ભારતની વાઘ વિકાસ યાત્રા
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- 1973માં પ્રોજેક્ટ ટાઈગરની સ્થાપના પછી વાઘની સંખ્યા વધતી ગઈ. આજે વિશ્વના જંગલોના દર ચાર વાઘે ત્રણ વાઘ ભારતમાં છે
ગ ત સપ્તાહે ૨૯મી જુલાઈએ વિશ્વ વાઘ દિવસ ઉજવાયો. આ દિવસે વાઘ વિશેની વિવિધ જાણકારી લોકોને આપવામાં આવે છે. વાઘ એ જંગલનું પ્રબળ શક્તિવાળું પ્રાણી છે. બાળકો સમજતા થાય ત્યારથી વાઘ સાથે જોડાય છે. વાઘના સોફ્ટ ટોઈઝ રમીને બાળક મોટું થાય છે. ત્યારે પણ તેનામાં વાઘને મ્યુઝિયમમાં જોવા જવાની ઈચ્છા હોય છે. આગળ જતા તે યુવાન બનતા વાઘને જંગલમાં લાઈવ જોવા માટે ટાઈગર રિઝર્વમાં ટાઈગર સફારીનો રોમાંચ માણે છે.
ભારતના ૭૫માં સ્વાતંત્ર્ય વર્ષે ૨૦૨૩માં વિશ્વના ૭૫ ટકા વાઘ ભારતમાં છે એવી જાહેરાત ભારતના વડાપ્રધાને કરી હતી. આમ તો માણસ વાઘથી ગભરાય છે પરંતુ ૧૯૮૦માં વાઘની સંખ્યા ઘટી ગઈ ત્યારે પણ જવાબદાર અધિકારીઓ અને પ્રજા ગભરાઈ ગઈ હતી. વાઘની વસ્તી વધારવા આપણે આરણ્યો વધાર્યા. અનેક રાજ્યોમાં નવા નવા ટાઈગર રિઝર્વની સ્થાપના થઈ. ભારતમાં અત્યારે, ૫૮ ટાઈગર રિઝર્વ છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ (૯) છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૬, કર્ણાટક, રાજસ્થાન અને તામિલનાડુએ દરેકમાં ૫ રિઝર્વ છે.
વાઘની સૌથી વધુ વસ્તી કોર્બેટ રિઝર્વમાં છે. આપણે ટોપ પાંચ રિઝર્વ જોઈએ જ્યાં વાઘની વસ્તી સૌથી વધુ છે કોર્બેટ-૨૬૦, બન્ડીપુર-૧૫૦, નાગરહોલ-૧૪૧, બાંધવગઢ-૧૩૫ અને દુધવા-૧૩૫. ટોપ પાંચ રાજ્યમાં વાઘની વસ્તી જોઈએ તો મધ્યપ્રદેશ-૭૮૫, કર્ણાટક-૫૬૩, ઊત્તરાખંડ-૫૬૦, મહારાષ્ટ્ર-૪૪૪ અને તામીલનાડુ-૩૦૬. ૨૦૦૬માં વાઘની સંખ્યા દેશમાં ફક્ત ૧૪૧૧ હતી જે ૨૦૧૦માં ૧૭૦૬, ૨૦૧૪માં ૨૨૨૬, ૨૦૧૮માં ૨૯૬૭ અને ૨૦૨૨માં ૩૬૮૨ થઈ.
૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઈગરની સ્થાપના પછી વાઘની સંખ્યા વધતી ગઈ. આજે વિશ્વના જંગલોના દર ચાર વાઘે ત્રણ વાઘ ભારતમાં છે.
ગુજરાતીઓએ ટાઈગર સ્પોટ કરવું હોય તો ૧૦૦૦ કિ.મી. દૂર આંધ પ્રદેશના શ્રીસાઈલમ ટાઈગર રિઝર્વમાં સફારી ખેડવી પડે. તમે હવાઈમાર્ગે દોઢ-બે કલાકમાં જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી શકો છો. ત્યાંથી ટેક્સી અથવા ટ્રેઈનમાં ૩-૪ કલાકમાં સવાઈ માધોપુર પહોંચી શકો છો. રણથંભોરના જંગલમાં વિવિધ ઝોનમાં સવાર-સાંજ સફારી રાઈડ લઈ વાઘના દર્શન કરી શકશો.
વાઘ જેવા અતિ શક્તિશાળી, પ્રેરક અને આકર્ષક પ્રાણી પ્રત્યે આપણને અથાગ પ્રેમ છે. શિકારીઓ એક વાઘના શિકારથી લગભગ ૧૫ લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે. દરેક રિઝર્વમાં શિકારીઓને પકડવાનો પ્રયત્ન થાય છે. કાઝીરન્ગા નેશનલ પાર્કમાં ૧૧૩ મહિલાઓ 'વેન દુર્ગા' તરીકે એસએલઆર રાઈફલ સાથે આવા શિકારીઓની શોધમાં રહે છે...!!