પરિવારનું સ્થાન કોઈ લઈ શકે નહીં .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'અમને તો ગયા અઠવાડિયાથી જ દીકરી પસંદ હતી. અમે તો તમારા આવવાની અને હા પાડવાની રાહ જોતા હતા. લો મોઢું મીઠું કરી લો. છોકરાઓ તો હા જ પાડવાના છે.'
મુ ગ્ધા એટલે મુગ્ધા... તેની તોલે કોઈ ન આવે. ઘર સાચવવાનું હોય કે, કેરિયર સાચવવાની હોય કે, વ્યવહારો સાચવવાના હોય, મુગ્ધાએ ત્રિવેદી પરિવારને બરાબર સાચવ્યું હતું. આ મુગ્ધાને કાયમ એક જ વસવસો હતો તેની દીકરીને સરસ લાઈફ પાર્ટનર હજી મળ્યો નહોતો. ખાસ કરીને તે જેવો પરિવાર શોધતી હતી તેવું કોઈ મળતું નહોતું. તેની દીકરીના જીવનમાં ખાસ કોઈ વ્યક્તિ આવી નહોતી તેથી મમ્મી-પપ્પાની પસંદ ઉપર સપ્તપદી વિસ્તારવા તે તૈયાર હતી.
મુગ્ધા અને વિવેકભાઈની સમાજમાં સારી શાખ હતી. વેદશંકર ત્રિવેદીનો પુત્ર વિવેક અને પુત્રવધુ મુગ્ધાએ તેમની શાખને બરાબર જાળવ્યા હતા. નોકરી કરનારા બંને લોકોએ સમાજને ક્યારેય દૂર થવા દીધો નહોતો. વાર-તહેવાર, વ્યવહાર બધા જ માં બંને હાજર જ હોય. તેમણે સંતાનોનો ઉછેર પણ એવી રીતે કર્યો હતો કે, આધુનિકતાએ ક્યાંય સંસ્કારોને અભડાવ્યા નહોતા.
આસ્થા હવે ૨૭ વર્ષની થઈ હતી. વધારે ઉંમરે લગ્ન કરવામાં આગળ જોખમો રહેલા છે તે મુગ્ધાને ખબર હતી. તેથી તેણે મિત્રો, સંબંધીઓ બધાને કહી રાખ્યું હતું કે, આસ્થા માટે છોકરો શોધતા રહેજો. તેણે મિત્રો અને પોતાના સ્ટાફને પણ આ વાત કરી રાખી હતી. લગભગ ચાર-પાંચ માંગા આવ્યા પણ ખરા. તેમાં કંઈ ખાસ જામ્યું નહીં. મુગ્ધાની એક શરત હતી જે બધું જ અટકાવતી હતી. પહેલાં એવું લાગતું હતું કે, તેના કારણે આસ્થાનું ગોઠવાશે જ નહીં પણ સમયનું ચક્ર ચાલતું હતું.
'મુગ્ધા, તને શું લાગે છે આ પરિવારમાં આસ્થાનું કેવું ગોઠવાશે. આમ તો પરિવાર સરસ છે, વેલ એજ્યુકેટેડ છે પણ મને નથી લાગતું કે તારી ઈચ્છા પ્રમાણેનું ગોઠવાય.'- વિવેકભાઈએ કહ્યું.
'એ લોકોને આવવા તો દો. આપણે વાતચીત કરીશું તેના ઉપરથી ખ્યાલ આવી જશે.' - મુગ્ધાએ ટૂંકમાં પતાવ્યું.
સાંજે છોકરાનો પરિવાર આવ્યો અને બધા સોફા ઉપર ગોઠવાયા. પારંપરિક રીતે ચા-નાસ્તાની ગોઠવણ થઈ અને બધા વાતોએ વળગ્યા. લગભગ અડધો કલાક પછી આસ્થા અને પેલો છોકરો બહાર ઘરના ગાર્ડનમાં લટાર મારવા ગયા અને અહીંયા મુગ્ધાએ બાજી સંભાળી.
'કામાક્ષી બેન, તમારા પરિવારમાં કોણ કોણ છે. તમારે દેરાણા-જેઠાણી ખરા. તમારા સાસુ-સસરા અમદાવાદમાં છે કે, ગામડે છે.'- મુગ્ધાએ કહ્યું.
'બેન આ જમાનામાં કોઈની જોડે કેવી રીતે ફાવે. મારી જેઠાણી છે પણ તે નડિયાદ રહે છે. મારા સાસુ-સસરા તેમની સાથે જ રહે છે. મારા સસરાની ત્યાં કરિયાણાની દુકાન છે, મારા જેઠ તે ચલાવે છે અને એ લોકો ત્યાં જ રહે છે. જૈમિનના પપ્પા અભ્યાસ કર્યા બાદ નોકરી માટે અમદાવાદ આવી ગયા અને અહીંયા જ સ્થાયી થયા. અમારે ક્યારેક જ નડિયાદ જવાનું થાય.' - કામાક્ષીબેને કહ્યું.
