Get The App

અંધકારમય ટનલમાં ચાલતા રહો પ્રકાશ દેખા દેશે જ

Updated: Dec 3rd, 2023

GS TEAM

Google News
Google News
અંધકારમય ટનલમાં ચાલતા રહો પ્રકાશ દેખા દેશે જ 1 - image


- 41 શ્રમિકો 17 દિવસ બાદ ટનલમાંથી બહાર આવ્યા તે મિશનની સફળતાનું રહસ્ય શું?

- હોરાઈઝન-ભવેન કચ્છી

- તમે પણ જો આપત્તિ કે આઘાતની અંધકારમય ટનલમાં ફસાયાનું મહેસૂસ કરતા હો તો કેવી સજ્જતા ધારણ કરવી જોઈએ તેનું પેકેજ જાણો

અં ગ્રેજીમાં માનવ જગતને જીવાડી દેતી '‘Light at the end of tunnel' જેવી ઉત્કૃષ્ટ કહેવત છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગ રૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા  -  દાંડલગાંવ ટનલ તૂટી પડતાં તેમાં  ફસાઈ ગયેલા ૪૧ જેટલા શ્રમિકો ૧૭ દિવસ બાદ પણ જીવિત બહાર નીકળી શક્યા તેનું રહસ્ય શું? 

એ જ કે જેઓ જુદી જુદી પધ્ધતિથી બચાવ કામગીરીમાં દિવસ રાત વ્યસ્ત રહ્યા તે તમામને પહેલી નજરે 'હવે આ શ્રમિકોને બચાવવા શક્ય નથી' તેવું જ લાગે  તેવી સ્થિતિ અને પડકારો હોવા છતાં આવા વિચારના એક તણખલાને પણ તેઓના મન, ચિત્ત કે બુધ્ધિમાં  પ્રવેશવા નહોતો દીધો. તેઓને અડગ શ્રદ્ધા હતી કે આ શ્રમિકોને બચાવીને જ રહીશું. તેઓએ એ જ વિચાર પર ભાર મૂક્યો હતો કે આપણે આપણી બુદ્ધિ, ઉપલબ્ધ ટેકનિક અને માનવીય અભિગમનો સરવાળો કરીને કર્મ કરતા રહીએ. ભલે ટનલમાં ઘોર અંધકાર વ્યાપેલો હોય પણ અમને તેના છેવાડે પ્રકાશ દેખાય છે. બસ, તે પ્રકાશ સુધી પહોંચીને જ જંપીશું.

યાદ રહે માત્ર જેઓ બચાવ કામગીરી કરતા હતા તેઓમાં જ આ અડગ શ્રઘ્ધા હતી તેથી આ મિશન સફળ નહોતું થયું પણ જેઓ ટનલમાં અંધકારમાં શરૂના કલાકો કે એકાદ દિવસ મંદ માત્રામાં પ્રાણવાયુ (ઑક્સિજન) શ્વસી શકતા હતા અને પાણીના ઘૂંટડા પર જ હતા તે તમામ ૪૧ શ્રમિકોના અડગ આત્મવિશ્વાસ, આત્મબળ - આત્મ શક્તિ (will power) ઈશ્વર પરની શ્રદ્ધા અને જેઓ બચાવ કામગીરીમાં છે અને જે પણ પધ્ધતિ સાથે કાર્ય થઈ રહ્યું છે તેના માટેનો તેઓએ વિશ્વાસ જાળવ્યો તો આ રીતે ઉગરી શક્યા એટલે કે આ ફસાયેલા શ્રમિકોએ પણ એવી અડગ શ્રદ્ધા કેળવી હતી કે ‘There is light at the end of tunnel.

જો તેઓ જ જયારે પ્રાણવાયુની સ્થિતિ મંદ હતી ત્યારે 'હવે તો મૃત્યુ નિશ્ચિત છે' તેમ માની રોકકળ કરવા માંડયા હોત તો કાલ્પનિક ભયથી જ પ્રાણવાયુની વધુ ભીંસ અનુભવતા મૃત્યુ પામ્યા હોત. પાણીની બુંદ પ્રાપ્ય ન હોય ત્યારે જ વધુ પ્યાસ લાગતી હોય છે. તેઓ પણ તે રીતે ટળવળવા માંડયા હોત.

