Get The App

ઘરકંકાસ વખતે પણ વલ્લભચરિત્ર તો ઉજળું અને પવિત્ર જ રહ્યું

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઘરકંકાસ વખતે પણ વલ્લભચરિત્ર તો ઉજળું અને પવિત્ર જ રહ્યું 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- વિઠ્ઠલભાઈ પોતાનો ગૃહસંસાર ગબડયાં કરે તે માટે જે કાંઈ સમાધાન કરવુ પડે તે કરતાં. કોઈપણ લાંબો કકળાટ ટાળવા વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ માટે મુંબઈ નીકળતી વખતે દિવાળીબાના હાથમાં મોટી રકમ મૂકીને મોઘમમાં આવજો કહીને ચૂપચાપ નીકળી ગયા હતા. 

ગો ધરાથી બોરસદ આવેલા વલ્લભભાઈ વકીલાતના વ્યવસાયમાં ગળાડૂબ હતા. ત્યારે તેમના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ પટેલ પણ બોરસદમાં જ અલગ મકાન ભાડે રાખીને રહેતા હતા. બંને ભાઈઓનું લગ્નજીવન અને વકીલાત સમાંતરે ચાલતા હતા. સમજણ અને સમર્પણના ભાવને કારણે તેમાં કોઈ કજિયો પણ ન હતો. એ વર્ષો ૧૯૦૪-૦૫ આસપાસના.

પરંતુ વિઠ્ઠલભાઈને ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થઈ આવવાનો ભારે ચસકો લાગ્યો હતો, તેમાં વળી ઈંગ્લેન્ડ જવાના વીઝાવાળો વલ્લભભાઈના નામનો પાસપોર્ટ એમના હાથમાં આવ્યો. એટલે મોટાભાઈ હોવાના દાવાને આગળ કરીને આ વી.ઝેડ.પટેલ (વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ) પેલા વી.ઝેડ.પટેલ (વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ)ના પાસપોર્ટ ઉપર લંડન ઉપડી ગયા. 

કરમની કઠણાઈ અને સમયનો તકાદો એવો હતો કે વિઠ્ઠલભાઈ છેક ઈંગ્લેન્ડ જવાની આગબોટમાં બેઠાં ત્યાં લગી તેમણે આ પરદેશગમનની વાત ખૂબ ખાનગી રાખી હતી.એટલે સુધી કે પત્ની દિવાળીબા સુદ્ધાંને પણ તેની જાણ કરી ન હતી. મુંબઈના બંદરેથી તેમનું વહાણ ઈંગ્લેન્ડ તરફ ઉપડયું, એ પછી બોરસદ પાછા વળીને વલ્લભભાઈએ ભાભી દિવાળીબાને આ ખબર આપ્યાં. 

આ વિઠ્ઠલપત્ની દિવાળીબા પણ મૂળે સોજિત્રા ગામના, ઝાઝું ભણેલાં નહીં. સ્વભાવે ઉગ્ર, અતિશ્રદ્ધાળું અને થોડા ઝઘડાળું. વિઠ્ઠલભાઈ સાથેનું તેમનું લગ્નજીવન કંકાસ અને ઉચાટથી ભરેલું હતું. વિઠ્ઠલભાઈનું લાંબુ જીવનચરિત્ર લખનાર તેમના સહવાસી મિત્ર ગોરધનભાઈ પટેલે લખ્યું છે કે દિવાળીબા જોહુકમીવાળા, સ્વાર્થી અને કુનેહ વગરના હતા. તેમને વહેવારનું જ્ઞાન ન હતું. બોરસદમાં બે ભાઈઓ વચ્ચેના સારાં સંબંધોને પણ તેમનો ઈર્ષ્યાભાવ સાંખી શક્તો નહીં. આથી કરીને વિઠ્ઠલભાઈ પોતાનો ગૃહસંસાર ગબડયાં કરે તે માટે જે કાંઈ સમાધાન કરવુ પડે તે કરતાં. કોઈપણ લાંબો કકળાટ ટાળવા વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ માટે મુંબઈ નીકળતી વખતે દિવાળીબાના હાથમાં મોટી રકમ મૂકીને મોઘમમાં આવજો કહીને ચૂપચાપ નીકળી ગયા હતા. 

