રઝળતાને રાખે શિવકુમાર .
- આજકાલ-પ્રીતિ શાહ
- એક વખત અભ્યાસ છૂટી જાય પછી શરૂ કરવાનું ખૂબ મુુશ્કેલ હોય છે, 'આજે હું જે કંઈ છું તેની પાછળ ઘણા લોકોનું સમર્થન અને પુરુષાર્થ રહેલા છે
આ પણા દેશમાં ૧૯૮૬માં બાળમજૂરી પ્રતિબંધ અને નિયમન કાયદો બનાવ્યા પછી પણ આજે લાખો બાળકો મજૂરી કરે છે. અનેક બિનસરકારી સંસ્થાઓ પણ આ ક્ષેત્રે કામ કરે છે, છતાં તેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી. તમિલનાડુમાં રહેતા ડી. શિવકુમારે પોતે બાળમજૂરીનું દર્દ સહન કર્યું છે અને તેથી તેઓ આજે આવાં બાળકોની મદદ કરી રહ્યા છે. તેઓ માત્ર છ વર્ષના હતા, ત્યારે એમના પિતાનું અવસાન થયું. તેમના કાકા-કાકી સાથે રહેવું પડયું. પહેલા ધોરણમાં પાસ થયા અને પિતાનું મૃત્યુ થતાં અભ્યાસ છોડવો પડયો. ઈંટના ભઠ્ઠામાં તેમને એટલું બધું સખત કામ કરાવતા કે તેમની તબિયત લથડવા માંડી અને બીમાર પડી ગયા. તેઓ ધગશભેર સમયસર કામ પૂરું કરતાં, પરંતુ કોઈને તેમના પર દયા આવતી નહીં. ભઠ્ઠાના માલિકના જમાઈને શિવકુમારે કહ્યું કે તેની તબિયત સારી નથી, તો તેમણે કોઈ વાત સાંભળ્યા વિના મારપીટ કરી અને અપશબ્દો કહ્યા.
આવી પરિસ્થિતિમાં ત્રણ વર્ષ પસાર કર્યા પછી ૨૦૦૩માં એક સ્ટિંગ ઓપરેશન બાદ શિવકુમારને આઝાદી મળી. એક એન.જી.ઓ.એ તેમને પૂછયું કે તેઓ શું કરવા ચાહે છે, ત્યારે શિવકુમારે આગળ અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ઈંટના ભઠ્ઠામાંથી તો છૂટકારો મળ્યો, પરંતુ સગાંવહાલાંઓ તેમની પાસે ઘરનું સઘળું કામ કરાવતા હતા. દરરોજ ગાયો અને બકરીઓને જંગલમાં ચરાવવા લઈ જવી પડતી, તેથી ઘણા દિવસો સુધી સ્કૂલે જઈ શકતા નહીં. ૨૧ વર્ષની ઉંમરે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. સેવિયર એન.જી.ઓ. દ્વારા કમ્પ્યૂટર કોર્સ કર્યો અને ત્યારબાદ બી.કોમ.ની ડિગ્રી હાંસલ કરી. સહુને એમ હતું કે તેઓ કોર્પોરેટ ક્ષેત્રે કામ કરશે, પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે એમણે ૨૦૨૨માં મદ્રાસ ક્રિશ્ચિયન કાલેજમાં સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી કરવા પ્રવેશ મેળવ્યો.
આજે તેઓ એક બિનસરકારી સંગઠનમાં 'આફ્ટર કેર' વિભાગમાં કામ કરે છે, જ્યાં બાળમજૂરી કે બંધુઆ મજૂરીમાંથી બાળકોને મુક્તિ અપાવે છે. આવા બાળકોને તાલીમ આપીને સ્કૂલનું શિક્ષણ અપાવીને મુખ્યધારા સાથે જોડવામાં મદદ કરે છે. તેમની પાસે આવેલો એક વિદ્યાર્થી બારમા ધોરણમાં નાપાસ થયો હતો. શિવકુમાર અને તેમનાં પત્નીએ તેને નિ:શુલ્ક ટયૂશન આપ્યું અને અન્ય મદદ કરી. આજે તે તમિળ સાહિત્યમાં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યો છે.
