- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
સું દરમ્ (૧૯૦૮-૧૯૯૧) ઉત્તમ કવિ ઉપરાંત ઉત્તમ વાર્તાકાર પણ ખરા. તેમની નવલિકા 'પ્રસાદજીની બેચેની' નો સંક્ષેપ જોઈએ.
વાર્તા : શિવપ્રસાદજી એમ તો બહુ અનુભવી હતા પણ આજે તેમની ઊંઘ વારે વારે ઊડી જવા લાગી. તેઓ રાત બહાર ગાળતા ત્યારે સામાન્ય રીતે ચારેક વાગે ઘેર આવતા. પણ ઘસઘસાટ ઊંઘી જઈ શકતા, જાણે કશું બન્યું જ ન હોય. તેઓ પત્નીને વસ્ત્રાભૂષણોથી લાદી દેતા. માટે તે કશું નડતર ઊભું ન કરતી. શિવપ્રસાદજીના દરજ્જાના લોકો માટે આવી બાબત ખાનદાનીના અંગરૂપ ગણાતી. પ્રસાદજી પૂજા-સેવા કરતા, બ્રહ્મભોજનો કરાવતા. આવી રાતો પછી તેમનો અંતરાત્મા પ્રસન્ન રહેતો.
તો આજે શું થયું? ખાસ કંઈ નહિ. આજે સ્થાન બદલ્યું હતું. જૂની બાઈને બદલે એક નવી, જાણીતી થવા લાગેલી બાઈને પોતાની પ્રણયગીરીમાં લીધી હતી. પણ એ બહુ સંતોષકારક હતું. એના નિવાસમાં ખાનદાનીની ખુશબો હતી. એની જબાં પર કુમળી અદા હતી. આંખોમાં ઊભરાઈને છલી જતાં દાવત હતાં. મહેફિલ જામેલી. પછી રાત ઘેરાઈ, દીવા ઝાંખા કરાયા. પછી બધું રાબેતા મુજબ.
પ્રસાદજી પડખાં ઘસતાં હતાં. એમના કાનમાં વળી વળીને બાઈનાં કંકણનો અવાજ આવતો હતો. તેની મીઠી ઉર્દૂ જબાં, કપડાંમાંથી મહેકતો હિનો! તેનું બદન! હા, કમખાની જરીના તાર જરા ખૂંચ્યા હતા. તો કેમ તેઓ બેચેન હતા? બધું પતી ગયા પછી પોતે પડખું ફરીને સૂતા હતા, પેલી બીજી બાજુ ફરીને સૂતી હતી. તેમણે કંઈ સાંભળ્યું. બાઈ કંઈક બબડતી હતી. પ્રત્યેક શ્વાસ અને ઉચ્છ્વાસની સાથે શબ્દો નીકળતા હતા, 'યા રહીમ! યા રસૂલ!' દમ-બ-દમ શબ્દો નીકળ્યે જ જતા હતા. તેમણે બાઈના બાહુ પર હાથ મૂક્યો. સમાધિમાંથી જાગતી હોય તેમ તે ચોંકી. પછી ધંધાદારી મુશ્કરાહટ સાથે બોલી, 'બાબુજી, જાગ ઊઠે આપ?' પ્રસાદજી ત્યાંથી ઝડપથી નીકળી ગયા.
માત્ર આટલું જ થયું હતું. રાત્રિની વિગતો તેમની આસપાસ ઊડાઊડ કરવા લાગી. એ સાંજ, એ મુશ્કરાહટ, એ અદા, એ બદન અને છેવટનું 'યા રહીમ! યા રસૂલ!' તોબાહ, તોબાહ! જાગ્યા ત્યારે તેમની આઠેક વરસની દીકરી આવીને બોલી, 'પિતાજી, અસ્નાન કે લિયે પાની તૈયાર હો ગયા હૈ.' પ્રસાદજી નહાઈધોઈને પૂજાની ઓરડીમાં બેઠા, દેવને મંત્રોચ્ચારપૂર્વક નવડાવ્યા, ચંદન કર્યાં, અને ગૌમુખીની માળા લઈને બેઠા. ત્યાં ફરી ભણકાર સંભળાયો, 'યા રહીમ, યા રસૂલ!' તેમણે ભગવાનની મૂર્તિ સામે જોઈને પૂછયું, 'દયાલો, ઉસ ઔરત કો આપસે ક્યા નિસબત હૈ?'
