ગુકેશ અને પ્રજ્ઞાનંધા બાદ 19 વર્ષની દિવ્યાનો ચેસ જગતમાં વિશ્વવિજય
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી દિવ્યાની ચેસ કારકિર્દીને નિખારવા માટે માતા નમ્રતાએ ગાયનેકોલોજીસ્ટ તરીકેની ધીકતી પ્રેક્ટિસ પડતી મૂકી
બુુદ્ધિર્યસ્ય બલં તસ્ય,
નિર્બુદ્ધેેસ્તુ કુતો બલમ,
જેની પાસે બુધ્ધિ છે, તેની પાસે જ બળ છે, જેની પાસે બુધ્ધિ નથી તેની પાસે બળ નથી. - દેવભાષાના શ્લોકમાં પરોવાયેલું સૂત્ર ભારતીય સંસ્કૃતિની સાથે વણાંયેેલુ છે. જેમ પારસમણી પર જેટલા પાસાં પાડવામાં આવે તેટલો જ તેે ચમકદાર બને છે, તેમ બુદ્ધિ પણ જેટલી કસાય તેટલી વધુ ધારદાર બને છે અને આ જ કારણેે ભારતીયતાની મહેંક ધરાવતા ચેસની રમતને ચતુરાઈના પર્યાય તરીકે જોવામાં આવે છે. આ જ કારણે ચેસમાં મેળવેલા વૈશ્વિક વિજય એ જે તે દેશની બુદ્ધિમત્તાની સર્વોપરિતાનું પ્રસ્થાપન કરતાં જોવા મળે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના જોશથી ઉભરાતા યૌવને ચતુરાઈ અને ઉચ્ચ બૌદ્ધિત ક્ષમતા સાથે ચેસ વિશ્વમાં સફળતાનો આગવો સિલસિલો સર્જતાં નવા સીમાચિહ્નો સર કર્યાં છે. આંતરરાષ્ટ્રીય ચેસ થકી ભારતના બુધ્ધિબળના વિશ્વગુરુ તરીકેની ઓળખની પુન:પ્રતિષ્ઠાનો ઉદ્ઘોષ થઈ રહ્યો છે. ૨૦૨૩માં માત્ર૧૮ વર્ષની ઉંમરે પ્રજ્ઞાનંધા સૌથી યુવા વયે ચેસના વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશનારો ખેલાડી બન્યો પણ આખરે તેને રજત મળ્યો. જોકે તે પછી ૨૦૨૪ના ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન અને મહિલા વિભાગમાં એક સાથે બે સુવર્ણ જીતી ઈતિહાસ રચી દીધો. એક સૈકાનો ઈતિહાસ ધરાવતી આ સ્પર્ધામાં ભારતે પહેલીવાર સુુવર્ણ જીત્યો અને તે પણ એક સાથેે બબ્બે તે ઐતિહાસિક ઘટના હતી. જે પછી ૧૮ વર્ષની ઉંમરે વિશ્વવિજેતા બનીને ડી. ગુકેશે સર્વોપરિતા સાબિત કરી અને તે પણ ચેસ ઈતિહાસનો સૌથી યુવા વયનો ચેમ્પિયન બન્યો.
હવે ભારતની ૧૯ વર્ષની દિવ્યા દેશમુખે મહિલા વિશ્વ કપમાં મેળવેલો સુવર્ણ ભારતીય નારીશક્તિની વિશેષતાના પ્રતીક સમાન છે. આંતરરાષ્ટ્રીય માસ્ટર (ગ્રાન્ડમાસ્ટર કરતાં ઉતરતું ટાઈટલ) તરીકે દિવ્યા જ્યોર્જીયાના બાટુમીમાં પહોંચી ત્યારે તેને ૧૫મો ક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારે કોઈને કલ્પના પણ નહતી કે, આ છોકરી મહિલા વિશ્વકપ વિજેતા બનશે. જોક તેણે તેેના કરતાં હાયર રેન્કની ખેલાડીઓને પછાડતાં આખરે ટાઈટલ જીતી બતાવ્યું.
