકલ માટે સારામાં સારી રીતે નાચવું-ગાવું એ પિતાના મારથી બચવા માટેનો એકમાત્ર ઉપાય હતો. માઇકલ જેક્સનને વર્લ્ડ-ક્લાસ આર્ટિસ્ટ બન્યા તેમાં ઈશ્વરદત્ત પ્રતિભા, કલાકાર તરીકેની એમની ખુદની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા ઉપરાંત એમના પિતાના ખોફનો પણ મોટો ફાળો છે...
અલબત્ત, સંતાનો પર આચરવામાં આવતી ક્રૂરતાનો કોઈ બચાવ ન હોઈ શકે. માઇકલ જેક્સનનું નાક પહેલાં મોટું-ચપટું હતું, એટલે જોસેફ કાયમ એમને બિગ નોઝ-બિઝ નોઝ કરીને ઉતારી પાડતા. ખુદ બાપ જ બોડી-શેમિંગ કરતો હોય ત્યારે બાળક કોને ફરિયાદ કરે? બાપે માઇકલમાં સહજ આત્મવિશ્વાસ ખીલવા જ ન દીધો. બાપના મેણાં-ટોણાં સાંભળીને ત્રાસી ગયેલા માઇકલે સમજણા થતાં જ પોતાના નાકની સર્જરી કરાવીને તેને ઘાટીલું બનાવી દીધું હતું. માઇકલ આખી જિંદગી 'નોર્મલ' બાળપણને ઝંખતા રહ્યા. એમના માટે હૂંફ અને પ્રેમનું એક જ ઠેકાણું હતું- એમની મા. ફિલ્મમાં એક દિવસ મા નાનકડા માઇકલને કહે છે, 'જો દીકરા, તારી ભીતર એવું અજવાળું છે જેની બીજા લોકો કલ્પના પણ ન કરી શકે. આ ઉપરવાળાની ભેટ છે, પણ બીજાઓ તારા આ અજવાળાને ઓલવી નાખવાની, તેને છીનવી લેવાની કોશિશ કરશે. મને એક વચન આપ: ડોન્ટ લેટ એનીવન ટેક અવે યોર લાઇટ. તારા ભીતરનો ઉજાસ કોઈને ઝૂંટવી લેવા દેતો નહીં. એને સતત બચાવી રાખજે - દુનિયાથી, તારા ફાધરથી, અને ખાસ તો તારા પાતાનાથી.'
કેટલી ઊંચી વાત! આપણા આંતરિક સત્ત્વને સૌથી પહેલાં તો ખુદના અહંકારથી જ બચાવીને રાખવાનું હોય છે...
'માઇકલ' ફિલ્મમાં કેટલાંય સુંદર દ્રશ્યો છે. જેમ કે પેલો એમટીવીવાળો સીન. માઇકલ ઓલરેડી ઇન્ટરનેશનલ પોપસ્ટાર બની ચૂક્યા હતા, તો પણ એમટીવી (વિશ્વવિખ્યાત મ્યુઝિક ટીવી ચેનલ) પર એમનાં ગીતો દેખાડવામાં આવતાં નહોતાં. શા માટે? કેમ કે એમટીવી પર મોટે ભાગે રૉક મ્યુઝિક જ વાગતું અને તે પણ માત્ર અને માત્ર ગોરા કલાકારોનું. આ ચેનલ માટે બ્લેક કલાકારો અશ્પૃશ્ય હતા. સ્વમાની માઇકલ જેક્સને ૧૯૮૩માં સીબીએસ રેકોર્ડ્ઝ નામની ટોચની મ્યુઝિક કંપનીના તે સમયના વડા વોલ્ટર યેટ્નીકોફ પર દબાણ કર્યું. વોલ્ટરે સીધો એમટીવી ચેનલના હેડને ફોન કર્યો અને રોકડું પરખાવી દીધું: 'મને માઇકલના લેટેસ્ટ ગીત 'બિલી જીન'નો મ્યુઝિક વીડિયો એમટીવી પર જોઈએ છે, અને જો તમે ના પાડી તો યાદ રાખજો, મારી કંપનીના કોઈ પણ આર્ટિસ્ટનું એક પણ સોંગ તમે એમટીવી પર વગાડી નહીં શકો!' એમટીવીવાળાઓએ નમતું જોખવું પડયું. પછી તો પ્રિન્સ તેમજ ટીના ટર્નર જેવાં બીજાં કેટલાંય પ્રતિભાશાળી અશ્વેત ગાયકોનાં ગીતો પણ એમટીવી પર એકધારાં રોટટ થવા લાગ્યાં અને એક વાત હંમેશ માટે પૂરવાર થઈ ગઈ: અશ્વેત કલાકારો પણ દુનિયાભરના દર્શકોના દિલ પર રાજ કરી શકે છે. કલાકારની પ્રતિભા મહત્ત્વની છે, એની ચામડીનો રંગ નહીં!
