- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'ખાનદાન અને જાતવાન હોવું એ એક અમીર પરિવારની સામાજિક જવાબદારી છે' પ્રણામનું જીવન દર્શન
મિ. ઉત્પલકુમારનું મન ભર્યું ભર્યું છે, જીવન પ્રત્યે આજસુધી તેમને કશો ફરિયાદનો ભાવ નથી. જીવન પાસે જે માગ્યું, જીવનદેવતાએ ઉદાર હાથે તેમને આપ્યું... નહીં તો આજે પ્રતિષ્ઠિત વેપારીઓની પંક્તિમાં બેસી શકવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા હોત ખરા ? નામું લખતાં લખતાં ઉત્પલકુમારના મનમાં નામ કમાવાની એષણા જાગી હતી. પોતાના શેઠના જીવનમાંથી એમણે એ નિષ્કર્ષ તારવી લીધો હતો કે દામ વગર નામ મળતું નથી. અને તેથી જ તેમણે ધંધાની આંટીઘૂંટીઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. ગ્રાહકો સાથેની શેઠની વર્તણૂક, વેપારીઓ સાથેની વાટાઘાટો, સોદાઓનું કૌશલ્ય અને બેન્ક-બજારમાં શાખ ઊભી કરવાની આવડત આ બધું... ઉત્પલકુમાર ધ્યાનથી નિરીક્ષણ કરતાં અને નાના-નાના સોદાઓ દ્વારા પોતે કેળવેલી સમજને એ નાણી પણ જોતા. કોઠાસૂઝ કેળવવાને લીધે ઉત્પલકુમારે ચાલુ નોકરીએ કરેલા સોદામાં અદ્ભુત સફળતા મેળવી હતી અને ઉત્પલકુમારે શેઠ સમક્ષ મહેતાજીની નોકરીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી, ત્યારે ઉત્પલકુમારના ખાતામાં બેંક બેલેન્સ બોલતું હતું, રૂપિયા પાંચ લાખનો ફાંકડો આંકડો ! રૂપિયા બસોનું ઇન્ક્રીમેન્ટ આપવાનું શેઠનું ઔદાર્ય, શ્રીમંતાઈ તરફ આગળ વધતાં ઉત્પલકુમારને સ્પર્શી શક્યું નહીં.
અને ઉત્પલકુમારે આગવી ટ્રેડીંગ કંપની શરૂ કરી હતી...
અને ત્યારબાદ ઉત્પલકુમારના પાસા સવળા જ પડતા ગયા. સત્યાવીસમાં વર્ષે જ્યારે તેમણે આલિશાન બંગલો વસાવી ધામધૂમથી, ઉમાદેવી સાથે લગ્ન કર્યું, ત્યારે તેમની ગણતરી શહેરમાં લક્ષાધિપતિ તરીકે થઇ ચૂકી હતી.
સફળતાના ઉત્તુંગ શિખરો સર કરતાં ઉત્પલકુમારના જીવનની વાડી પણ બે સંતાનોની પ્રાપ્તિથી મહેકી ઊઠી હતી. પુત્ર પ્રણામ અને પુત્રી પ્રથમા. પુત્ર પ્રણામ અને પુત્રી પ્રથમાને જોઇને તેમની આંખ ઠરતી હતી. વીસ વર્ષ વહી ગયાં... ઉત્પલકુમાર અને તેમનો પરિવાર સુખ સાહ્યબીની સુંવાળી સેજમાં પોઢીને ઉલ્લાસભરી જિંદગી જીવી રહ્યો હતો.
પ્રણામ સ્વભાવે ધીર ગંભીર, મિતભાષી, સચ્ચાઈ અને સાદગીનો ઉપાસક, નમ્ર અને નિખાલસ, ઉદાર અને ભારતીય સંસ્કારોનો પક્ષધર... ઉત્પલકુમારને આ બધું પસંદ નહોતું. તેઓ માનતા હતા કે પ્રણામે જમાના પ્રમાણે જીવન જીવવું જોઇએ. અમીર પરિવારનો દીકરો આમ સાવ સાદગીથી જીવન પસાર કરે તો પૈસો શું કામનો ? પ્રણામે તો તેની ઉંમર પ્રમાણે ખાવા-પીવા, ફેશન, હરવા-ફરવા વગેરેમાં લીલા લહેર કરવી જોઇએ... પણ પ્રણામ તો પ્રણામ જ હતો...