દિવ્યાની સફળતાની વિશેષતા એ રહી કે, તેણે ચોથા રાઉન્ડમાં ચીનની સેકન્ડ સીડ ધરાવતી ઝ્હુ જીનેરને મહાત આપી અને તે પછી સેમિ ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતી ચીનની જ ટાન ઝ્હાંગયીને મહાત આપી. યોગાનુંયોગ ભારતની ૩૯ વર્ષની ગ્રાન્ડમાસ્ટર અને ચોથો સીડ ધરાવતી કોનેરુ હમ્પીએ ચીનની ટોપ સીડ લેઈ ટિંગજીને પરાસ્ત કરી.આમ મહિલા ચેસ વર્લ્ડ કપમાં ભારતે સેમિ ફાઈનલમાં ચીન પર વિજય મેળવ્યો. રસપ્રદ બાબત એ છે કે, ગત વર્ષે જ્યારે ડી. ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો, ત્યારે પણ તેણે ફાઈનલમાં ચીનના જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો હતો. આમ વૈશ્વિક ચેસના સામ્રાજ્યની લડાઈમાં ભારતનો આ ચીન સામે યાદગાર વિજય છે, પણ અફસોસ એ બાબતનો છે કે, જે પ્રકારે ક્રિકેટમાં ભારત પાકિસ્તાનને હરાવે ત્યારે જેવો જશ્ન દેશમાં જોવા મળે છેે, તેવો દિવ્યાની સિદ્ધિ કે ભારતની ખેલાડીઓએ ચીની ખેલાડીઓને હરાવી ત્યારે જોવા ન મળ્યો!
મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી દિવ્યાએ મહિલા ચેસ વર્લ્ડ કપમાં સૌથી યુવા વયની ચેમ્પિયન બનવાની સિદ્ધિ તો મેળવી જ. તેની સાથે સાથે ઈન્ટરનેશનલ માસ્ટરમાંથી કુદકો લગાવીને સીધું જ ગ્રાન્ડમાસ્ટર ટાઈટલ હાંસલ કરવાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી. મહિલા હોવા છતાં ઓપન વિભાગ એટલે કે પુરુષોની બરોબરીનું ગ્રાન્ડમાસ્ટર ટાઈટલ મેળવનારી તે ભારતની હમ્પી, હરિકા અને આર. વૈશાલી પછીની ચોથી ભારતીય ખેલાડી બની છે. દિવ્યાએ મહિલા ચેેસ વર્લ્ડ કપ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી તરીકેનું અદ્વિતિય સીમાચિહન સર કરીને આખા દેશનું અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અલબત્ત, મહિલા ચેસ વર્લ્ડ કપ વિજેતા બનવા સુધીની સફર દિવ્યાની સફર પરિવારના નિ:સ્વાર્થ પ્રેમ, સંઘર્ષ અને બલિદાન પર ટકેલી રહી છેે.
નાગપુરના ડૉ. જીતેન્દ્ર અને ડૉ. નમ્રતા દેશમુખના પરિવારમાં બીજા સંતાન તરીકે ૯ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ બીજા સંતાન તરીકે પણ પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ અને તેને દિવ્યા તરીકેની ઓળખ આપવામાં આવી. દિવ્યા પાંચ વર્ષની હતી, ત્યારે તેને તેની ૧૩ વર્ષની બહેન આર્યાની જોડે બેડમિંટનના કોચિંગમાં મુકવાનું નક્કી કર્યું, પણ તે એટલી નાની હતી કે બેડમિંટનની નેટ સુધી પહોંચી શકતી નહતી, આખરે તે જ કોમ્પલેક્ષમા ચાલતા ચેસના કોચિંગમાં તેને દાખલ કરવામાં આવી. શરુઆતમાં તો દિવ્યાને ચેસ ગમતું નહતુ, પણ તેના પિતા ડા. જીતેન્દ્રને ચેસનો શોખ હતો. જ્યારે તેની માતા ડૉ. નમ્રતાના દાદા એક જમાનામાં વિનોબા ભાવેની સાથે ચેસ રમતાં એટલે દિવ્યામાં ચેસના સંસ્કાર તેને વારસામાં મળેલા.
