Get The App

દિવાનખંડમાં જીવસૃષ્ટિનો આનંદ .

Updated: Dec 2nd, 2023

GS TEAM

Google News
Google News
દિવાનખંડમાં જીવસૃષ્ટિનો આનંદ                                        . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- 'મારા માટે ફોટોગ્રાફ એટલે જીવજંતુ અને પ્રાણીઓની સૃષ્ટિને મારા નિવાસસ્થાને દિવાનખંડમાં નિરખવાની કલા છે' 

ગુ રુ કરતાં શિષ્ય સવાયો થાય કે પિતા કરતા પુત્ર સવાયો થાય, ત્યારે ગુરુ અને પિતાને અપાર આનંદ અને ગૌરવની લાગણી થાય છે. બૅંગાલુરુના વિહાન તલ્યા વિકાસ માટે તો પિતા જ ગુરુ છે. એટલે દસ વર્ષના વિહાનને ગયા મહિને 'વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર'નો પુરસ્કાર મળ્યો, ત્યારે પિતાના હર્ષનો પાર ન રહ્યો. વિહાન સાત વર્ષનો હતો ત્યારથી ફોટા પાડતો હતો. વિહાનના પિતાને ફોટોગ્રાફીનો શોખ છે અને વિહાનને પિતા પાસેથી પ્રેરણા મળી છે. તેના પિતા કહે છે કે તેમણે જ્યારે તેમનો ડીએસએલઆર કેમેરા વિહાનને આપ્યો, ત્યારે તેમને વિહાન પાસેથી એવી કોઈ અપેક્ષા નહોતી કે તે કાબેલ ફોટોગ્રાફર બને, પરંતુ કેમેરાને કારણે તે પ્રકૃતિની નજીક જાય અને તેની નિરીક્ષણશક્તિ વધે તેવા હેતુથી વિહાનને કેમેરા આપ્યો હતો. તેમના આશ્ચર્ય વચ્ચે વિહાન નાની ઉંમરમાં જ ખૂબ ઝડપથી ફોટોગ્રાફી શીખી ગયો, એટલું જ નહીં પણ ફોટા જોવા માટે તમને વિવશ કરે તેવા સંમોહક ફોટા પાડે છે. કેમેરાને કેવી રીતે પકડવો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યારે ફોટો પાડવો, તેના અનેક પ્રયોગો કરીને તે આ કલામાં પારંગત બની ગયો. વિહાન મેક્રો અને ટેલિફોટોલેન્સનો ઉપયોગ કરે છે.

વિહાનને ફોટોગ્રાફી કરવી ખૂબ ગમે છે, તેનું કારણ દર્શાવતાં એ કહે છે કે ફોટોગ્રાફી તેને રચનાત્મક રીતે વિચારવા માટે અને પ્રકૃતિ સાથે અનુસંધાન સાધવામાં મદદરૂપ બને છે. વિહાનના પિતાનું બસાવની ગામમાં ખેતર છે. આ રળિયામણા ગામમાં જઈને વિહાને કેટલાય ફોટોગ્રાફ લીધા છે. લંડનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ ૧૯૬૪થી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યરની સ્પર્ધાનું આયોજન કરે છે. ૧૯૬૪માં ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી અને છસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દિન- પ્રતિદિન આ સ્પર્ધાની  ખ્યાતિ વધતી ગઈ. ૨૦૦૮માં ૮૨ દેશોમાંથી બત્રીસ હજાર તસવીરો નેચરલ હિસ્ટરી મ્યુઝિયમને મળી હતી. આ સ્પર્ધાને 'ફોટોગ્રાફીનો ઓસ્કાર' માનવામાં આવે છે. ૧૯૯૨ સુધી તો વિજેતા અને રનર્સ-અપની તસવીરો પ્રકાશિત થતી હતી. આજે છ કેટેગરીમાં ઍવૉર્ડ અપાય છે. તેમાં અઢાર વર્ષથી નીચેની વય ધરાવતી વ્યક્તિઓમાં ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. વિહાનને 'ટેન યર્સ એન્ડ અન્ડર'ની કેટેગરીમાં ૨૦૨૩નો આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બૅંગાલુરુની કુમારન સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો વિહાન એક દિવસ તેના પિતા અને મિત્રો સાથે નલ્લુરના હેરિટેજ ટેમરીન્ડ ગ્રોવ જોવા ગયો. પ્રવાસ કરતાં તેઓ ગોપાલસ્વામી મંદિર આગળ પહોંચ્યા. તેણે દીવાલ પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ જોઈ અને બાજુમાં જ કરોળિયાને જોયો. તે ત્યાં ઊભો રહી ગયો અને જોવા લાગ્યો. આમ પણ તેને નાનપણથી જીવસૃષ્ટિમાં ઊંડો રસ છે અને કરોળિયામાં તો વિશેષ. કરોળિયો જે રીતે જાળ ગૂંથીને તેમાં પોતાના શિકારને કેવી રીતે ફસાવે છે તે જોવું તેને બહુ ગમે છે. એ કરોળિયાને જોવા ઊભો હતો, એ દિવસે આકાશમાં વાદળાં હતાં, પરંતુ સૂર્ય વાદળાંમાંથી થોડી ક્ષણો માટે નીકળ્યો. તે પ્રકાશ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પર પડયો અને વિહાને તરત જ ફોટોગ્રાફ લીધો. જ્યારે તેને ૨૦૨૨ ઑક્ટોબરમાં આ સ્પર્ધાની જાણ થઈ, ત્યારે તેણે પાડેલા બસો ફોટોગ્રાફમાંથી કયો ફોટગ્રાફ મોકલવો તેની મૂંઝવણ હતી, પરંતુ તેણે આ ફોટાને પસંદ કર્યો. આમ તો ૨૦૦૩થી એક ફોટોગ્રાફર એકથી વધુ ફોટોગ્રાફ મોકલી શકે છે. વિહાને આ તસવીર સ્પર્ધા માટે મોકલી અને નામ આપ્યું 'ધ વૉલ ઑફ વંડર'.