'સાચી વાત છે, નોકરીઓમાં ક્યાંય જવાતું નથી. વાર-તહેવારે તો જતા જ હશો ને. બા-દાદા પણ અહીંયા રહેવા આવતા હશે ને. તમને કેવી મજા આવતી હશે નહીં.' - મુગ્ધા બોલી.
'વાર-તહેવારે કામ કેટલા હોય. નડિયાદમાં કશું તહેવાર જેવું હોતું નથી. અમે સમાજનો કોઈ પ્રસંગ હોય તો જઈએ. સાચું કહું, મારા સાસુ-સસરાને અહીંયા ફાવતું નથી.' - કામાક્ષીબેન આટલું બોલીને હસી પડયા. મુગ્ધાએ પણ બનાવટી હાસ્ય કર્યું.
'સારું ચાલો ઘણો સમય થઈ ગયો છે. અમને તો આસ્થા ગમી ગઈ છે. તમે પણ એક વખત આસ્થા સાથે વાત કરીને જણાવજો. અમે પણ જૈમિનને પૂછી લઈશું.' -જૈમિનના પપ્પાએ ઊભા થતા કહ્યું.
'ભલે'-મુગ્ધાબેને કહ્યું અને વિવેકભાઈ ઊભા થયા અને ચારેય ઘરની બહાર આવ્યા. તે લોકો ચાલ્યા ગયા અને આ ત્રણેય પાછા રૂમમાં આવીને ગોઠવાયા.
'તમારી મા-દીકરીની અગ્નિ પરીક્ષામાંથી કોણ પાસ થશે તે તો મારો ભગવાન જ જાણે.' - વિવેકભાઈ બોલ્યા ફરી હસી પડયા.
'લો, તમે લોકો નાસ્તા કરો છો. હું ક્યારનો તને ફોન કરું છું પણ કોઈ ફોન ઉપાડતું જ નથી. મને ચિંતા થઈ તો હું ઘર સુધી આવી ગઈ.' -નિરાલીએ ઘરમાં ઘુસતા જ કહ્યું.
'માસી, હમણાં જ મહેમાન ગયા. અમારા લોકોના ફોન સાઈલેન્ટમા હતા. તમે બેસો હું પાણી લઈને આવું.' - આસ્થા એટલું કહીને રસોડામાં ગઈ અને નિરાલી મુગ્ધાની બાજુમાં જ ગોઠવાઈ.
'સાંભળ, નિકેતના એક કલીગ છે અને તેમનો દિકરો આઈટી એન્જિનિયર થયો છે. તેઓ સારી છોકરી શોધી રહ્યા છે. તું કહે તો આસ્થાનું માગુ નાખી જોઉં.' -નિરાલીએ કહ્યું.
'શુભસ્ય શિઘ્રમ. તારે પુછવાની જરૂર જ નથી. તું વાત કરી જો. એ લોકો જ્યારે આવતા હોય ત્યારે બોલાવી લે.' - મુગ્ધાએ કહ્યું. નિરાલીએ ત્યાં જ બેઠા બેઠા ફોન લગાવ્યો અને વાત કરી.
'આવતા અઠવાડિયે રક્ષાબંધનના બીજા દિવસે ગોઠવવાનું કહે છે. આપણને એમના ઘરે બોલાવે છે. તેમના ઘરે બધા મેહમાન હશે તો કદાચ દીકરી ગમી જાય તો ત્યારે જ નક્કી કરી લેવાય એવી વાત કરે છે.' - નિરાલીએ ફોન દબાવીને મુગ્ધાની સામે જોતા કહ્યું.
'ભલે, જઈ આવીશું. તું એડ્રેસ મંગાવી લેજે. તું પણ અમારી સાથે જ આવજે.' -મુગ્ધાએ કહ્યું અને નિરાલીએ મોઢું બગાડયું.
'તારે આવવું જ પડશે. માત્ર વાતો કરવાથી માસી થવાતું નથી. બહેનપણી બનવું હોય તો થોડા કામ કરવા પડે.' - મુગ્ધા ફરી બોલી અને વિવેકભાઈ જોરથી હસી પડયા. નાસ્તો ટેબલ ઉપર જ પડયો હતો એટલે બધા નાસ્તોપાણી કરીને છૂટા પડયા. રક્ષાબંધનના બીજા દિવસે સવારે મળવાનું નક્કી થઈ ગયું.