બંધુઆ મજદૂરીને તો ૧૯૭૬માં બોન્ડેડ લેબર સિસ્ટમ એક્ટ દ્વારા ગેરકાયદેસર જાહેર કરી છે, પરંતુ તે હજી અસ્તિત્વમાં છે. એમાંય ખાસ કરીને બાળ બંધુઆ મજદૂરી. બાળમજૂરીમાં તો બાળકો મજૂરી કરીને કુટુંબની આવકમાં હિસ્સો ઉમેરે છે, જ્યારે બાળ બંધુઆ મજદૂરીમાં તો બાળકોની સ્થિતિ ગુલામ જેવી હોય છે, કારણ કે આમાં માતા-પિતા કે નજીકનાં સગાં દ્વારા અગાઉથી જ પૈસા લઈ લેવામાં આવ્યા હોય છે અને તે દેવું ચૂકવવા પેટે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. તે દેવું વ્યાજ સાથે ચૂકવતાં વર્ષો નીકળી જાય છે. આ બાળકો પાસે પથ્થરની ખાણોમાં, સડકો પર ચાલતા કામમાં, ઈંટના ભઠ્ઠામાં, કચરો વીણવામાં કે ખેતરોમાં કલાકો સુધી કામ કરાવવામાં આવે છે. કામમાં ન કડકડતી ઠંડી જોવામાં આવે કે ન ધોમધખતો તાપ ! અત્યાચાર અને અપશબ્દો તો વધારામાં ! કેટલાય બાળકો પાંચ-છ વર્ષની ઉંમરથી આવું જીવન જીવે છે, તેથી મોટા થતાં તેઓ બીમાર કે વિકૃત થઈ જાય છે. તેમનું આયુષ્ય પણ ઓછું થઈ જાય છે.
શિવકુમાર આજે તમિલનાડના તેર જિલ્લાઓમાં આવાં બાળકો અને વયસ્કો માટે કામ કરે છે. તેમને શિક્ષણ, રોજગારી અને સરકારી યોજનાની માહિતી આપવાનું કામ કરે છે. તેઓ આઠમાથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપે છે. આ વિદ્યાર્થીઓને કૉલેજ, મૉલ અને વર્કશોપની મુલાકાત કરાવે છે. સાથે સાથે કૉલેજમાં પ્રવેશ અને કાઉન્સેલિંગમાં પણ મદદ કરે છે. વિદ્યાર્થીઓની પ્રગતિનો ખ્યાલ મેળવવા ફોલો-અપ મિટિંગ પણ કરે છે અને યોગ્ય સહાય પણ કરે છે. કમ્પ્યૂટર ક્લાસ, ઇન્ટર્નશિપ, અંગ્રેજીના ક્લાસ કે ટયૂશન દ્વારા પણ તેમને સહાય કરે છે. તેઓ બાળકોને જાતિપ્રમાણપત્ર, આધારકાર્ડ, રાશનકાર્ડ, બંધુઆ મજૂરીમાંથી મુક્ત થયાનું પ્રમાણપત્ર અને ત્રીસ હજાર રૂપિયાની પુનર્વાસ આર્થિક સહાય મેળવવામાં તેમજ બેંક ખાતું ખોલવામાં મદદ કરે છે.
એક વખત અભ્યાસ છૂટી જાય પછી શરૂ કરવાનું ખૂબ મુુશ્કેલ હોય છે, તેથી આવા વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે કાઉન્સેલિંગ કરીને માતા-પિતા સાથે પણ શિક્ષણના લાભ વિશે ચર્ચા કરે છે અને પોતાના જીવન વિશે વાત કરીને કહે છે કે, 'આજે હું જે કંઈ છું તેની પાછળ ઘણા લોકોનું સમર્થન અને પુરુષાર્થ રહેલા છે. માતા-પિતા જ્યારે એમ કહે કે, 'મારા બાળકને પણ તમારા જેવો બનાવી દો, ત્યારે તેમને ખૂબ આનંદ થાય છે.'