આ વર્ષે પંચાણું દેશોમાંથી આશરે પચાસ હજાર ફોટોગ્રાફ આવ્યા હતા તેમાંથી પહેલાં તો એક સો ફોટોગ્રાફ પસંદ કરવામાં આવ્યા અને તે પછી જુદી જુદી શ્રેણી માટે તેમાંથી અગિયાર ફોટોગ્રાફ પસંદ કરવામાં આવ્યા. તેમાં વિહાનની આ તસવીર પસંદગી પામી. આ પુરસ્કૃત તસવીર ડબલ્યુ.પી.વાય-૫૯ સંગ્રહનો ભાગ બનશે અને 'વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર' પ્રદર્શનમાં મૂકવામાં આવશે. જે વન્યજીવોની સુરક્ષા અને જાગૃતિ ઊભી કરવા માટે વિશ્વના ચાર ખંડોનાં પચીસ સ્થાનો પર દર્શાવવામાં આવશે. વન્યજીવ સંરક્ષણ ફોટોગ્રાફર અને નિર્ણાયક ધૃતિમાન મુખરજી કહે છે કે વિહાનની આ તસવીર કલા, સંકલ્પના, સંરક્ષણ અને વિજ્ઞાાનના ઉદ્દેશને હૂબહૂ પ્રગટ કરે છે. તેની આ તસવીર ન માત્ર આકર્ષક છે, પરંતુ વિચારોત્તેજક પણ છે. તેમાં કરોળિયો એવી રીતે છે કે જાણે કૃષ્ણની વાંસળીના દિવ્ય સ્વરથી મંત્રમુગ્ધ ન હોય ! આ તસવીર સહઅસ્તિત્વની વાત કરે છે. એક ઐતિહાસિક મૂતકલામાં કરોળિયા જેવા નાના જીવને દર્શાવીને અલગ આયામ જોડી આપ્યો છે.

વિહાને બટરફ્લાય વર્કશોપમાં ભાગ લીધો, ત્યારે એક વાઇડ બેન્ડ ગ્રાસ ડાર્ટ જાતિનું પતંગિયાની તસવીર લીધી તેની પૃષ્ઠભૂમિમાં ઝાકળ અને લીલું ઘાસ હતું. તેને એમ લાગ્યું કે ઘાસ પર્વત છે અને તે પતંગિયું પર્વતારોહી છે. આ ઉપરાંત સિકાડા એક્સોસ્કેલેટન, યુરોપીયન રોબિન, કોમન ગ્રીન બૉટલ ફ્લાય, હિમાલયન આઇબૅક્સની સુંદર તસવીરો તેના ખજાનામાં છે. વિહાન આ ઍવૉર્ડ મળવાથી ખૂબ ખુશ અને ઉત્સાહિત છે. તે કહે છે કે, 'મારા માટે ફોટોગ્રાફ એટલે જીવજંતુ અને પ્રાણીઓની સૃષ્ટિને મારા નિવાસસ્થાને દિવાનખંડમાં નિરખવાની કલા છે. એવું લાગે છે કે આ ઍવૉર્ડથી હવે મારી ફોટોગ્રાફીની યાત્રા શરૂ થઈ છે.'