'માઇકલ' ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો જોતી વખતે એમના ચાહકોના રુંવાળાં ખડાં થઈ જાય છે. જેમ કે, માઇકલ જેક્સનનું પેલું અત્યંત પોપ્યુલર મૂન-વૉક સ્ટેપ, જે એમણે એક ટીવી સ્પેશિયલના શૂટિંગ દરમિયાન 'બિલી જીન' ગીત પર્ફોર્મ કરતી વખતે સૌથી પહેલી વાર કર્યું હતું. આ ઉપરાંત 'થ્રિલર' ગીતનો ભૂતિયા વીડિયોનું શૂટિંગ, વગેરે.
એન્ટોઇન ફુકાએ ડિરેક્ટ કરેલી 'માઇકલ' ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે એનું કાસ્ટિંગ. માઇકલ જેક્સનનો રોલ એમના સગા ભત્રીજા જાફર જેક્સને કર્યો છે. જાફરની ઓડિશન પ્રોસેસ પૂરાં બે વર્ષ ચાલી હતી. માઇકલ જેક્સનના અસલી કોરિયોગ્રાફરોને હાયર કરવામાં આવ્યા હતા. મજા જુઓ. જાફરે જિંદગીમાં અગાઉ ક્યારેય એક્ટિંગ કરી નહોતી. 'માઇકલ' એની ડેબ્યુ ફિલ્મ છે, અને જાફરે પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકાર્યો છે. જાફર તો ઠીક, નાનકડો માઇકલ બનતો જુલિઆનો વાલ્ડી નામનો બાળકલાકારે પણ એક ઘડાયેલા પ્રોફેશનલ એક્ટરની જેમ જાનદાર અભિનય કર્યો છે, અને જુલિયાનોની પણ આ પહેલી જ ફિલ્મ છે!
ે'માઇકલ' ફિલ્મ તમને ઝુમાવી દે છે, તમને ઇમોશનલ બનાવી દે છે અને તમને વિચારતાં પણ કરી મૂકે છે. માઇકલ જેક્સન માટે એક સમયે કહેવાતું કે એ ઈશુ ખ્રિસ્ત કરતાં પણ વધુ લોકપ્રિય છે! આપણને થાય કે આવડો મોટો મેગાસ્ટાર, આટલો સફળ કલાકાર અંગત જીવનમાં કેટલો ઘવાયેલો અને એકલવાયો હતો. ફિલ્મ પૂરી થાય ત્યારે એવી ફીલિંગ જરૂર થાય કે, લે! પૂરું થઈ ગયું? ફલાણો પ્રસંગ તો ન આવ્યો ને ઢીંકણું ગીત કેમ રહી ગયું? ફિલ્મની સિક્વલ બનાવવાની વાતો ઓલરેડી સંભળાઈ રહી છે.
જો તમે માઇકલ જેક્સનના ફેન હો તો તો આ ફિલ્મ જોવી તમારા માટે 'મસ્ટ' છે. જો તમને માનવીય સંબંધોના મેઘધનુષી રંગોમાં અને એક સફળતમ કલાકારના જીવનના ચઢાવઉતારની કથામાં રસ પડતો હોય તો પણ તમારે 'માઇકલ' ફિલ્મ જોવી જોઈએ... અને હા, ફિલ્મ જોઈને પેલા દોઢડાહ્યા ફિલ્મ રિવ્યુઅરોને માનસિક રીતે ભડાકે દેવાનું ન ભૂલતા!