કૌશલ્યાની અનોખી કામયાબી
'સમયની રાહ ન જુઓ, સમય કાઢો. પછી તે દિવસમાં એક કલાક પણ કેમ ન હોય અને તેનો સ્વપ્ના સાકાર કરવામાં ઉપયોગ કરો.'
રા જસ્થાનના જોધપુર જિલ્લાના નાના ગામમાં એક સાધારણ ખેડૂતને ત્યાં કૌશલ્યાનો જન્મ થયો હતો. ભારતના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓનું જેવું જીવન હોય છે, તેવું જ કૌશલ્યાનું જીવન હતું. સવારે સ્કૂલે જવું અને પછી ઘરનું કામ કરવું. ખેતરમાં જઈને ગાયને ચારો નાખતી અને પછી સ્કૂલે જતી. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી હોવાથી રસોઈની જવાબદારી પણ તેની રહેતી. માતા ખેતરમાં કામ કરતી, તેથી માતા થાકીને આવશે તેવા વિચારથી કંઈ ને કંઈ રસોઈ બનાવી રાખતી. તેની રસોઈ માતાને પસંદ પડતી અને તેના ચહેરા પર આનંદ જોઈને તેને રસોઈ કરવાનો ઉત્સાહ વધતો. આમ તો કૌશલ્યાએ બારમા ધોરણમાં વિજ્ઞાનના વિષયો રાખેલા અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયેલું, પરંતુ બૉર્ડની પરીક્ષા આવે તે પહેલાં તો તેના લગ્ન થઈ ગયા. સાસરે જઈને માતાની જેમ જ ખેતીવાડીનું કામ કરવા લાગી.
એક દિવસ તેણે પોતાની જાતને પ્રશ્ન કર્યો કે જો ખેતરમાં જ કામ કરવાનું હતું તો બાર વર્ષ સુધી અભ્યાસ શા માટે કર્યો ? કૌશલ્યા ઘરમાં ગૂંગળામણ અનુભવતી હતી. ઘરના વડીલો વિચારતા કે જો વહુ બહાર કામ કરવા જતી રહેશે, તો ઘરનું કામ કોણ કરશે ? આ પરિસ્થિતિમાં હાર માનવાને બદલે તે સતત વિચારતી કે કંઈક તો કરવું જ પડશે, પછી ભલે ઘરમાં જ બેસીને કરવું પડે. એક દિવસ કૌશલ્યાએ પાંચ વર્ષનો બાળક યુટયૂબ દ્વારા કેટલી કમાણી કરે છે તેનો લેખ વાંચ્યો. તેણે તેના પતિને પૂછયું કે આ યુટયૂબ શું છે ? તે જાણ્યા પછી એણે બચતમાંથી સાડા સાત હજારમાં સ્માર્ટ ફોન ખરીદ્યો.
કૌશલ્યાએ ૨૦૧૭માં પોતાની રસોઈની રેસિપીના વીડિયો બનાવવાના શરૂ કર્યા. ટ્રાઈપોડ ન હોવાથી એલ્યુમિનિયમના તારના સ્ટેન્ડમાં ફોન મૂકતી. વીડિયો ઉતારતા અને એડીટિંગ કરતા શીખી. રસોડામાં બલ્બની લાઈટમાં વીડિયો ઉતારતી, પરંતુ નેટવર્કની સમસ્યા હોવાથી તે ઘરની છત પર જઈ કલાકો સુધી નેટવર્ક આવે તેની રાહ જોતી અને નેટવર્ક આવતા તે વીડિયો અપલોડ કરતી. આ બધું તે ઑનલાઇન જોતી, નોટ્સ બનાવતી અને દરેક સ્ટેપની નોંધ કરતી. શરૂઆતના દોઢ વર્ષ સુધીમાં માંડ સાડા સાત હજાર રૂપિયા મેળવ્યા. ઘણા લોકો તેના કુટુંબીજનોને આવું કામ ન કરવા માટે સલાહ આપતા, કારણ કે તેમને વીડિયો બનાવવો કે સોશિયલ મીડિયા પર રહેવું તે સંસ્કૃતિની દ્રષ્ટિએ યોગ્ય લાગતું નહોતું, પરંતુ એના પતિનો સતત સાથ મળતો રહ્યો.