નિરાશ ન થાય તે નેન્સી

એણે નવસો વીડિયો બનાવ્યા છે. છ લાખથી વધારે ફોલોઅર છે તેમાંથી મહિને આશરે આઠ લાખ રૂપિયાની કમાણી થાય છે. 

દિવાનખંડમાં જીવસૃષ્ટિનો આનંદ                                        . 2 - imageઘ ણી વખત એવું બને કે વ્યક્તિને પોતાને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તેની અવઢવ હોય છે, તો ક્યારેક એવું બને કે તેણે જે ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું હોય તેના કરતા કોઈ જુદી જ દિશા પકડાઈ જાય અથવા તો સંજોગો એની કારકિર્દી ઘડતા હોય છે. નેન્સી ત્યાગીના જીવનમાં કંઈક આવી જ ઘટનાઓ જોવા મળે છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં આવેલા બરનાવા ગામમાં નેન્સી ત્યાગી રહેતી હતી. તે બારમા ધોરણના અભ્યાસ પછી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા ઇચ્છતી હતી. તેને લાગ્યું કે બરનાવામાં રહીને તે તેની તૈયારી નહીં કરી શકે તેથી તેણે દિલ્હી જઈને યુપીએસસીનું કોચિંગ લેવાનું નક્કી કર્યું. પિતાની ઇચ્છા નહોતી કે નેન્સી ગામમાંથી બહાર નીકળીને દિલ્હી જાય, પરંતુ માતાએ એને સાથ આપ્યો. માતા, નેન્સી અને તેનો ભાઈ દિલ્હી આવ્યા. તેઓ અઢી લાખ રૂપિયા લઈને દિલ્હી આવ્યા.

દિલ્હી આવ્યા પછી નેન્સી ત્યાગીના સ્વપ્નને સાકાર કરવા માતા ફૅક્ટરીમાં કામ કરવા જતી હતી. આખો દિવસ શ્રમ કરતી અને સાંજે પાછી ફરતી ત્યારે તેના કપડાં અને શરીર પર કોલસાની ઝીણી રજ છવાઈ જતી હતી. માતાની કાળી મહેનત જોઈને કે અન્ય કોઈ કારણથી નેન્સીએ અઢી લાખ રૂપિયામાંથી જે બચ્યા હતા તેમાંથી સારો કેમેરા, લાઇટ અને ફોન ખરીદ્યા. તે નાની હતી ત્યારે તેની બાર્બી માટે કપડાં સીવતી. બાર્બી માટે જુદી જુદી જાતની ડિઝાઇન બનાવતી, તેનું નાનપણનું આ કૌશલ્ય મોટા થતાં રોજગારીનું સાધન બન્યું. નેન્સી ત્યાગી કોઈ જગ્યાએ સિલાઈકામ શીખવા નથી ગઈ, પરંતુ તેની જાતે જ નવી નવી ડિઝાઇન કરીને કપડાં સીવવા લાગી. કપડાં સીવવાની સાથે જ કોન્ટેન્ટ ક્રિયેટર પણ બની. તે પોતાના સાહસ અને હિંમતથી કપડાં સીવવા લાગી અને 'આઉટફિટ ફ્રોમ સ્ક્રેચ'ના નામે કપડાં વેચવાનું ચાલુ કર્યું.

એ પોતાની આગવી સંકલ્પનાથી કપડાં સીવતી અને તેનો ભાઈ તેનું શૂટિંગ કરતો હતો. તે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતી. તેના મોટાભાગના વીડિયોને ચારસો જેટલી વ્યક્તિ નિહાળતી. સહેજે આકુળવ્યાકુળ થયા વિના અને ધીરજ ગુમાવ્યા વિના  દરરોજ તે વીડિયો મૂકતી હતી. આવું આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું. વીડિયો જોનારની સંખ્યા ખાસ વધી નહીં. કોઈક વીડિયોને હજાર દર્શકો જ મળતા હતા. લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેેલીનો સામનો કરવો પડયો. તેણે તેના નાના ભાઈ સાથે વિચારવિમર્શ કર્યો અને તેણે નક્કી કર્યું કે જો આ વીડિયોનો પ્રતિસાદ ન મળતો હોય તો તેમાં પરિવર્તન કરવું જોઈએ. તેણે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો જોયા. તે સમયે ઑનલાઇન શોપિંગ વેબસાઇટ મિશોનું ચલણ વધારે હતું. તેણે જુદી જુદી વેબસાઇટ જોઈ અને જુદા પ્રકારના વીડિયો બનાવવાનું નક્કી કર્યું. તેણે નૃત્ય કરતાં અને અભિનય કરતા વીડિયો શૂટ કરવાના શરૂ કર્યા, કારણ કે નેન્સી ત્યાગી માટે આ કપરો સમય હતો. 'કરો યા મરો'ની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોતાના બુદ્ધિ અને કૌશલ્યનો પૂરો ઉપયોગ કર્યો. એ યુપીએસસીનું કોચિંગ લેતી હોત તો તેને માટે કેટલી ગંભીરતાથી તૈયારી કરતી હોત એમ વિચારીને એણે પોતાના 'આઉટફિટ ફ્રોમ સ્ક્રેચ' પ્રોજેક્ટ માટે સમગ્ર શક્તિ કામે લગાડી અને સંપૂર્ણ સમર્પણશીલતાથી કામ કરવા લાગી.

