Get The App

જગતમાં ચાલતી ધર્મવિચારણા! .

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
જગતમાં ચાલતી ધર્મવિચારણા!                                . 1 - image

- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ

- પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોનાં શબ્દો યાદ આવે છે. એમણે કહ્યું કે, 'વિશ્વના તમામ લશ્કરો કરતા એક વસ્તુ બળવાન છે અને એ છે સવેળાનો વિચાર.'

ધ ર્મ વિશે આપણે ત્યાં ઘણી-ઘણી વાતો, ચર્ચાઓ, વિવાદો અને છેક આંદોલનો થાય છે. રાજકારણીઓએ મત રળવા માટે એનો વેપાર પણ કર્યો છે. જ્યારે બીજી બાજુ વિશ્વધર્મ વિશેની પ્રવર્તમાન વિચારણાથી આપણે ઘણા દૂર ચાલ્યા ગયા છીએ. 'ધર્મો વચ્ચે શાંતિ અને ભાઈચારો નહીં હોય તો રાષ્ટ્રો વચ્ચે કદી શાંતિ શક્ય નથી. ધર્મો-ધર્મો વચ્ચે સંવાદ હોય તો જ ધર્મો વચ્ચે શાંતિ પ્રવર્તે.'

ધર્મમાં પરંપરા ક્યારેક નદીના વહેતા પ્રવાહને બદલે સાંકડા વર્તુળમાં આવેલા બંધિયાર સરોવર જેવી બની જાય છે. આ પરંપરા સામે અનેક પડકારો હોય છે. એવું પણ બને છે કે ધર્મના મૂળ સિદ્ધાંતો અને વર્તમાન સમયે એને અનુલક્ષીને કરવામાં આવતા ક્રિયાકાંડો કે વિચારધારાઓ સાવ ભિન્ન રૂપે પ્રવર્તતી હોય છે. વિજ્ઞાનની શોધો અને પ્રગતિએ પણ ધાર્મિક પરંપરા પાસે પરિવર્તન માગ્યું છે. જગતનો ઇતિહાસ જોઇશું તો ખ્યાલ આવશે કે જે સંસ્કૃતિ પરિસ્થિતિ સાથે પરિવર્તન પામતી રહી તે જ આ જગતમાં ટકી શકી છે. એનો તાદ્રશ અનુભવ કોરોનાકાળમાં થયો. આપણે આપણી કેટલી બધી માન્યતાઓ, પરંપરાઓ, ધર્મવિધિઓ અને ધર્મ આચરણોમાં ફેરફાર કરવો પડયો હતો. એટલે કે પરિવર્તન એ આવશ્યક બને છે. પરંપરા પ્રત્યે વિવેક દ્રષ્ટિ રાખીને તથા હેય ઉપાદેયનો ઉચિત-અનુચિત વિચાર કરીને ધર્મભાવનાએ આગળ વધવું જોઈએ.

ઓગણીસમી સદીમાં સ્વામી વિવેકાનંદ વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સમાં ગયા. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે યોજાયેલી આ વિશ્વધર્મ પરિષદમાં સૌરાષ્ટ્રના મહુવા ગામના ૨૯ વર્ષના યુવાન વીરચંદ રાઘવજી ગાંધી પણ ગયા હતા. એ સાંખ્ય, વેદાંત, અદ્વૈત, બૌદ્ધદર્શન અને જૈનદર્શનને જાણતા હતા. એમણે એ વખતે ત્યાં યુનિવર્સલ મેન (વિશ્વ માનવ)ની વાત કરી અને વિશ્વમાં સૌ પ્રથમ યુનિવર્સલ મેન અને યુનિવર્સલ બ્રધર હૂડ (વૈશ્વિક ભાઈચારો)ની વાત સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ કરી હતી.

મહાત્મા ગાંધીજીએ આમાંથી જ એક સરસ વાત કરી છે અને તે વ્યાપક ધર્મભાવનાની. જુદા જુદા ધર્મોના સુંદર અંશો લઈને એનો એક સરસ મજાનો સમુચ્ચય કરીને માણસ જીવે. વર્તમાન વિશ્વ આ ધર્મને બહુ જુદી રીતે જુએ છે.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના પ્રારંભે પ્રાર્થનાનું ગાન કરાયું કે, 'હે ઈશ્વર, અમને આ એઇડ્સની બીમારીમાંથી ઉગારજે, કે જેને પરિણામે આજે આફ્રિકા ખંડમાં રોજ ૨૫,૦૦૦ માણસો આ ભયાનક બીમારીના શિકાર બને છે.'