એક પાઇપમાંથી કેટલો અને ક્યાં સુધી આક્સિજન કે પાણી અને પ્રવાહી ભોજન મળી શકે તેવી નકારાત્મકતા પણ કેળવી હાર સ્વીકારી લીધી હોત.

બચાવ કામગીરી કરતા નિષ્ણાતોએ પણ કહ્યું કે આ મિશન માત્ર અમારી શ્રદ્ધા અને પ્રયત્નનું ફળ નથી પણ અમારા કરતા જે શ્રમિકો ૧૭ દિવસ આ સ્થિતિમાં રહ્યા અને તેઓ જે શિસ્ત, અસાધારણ શ્રદ્ધા અને સંયમ આટલો લાંબો સમય વિતાવ્યો તેનું પરિણામ છે. બાકી તો જીવવાનો સ્વાર્થ એ હદનો અધમ હોય છે  કે તેઓમાં એવી શંકા પણ જન્મ લઈ શકે કે 'કદાચ  બચાવ ટીમ બધાને બચાવી નહીં શકે અમુક માટે જ તે શક્ય બનશે.' તમામ ૪૧ શ્રમિકો એકબીજાને મારી નાંખવા સુધીનું કૃત્ય કરી શકે. પણ જીવીશું તો બધા સાથે અને વખત આવ્યે મૃત્યુ પણ સાથે જ પામીશું તે હદના સંસ્કાર તેઓએ બતાવ્યા. કદાચ તેઓ શ્રમિક અને ગ્રામીણ હતા અને શહેરી, ભૌતિક દુનિયાના વાયરસ તેઓમાં દાખલ નહોતા થયા તો જ આવી ઉદાહરણીય મનોભૂમી આકાર પામી હોય.

શ્રમિકોમાં નાસ્તિકતા પણ નહીં જ હોય. કેમ કે જ્યારે આપત્તિ આવતી હોય છે ત્યારે બુદ્ધિવાદી અને પોતાને નાસ્તિક કહેવડાવવામાં સુધરેલ માનતા દંભી લોકો જ સૌથી પહેલા સ્વસ્થતા ગુમાવી ઘાંઘા થઈ જતાં હોય છે. તેઓ પાગલ જેવી હરકત કરે છે અને સ્વકેન્દ્રી બની જાય છે. પૈસાથી બધુ ખરીદી શકાય તેવા ઘમંડમાં રાચનારા પણ તેમના અંગત જીવનમાં કોઈ આપત્તિ આવે અને તેમને સમજાય કે આ આપત્તિમાં પૈસાની છોળો ઉડાડીને પણ મુક્ત નહીં થઈ શકાય ત્યારે અર્ધપાગલ જેવા બની જતા હોય છે.

જ્યાં શ્રધ્ધા, પ્રાર્થનાના બળની મહત્તા, 'હોની કો અનહોની અને અનહોની કો હોની' થઈ શકે તેવું માનવાની બુધ્ધિ હોય ત્યાં જ મુસીબતને હકારાત્મક રીતે સહન કરવાની શક્તિ પ્રાપ્ત થતી હોય છે.

પડકાર કે આઘાત ગમે તેવો પ્રચંડ હોય પણ એક એક ડગલું ભરતા આગળ જતાં 'આ સમય પણ ચાલ્યો જશે.' તેવો અભય મંત્ર તો આપણે ધારણ કરવો જ રહ્યો.