જ્યારે પુત્રી પ્રથમા ચંચળ, સ્વચ્છંદી, અને જિદ્દી હતી. પ્રથમાને પોતાના પપ્પાની અમીરીનો ઘમંડ હતો. મમ્મી-પપ્પાના અતિશય લાડને કારણે પ્રથમા આત્મકેન્દ્રી બની ગઈ હતી. પોતાના અહંમના કેફમાં પ્રથમા બીજા બધાંને તુચ્છ માનતી હતી. પ્રથમાના આવા સ્વભાવથી વાકેફ ઉત્પલકુમાર તેના માટે એક કહ્યાગરો કંથ શોધવાની ધમાલમાં વ્યસ્ત હતાં. પ્રણામના સ્વભાવ અને સૌજન્યની મહેક તેમની આસપાસના પરિચિતો અને જ્ઞાતિબંધુઓમાં પ્રસરેલી હતી. એટલે પ્રણામ સાથે પોતાની પુત્રીના લગ્ન કરવા માટે અનેક માબાપો ઉત્સુક હતા. પરંતુ મનમોજી પ્રથમાને પુત્રવધૂ બનાવવાનું સાહસ ખેડવા કોઈ તૈયાર થતું નહોતું. ઉત્પલકુમારને છતાં ય કોઈ ચિંતા નહોતી. તેઓ માનતા હતાં કે ધનનો ચળકાટ વ્યક્તિના સ્વભાવની ગમે તેવી એબને ઓજસમાં ખપાવી શકે છે. અને એટલે જ તેઓ નિશ્ચિંત હતા. પ્રથમાને પણ ખબર હતી કે તેના પપ્પા તેને દુ:ખી નહીં થવા દે.
ઉત્પલકુમારની નજર પોતાની પેઢીમાં કામ કરતા એક યુવક પ્રારંભ પર ઠરી હતી. અને તેને પ્રલોભનો આપીને તેના મધ્યમવર્ગીય માતા-પિતાનું પણ મન જીતી લીધું હતું અને તેઓને મોટા ઘરની પુત્રી મળવાનો આનંદ હતો. ગાડી, બંગલો અને રાચરચીલું બધું લગ્ન પહેલાં જ પ્રારંભને ઉત્પલકુમારે આપી દીધું હતું. પ્રણામનાં લગ્ન ગોઠવવાનું તો સાવ સરળ હતું. ઉત્પલકુમારના મિત્ર વિશ્વાસકુમારની પુત્રી પાવની વિદેશથી ડૉક્ટર બનીને સ્વદેશ પાછી ફરી હતી. પ્રણામ તેને પસંદ પડી ગયો હતો. અને ઉત્પલકુમારે પુત્ર પ્રણામના પાવની સાથે અને પુત્રી પ્રથમાના પ્રારંભ સાથે લગ્ન શાહી દબદબાથી ઉજવીને સમાજમાં પોતાનો વટ પાડી દીધો હતો.
પરંતુ પપ્પાના વિવેકહીન અને અમર્યાદ લાડમાં ઉછરેલી પ્રથમાએ સાસરે જઇને તરખાટ મચાવ્યો હતો. પ્રારંભનું એ સતત સખત શબ્દોમાં અપમાન કરતી હતી. પોતાના વૃધ્ધ સાસુ-સસરાને એ સખત પજવતી હતી. ઘરના ખૂણામાં શોભતું દેવમંદિર હવે સ્થાનભ્રષ્ટ થઇને પડોશનાં બાળકોને રમવાનું રમકડું બની ગયું હતું. પ્રારંભના સગા-વહાલાંઓ આદર-સત્કારને બદલે ઉપેક્ષા અને અપમાનના ભયથી ઘેર આવતાં બંધ થઇ ગયા હતાં. પ્રારંભના મમ્મી-પપ્પાએ દેશી દવાઓ લેવાને કારણે જાતજાતના ઔષધો ભરેલી શીશીઓ જે સંઘરી રાખી હતી, તેને નકામો સામાન ગણી પ્રથમાએ કચરા ટોપલી ભેગી કરી દીધી હતી. પ્રારંભના પપ્પાએ ભેગાં કરેલાં ધાર્મિક પુસ્તકો પ્રથમાએ પસ્તીવાળાને પધરાવી દીધા હતા.