એનો અર્થ એ કે જે ધર્મ પૃથ્વી પર જીવતા માણસનો - માનવતાનો વિચાર કરતો નથી, એ ધર્મ નથી, કિંતુ અધર્મ છે. ૧૯૯૩ની શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં વક્તવ્ય આપવા ગયો, ત્યારે એના પ્રારંભે ભારે આશ્ચર્ય વચ્ચે પ્રાર્થના રૂપે રેડઇન્ડિયનોએ ગીત રજૂ કર્યું હતું, જેમાં એમની પાસેથી વિના કારણે ભૂમિ છીનવી લેનારાઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. જેને જંગલી અને આદિવાસી ગણીને અત્યાર સુધી ધુત્કાર્યા એવા રેડ ઇન્ડિયન્સનું ગીત રજૂ થયું. આ પ્રાર્થનાગીતમાં રેડઇન્ડિયનો સવાલ ઊઠાવતા હતા કે, 'અમે તમારો કશોય ગુનો કર્યો નથી, અમારી જમીનના ભાગ તમે શું કામ લઈ જાઓ છો ? કેમ આટલો ત્રાસ આપો છો ? અમારી નાની કોમને શાંતિથી જીવવા દો.'

આમ પ્રાર્થના હવે માત્ર મંગલમય ગાન નથી રહી. એ દબાયેલી, કચડાયેલી, રૃંધાયેલી માનવજાતની વેદનાની ચીસ બની ગઈ છે. હવે અગણિત ભેદો-પેટાભેદો મિટાવીને માણસને પરસ્પરને ચાહવા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે ધર્મ જોઈએ છીએ. માણસને રિબાવવા, શોષણ કરવા, અત્યાચાર અને આક્રમણ માટેના ધર્મની જરૂર નથી. એકબીજાની લાગણી મેળવવા માટે અને માનવીય ગુણને મહોરવા માટે ધર્મ જોઈએ છીએ.

આજનો માનવી ઉત્તમ તત્ત્વો લઈને અધ્યાત્મ તરફ જાય છે. પરિણામે એક સમયે ધર્માંતરની પ્રવૃત્તિ મહત્ત્વની બની હતી, એને બદલે આજે હું મારા ધર્મની સારી વાત કરું. તમે તમારા ધર્મની સારી વાત કરો અને આપણે બંને ઉમદા વિચારો કે માનવતાલક્ષી આચારોનો સમન્વય સાધીને આપણું જીવન ઘડીએ. પૃથ્વીના ગ્રહ પર ધર્મોનું મેઘધનુષ્ય રચીએ.

આજે આપણા દેશમાં અને અન્યત્ર પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ બનાવવાનું ઝનૂન જાગ્યું છે, ત્યારે વૈશ્વિક ધર્મસંમેલનોની વિચારધારા સાવ જુદી છે. આ ધર્મવિષયક આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં પહેલી શરત એ હોય છે કે, 'તમારે એવું નહીં કહેવાનું કે તમારો ધર્મ જ મહાન છે.' વળી હકીકત એ છે દુનિયાના તમામ ધર્મ ઉપાસકો એમ જ કહે છે કે એમનો ધર્મ સૌથી શ્રેષ્ઠ છે અને બાકીના બધા તુચ્છ, ત્યાજ્ય કે સામાન્ય છે. હવે ધર્મ પરિષદોની પ્રથમ શરત જ એ કે તમારે એમ નહિ કહેવાનું કે તમારો ધર્મ મહાન હોય છે, કારણ કે દરેકનો ધર્મ એમની રીતે મહાન છે. તમારે તો એ દર્શાવવાનું કે તમારો ધર્મ વર્તમાન સમયમાં માણસજાતને માટે કઈ રીતે ઉપયોગી બને તેવો છે. એના વિકાસમાં એ કઈ રીતે સક્રિય યોગદાન આપી શકે તેમ છે. ધર્મ એ તલવારની ધાર નથી, પણ માણસ-માણસને જોડતી એક સરસ મજાની સેતુરૂપ સાંકળ છે.

લંડનમાં એક કોલેજમાં હું બેઠો હતો. ત્રણ છોકરીઓ વાત કરતી હતી. એક છોકરીએ પોતાના ત્રણ બોયફ્રેન્ડની વાત કરી. એણે કહ્યું કે મારી બર્થડે વખતે જ્હોને મને પચ્ચીસ પાઉન્ડની ગિફટ આપી. જોનીએ મને ત્રીસ પાઉન્ડની ગિફટ આપી, પણ વિલિયમ ઇઝ ગ્રેટ. એણે મને એકસો પાઉન્ડની ગિફટ આપી. હવે લગ્ન તો એની સાથે જ કરવાની. આમ, માણસનું માપ અને મૂલ્યાંકન બદલાય છે. જીવન પ્રત્યેની દ્રષ્ટિ બદલાય છે. આપણા દેશનાં ત્યાગ, સમર્પણ, પરમાર્થ અને કુટુંબભાવનાનાં મૂલ્યો જતાં રહેશે, તો પછી આ દેશમાં ગરીબી સિવાય બીજું કંઈ બચશે ખરું ?