વાર્તા વિશે : લેખક ખુલ્લેખુલ્લું નથી કહેતા કે 'પ્રસાદજી વેશ્યાગમન કરતા હતા,' પણ 'મિડલ ક્લાસ મોરાલિટી' ને ઠેસ ન પહોંચે તેમ ગોપિત વિધાનો કરે છે, જેવાં કે 'પ્રસાદજી બહુ અનુભવી હતા,' 'રાત બહાર ગાળતા,' 'ખાનદાનીના અંગરૂપ,' 'પત્ની નડતર ઊભું ન કરતી,' 'બધું રાબેતા મુજબ.' લેખક તવાયફના કોઠા સાથે સુસંગત ફારસી મૂળના શબ્દો પ્રયોજે છે: જબાં, અદા,ખાનદાની, ખુશબો, મહેફિલ, દાવત. (મૂકેશ વૈદ્યે નોંધ્યું છે કે 'પ્રણય' તો શુદ્ધ હોય, લેખકે પ્રસાદજીની ભાવનાને 'પ્રણયગીરી' કહીને ઉતારી પાડી છે.)
પ્રસાદજીની બેચેનીનું કારણ શું હશે? પોતે દેવને નવડાવનાર, ચંદન કરનાર ચુસ્ત હિંદુ, અને તવાયફ પરધર્મી, એનું પુન:સ્મરણ થયું હશે? પૂજાની ઓરડીમાં પણ ખુદાની બંદગીના લબ્જ સંભળાયા તેનો આઘાત લાગ્યો હશે?
આજ પર્યંત પ્રસાદજીએ 'બાઈ'ને કેવળ ભોગવટાની વસ્તુ માની હતી. પૈસા આપ્યા અને કામ પતાવ્યું. પણ બાઈ સુષુપ્ત અવસ્થામાં યે અલ્લાતાલાનું નામરટણ કરતી હતી, અર્થાત્ દિલોજાનથી પરમ તત્ત્વને સમર્પિત હતી. તેમને ભાન થયું કે આ તો મનુષ્ય છે, એટલું જ નહિ, ઊર્ધ્વચેતસ મનુષ્ય છે. પોતે પૂજાપાઠ અને મંત્રોચ્ચાર યંત્રવત્ કરતા હશે, પરંતુ બાઈ તો અર્ધજાગ્રત સ્થિતિમાં પણ પરવરદિગારને યાદ કરે છે. (લેખકે 'સમાધિ' શબ્દ પ્રયોજ્યો છે.) આવી બાઈ સાથે 'બધું રાબેતા મુજબ' પતાવીને છૂટી ન જવાય. તેની તરફ પીઠ કરીને સૂઈ ન જવાય. પ્રસાદજીનો અંતરાત્મા કદાચ પહેલી વાર ડંખ્યો હશે.
જયંત કોઠારી લખે છે, 'પેલી સ્ત્રીનું બજારુપણું એનો ઉપરનો ઓપ હતો, અંદરનું ખરું તત્ત્વ તો ઈશ્વરનિષ્ઠા હતી. પ્રસાદજીની ધાર્મિકતા તે ઉપરનો ઓપ અને રંગરાગીપણું એ અંદરનું ખરું તત્વ છે એમ તો નથી ને? આ નવું આત્મભાન પ્રસાદજીને બેચેન બનાવી રહ્યું હોય, એમ ન બને?'
વેશ્યાગમન સારું કે ખરાબ તે વિશે લેખક અભિપ્રાય આપતા નથી. વેશ્યાવૃત્તિ જગતનો સૌથી જૂનો વ્યવસાય છે. તેની તરફદારી કરનારાઓનું કહેવું છે કે પોતાના શરીરનું શું કરવું તે નક્કી કરવાનો અધિકાર તે વ્યક્તિનો જ હોઈ શકે. કોઈ ખાણમાં કામ કરે, કોઈ સમુદ્રમાં ડૂબકી લગાડે અને કોઈ શરીરના ઉપભોગ માટે પૈસા લે- જેવી મરજી. નૈતિકતાના મૂલ્યો દાયકે દાયકે બદલાય છે. જોકે એ સ્વીકારવું રહ્યું કે ઘણી સ્ત્રીઓ પાસે બળજબરીથી આ કામ કરાવાય છે, વળી ઘણાખરા દેશોમાં આ પ્રવૃત્તિ ગેરકાયદે ગણાય છે.
'સબકી પૂજા એક સી
અલગ અલગ હર રીત
મસ્જિદ જાયે મૌલવી
કોયલ ગાયે ગીત'
- નિદા ફાઝલી


