- આજકાલ-પ્રીતિ શાહ
- વર્ષે પચીસ કરોડની કમાણી કરતા શૌવિક ધરની ઇચ્છા યુ.એ.ઈ.માં તેર આઉટલેટ શરૂ કરી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની છે
કો ઈ પણ સ્વાદિષ્ટ અને નવીન વાનગી બહુ ઝડપથી વિશ્વમાં ફેલાઈ જતી હોય છે અને એને એટલી બધી સ્વીકૃતિ મળવા લાગે છે કે એ વાનગીનું મૂળ રાજ્ય કે રાષ્ટ્ર ભુલાઈ જાય છે. તે પછી ઈટલીના પિત્ઝા હોય, મુંબઈના વડાપાઉં હોય કે કૉલકાતાની પાઉંભાજી હોય. આવું જ આજકાલ મોમોઝની બાબતમાં બન્યું છે. ખાણીપીણીનો વ્યવસાય સારો ચાલતો હોય તો એમાં વળતર પણ સારા એવા પ્રમાણમાં મળે છે તેમ મનાય છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એન્જિનિયરની યશસ્વી કારકિર્દી છોડીને આવા વ્યવસાયમાં પડે ત્યારે પારાવાર આશ્ચર્ય થાય. આસામના સિલચર શહેરમાં જન્મેલા શૌવિક ધરે સિલચરની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી એન્જિનિયરની ડિગ્રી મેળવી. એન્જિનિયર થયા પછી ડીઆરડીઓમાં વૈજ્ઞાાનિક તરીકે નોકરી મળી ગઈ. પોતાની કારકિર્દી વધુ સારી બને તે હેતુથી તેણે માસ્ટર્સ કોર્સ કરવાનું વિચાર્યું અને તેણે ફાયનાન્સમાં એમ.બી.એ. કર્યું.
એમ.બી.એ. પૂરું કર્યા પછી તેને વિચાર આવ્યો કે નોકરી કરવાને બદલે એ પોતાનો કોઈ આગવો વ્યવસાય શરૂ કરે. એણે જુદા જુદા વ્યવસાયનો વિચાર કર્યો. કૌશલ્ય તાલીમથી લઈને ટૅક્નૉલૉજી ફર્મ શરૂ કરવા અંગે વિચાર્યું, પરંતુ એકાએક વિચાર ઝબક્યો અને ઝોમોઝની સ્થાપના કરી. નાનપણથી માતાને મોમોઝ બનાવતા જોતો હતો અને તેના લોટના લુવા એ જ તૈયાર કરતો. તેની માતાના હાથના સ્વાદિષ્ટ મોમોઝ ખાવા તેમના કુટુંબીજનો અને અન્ય મિત્રો આવતા. મોમો એક ચાઇનીઝ શબ્દ છે જેનો અર્થ છે વરાળમાં પકાવેલી રોટી. અરૂણાચલ પ્રદેશના મોનપા અને શેરદુકપેન જનજાતિના ભોજનમાં આ ખાસ મહત્ત્વ ધરાવે છે. નેપાળ અને તિબેટમાં પણ ખૂબ ખવાય છે અને લોકપ્રિય છે.