હવે બન્યું એવુ કે વિઠ્ઠલભાઈને મુંબઈ મૂકીને આવેલા વલ્લભભાઈ થકી હકીકત જાણ્યાં પછી દિવાળીબા તો ક્ષુબ્ધ અને નારાજ થઈ ગયાં. એમણે તો રડારોળ કરી મૂકી અને વલ્લભભાઈને આકરાં વેણ પણ સંભળાવ્યાં. છતાં વલ્લભભાઈએ મોટું મન રાખ્યું. બોરસદ જેવા નાનકડા ગામમાં ભાડે મકાન રાખીને અલગ રહેતાં વિઠ્ઠલપત્નીને તેમણે પોતાના ઘેર રહેવા બોલાવી લીધા હતા.આથી વલ્લભપત્ની  ઝવેરબાને વળી પાછા પોતાના ટૂંકા લગ્નજીવનમાં સર્જાયો દુકાળમાં અધિકમાસ.

દિવાળીબાનો સ્વભાવ થોડો વિચિત્ર ખરો. પોતાનો પતિ ઈંગ્લેન્ડથી ક્ષેમકુશળ અને જલ્દી પાછો આવે તે માટે તેમણે યથામતિના પ્રયત્નો શરૂ કર્યાં. અભણ હોવાને નાતે શ્રદ્ધાને નામે અંધશ્રધ્ધાએ જઈને બેઠા. બ્રાહ્મણો જમાડે, બાધાઆખડી રાખે, તીર્થાતટ વધારે અને એ બધા પાછળ લખલૂંટ પૈસા ખર્ચે. આ દિવાળીબાના ભાઈ પણ એ વખતે તેમની સાથે બોરસદ રહેતાં હતા, એટલે વલ્લભભાઈએ પોતાને ઘેર ભાભીને અને ભાભીના ભાઈને, બંનેને બોલાવી રાખ્યાં હતા. આ બધા રહેવા આવ્યા પછી વલ્લભ-ઝવેરના લગ્નજીવનમાં જુદી સ્થિતિ નિર્માણ થઈ. તે સાવ સુખદ નહોતી.

બાધા-આખડીઓ પાછળ ખર્ચા વધ્યાં અને કડવી વાણીએ અશાંતિ પણ વધી. દિવાળીબા અને ઝવેરબા વચ્ચેના વાસણ વધારે ખખડે, વાત બહાર જાય અને આબરું લીલામ થાય એ પહેલાં વલ્લભભાઈએ વળી પાછો પોતાના સહજીવન ઉપર કુહાડો મારતો નિર્ણય લીધો, અને ઝવેરબાને પિયરના ગામ ગાના મોકલવાનું ફરમાન કર્યું. એક જ છત નીચે રહેતી બે સ્ત્રીઓના કજિયાને ઠારવા માટે વલ્લભભાઈ પાસે બીજો કોઈ ઉપાય નહોતો. વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં દિવાળીબાને પિયર મોકલવા તેમને યોગ્ય લાગ્યું નહીં. પરદેશ ગયેલાં ભાઈના પત્નીને વધારે દુ:ખ નહીં આપવાના ઉદાર વલણે વલ્લભભાઈ ઝવેરબાને જ પિયર મોકલી દેવાનો નિર્ણય કરી બેઠાં. ઝવેરબા બે વરસનાં મણિબેન અને છ મહિનાના ડાહ્યાભાઈને લઈને પોતાના પિયરઘર ગાના ગામે જઈને અઢી વરસ રહ્યાં. પતિની કુટુંબવત્સલતા અને ઉદારતાનો ભોગ બનેલાં ઝવેરબાના મનમાં આ ગોઠવણનો વિરોધ તો ઘણો જ હશે. ખુદ વલ્લભભાઈને પણ આ પત્ની વિયોગનું દુ:ખ હશે. પરંતુ એ બંનેમાંથી એક પણ જણે કદી આ વિશે કોઈની આગળ હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. 

એ સમાજે, એ સમયે, એ ગામે, આવી સ્થિતિ સ્હેજ વિચિત્ર તો ગણાઈ જ હશે. વલ્લભભાઈના ઘરમાં મોટાભાભી રહ્યાં અને પત્ની ગયા. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે 'ભાભી તો માતાને સ્થાને છે, પણ દિવાળીબા એકલાં વલ્લભભાઈના ઘરે રહ્યાં, તે અજુગતું તો ગણાયું. (છતાં) વલ્લભભાઈના ચારિત્ર અંગે કોઈ ટીકા થઈ નથી કે તેમની આબરું ને કશું લાંછન લાગ્યું નથી.'

ભારતના આ એક્તાયોદ્ધાનું ચરિત્ર કેવાં કપરાં સંજોગોમાં પણ કેટલું શુદ્ધ અને પવિત્ર રહ્યું હતું, તેનો આ ઉજળો દાખલો છે.

Tags :