આપણા જીવનમાં પણ અંધકાર ટનલમાં ફસાયાની લાગણી જન્મે તેવો સંજોગો આવતા જ હોય છે. અંધારી  ટનલમાં પ્રકાશની આશા સાથે ચાલતા રહેવા માટે આપણી પાસે કેવી મનોસ્થિતિ કે ગુણ હોવા જોઈએ તેનું 'ટનલ મિશન'ની સફળતા બાદ આ રીતે  તારણ નીકાળી શકાય. ટનલમાં ફસાયા છીએ એટલે કે આપણા કપરા સંજોગો છે તેમ માનવું અને બચાવ ટીમ એટલે આપણને મદદ કરનાર પછી તે ડોકટર હોય કે આપણા પરિવારજનો, સમાજ, ચેરિટી સંસ્થા, કોઈ મિત્ર કે હિતેચ્છુ કે સરકાર તેમ સમજવું. સાધનો એટલે મેડિકલ કે અન્ય શોધ - સંશોધનો. વધુ એક મહત્વનો  ફોર્સ આપણી માનસિક સ્થિતિ અને કપરા સમયમાંથી બહાર નીકળવા માટેનો હેતુ તે છે. આપણે કંઈ દ્રષ્ટિ અને  ગુણો સાથે સજ્જતા કેળવવાની  છે તે યાદીનું પેકેજ જોઈએ.

(૧) આશા (૨) આત્મશ્રદ્ધા ( પોતાનામાં શ્રદ્ધા ધરાવવી) (૩) આત્મવિશ્વાસ (૪)આખરે તો  પ્રયત્ન સફળ થશે જ તેવી શ્રધ્ધા (૫) સતત એકબીજાને કે સ્વયંમ પોતાને બધું જ યોગ્ય દિશા તરફ જઈ રહ્યું  તેની ખાતરી આપતા રહેવી (૬) જેઓ પણ આપણને ઉગારવામાં સાથ આપે છે કે પ્રયત્ન કરે છે તેઓમાં વિશ્વાસ હોવો (૭) કદાચ જ બચી શકીએ છીએ તેવી શંકા નહીં પણ વહેલા મોડા આપત્તિમાંથી બહાર આવીશું જ તેવી હકારાત્મકતા (૮) સહેજ પણ શંકાનો અભાવ (૯) પ્રાર્થનાથી બળ મળે છે તેવી આસ્તિકતા (૧૦) સિસ્ટમ અને ટેક્નોલોજીનો સ્વીકાર (૧૧) જ્યાં અદ્યતન ટેકનોલોજી કામ ન લાગે ત્યાં પરંપરાગત અને ઘરેલુ જૂની પદ્ધતિ પણ ચઢિયાતી પુરવાર થઈ શકે તેનો સ્વીકાર કરવો. (૧૨) જેઓ અવિરત પ્રયત્ન કરે છે અને જેઓ પારાવાર મુસીબતથી ઘેરાઈ ગયા છે બંને વિભાગમાં એક પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ એવા ન હોવા જોઈએ કે જેઓ અન્યના આત્મવિશ્વાસ અને અવનવા પ્રયોગો - પ્રયત્નમાં શંકાના બીજ રોપતા રહીને 'હવે પ્રયત્ન છોડી દો.. આપણે બનતું કર્યું.. જેવી ભગવાનની ઈચ્છા.. તમે ભલે કરો પણ આ શક્ય નથી' જેવા સૂચનો કે કોમેન્ટ કરતા રહે. (૧૩) જેઓ મુસીબતમાં છે અને જેઓ બચાવ કામગીરીમાં છે તેઓ એકબીજાને ઉત્સાહ અને આશા આપતા રહે કે આપણે ધ્યેયથી થોડા જ અંતરે છીએ. (૧૪) જેઓ વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે તેઓને કમ સે કમ પ્રાણવાયુ, પીવા માટે પાણી અને પેટમાં ખાડો પુરાય એટલું ભોજન મળતું હોય તો બાકીનું બધું પહોંચી વળાશે તેવી આત્મશ્રદ્ધા કેળવવાની છે.

કોઈને ૧૭ દિવસ તો કોઈને ૧૭ મહિના કે ૧૭ વર્ષ  લાગે પણ પાયાની જરૂરિયાત મળી જતી હોય તો સંજોગો સામે લડી જ લેવું જોઈએ. ચોક્કસ એક એવો સમય આવશે કે પ્રકાશ અને આશા દેખાશે.