શરૂઆતમાં તેણે હિંદી ભાષામાં વીડિયો બનાવ્યા. એક દિવસ કૌશલ્યાના સાસુએ તેનો વીડિયો જોયો અને પૂછયું કે આ લાલ મિર્ચ પાવડર, હલ્દી અને ધનિયા એટલે શું ? આવા પ્રશ્નથી કૌશલ્યના મનમાં ઝબકારો થયો અને તેણે રાજસ્થાની ભાષામાં વીડિયો બનાવ્યા. માતૃભાષાનો ચમત્કાર એ થયો કે એક મહિનામાં એક લાખ સબ્સક્રાઇબર થયા અને લાખો લોકો જોવા લાગ્યા. દસ દિવસમાં એક લાખ રૂપિયાથી વધારેની કમાણી થઈ, જે એને બે વર્ષમાં પણ આટલા પૈસા નહોતા મળ્યા. રસોઈ બનાવવાની રીત સાથે કહેવતો અને પારંપરિક રીતરિવાજને પણ દર્શાવ્યા. વિદેશમાં વસતા એક રાજસ્થાની પરિવારે જણાવ્યું કે આ સાંભળીને એવું લાગ્યું કે જાણે વહાલા વતનમાં પાછા આવી ગયા ! આજે તેના લાખો ફોલોઅર્સ છે.
કૌશલ્યાને માસ્ટરશેફમાં નિમંત્રણ મળતાં તેમાં ભાગ લીધો અને કાચા હળદરનું શાક, કૂગા રોટી અને મખનિયા લસ્સી જેવી વિસરાતી વાનગીઓ બનાવી. આને કારણે આત્મવિશ્વાસ વધ્યો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું મહત્ત્વ સમજાયું. ટીકટોક પર પ્રતિબંધ આવતાં તેણે વિચાર્યું કે તેની આવકનો સ્ત્રોત યુટયૂબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક છે. જો આ પ્લેટફોર્મ નહીં રહે તો શું કરીશ ? તેથી તેણે ૨૦૨૪માં 'સીધી મારવાડી' નામની મસાલાની બ્રાંડ શરૂ કરી. વિદેશમાં રહેતા ઘણા સગાંવહાલાં તેને ફરિયાદ કરતા હતા કે વિદેશી મસાલા અને તેલથી બનાવેલી રસોઈમાં અસલ સ્વાદ નથી આવતો. તેમાંથી તેને વિચાર આવ્યો કે દાદી-નાની બનાવતી હતી, તેવા શુદ્ધ મસાલા અને ઘાણીનું તેલ શા માટે ન બનાવાય ? જે મોટરથી મસાલા દળાય છે તેની ગતિ હાથેથી દળાતા હોય તેટલી જ રાખી છે, જેથી સ્વાદ જળવાઈ રહે. ઘણી મહેનતને અંતે વેબસાઈટ બની. તેઓ મસાલા, કોલ્ડ પ્રેસ ઑઇલ, શાકભાજીની સૂકવણી ઉપરાંત રાજસ્થાની પોશાક પણ વેચે છે. આજે ભારતમાં 'સીધી મારવાડી'ના પંદર આઉટલેટ છે. પાંત્રીસ મહિલાઓને રોજગારી મળે છે. ગામડાંની સ્ત્રીઓ બહાર ન જઈ શકે તો ગામડાંમાં રોજગારી ઊભી કરવી તેવું વિચારનારી કૌશલ્યા સ્ત્રીઓને આર્થિક રીતે સ્વતંત્ર બને તેના માટે માર્ગદર્શન આપે છે અને કહે છે કે, 'સમયની રાહ ન જુઓ, સમય કાઢો. પછી તે દિવસમાં એક કલાક પણ કેમ ન હોય અને તેનો સ્વપ્ના સાકાર કરવામાં ઉપયોગ કરો.' રાજસ્થાની પોશાક, પરંપરા અને સંસ્કૃતિને જાળવીને સફળતા અને પ્રસિદ્ધિ મેળવનાર કૌશલ્યા માને છે કે જ્યારે તમે કંઈક કરવાનો નિર્ણય લો છો તો કોઈ તમને રોકી શકતું નથી.