- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- જ્યારે કોપીરાઇટની વાત આવી છે, તો ત્રિમૂર્તિ ફિલ્મ્સના માલિક રાજીવ રાયે દાવો કર્યો છે કે મારી ફિલ્મનું ગાયન 'તિરછી ટોપીવાલે' મને પૂછ્યા વિના 'ધુરંધર'માં લઈ લીધું છે !
'જ્હો ની મેરા નામ' આવી હતી ૧૯૭૦માં. અમે કીશોરવયે જોઈ હતી ૧૯૭૧માં. છતાં આજે પણ એની અમુક ખાટીમીઠી અને અમુક 'લિજેન્ડરી' યાદો ટકી રહી છે. જુઓને, અમે તો લિસ્ટ બનાવી દીધું છે...
(૧) ટાઇટલ મ્યુઝિક
આહાહા... શું 'ઝન્નાટ' મ્યુઝિક હતું ! હિન્દી સિનેમામાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે લોકોને ટાઇટલ મ્યુઝિક યાદ રહી ગયું હોય ! કહે છે કે જ્યારે વિજુ શાહ આ અનોખી ટયૂન બનાવ્યા પછી તેનાં જ વેરિએશનો રેકોર્ડ કરાવી રહ્યા હતા ત્યારે આનંદજીએ જરા ટાંગ ખેંચતાં કહેલું 'ક્યા વિજુ, યહી ટયૂન બાર બાર ક્યું ખીંચ રહા હૈ ?' ત્યારે વિજુએ કીધેલું 'તમે જોજો, એક ટાઇમ એવો હશે કે જ્યારે બેન્ડવાજાંવાળા આ ટયૂન વગાડતા હશે !'
અને વાત સાચી પડી ! અમને તો યાદ છે, છેલ્લે છેલ્લે ૨૦૦૫ની સાલમાં પણ અમુક બેન્ડવાજાંવાળા સૌ પ્રથમ કોઈ ભગવાનની આરતી વગાડે, પછી તરત જ પોતાના બેન્ડની 'સિગ્નેચર ટયૂન' તરીકે આ ધૂન વગાડવામાં 'મચી પડતા' હતા !
(૨) પદ્મા ખન્નાનો સ્ટ્રીપ-ટિઝ
આમાં થયું એવું કે અમે હતા એસએસસીમાં (જુનું અગિયારમું ધોરણ) ભણ્યા ડીસામાં, પણ એકઝામનું સેન્ટર હતું પાલનપુરમાં. એ વખતે ત્યાં 'જ્હોની મેરા નામ' ચાલે... જેવી પરીક્ષા પતી કે તરત જ સામટા ચાર પાંચ ડઝન છોકરાઓ પહોંચી ગયા આ ફિલ્મ જોવા !
એ વખતે અમને થોડી ખબર હતી કે આને 'સ્ટ્રીપ ડાન્સ' કહેવાય ? અને એ પણ થોડી ખબર હતી કે પ્રેમનાથ વારાફરતી 'બધાં' કપડાં ખેંચીને ઉતારશે ?
એટલે થિયેટરમાં તો 'કપડે કપડે' કોલાહલ... સીટીઓ ! બૂમો ! ચીસો ! (માત્ર અમે જ નહીં આખું ઓડિયન્સ, હોં ?) પણ પછી એ જ ફિલ્મ વડોદરામાં બે વરસ બાદ રીલીઝ થઈ ત્યારે શું સીન હતો ?
આ ગીત શરૂ થતાંની સાથે જ સન્નાટો ! કેમ ? કારણ કે હવે ઓડિયન્સને ખબર હતી કે અહીં શું શું 'જોવાલાયક' છે ! સૌ 'રસિકજનો' કામરસના ઘુંટડા ભરવામાં 'મગન' થઈ જતા હતા !
(જોકે સેન્સર બોર્ડના માનનીય પ્રેક્ષકોના શું રિએકશન હતા, તે કદી મિડીયામાં આવ્યું નહીં.)
(૩) 'બારીઓ'વાળું' ગાયન
'પલ ભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે...' આ ગાયન મજેદાર તો હતું જ, પરંતુ એ વખતે એક 'ક્વિઝ' ચાલતી હતી કે 'બોલો, આખા ગાયનમાં ટોટલ કેટલી બારીઓ છે ?'
હવે એ વખતે કંઈ યુ-ટયુબ થોડી હતી કે સાત વાર ગાયન આગળ પાછળ કરીને ગણી લઈએ ? એટલે કહે છે કે અમુક પ્રેક્ષકો ફક્ત એ ક્વીઝ સોલ્વ કરવા માટે ફરી ફરીને ફિલ્મની ટિકીટો લેતા હતા. (પેલો પદ્મા ખન્નાનો ડાન્સ જોવા નહીં હોં ? કેમ કે આ ક્વીઝમાં કોઈ ઇનામ-બિનામ નહોતું ! આ તો માત્ર કૂતૂહલ, બોસ!)
જોકે જવાબ તો હજી ગોળગોળ જ છે. અમુક લોકો કહે છે કે ટોટલ તેર જ બારીઓ છે. જ્યારે અમુક લોકો એકવીસ બારીઓ ગણાવે છે. ક્યા હિસાબે ? તો કહે છે કે પેલી જે એક નાના-મોટાં બાકોરાંની ડિઝાઇનવાળી દિવાલ બતાડી છેને, એમાં જેટલા કાણામાંથી દેવઆનંદ 'ડોકાચિયાં' કરે છે એ બધી બારીઓ જ ગણાય !