નક્કી કરેલા સમયે કાફલો સજ્જ થઈને ઉપડયો. પાલડી ચાર રસ્તાથી ઉપડેલી ગાડી નિકોલ પહોંચી. નિકોલની બદલાયેલી સિકલ-સુરત જોઈને મુગ્ધા તો ડઘાઈ જ ગઈ. એક સરસ મજાના એપાર્ટમેન્ટની સ્કીમમાં ગાડી એન્ટર થઈ અને બધા ઉતરીને બીજા માળે આવેલા ૨૦૦૨ નંબરના ફ્લેટમાં પહોંચ્યા. વિવેકભાઈએ બેલ માર્યો અને દરવાજો ખુલતા જ મુગ્ધાનું મોઢું ખુલ્લું રહી ગયું.
ઘરની અંદર લગભગ વીસ-બાવીસ માણસો હતા. તે ઉપરાંત બે-ચાર ટાબરીયા આમ તેમ ફરતા હતા તે જુદા. ફ્લેટ ધાર્યા કરતા ઘણો મોટો અને સરસ હતો. મુગ્ધા, વિવેકભાઈ, આસ્થા, આકાશ અને નિરાલી તથા નિકેત અંદર ગયા અને ગોઠવાયા. બધાએ જાતભાતની વાતો ચાલુ કરી.
થોડીવાર રહીને આસ્થા અને અનિકેત બાજુના પૂજારૂમમાં વાતો કરવા માટે ગયા અને મુગ્ધાએ આદત પ્રમાણે સવાલ કર્યો.
'હેમાક્ષીબેન તમારા પરિવારમાં કેટલા સભ્યો. બધા અમદાવાદ જ રહે છે કે, કોઈ ગામડે છે.' - મુગ્ધા બોલી.
'અમારા ઘરમાં અહીંયા ત્રણ જ લોકો રહે છે, હું, અનિકેત અને તેના પપ્પા. આ મકાન મારા સસરાનું છે. તેઓ ક્યારેક ગામડે રહે છે, ક્યારેક અહીંયા આવે છે. સામે સોફામાં બેઠા તે મારા જેઠ, જેઠાણી છે. તેઓ ઉપરના માળે રહે છે. સામે બેઠેલા મારા કાકાજી અને કાકીજી તથા તેમના દીકરા અને પુત્રવધુ છે. તેઓ સામેના બ્લોકમાં રહે છે. મારા દીયર લંડન સેટલ થયા છે. તેમની કંપનીએ તેમને ત્યાં મોકલ્યા છે. અમારી ઘરની દીકરીઓ રસોડામાં છે. તમારા માટે ગરમ નાસ્તાની તૈયારી કરે છે. આ બધા અમારો શ્વાસ છે. અમે આમ જુદા-જુદા રહીએ છીએ પણ વાર-તહેવાર, રજાઓ બધું જ આ મકાનમાં જ પસાર થાય છે. તમારી દીકરીને આ ભીડમાં ફાવશે.' - હિમાક્ષીબેને કહ્યું અને ઘરના બધા હસી પડયા.
'બેન હું ભીડ જ શોધતી હતી. મારે દીકરીને એકલી રાખવી જ નહોતી. મારી ઈચ્છા હતી કે,
મને જે નથી મળ્યું તે મારી દીકરીને મળે અને ખુશ રહે. સંયુક્ત પરિવારમાં રહેવાનો જે આનંદ છે, જે સાથ છે, જે સંવેદના છે, જે સાંત્વના છે અને સહયોગ છે તે ક્યાંય નથી. કોઈપણ સ્થિતિમાં માણસ સચવાઈ જાય છે. પરિવારનું સ્થાન કોઈ લઈ ન શકે. મારા પિયરમાં આજે પણ આવું જ વાતાવરણ છે જેવું મેં અત્યારે જોયું છે. મારી દીકરીને આવું સાસરું મળશે તે મારા નાથની કૃપા રહેશે. મને પરિવાર મંજૂર છે. બસ તમને દીકરી પસંદ આવવી જોઈએ. ' -મુગ્ધાએ કહ્યું.
'અમને તો ગયા અઠવાડિયાથી જ દીકરી પસંદ હતી. અમે તો તમારા આવવાની અને હા પાડવાની રાહ જોતા હતા. લો મોઢું મીઠું કરી લો. છોકરાઓ તો હા જ પાડવાના છે.' -હિમાક્ષી બેને તાજા બનાવેલા મગસનો લાડુ મુગ્ધા તરફ ખસેડયો અને બંનેના ચહેરા ઉપર હાશકારો ઉભરી આવ્યો. પૂજા રૂમમાંથી બહાર આવી આસ્થા અને અનિકેતે પણ બધાને પગે લાગીને આશીર્વાદ લઈ લીધા. દીકરીને યોગ્ય વ્યક્તિ સાથે ખુશ જોઈને મુગ્ધા અને વિવેકભાઈની આંખોમાં સંતોષ અને ચહેરા ઉપર રાહત દેખાતા હતા.