માણસજાતનું મૂલ્યોનું આમૂલ પરિવર્તન થાય છે ત્યારે ધર્મની શ્રેષ્ઠતાનાં યશોગાન કરવાને બદલે મારો ધર્મ તમને જીવન માટે શું આપી શકે છે ? તમારા ધર્મમાંથી કઈ ભાવના મારા જીવનમાં ઉપયોગી બને તેમ છે ? એ વિચારવું જોઈએ. જૈનદર્શનનો વ્યવહાર અને નિશ્ચયદ્રષ્ટિ મળે અને ઉપનિષદમાં પરા અને અપરા વિદ્યાનો વિચાર મળે. આ બંનેનો સમુચ્ચય સાધવાનો છે અને એ સમુચ્ચયમાંથી જે જાગે છે એ આધ્યાત્મિકતા છે.

વિશ્વમાં એક આંદોલન શરૂ થયું છે. વિવિધ ધર્મના અભ્યાસીઓ સાથે મળીને આવતીકાલના વિશ્વને પોતાની ભાવનાઓ પ્રદાન કરે છે. વિશ્વમાનવી હવે વિશ્વધર્મ અને વિશ્વસરકારનો વિચાર કરે છે.

૧૯૯૦ની ૨૩મી ઓક્ટોબરે લંડનના બકિંગહામ પેલેસમાં ઉ.ઉ.ખ. ના અધ્યક્ષ ડયૂક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને એક પુસ્તક અર્પણ કરવાનું હતું. બે દિવસ અગાઉથી અમને કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, પ્રિન્સ ફિલિપ જ્યારે બોલતા હોય ત્યારે વચ્ચે એક જ વ્યક્તિએ બોલવું, ખુરશીઓની વ્યવસ્થા આ પ્રમાણે છે તે નકશો આપીને જણાવ્યું. પ્રિન્સ ફિલિપ આવે ત્યારે કઈ રીતે હસ્તધૂનન કરવું તેની પણ માહિતી આપી. વળી કહ્યું કે બ્લ્યૂ શૂટ જ જોઈએ, ટાઈ પણ બ્લ્યૂ હોવી જોઈએ, પોલિશ કરેલા કાળા રંગના બૂટ હોવા જોઈએ - લાલ રંગના નહીં ચાલે - આમ બે દિવસ સુધી કવાયત ચાલી. ત્યારે થયું કે મહાત્મા ગાંધીમાં કેટલું આત્મબળ હશે કે એક પોતડી પહેરીને તેઓ બકિંગહામ પેલેસમાં ગયા હતા. કઈ શક્તિ હશે, કેવી તાકાત હશે, એનામાં કેવું ખમીર હશે. એ ક્યું ખમીર ? એ અધ્યાત્મનું ખમીર.

પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોનાં શબ્દો યાદ આવે છે. એમણે કહ્યું કે, 'વિશ્વના તમામ લશ્કરો કરતા એક વસ્તુ બળવાન છે અને એ છે સવેળાનો વિચાર.' આજે ધર્મ એ અધ્યાત્મ તરફ ગતિ કરી રહ્યો છે. એને ચહેરો માનવતા ભણી છે અને એટલે જ અનેક દેશોની પદયાત્રા કરનાર એવા શાંતિયાત્રાના પદયાત્રી શ્રી સતીશકુમારને એમનાં જુદાં જુદાં દેશોના ભ્રમણ દરમિયાન વિવિધ સંસ્કૃતિઓનો પરિચય થયો. હિંદુ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મીઓને મળ્યાં. તો રશિયન, અમેરિકન, યુરોપિયન, એશિયન લોકોને મળ્યાં. શ્યામવર્ણા, ગોરા અને ઘઉંવર્ણા માનવીઓને મળ્યાં. સામ્યવાદી, સમાજવાદી અને મૂડીવાદીઓને મળ્યાં અને અંતે એમણે પોતાની યાત્રાનો નિષ્કર્ષ આપતા એમ કહ્યું,

''તમે તેઓને ઉંડાણથી તપાસશો અને તેમનામાં રહેલી માનવતાનો સ્પર્શ કરી જોશો તો બધે જ કાગડા કાળા જ છે, પણ તે એકતાને પારખી શકો તે પહેલાં તમારે તમારા પૂર્વગ્રહોથી મુક્ત થવું પડે. ભારતનો ઝંડો લઈને હું હિંદુ તરીકે જઈશ તો મને પાકિસ્તાની મળશે. હિંદુ તરીકે હિંદુ ધર્મ દુનિયામાં શ્રેષ્ઠ છે તેવું કહેતો હું જઈશ તો મને ખ્રિસ્તી કે મુસ્લીમ 

