- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- રામાયણ - મહાભારત કાળથી સેતુબંધો બંધાતા જ આવ્યા છે. લંકા પહોંચવા માટે 'રામસેતુ' નિર્માણ થયેલો. એ ક્યારેય કાચો પડયો નથી. સેતુ એટલે તો સંપૂર્ણ શ્રધ્ધા, ભરોસો, વિશ્વાસ...
પુ લ લાકડાનો હોય કે લોખંડનો, સિમેન્ટનો હોય કે પત્થરનો એનું કામ બે સ્થળોને જોડવાનું છે. એ કાચો પડે તો કેટલો મોટો અનર્થ સર્જાય છે ? કેટલા બધા નિર્દોષ લોકોનાં જીવન જોખમાય છે ! પુલ તો બધા મજબૂત જ જોઈએ, એમાં કોન્ટ્રાકટર વેપારી બુદ્ધિ વાપરે અથવા તો એમાં માલને વાપરવાની કસર થાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે. પુલ નબળા ન જ પડવા જોઈએ. પુલનું બીજું નામ સેતુ છે. સેતુ પણ શિથિલ ન હોવા જોઈએ.
રામાયણ - મહાભારત કાળથી સેતુબંધો બંધાતા જ આવ્યા છે. લંકા પહોંચવા માટે 'રામસેતુ' નિર્માણ થયેલો. એ ક્યારેય કાચો પડયો નથી. સેતુ એટલે તો સંપૂર્ણ શ્રધ્ધા, ભરોસો, વિશ્વાસ... એનો ભંગ કેવી રીતે થાય ? કૃષ્ણ ભગવાને પાંડવોનું દૂત કાર્ય સંભાળેલું, એ પણ સેતુકાર્ય જ હતું. તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. તેમની વાત કૌરવોએ સ્વીકારી ન્હોતી. એટલે યુદ્ધ થયું. કૌરવોનું દૂતકાર્ય સંભાળનાર ઉલૂક પણ સફળ થયો ન્હોતો આમ સેતુ ન સધાય - સંવાદ ન સધાય ત્યારે અનર્થો જ જન્મ લેતા હોય છે. શ્રધ્ધા, વિશ્વાસ, વચન, ભરોસો આ કેવળ શબ્દો જ નથી. બે પક્ષ, બે હૃદય વચ્ચેના સેતુબંધો છે. એ કાચા પડવા ન જોઈએ. શ્રદ્ધાના સેતુબંધ ઉપર કેટકેટલા ભક્તો ચાલ્યા છે ! નરસિંહ મીરાંથી શરૂ કરી છેક જલારામબાપા સુધીના ભક્તોની લાંબી યાદી જોઈ શકીએ. એ સેતુબંધ કાચા પડયા નથી. શ્રદ્ધા-વિશ્વાસના સેતુ ઉપર કરોડોનાં વહાણો ચાલ્યાં છે. કેટકેટલા શ્રધ્ધાળુઓએ પોતાનાં જીવન પસાર કરી નાખ્યાં છે ! રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સંબંધો પણ એ વિશ્વાસના પુલ પર નભી રહ્યા છે. માનવ અને ઈશ્વર વચ્ચે પણ એવો મજબૂત પુલ રચાયેલો છે. સંતો, ધર્મો, ધર્મ પ્રચારકો, પુસ્તકો આ બધા જ સેતુસંવાદ રચનારા સાધનો છે. સેતુ જેનાથી રચાય તે માધ્યમ મજબૂત જોઈએ. ઇરાન અને યુએસ વચ્ચે શાંતિવાર્તાનો સેતુ નિષ્ફળ ગયો છે. અહીં માણસ માણસ વચ્ચે જ સેતુ રચાયેલ છે, એ સેતુ પણ હવે તો સ્વાર્થ કેન્દ્રી બનતો જાય છે પછી બે સ્થળો વચ્ચેનો સેતુનો શો ભરોસો ? કાચા પુલોનું જોખમ વધતું ચાલ્યું છે.