'ટનલ મિશન'નું તો ઉદાહરણ આપ્યું છે બાકી આપણા જીવનમાં પણ આપણા લીધે, માનવ સર્જિત કે પછી કુદરત સર્જિત કોઈ આપત્તિ કે આઘાત જનક ઘટના બને ત્યારે  તે જ બોધપાઠ લેવાનો છે કે ભલે ગાઢ અંધકારમય જીવન લાગતું હોય પણ તેમાં  આગળ તરફ શ્રદ્ધા અને મક્કમતા સાથે ડગ માંડતા રહીએ તો  એક મુકામ એવો આવશે કે પ્રકાશનો પુંજ દેખાશે.

આપણી પ્રાર્થના 'ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.' આમ તો 'અંધારી ટનલમાં ચાલતા રહો અંતે પ્રકાશ દેખાશે'  કહેવત કરતા પણ ઊંચી કક્ષાની છે કેમ કે તેમાં સ્થૂળ રીતે કર્મો (પ્રયત્નો)કરવા કે હકારત્મક  ગુણો કેળવી આગળ વધતા રહીને ધ્યેય પ્રાપ્તિ માત્રની વાત નથી પણ જ્ઞાનની રીતે મારામાં જે અંધકાર છે તેના બદલે મારામાં જ્ઞાનનું તેજ છવાઇ જાય તેની પ્રાર્થના છે. બીજું, પ્રાર્થના કરનાર આ ઉધર્વ ગતિ પ્રાપ્ત કરવાનું પણ ઈશ્વર પર જ છોડી દે છે. તેજે 'તું' લઈ જા પર ભાર મુકાયો છે.

આપણે જે પણ મુસીબતો વહોરીએ છીએ કે હિંમત ગુમાવીએ છીએ તેના પાયામાં જ અજ્ઞાનતા હોય છે. જો જ્ઞાન પ્રાપ્ત થાય તે સાથે જ આઘાત, આસક્તિ અને સુખ દુ:ખમાં સમાનતાની દ્રષ્ટિ કેળવાઈ જતી હોય છે.

'અંધકારના અંતે ટનલમાં પ્રકાશ' કહેવતમાં તો શ્રદ્ધા અને શક્યતા બંને છે અને તે દિશા માટેના ડગ મંડાતા હોય છે પણ વિશ્વમાં એવા કેટલાયે નાગરિકો અને પરિવાર છે જેઓને તો તેમની આર્થિક, સામાજિક કે નોકરી - ધંધાની સ્થિતિમાં એક પ્રકારની સ્થગિતતા આવી ગઈ હોય છે. એટલે કે ગમે તેટલી મહેનત કરે તો પણ શિક્ષણ, નોકરી, ધંધો કે સ્થિતિમાં બદલાવ નથી આવવાનો તે ખબર છે. તેઓ ટનલમાં છે પણ પ્રકાશ એટલે કે મુખ્ય પ્રવાહમાં ભળી શકે તેવો વિકાસ અને પ્રગતિ જોવા નહીં જ મળે તેવી તેઓને ખાતરી છે તો પણ સંતોષ, સાદગી સાથે પ્રસન્ન ચિત્તે રહે છે. તેઓ સુખી લોકો કરતા વધુ વખત દાંત કાઢી શકે છે (સ્મિત અને હાસ્ય વેરી શકે છે) 

તમે તમારી આજુબાજુ ગરીબ, શ્રમિક કે જેઓ શિક્ષણથી વંચિત રહે છે કે અમુક કામ કરીને બે ટંક ભેગુ કરી શકે તેવી વ્યક્તિ અને પરિવારો જોઈ જ શકતા હશો. અમુક ઉદાહરણને બાદ કરતાં ભારતની પચાસ ટકા વસ્તી એવી છે જેઓ ટનલમાં છે ટનલમાં જ આખી જિંદગી ચાલીને તેમનું જીવન પૂરું કરી નાંખતા હોય છે. ઝુંપડીમાં કે એક રૂમમાં રહેનારને ખબર છે કે તેની આવી જ સ્થિતિ રહેવાની છે અર્થાર્થ ઉન્નતિ કે પ્રગતિનો પ્રકાશ પામવાનો જ નથી છતાં જે છે તે પરિસ્થિતિ સ્વીકારતી જીવનને માણે છે. મોટેભાગે તો જેઓ ભૌતિક  સુખનો પ્રકાશ પામી ગયા છે તેઓ કરતા પણ ઉજળું જીવન આ લોકો જીવતા હોય છે.