શૌવિક ધરે વિચાર્યું કે બાળકો, યુવાનો અને મોટી ઉંમરના લોકો - સહુને એક સમાન રીતે મોમોઝ આકર્ષે છે. તેની માતાના મોમોઝ ખૂબ સ્વાદિષ્ટ બનતા અને સહુને ખૂબ ભાવતા. એ વિચારમાંથી શરૂઆત થઈ પ્રભાતી ફૂડ પ્રા. લિમિટેડ અને ઝોમોઝની. હૈદરાબાદમાં રહેતા શૌવિકે વિચાર્યું કે ત્યાં કોઈ જગ્યાએ સારા મોમોઝ મળતા નથી. વળી અહીંના લોકોને મોમોઝના અસલ સ્વાદની પણ ખબર નહોતી. કેટલાક લોકો સડકની બાજુમાં ફૂટપાથ પર ઉભા રહીને મોમોઝ વેચતા હતા, પરંતુ તેનો સ્વાદ બરાબર નહોતો. તેણે ૨૦૧૬માં ઝોમોઝની સ્થાપના કરી અને હૈદરાબાદના ઈનઓર્બિટ મૉલમાં શરૂઆત કરી. શૌવિક ઉત્તરપૂર્વ ભારતના કેટલાક એવા લોકોને જાણતો હતો કે જેઓ સારા મોમોઝ બનાવતા હતા. તેમને એ હૈદરાબાદ લઈ આવ્યો. ૨૦૧૭માં સિનેમા ચેઇન ધરાવતી વ્યક્તિ સાથે સંપર્ક થયો. તેણે હૈદરાબાદ, કેરળ અને વિજયવાડા થિયેટર્સમાં મોમોઝ પહોંચાડવાનું શરૂ કર્યું. ત્રણ મહિનામાં જ ખ્યાલ આવી ગયો કે મોમોઝની માંગને અમારી ટીમ પહોંચી શકે તેમ નથી. વધુ માણસોને લઈ આવવા અને તેમની પાસે મોમોઝ બનાવડાવા, પરંતુ શૌવિકના મનમાં જુદો જ વિચાર ચાલી રહ્યો હતો. તેને લાગ્યું કે વ્યક્તિઓને લાવવી અને તેને તાલીમ આપવી એ અત્યંત લાંબી પ્રક્રિયા છે.
શૌવિકે વિચાર્યું કે મોમોઝ માટે મશીન બનાવવું જોઈએ. આને માટે એ ચીન અને કોરિયા જઈને તપાસ કરી આવ્યો. એણે ઘણા મશીનો ખોલીને પણ જોયા કે તે કેવી રીતે કામ કરે છે. છેવટે એણે પોતાનું મોમોઝ બનાવવાનું મશીન તૈયાર કરવાનું નક્કી કર્યું. ૨૦૧૮માં એ તૈયાર થયું. આજે તેની કંપનીમાં સમગ્ર કામ મશીનથી થાય છે. મોમોઝમાં અંદર જે શાકભાજી કે અન્ય સામગ્રી ભરવાની હોય છે, તે સ્વચ્છ થઈને યોગ્ય આકારમાં કપાઈ જાય છે. ત્યાર પછી તે આપોઆપ રંધાઈ જાય છે. મોમોઝ માટે જે લોટ બાંધવામાં આવે છે તે વેક્યુમ ડવ મિક્સરમાં બાંધવામાં આવે છે. એક વખત આ લોટ અને એમાં પૂરવાનું મિશ્રણ તૈયાર થઈ જાય, પછી લોટને મશીનમાં ગોઠવવામાં આવે છે અને મિશ્રણને લોડ કરવામાં આવે છે. દરેક પ્રોડક્શન લાઇનમાં ત્રણ યુનિટ હોય છે અને એ એક કલાકમાં આઠ હજાર મોમોઝ તૈયાર કરે છે. દિવસના સવા બે લાખ મોમોઝ તૈયાર થઈ શકે છે. મોમોઝ તૈયાર થઈને કન્વેયર બેલ્ટ ઉપર બહાર આવે છે અને સ્ટીમરમાં પહોંચે છે. અહીં તેને સાડા ચાર મિનિટ સુધી વરાળ આપવામાં આવે છે. ત્યાર પછી તેને ઠંડા પાડીને ફ્રીઝીંગ કરવામાં આવે છે. એક વખત તે જામી જાય, પછી તેને પેક કરી દેવામાં આવે છે, જે નવ મહિના સુધી બગડતા નથી. આજે શૌવિકની ઝોમોઝ રોજના એક લાખ મોમોઝ બનાવે છે. તેની કંપની વેજીટેરીયન અને નાન-વેજીટેરીયન મોમોઝ બનાવે છે. ચીઝ મોમોઝ, વેજીટેબલ, પનીર, ક્રીસ્પી ફ્રાઇડ મોમોઝ, સ્વીટકોર્ન ચીઝ મોમોઝ જેવા અનેક પ્રકારના મોમોઝ બનાવે છે. ઝોમોઝની એક નિયમિત ગ્રાહક કહે છે કે એને ખબર જ નહોતી કે કોઈ શેફ મોમોઝ બનાવતા નથી. આ મોમોઝ મશીન બનાવે છે, પણ તેનો સ્વાદ એકસરખો ને અદ્ભુત છે. આજે ભારતમાં તેના પંચોતેર આઉટલેટ છે અને પોણા બસો કર્મચારીઓ કામ કરે છે. વર્ષે પચીસ કરોડની કમાણી કરતા શૌવિક ધરની ઇચ્છા યુ.એ.ઈ.માં તેર આઉટલેટ શરૂ કરી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની છે.