પ્રારંભના બેડરૂમનું ફર્નિચર, લાઇટો, પલંગ, કબાટો બધું પ્રથમાની ઇચ્છા મુજબ ઉત્પલકુમારે બનાવી આપ્યું હતું. આ ભૌતિક સુખની વચ્ચે પ્રારંભના જીવને શાંતિ નહોતી. એને બધું પારકું પારકું લાગતું હતું. અનેક અભાવો વચ્ચે ઉછરેલા પ્રારંભે પોતે પ્રથમાનો સ્વભાવ જાણવા છતાં,
લાલચમાં આવી જઈ લગ્નની હા પાડી હતી. પણ પ્રથમા મારકણી ગાય નીકળશે તેવી તેને કલ્પના પણ નહોતી.
પ્રથમાની વાણી અને વર્તનમાં સદાય ગર્વ રણકતો જ રહેતો કે પ્રારંભ જેવા ગરીબ યુવકની દયા ખાઈને એણે તેની સાથે લગ્ન કર્યું છે.
પ્રારંભના માતા-પિતા અને કુંવારી બહેન પ્રત્યે એમનાં વસ્ત્રો, આદતો, એટીકેટ વગરની રહેણી-કરણીની પ્રથમા સદાય ઝાટકણી કાઢતી રહેતી હતી. પ્રારંભના મમ્મી જરા તેજ સ્વભાવનાં હતાં. પ્રારંભના મમ્મીએ તેને કહ્યું હતું : 'બેટા, તું ખરીદાયેલો છે ? તું નામર્દ છે ? તને ફરિયાદ કરવાનો કશો અધિકાર નથી ? સ્વમાનની ઉપેક્ષા કરીને તેં પોતાની જાતને કીટક જેવી તુચ્છ બનાવી દીધી છે : પ્રથમાને થોડું તો સમજાવ. ધિક્કાર છે તારા સફેદ રક્તને. ધિક્કાર છે તારી સ્વમાન વગરની જવાનીને.'
મમ્મીના કહેવાથી પ્રારંભ એકદમ જોશમાં આવી ગયો હતો. પોતાના માતા-પિતાનું હડહડતું અપમાન કરવા બદલ પ્રથમાનો તેણે ઉધડો લીધો હતો... અને પરિણામ સ્વરૂપ પ્રથમા પ્રારંભના ગાલ પર તમાચો લગાવીને પિતૃગૃહના પંથે પલાયન થઇ ગઇ હતી.
પોતાની પુત્રીને દુભવનાર એ બે કોડીના જાનવર પ્રારંભને પાઠ ભણાવવાનો ઉત્પલકુમારે નિર્ણય કર્યો.
ડોસા-ડોસીની બુધ્ધિ સાટે નાઠી છે - એવા બળાપા સાથે સાસરેથી પાછી ફરેલી પુત્રી પ્રથમાનાં બેઇમાન આંસુને ઉત્પલકુમારનાં પત્ની ઉમાદેવીએ ધુ્રસકે ધુ્રસકે રડીને લૂછ્યાં, એટલું જ નહીં, પોતાના નણંદનાં આંસુ જોઈ મૂંગી રહેનાર પ્રણામની પત્ની પાવનીની પણ ઝાટકણી કાઢી. અને એ રીેત ઉમાદેવી અને પાવની વચ્ચ વૈમનસ્યનાં કડવાં બીજ પણ રોપાયાં.
ઉત્પલકુમાર પ્રારંભના માતા-પિતાની ફરિયાદ લઇને પ્રારંભને તેના બંગલે મળવા દોડી ગયા હતાં. તેઓ સખત ગુસ્સામાં હતાં. પોતાની દીકરીને આપેલો સુખ-સાહ્યબીનો સામાન, કાર, અને બંગલાને કારણે તાગડધિન્ના કરતાં પ્રારંભના માતા-પિતાની સારી પેઠે ખબર લઇ નાખવા માટે પ્રારંભને ઉત્પલકુમાર ચઢાવતા હતા. પ્રથમાનો અહંવાદી સ્વભાવ પ્રારંભને બિલકુલ પસંદ નહોતો. પણ ઉત્પલકુમાર ભેટમાં આપેલા રાચરચીલા, બંગલો અને ગાડીના ઉપકાર તળે એ દબાયેલો હતો... વળતર રૂપે એણે પ્રથમાને સહી લેવાની તૈયારી રાખવાની હતી.