નેન્સી ત્યાગીએ નક્કી કર્યું કે તેને માટે એવા વિચિત્ર અભિનયવાળા વીડિયો બનાવવા કે લોકો ચોંકી જાય. એને તે જોવાની ફરજ પડે. ધીમે ધીમે તેને જોનારાની સંખ્યા વધતી ગઈ. લોકોનું તેના પ્રત્યે ધ્યાન ખેંચાયું, પરંતુ તેનો નકારાત્મક પ્રચાર થવા લાગ્યો. નેન્સી વિશે નકારાત્મક ટીકાઓ થવા લાગી અને તેને લોકોની નફરતનો સામનો કરવો પડયો. દૂબળી, પાતળી, કંજૂસ, લોભી જેવા શબ્દોથી 'ટ્રોલ' થવા લાગી, પરંતુ એ રીતે સહુનું ધ્યાન નેન્સી પર ગયું, તેનું એક જ લક્ષ્ય હતું કે તેની માતાને આ સંઘર્ષભરી જિંદગીથી મુક્ત કરવી. તેથી તે સોશિયલ મીડિયા પરની કોઈ ટીકાટિપ્પણને ગણકાર્યા વિના પોતાનું કામ કરતી રહી.

નેન્સી ત્યાગીના વીડિયો અનેક લોકો સુધી પહોંચવા લાગ્યા. તેણે તેના પહેલાં સો દિવસની સીરિઝની વીડિયો ખૂબ સફળ ગઈ. તેમાં તેણે તેનો વિચાર, સંકલ્પના, તેનું સીવવાનું અને ડિઝાઇનને દર્શાવ્યા. ધીમે ધીમે પૉઝીટીવ કોમેન્ટ આવવા લાગી એ જ એના જીવનની 'યુરેકા મોમેન્ટ' બની રહી. તેનો આત્મવિશ્વાસ વધ્યો. તેણે તેની સમગ્ર પ્રક્રિયા વીડિયોમાં દર્શાવી, તેની માતાના લગ્ન સમયે મળેલા હાથેથી ચાલતા સિલાઈ મશીનથી તે સીવે છે. કોઈ પણ પ્રકારનું સિલાઈકામનું શિક્ષણ લીધા વિના કે કોઈના માર્ગદર્શન વિના વેસ્ટર્ન આઉટફીટ, લહેંગા, કુર્તી સીવે છે. જૂની સાડી અને જુદા જુદા પ્રકારના મટીરિયલમાંથી તે સીવે છે. તે તેની સ્કૂટી પર બજારમાં જાય છે જરૂરિયાતની વસ્તુઓ લઈ આવે છે અને ઘેર આવીને સીવે છે. આ બધું એણે નેવું સેકન્ડના વીડિયોમાં દર્શાવ્યું છે. આજે છ લાખથી વધારે ફોલોઅર છે અને કરોડો લોકો જુએ છે. તેમાંથી મહિને આશરે આઠ લાખ રૂપિયાની કમાણી થાય છે. ફેશન, ડિજિટલ કોન્ટેન્ટ, ક્રિયેટર, વીડિયો ક્રિયેટર, બ્લોગર, લાઇફસ્ટાઇલ, વ્લોગર ક્ષેત્રે સોશિયલ મીડિયા પર જાણીતું વ્યક્તિત્વ બની ચૂકી છે. ૨૧ વર્ષની નેન્સી પોતાના ભાઈને ભણાવવા માગે છે અને તેના જીવનની પ્રેરણામૂત માતા કે જેણે પુત્રીના સ્વપ્નાં સાકાર કરવા બધું ન્યોછાવર કરી દીધું. તેનું સોનું વેચાઈ ગયું તેથી તે તેની માતાને ઘરેણાં કરાવી દેવા માગે છે. સોશિયલ મીડિયા પર પોતાનો પ્રભાવ કેવી રીતે વધે તે વિચારનાર નેન્સી પાવરહાઉસ ઑફ ટેલેન્ટ ગણાય છે.