ચાર્મીની સહયોગી મહિલા
ત્રીસ વર્ષમાં ચામી મુર્મૂએ પાંચસો ગામોમાં અઠ્ઠાવીસથી ત્રીસ લાખ જેટલાં વૃક્ષો વાવવામાં મદદ કરી છે
ઝા રખંડના સરાયકેલા ખરસાવાં જિલ્લાના રાજનગર બ્લોકના બાગરાઈસાઈ ગામમાં ચામી મુર્મૂ જન્મી અને ત્યાં જ તેનો ઉછેર થયો. નાનપણથી જ જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડયો. દસમા ધોરણ સુધી અભ્યાસ કરનાર ચાર્મીએ નાની વયે જ પિતા અને મોટા ભાઈની છત્રછાયા ગુમાવી. પોતાના ત્રણ ભાઈ-બહેન અને બીમાર માતાની જવાબદારી ચાર્મી પર આવી પડી. જીવનનિર્વાહ માટે નોકરી શોધવા માટે તેણે પોતાના ઘરથી એંશી કિમી. દૂર આયોજિત એક મિટિંગમાં ભાગ લીધો. તે ગામની ત્રેવીસ મહિલાઓ સાથે ત્યાં ગઈ હતી. એક સ્ત્રી પોતાના પરિવાર માટે કેવી રીતે કામ કરી શકે અને તેની આર્થિક સ્થિતિ કઈ રીતે સુધરી શકે તે વિચારથી ઉજળી આશા સાથે ત્યાં ગઈ હતી અને ત્યાંથી ઘણા વિચારો મનમાં લઈને પાછી આવી હતી.
આ સમય દરમિયાન ચામીએ જોયું કે ઘણા ગામલોકો પાસે ભોજન રાંધવા માટે કોલસા કે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ વૃક્ષોને કાપી રહ્યા છે. તેણે વિચાર્યું કે જો આ રીતે વૃક્ષો કપાતા રહેશે તો પછી એક દિવસ કોઈ વૃક્ષ બચશે જ નહીં તો શું થશે ? સ્કૂલના અભ્યાસ દરમિયાન વૃક્ષોનું મહત્ત્વ સમજી હતી. વૃક્ષને બચાવવાથી પર્યાવરણને અનેક ફાયદા થાય છે. તેનાથી વરસાદ આવે છે અને જમીનમાં વરસાદી પાણી ઉતારવા વૃક્ષો જરૂરી છે. આટલી સમજને આધારે તેણે પોતાના ક્ષેત્રમાં ખુલ્લી બંજર જમીન જોઈને તેમાં વૃક્ષ વાવવાનું શરૂ કરી દીધું. ૧૯૮૮થી તેણે આ કામ શરૂ કર્યું, પરંતુ ગામના પુરુષોને એ પસંદ નહોતું કે કોઈ મહિલા આવી શરૂઆત કરે. ઘરમાં ચર્ચા થઈ, પરંતુ ચામીએ કોઈ વાત કાને ન ધરતાં ભાઈની સાથે ખેતર પર મજૂરી કામ શરૂ કરી દીધું. આજીવિકાની સાથે સાથે પ્રકૃતિ માટે પણ કામ કર્યું. ધીમે ધીમે તેણે મહિલાઓનું એક નેટવર્ક બનાવ્યું અને અગિયાર મહિલાઓ સાથે 'સહયોગી મહિલા' સંગઠન બનાવ્યું. એણે રાજ્ય સરકાર સાથે સામાજિક યોજના અંતર્ગત એક નર્સરી શરૂ કરી. એ ઉત્સાહભેર આ કામ કરતી રહી, પરંતુ ૧૯૯૬માં એના જીવનની આઘાતજનક ઘટના બની. એક લાખથી વધારે છોડ વાવ્યા હતા તે બધા ગામના પુરુષોએ ઉખાડી નાખ્યા. ચાર્મીએ પોલીસમાં ફરિયાદ લખાવી અને દોષીઓને પકડવામાં આવ્યા, પરંતુ એક લાખ છોડ તો નષ્ટ થઈ ગયા. ચાર્મી મુર્મૂ કહે છે કે આ ઘટનાથી વિચલિત થયા વિના ફરી એક નવા જોશ સાથે કામ કરવાનું શરૂ કર્યું.