થોડા પુલો તૂટી રહ્યા છે, થોડા તૂટી ગયા છે. સરકારી કટકી ખાનારાં લોકો જવાબદારી સ્વીકારતા નથી. ભ્રષ્ટાચારનો અંદાજ આવી સ્થિતિમાંથી જ આવી શકે. કોન્ટ્રાકટરો કેવળ પુલ બનાવવાના હોતા નથી, ધારાસભ્યો, સંસદસભ્યો અને તાલુકા જિલ્લા પંચાયતના કેટલાક ભુવાઓ આગળ નાણાંની ઢગલીની માનતા પૂર્ણ કરવાની હોય છે. બીજી રીતે કહીએ તો ચૂંટાયેલા ભિક્ષુકોનો પણ આ દેશમાં દબદબો હોય છે એ તૂટેલા પુલની તીરાડમાંથી નીકળતું સત્ય છે. આપણે સ્વતંત્ર થઈને શું મેળવ્યું છે ? આપણે આઠ દાયકાના અભ્યાસ પછી કઈ ઉપાધિ પ્રાપ્ત કરી ? ભ્રષ્ટાચાર, લાગવગ, ઘાલમેલનાં પ્રમાણપત્રો અપાતાં નથી પરંતુ સૌથી વધારે પ્રજામાં વહેંચી શકાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. આપણા દેશમાં સારા માણસોની અછત ઊભી કેમ થઈ છે ? સજ્જનોનો દુષ્કાળ કેમ પડયો છે ? જ્યાં જાઓ ત્યાં ગેરરીતિના પડાવો કેમ દેખાય છે ? પુલો કેમ કાચા પડે છે ?
શું કરે સામાન્ય માણસ ? જાય ક્યાં ? ફળફળાદિ, લીલાં શાકભાજી, કઠોળ બધામાં ભેળસેળને ફાવી ગયું છે. માતાના દૂધ ઉપર જ હવે ભરોસો છે - બહારનું કોઇ દૂધ દાક્તરોને સલાહ આપવા યોગ્ય લાગતું જ નથી. ભેળસેળ અને ભ્રષ્ટાચારનો ભોરિંગ મોટો થતો જાય છે. ગામડાંની અસલિયતને પણ એ ડસવા માંડયો છે.
પરિવારમાં દામ્પત્યજીવનમાં પણ શિથિલતા દેખાય છે. તો સમાજજીવનમાં આજે નિરાશા-હતાશાનાં જે કારણો છે એમાં પણ સેતુબંધની શિથિલતાનું કારણ મુખ્ય છે. આજે જ્યાં જુઓ જેમકે આરોગ્ય, શિક્ષણ, આંતરિક સુરક્ષા બધે જ ભ્રષ્ટાચારની કેવી દુષિત હવા પ્રવેશી ગઈ છે ! સરકારી કામો એક ધક્કે પૂર્ણ થતાં નથી, સરકારી અધિકારીઓ એ પૂર્ણ કરવા માટેનો ખાનગી વેરો જાહેરમાં લેતા નથી પણ એવું ચાલ્યા કરે છે કે વેરો ભર્યા વગર ભગવાન વ્હારે આવતો નથી જાણે ! પ્રજા અને પોલિસ વચ્ચેનો પુલ પણ તૂટવા માંડયો છે. સરકાર કાયદો કરે તો પ્રજા છીંડા પાડી રસ્તા કરે જ છે.
શાળા-કોલેજના સંચાલકો શૈક્ષણિક પ્રવૃત્તિઓને ઔદ્યોગિક એકમ માનીને (સેવાનો શિલ્ડ સામે રાખીને) ચલાવે છે. નફો કરવાનો તેમનો જાણે બંધારણીય અધિકાર હોય તેવું તેમનું વર્તન પણ છે. શિક્ષણને નો ડીગ્રીઓનો વેપાર થઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પણ પુલ તૂટી રહ્યો છે. હજારો વિદ્યાર્થીઓ વિવિધ ડીગ્રીઓનાં પ્રમાણપત્રો લઈને જીવનસાગરમાં જંપલાવે છે પણ કોઈ પ્રમાણપત્ર પેલે પાર ઉતારવા માટે સમર્થ બનતું નથી. આપણએ ત્યાં પુલ તૂટવાનો સિલસિલો ચાલું છે. કોઇપણ ક્ષેત્ર લ્યો ! આપણે ત્યાં દુર્ઘટનાઓ આકસ્મિક જ નહિ ઇરાદાપૂર્વકની બને છે - સર્જાય છે. બેંકો અને પ્રજા વચ્ચે વ્યવહારો થાય છે પણ મોટા વ્યવહારો કરી બેંકને છેતરનારા પણ ક્યાં ઓછા છે ? પુલો તૂટી રહ્યા છે - વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંવાદસેતુ પણ શિથિલ છે.
આપણે ત્યાં કોઈનેય લક્ષ્ય સ્થાને પહોંચવા દેવા જ નથી. જ્યાં પહોંચવાનું છે ત્યાં વચ્ચે પુલ છે. એ સેતુ ખવાઇ ગયો છે તૂટી રહ્યો છે. નથી ગામ શહેરને મળી શકતું. નથી શિક્ષાર્થી જ્ઞાનને મળી શકતો, નથી માણસ માણસને મળી શકતો, નથી સામાન્ય નાગિરક પોતાના અધિકારો ભોગવી શકતો. જનસખ્યા વધી છે પણ એને પહોચવા માટેના પુલો બધા બોદા છે.
આપણે ક્યારે મજબૂત સેતુબંધ બનાવીશું ?