હવે જેઓ પર ગઈકાલ સુધી સુખ અને આનંદ સાથેનું ભર્યું ભાર્યું જીવન હતું તેઓના જીવનમાં કોઈ અચાનક ફટકો પહોંચે તેઓની વાત કરીએ.

કોઈ યુવાનીમાં જ વિધવા કે વિધુર બને, કોઈને સંતાન શોક થાય કોઈ પણ આવક ન હોય અને ભરણ પોષણનો. પડકાર આવી પડે. કોઈ નોકરી અચાનક ગુમાવે, કોઈ અસાધ્ય બીમારીની અડફેટમાં આવી જાય. કોઈને લાંબા સમય પથારીવશ કરી દે તેવો અકસ્માત થાય, કોઈને લકવાનો હુમલો થાય, સર્જરીની નોબત આવે, લાંબા અરસા બાદ  પુન: સ્થાપન શક્ય બને, કોઈ મોટી બચત કે રકમ ગુમાવે, ખોટી રીતે ફસાય જાય આવા તમામ સંજોગો એટલે અંધકારમય ટનલમાં ફસાઈ જવા જેવું લાગે.

 સમાજ પર નજર નાંખશો તો એવી વિધવા માતાઓ મળી રહેશે જેઓએ કેટલાયે વર્ષો  મજૂરી કે પારાવાર શ્રમ, ઉજાગરા વેઠીને સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપીને ઉછેર કર્યો છે. આવી માતાઓ અંધકારમય ટનલમાં અવિરત ચાલતા રહીશું તો અંતે પ્રકાશ દેખાશે તેવી અડગ શ્રદ્ધા ધરાવતી હોય છે. આ જ રીતે વિધુર પિતા પણ માતાની ભૂમિકા ભજવીને પોતને અને સંતાનોને પ્રગતિના પંથે લઈ જતા હોય તેના ઉદાહરણો છે. કેટલીયે વખત નાપાસ થવા છતાં ઊંચા માર્ક સાથે ઉત્તીર્ણ થનાર છે. વારંવાર સખ્ત જાકારો કે નિષ્ફળતા મળે છતાં પ્રયત્ન જારી રાખીને લક્ષ્ય પ્રાપ્ત કરનારા પણ છે. પરિવારજનોને સ્વસ્થ  રાખવા ગમે તે હદના શોક કે આઘાતને ઝીલી લેનારા પણ છે. મૂળ કોઈ પણ કપરા સંજોગોમાં વ્યકિતએ બહાર નીકળવા માટે કોઈ હેતુ જોડવાનો હોય છે. આપણા નજીકનાને સુખ આપવાનો હેતુ જોડવો ઉત્તમ મનાય છે. કોઈપણ હિસાબે જીવવું છે.. બીજાને જીવાડવા છે.. આ જન્મમાં કોઈ સાર્થકતા સાકાર કરવી છે તે માનસિકતા હશે તો અંધકારમય ટનલ એક દિવસ પ્રકાશ પાથરતો મુકામ લાવશે જ.

પ્રકાશની કોઈ આશા ન હોય તો પણ 'ચાલતો રહેજે', 'એકલો જાને રે' 'તુજ કો ચલના હોગા' જેવા કેટલાયે પ્રેરણા ગીતો આપણા સાહિત્યમાં છે. આપણે ત્યાં તો પ્રવાસના સ્થળે પહોંચવા કરતા યાત્રાની મજા પર ભાર મુકાયો છે.

ચાલો ટનલમાં ફસાયેલા શ્રમિક બની જઈએ.. ભૌતિક અને આધ્યાત્મિક જગત આપણને પ્રકાશ બતાવવા તેમના પ્રયત્નો કરે જ છે.આપણે તેઓ પર, સમય પર શ્રદ્ધા રાખીએ. 

* 'નદિયા ચલે ચલે રે ધારા, તુજ કો ચલના હોગા.. નાંવ તો કયા બહ જાયે કિનારા..તુજ કો ચલના હોગા.'

Tags :