નકસલીઓ અને માફિયા દ્વારા સતત અપાતી ધમકીઓથી ડર્યા વિના ચામી પોતાનું કામ કરે છે. સરકારે એનાં આ કાર્યોની પ્રશંસા કરીને ઇંદિરા પ્રિયદશની વૃક્ષમિત્ર પુરસ્કારથી તેને નવાજવામાં આવી. એ પછી તેની મુશ્કેલીઓ થોડી હળવી થઈ છે. એણે જે વૃક્ષો વાવ્યા છે તેમાં નીલગીરી, સાલ, લાકડીઓ ઇંધણ તરીકે વપરાય છે. તો લીમડા અને સીશમનાં વૃક્ષો વાવવા ઉપરાંત આ જિલ્લાઓમાં ખેડૂત ખેતી માટે વરસાદી પાણી પર આધારિત હોય છે. અહીં ચામીએ સિંચાઈના ઉદ્દેશથી વરસાદના પાણીનો સંચય કરવા માટે વૉટરશેડ બનાવવાના કામ કરી રહી છે. ચામી મુર્મૂએ ૨૮૦૦ સ્વયં સહાયતા સમૂહ બનાવ્યા અને ત્રીસ હજાર મહિલા સભ્યોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંક લોન કે અન્ય સ્ત્રોત દ્વારા લોન અપાવવામાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરી.
છેલ્લાં ત્રીસ વર્ષથી ચામી મુર્મૂ જંગલ બચાવવાનું કામ કરી રહી છે, એટલું જ નહીં, પણ આ ત્રીસ વર્ષમાં એણે પાંચસો ગામોમાં અઠ્ઠાવીસથી ત્રીસ લાખ જેટલાં વૃક્ષો વાવવામાં મદદ કરી છે. છત્રીસ વર્ષથી સતત અને સખત પુરુષાર્થ કરતી ચામી મુર્મૂએ પોતાના ક્ષેત્રની મહિલાઓને જાગૃત કરી, 'જંગલ બચશે તો જીવન બચશે' એવી સમજ આપી. આજે બાવન વર્ષની ચામી મુર્મૂ 'લેડી ટારઝન'ના નામથી જાણીતી છે. ૭૨૦ હેક્ટર જમીન પર એણે વૃક્ષો ઉગાડયાં છે. આ ઉપરાંત મહિલા સશક્તીકરણ, તળાવ અને અન્ય જળસ્રોતનું સંરક્ષણ માટે પણ તેણે ગામલોકોને જાગૃત કર્યા છે. મહિલાઓ સ્વાવલંબી બને તેવા ઉદ્દેશથી ઘણા કામો કર્યા છે. અપરિણીત ચામી મુર્મૂએ મધર ટેરેસાને પોતાના રોલ મૉડલ માનીને સામાજિક કાર્યની શરૂઆત કરી હતી. ઝારખંડની પર્યાવરણ કાર્યકર્તા જમુના ટુડુ ઝારખંડના કોલ્હાનમાં જંગલને બચાવવાનું કામ કરી રહી છે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક કાર્યક્રમો કરે છે. તેના સંગઠનમાં અનેક મહિલા સભ્યો છે ચામી મુર્મૂ સહુ સાથે મળીને જંગલની સુરક્ષા કરવા ઇચ્છે છે.