ઉત્પલકુમારે પ્રારંભને તથા એના માતા-પિતાને શાંતિથી બંગલામાં પડયા રહેવાની સલાહ આપી હતી. પોતાની પુત્રી પ્રથમાનું દિલ દુભાશે તો એ સાંખી નહીં લે તેવું બધાંને અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
પ્રથમાને તો પપ્પાને બંગલે પાછા આવ્યા બાદ કોઈ ફેર પડયો નહોતો. એ તો મોડી અગિયાર વાગે ઊઠતી, ફ્રેન્ડઝ સાથે પિકચર જોવાં ઉપડી જતી, બહાર રેસ્ટોરન્ટમાં જમી લેતી, મનમાં આવે તો પિકનિક પર પણ ઉપડી જતી.... ઘરમાં કોઇની રજા લેવાનું પણ એ ઉચિત નહોતી માનતી.
પ્રણામને ક્લેશ પસંદ નહોતો. પ્રથમા સાસરેથી પાછી આવી એ વાત એણે ગંભીરતાથી લીધી હતી. તેણે ઉત્પલકુમારને કહ્યું હતું : 'પપ્પાજી, તમને નથી લાગતું કે પ્રથમાએ આવી રીતે પોતાનું ઘર છોડીને અહીં આવતા રહેવું ના જોઇએ ? એણે ક્લેશ, કજિયો અને અપમાનનું આદાન-પ્રદાન જ કર્યું છે. એમાં પ્રારંભનો કે એના માતા-પિતાનો શો દોષ ? પપ્પા, આપણે પૈસેથી અમીર છીએ એટલે ખાનદાની બતાવવાની જવાબદારી આપણી છે. ખાનદાન અને જાતવાન હોવું એ આપણી સામાજિક જવાબદારી છે. પણ આપણે તો વાણીથી ગરીબ, વર્તનથી ગરીબ, સંસ્કારથી ગરીબ. પ્રથમાનું અહં અને સ્વચ્છંદતા આપની લક્ષ્મીને આભારી છે. દુનિયામાં પ્રતિષ્ઠા મળે પણ ઘરમાં અંધારુ રહે તો એ પ્રતિષ્ઠાનો શો અર્થ ? શિક્ષિત અને સંસ્કારી બનવા માટેની પહેલી શરત છે અન્ય પ્રત્યે આદર અને સહિષ્ણુતાભરી દ્રષ્ટિ પપ્પા નાના મોઢે મોટી વાત કરી છે, પણ ઘરનાં સુખ-શાંતિ માટે એ ખૂબ જ જરૂરી છે. પ્રથમા સાથે લગ્ન કરીને પ્રારંભ અને તેના માતા-પિતાના જીવનની ધૂળ ધાણી થઇ ગઈ તેમ તમને નથી લાગતું ?
ઉત્પલકુમારને પોતાની ભૂલ સમજાઈ હતી અને પોતાના વેવાઈના ઘરે જઇને તેમની માફી માગી હતી. ઉત્પલકુમારે પ્રથમાને પણ અલ્ટીમેટમ આપ્યું હતું : 'જો પ્રથમા, તારા સાસુ-સસરા કે પતિથી રિસાઇને કે ઝઘડો કરીને મારે ઘેર આવીશ તો તને હું ઘરમાં નહીં પેસવા દઉં. તું એ ઘરની પુત્રવધુ છે. આજથી તને પૈસા વાપરવા હું નહીં આપું. પ્રારંભ તને આપશે. તારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે તારે રહેવું પડશે. તારા બધાં નખરાં અને જીદ બધું બંધ. ચાલ તૈયાર થઇ જા, તને તારા સાસરે મૂકી જાઉં.'
અને ઉત્પલકુમાર પ્રારંભના માતા-પિતા પાસે સામે ચાલીને પ્રથમાને મૂકવા ગયા તથા પ્રથમાના અવિનય બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.