એમ કહેતા મળશે કે, 'ના, ના... ! તમે ખોટા છો. અમારો ધર્મ જ શ્રેષ્ઠ છે.' હું સમાજવાદી તરીકે જઈશ તો મને મૂડીવાદી મળશે. હું ઘઉંવર્ણા માનવી તરીકે જઈશ તો મને શ્યામવર્ણો કે ગોરો માનવી મળશે, પણ હું એક માનવી બનીને જઈશ તો જ મને માનવી મળશે.''

આથી આજે ધર્મ એ માનવની ચિંતા કરે છે. માનવતાના પ્રસારની ખેવના રાખે છે અને આ જગત પર ટેક્નોલોજીમાં આવતાં પરિવર્તનો મનુષ્યજાતિ પર આધિપત્ય મેળવી રહ્યાં છે, ત્યારે આપણે એક એવા યુગમાં પ્રવેશી ગયા છીએ કે એના વિકાસના પરિમાણ અને એની ગતિ આપણને આશ્ચર્યચક્તિ કરતી રહેશે.

એકાએક કોઈ ભેખડ ધસી પડે કે હિમપ્રપાત થાય, એ રીતે થતું ટેકનોલોજીનું પરિવર્તન મનુષ્યજાતિના સત્વને અને શક્યતાને આકાર આપશે અને આ પરિવર્તન આપણા ગ્રહ પરની દરેક જીવસૃષ્ટિને એક યા બીજી રીતે પ્રભાવિત કરતું રહેશે. એ પરિવર્તન માત્ર ધર્મ, સમાજ, સંસ્કૃતિ કે વાણિજ્ય પૂરતું જ મર્યાદિત નહીં રહે, પરંતુ આપણા જીવવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, આહારશાસ્ત્ર અને જીવનપદ્ધતિ એ સહુ કોઈ પર પ્રબળ પ્રભાવ પાડશે અને ત્યારે આવે સમયે પ્રત્યેક ધર્મએ વર્તમાન વિશ્વ સાથે અને આધુનિક માનવી સાથે તાલ મિલાવવા માટે નવી દ્રષ્ટિની ખોજ કરવી પડશે.

ક્ષણનો સાક્ષાત્કાર

આ જમાનો આવ્યો છે 'ઇન્સ્ટન્ટ'નો. સવાલ જાગે અને ગુગલ કે ચેટજીપીટીને પૂછીએ એટલે તરત જ પ્રત્યુત્તર મળે. આને કારણે મન એવું માની બેઠું છે કે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર તત્કાળ પ્રાપ્ત થવો જોઈએ. કેટલીક વ્યક્તિઓ પોતાના કાર્ય કે પોતાની સામેની સમસ્યા અંગે અતિ ઉતાવળે ઉત્તર આપતી હોય છે. તમે હજી પ્રશ્ન પણ પૂરો કર્યો ન હોય, ત્યાં તેઓ તેનો ઉત્તર હાજરાહજૂર કરી દેતા હોય છે ! 

હકીકતમાં આ ઝડપી જમાનામાં 'ધીરે ધીરે વિચારવું' એ જરૂરી છે. જેમ ધીમી ગતિનાં સમાચાર હોય તેમ ધીમી ગતિએ વિચાર કરવાની જરૂર હોય છે. આને માટે ખૂબ ઝડપથી ચાલી રહેલા તમારા વિચારોને બ્રેક આપીને અટકાવવા પડશે અને 'સ્લો થિંકિંગ' કરવું પડશે. કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા વિશે વિશેષ ચિંતનની એ માટે જરૂર પડે છે કે તમારા નિર્ણયની દૂરગામી અસર થતી હોય છે.

જમાનો આખો 'ફાસ્ટ થિંકિંગ'નો મહિમા કરતો હોય, પણ આપણે એ ભૂલવું નથી કે 'સ્લો થિકિંગ'ની પણ જરૂર હોય છે. જેને કારણે શાંત ચિત્તે ધીમે ધીમે વિચાર કરવાથી તમે સઘળા પાસાંનો વિચાર કરી શકો છો. એની શક્યતાઓને ખંખોળી શકો છો અને એના આવનારા શક્ય પરિણામનો અંદાજ મેળવી શકો છો. ક્યારેક ઝડપી નિર્ણય કરવા જતા ખોટા કમિટમેન્ટ થઈ જતા હોય છે અને અંતે એ હાનિકારક બનતા હોય છે.