તે વખતે અમને થતું હતું કે યાર, એવો તે કેવો શેઠીયો હશે કે જેણે આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં બારીઓ જ બારીઓ મુકાવી હશે ? પણ પછી ખબર પડી કે જિનિયસ ડીરેક્ટર વિજય આનંદે ખાસ એ ટાઇપનો સેટ ઊભો કરાવ્યો હતો ! બોલો.
(૫) પ્રેમનાથનો કમ-બેક
હીરો તરીકે તો પ્રેમનાથ ક્યારના પતી ગયા હતા. સાઇડ હીરો તરીકે પણ ખાસ ચાલ્યા નહીં. પણ પછી શી ખબર કઈ રીતે વિજય આનંદના દિમાગમાં આ કાસ્ટિંગનો ઝબકારો થયો હશે ? કેમકે. એક તો પહેલીવાર આપણે આટલો 'લંપટ' વિલન જોયો હશે ! (ફરી પદ્મા ખન્નાનો ડાન્સ ? ભૈ છોડોને !)
પરંતુ 'જ્હોની મેરા નામ' પછી પ્રેમનાથની કરિયર ફરી એકવાર જે ઝપાટાબંધ રીતે ઉંચકાઈ તેની ક્રેડિટ તો વિજય આનંદને જ આપવી પડે. શું કહો છો !
(૬) છેલ્લી ૨૦ મિનિટનો ગુંચવાડો
અલ્યા, મારી ઉંમરના સાહેબો ! જો તમે હાલમાં જ આ ફિલ્મ ફરી ના જોઈ હોય તો મને કહેશો, કે છેલ્લે છેલ્લે વિલન પ્રેમનાથના બંગલામાં સળંગ વીસેક મિનિટ સુધી શેની બબાલ ચાલતી હતી ? એક તો એ જમાનામાં થિયેટરોમાં પંખાઓ બહુ અવાજ કરતા હોય, ઉપરથી સ્પીકરો ફાટી ગયેલાં હોય, અને સંવાદો-સંવાદો-સંવાદો ચાલ્યા જ કરે... એમાં કશું સમજાતું જ નહોતું !
- કે ભઈ, આ ઈફતેખારને કેમ દોરડું બાંધીને લઈ આયા ? પેલો જીવણ (જીવન) શું કાન ભંભેરણી કરી ગયો ? અને પેલો કાળા કોટ અને કાળા ટોપાવાળો શું નવું 'પડીકું' લઈને આયેલો ? સાચું કહું ? જ્યારે વડોદરામાં ફરીથી જોતા હતા ત્યારે પણ નહોતું સમજાતું ! પ્રેક્ષકો બૂમો પાડતા હતા કે 'અલ્યા, પેલું દોરડું ઝટ ફેંકો અને પકડો બધાને સામટા ! પતાવો હવે !'
જોકે તે વખતે એવી વાત પણ ચાલેલી કે વિજય આનંદે હોલીવૂડની 'વ્હેર ઈગલ્સ ડેર'નો કલાઈમેકસ જોઈને જ આવું બધું લાંબુ લપસિંદર ઘૂસાડેલું !
હવે જ્યારે કોપીરાઇટની વાત આવી છે, તો ત્રિમૂર્તિ ફિલ્મ્સના માલિક રાજીવ રાયે દાવો કર્યો છે કે મારી ફિલ્મનું ગાયન 'તિરછી ટોપીવાલે' મને પૂછ્યા વિના 'ધૂરંધર'માં લઈ લીધું છે ! તો રાજીવભાઈ, તમે ભીંત ભૂલ્યા ! કેમ?
તો ભાઈ, તમારા પપ્પા ગુલશન રાયે બનાવેલી ફિલ્મ 'જ્હોની મેરા નામ'ની આખી બેઝિક સ્ટોરી જ 'ધૂરંધર'માં કોપી થઈ ગઈ છે ! શી રીતે ? તો જુઓ, દેવ આનંદ પોતે પોલીસનો માણસ હોવા છતાં સ્મગલર બનીને એક પછી એક કારનામાં કરતાં કરતાં છેલ્લે મેઇન વિલનનો વિશ્વાસ જીતીને પછી એને જ બાટલામાં ઉતારી દે છે કે નહીં ? બસ, સેઇમ સ્ટોરી 'ધૂરંધર'ની છે ! બોલો, છે કે નહીં ?
= નવકેતન ફિલ્મ્સની ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન કરનારા ગુલશન રાયની 'ત્રિમૂર્તિ ફિલ્મ્સ'ના બેનરની આ પહેલી ફિલ્મ હતી. જે હિટ થતાં જ 'ત્રિમૂર્તિ' બહુ મોટું બેનર બની ગયું.
= 'જ્હોની મેરા નામ'ના ટાઇટલ મ્યુઝિકની રેકોર્ડ પણ બહાર પડી હતી. નામ હતું 'કલ્યાણજી આનંદજી પ્રેઝન્ટ્સ વિજુ શાહ એન્ડ ઓરકેસ્ટ્રા' પોલિડોર દ્વારા નિર્મિત આ રેકોર્ડ છેક ૧૯૭૭માં આવી હતી છતાં ખુબ વેચાઈ હતી.
= વિજય આનંદે ફિલ્મના ડિરેકશન માટે ૧ લાખ રૂપિયા લીધા હતા, જે એ જમાનામાં 'અધધ' રકમ હતી. આ ઉપરાંત પટકથા અને એડિટીંગની ફીસ તો અલગ !
= 'જ્હોની મેરા નામ'ની પટકથા અને એડિટીંગ માટે વિજય આનંદને ફિલ્મફેર એવોર્ડો મળ્યા હતા.
= ૧૯૭૦ની આ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.