ચેસના બ્લેક-એન્ડ વ્હાઈટ ચોકઠામાં કુમળીવયે પોતાની જાતને ગોઠવવામાં દિવ્યાને મુશ્કેલી પડતી પણ થોડા સમયના કોચિંગમાં જ તેની પ્રતિભા ચમકી ઉઠી. એજ ગુ્રપમાં રાજ્ય સ્તરે સફળતા મેળવ્યા બાદ તેણે છ વર્ષની ઉંમરે પુડુચેરીમાં યોજાયેલી અંડર-૭ નેશનલ્સમાં સુવર્ણ સફળતા મેળવી. આ પછી નવ વર્ષની ઉંમરે એશિયન ચેમ્પિયન તરીકેનો અને ૧૧ વર્ષની વયે બ્રાઝિલમાં યોજાયેલી વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે તેની પ્રતિભાનો પહેલો ચમકારો વિશ્વસ્તરે દેખાડયો. નાની વયે વૈશ્વિક સફળતા મેળવનારી દિવ્યાને ચેસમાં જ કારકિર્દી આગળ ધપાવવામાં મદદ મળે તે માટે તેની માતા ડૉ. નમ્રતાએ ગાયનેકોલોજીસ્ટ તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકીને તેની સાથે પ્રવાસ ખેડવાનું શરુ કર્યું.
દિવ્યાની કારકિર્દીને શરુઆતમાં ગ્રાન્ડમાસ્ટર રામચંદ્રન રમેશે નિખારી અને ત્યાર બાદ ગ્રાન્ડમાસ્ટર શ્રીનાથ નારાયણને પણ તેની પ્રતિભાને માંજવામાં મહત્વનો ફાળો આપ્યો. અલબત્ત, દિવ્યાની કારકિર્દીને આગળ ધપાવવાની તમામ આર્થિક જવાબદારી તેના પિતાના ખભે હતી, જેઓ ડોક્ટર હતા, પણ પુત્રી અને તેની માતાના સતત યુરોપ પ્રવાસનો ખર્ચ ઉઠાવવો તેમના માટે આસાન નહતો. ઘણી વખત તેઓને અન્યોની પાસેથી આર્થિક મદદ પણ લેવી પડી. દિવ્યાએ ૨૦૧૪ બાદ ૨૦૧૭માં જુનિયર એજ ગૂ્રપમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી. દિવ્યાએ એજ ગ્રૂૂપમાં ૩૮ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ૨૧ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રકો હાંસલ કર્યા.
પિતાના સંઘર્ષ અને માતાના મૂક સહારાની મદદને સહારે સતત આગળ વધતી રહેલી દિવ્યા ૨૦૨૦માં ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડમાં સુવર્ણ જીતનારી ટીમમાં સામેલ હતી. તેણે આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં સફળતાનો સિલસિલો જારી રાખ્યો અને ૨૦૨૪માં ૧૮ વર્ષની વયે ગાંધીનગરમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતને મહિલા વિભાગમાં સુવર્ણચંદ્રક અપાવીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ભારતને ૨૦૦૯ પછી પહેલીવાર આ વર્લ્ડ ટાઈટલ મળ્યું હતુ. જોકે ત્યાં સુધીની તેની સફરમાં મોટાભાગના ખર્ચને પહોંચી વળવા માટે તેના પિતાએ ગાંઠના નાણાં ખર્ચીને પૂરો કર્યો હતો. ઘણી વખત તો દિવ્યાની વિજયની ઈનામી રકમ પણ તેની આગામી ટુર્નામેન્ટ ખર્ચમાં વપરાઈ જતી. આખરે સપ્ટેમ્બર-૨૦૨૪માં ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં મેળવેલી ઐતિહાસિક સફળતા બાદ દિવ્યાને આંઠ આંકડાની રકમ ઈનામમાં મળી. તે પછી તેની સફર આસાન બની. ત્યાં સુધીમાં તેણે ઈન્ટરનેશનલ માસ્ટર ટાઈટલ હાસલ કર્યું હતુ અને ગ્રાન્ડમાસ્ટર બનવાના અધુરા સ્વપ્ન સાથે તે બાટુમી પહોંચી હતી. હવે મહિલા વિશ્વ કપ વિજેતા અને ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હોલ્ડર બની ચૂકેલી દિવ્યાની નજર હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થવા તરફ છે.