Get The App

ફ્રેન્ડશિપ: દુનિયામાં ટેકનોલોજી-સોશિયલ મીડિયા ક્રાંતિની ઈમારતનો પાયો

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ફ્રેન્ડશિપ: દુનિયામાં ટેકનોલોજી-સોશિયલ મીડિયા ક્રાંતિની ઈમારતનો પાયો 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- દોસ્તો વચ્ચે સહજ બોન્ડિંગ હોય છે. સાથે બેસીને ગપ્પા હાંકતા હોય ને કોઈ અફલાતુન આઈડિયા સ્ફૂરી જાય એવું દોસ્તો વચ્ચે શક્ય છે. એવા જ મિત્રોએ મળીને આ દુનિયા બદલી નાખી છે...

માઈક્રોસોફ્ટ, એપલ, એમેઝોન, આલ્ફાબેટ અને મેટા.

આ પાંચ કંપનીઓ ટેકનોલોજીના ફીલ્ડમાં બિગ-ટેક કહેવાય છે. આ પાંચેય કંપનીએ દુનિયાને સમૂળગી બદલી નાખી. માઈક્રોસોફ્ટ સોફ્ટવેર, કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ, કમ્પ્યુટર હાર્ડવેર, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, વીડિયો ગેમ્સ જેવા ક્ષેત્રોમાં મોટું માથું છે. એપલે પર્સનલ કમ્પ્યુટર્સ અને મોબાઈલના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. એમેઝોને ઈ-કોમર્સમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે ને સાથે સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ, સેટેલાઈટ ઈન્ટરનેટમાં પણ નામ કાઢ્યું છે.

આલ્ફાબેટ જે ગૂગલના નામે જગવિખ્યાત છે, તેણે તો ટેકનોલોજીના અનેકાનેક ફીલ્ડમાં રીતસર મોનોપોલી સર્જી છે. ઓનલાઈન જાહેરાતથી માંડીને સર્ચ એન્જિન સુધીમાં ગૂગલને કોઈ ટક્કર આપી શકતું નથી. ફાઈવ-બીગની છેલ્લી કંપની મેટા પાસે દુનિયાભરના કરોડો સોશિયલ મીડિયા યુઝર્સ છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપની જે મોનોપોલી છે એનો તોડ વિશ્વની એકેય કંપની પાસે નથી.  ટેકનોલોજીના ક્ષેત્રમાં આ બિગ-ટેક કંપનીઓ ચાવીરૂપ છે. એમાંથી એમેઝોનને બાદ કરતાં ચાર કંપનીઓ દુનિયાને મળી હોય તો એની પાછળ દોસ્તીનું 'ફેક્ટર' જવાબદાર છે.

***

એપલ : કમ્પ્યુટર્સ- સ્માર્ટફોનને સ્માર્ટ બનાવનારા ત્રણ દોસ્તો

૧૯૭૬માં સ્થપાયેલી એપલ કંપની આજે ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી કંપની છે અને પહેલા નંબરની મૂલ્યવાન બ્રાન્ડ છે. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, ગ્રાફિક્સ ઈન્ટરફેસમાં નવો ચીલો ચાતરીને એપલે સ્માર્ટફોનની આખી દુનિયા બદલી નાખી. એપલ અને સ્ટીવ જોબ્સ એકબીજાના પર્યાય બની રહ્યા. સ્ટીવ જોબ્સના કંપની સાથેના સંબંધોમાં પછીના વર્ષોમાં નાટયાત્મક ચઢાવ-ઉતાર પણ આવ્યા, પરંતુ આ કંપની માત્ર સ્ટીવ જોબ્સની ન હતી. એની સ્થાપના પાછળ પણ દોસ્તી કારણભૂત હતી.

સ્ટીવ જોબ્સના નામેરી સ્ટીવ વોઝનિક આ કંપનીના સહસ્થાપક તો ખરા જ. સ્ટીવ જોબ્સ સાથે વોઝનિક પણ પર્સનલ કમ્પ્યુટર રેવોલ્યુશનના પાયોનિયર ગણાય છે. બંનેની દોસ્તી એપલ કંપની શરૂ થઈ તેના પાંચ-સાત વર્ષ પહેલાંથી હતી. બંને કમ્પ્યુટર મેકર કંપની એચપીમાં સાથે જોબ કરતા હતા. બંને એક જ પ્રોજેક્ટમાં કામ પણ કરતા હતા. બંનેને ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર્સ રસના વિષયો હતા અને એ વિષયોએ બંનેને જોડી રાખ્યા. તેમણે મળીને તે સમયે માર્કેટમાં જે કમ્પ્યુટર્સ મળતા હતા તેનાથી બહેતર યુઝર એક્સપિરિયન્સ આપે એવું કમ્પ્યુટર બનાવવાનો વિચાર કર્યો ને એમાંથી કમ્પ્યુટર્સ ઉપરાંત સ્માર્ટફોનની ક્રાંતિ થઈ.

મૂળ સ્ટીવ અને વોઝનિકની મિત્રતા તો હતી જ, વોઝનિક ને રોનાલ્ડ વેયની પણ દોસ્ત હતા. રોનાલ્ડ આ બંનેથી ઉંમરમાં વીસેક વર્ષ મોટા. બંને યુવાનોના સાહસમાં જોડાવાનો રોનાલ્ડે પણ નિર્ણય કર્યો. ત્રણેયે મળીને એપલ કમ્પ્યુટર કંપની નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું. એમાં ત્રણેયનો રોલ પણ સ્પષ્ટ હતો. સ્ટીવ વોઝનિક ટેકનોલોજી પર ફોકસ કરતા હતા. સ્ટીવ જોબ્સ માર્કેટિંગ અને બિઝનેસ જોતા હતા અને રોનાલ્ડનું કામ કંપનીનું એડમિનિસ્ટ્રેશન જોવાનું હતું. જોકે, રોનાલ્ડે એકાદ વર્ષમાં જ કંપની છોડી દીધી, પરંતુ સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિકની પાર્ટનરશિપ ઘણાં વર્ષો ટકી. લગભગ ૨૦ વર્ષ સુધી તેમણે એપલમાં કામ કર્યું.

ગૂગલ : બે કોલેજ ફ્રેન્ડ્સનો ઈનોવેટિવ આઈડિયા

અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પીએચડી સ્ટૂડન્ટ્સ લેરી પેજ, સર્ગેઈ બ્રિન અને સ્કોટ હસને રિસર્ચના ભાગરૂપે સર્ચ એન્જિનના કોડ બનાવ્યા. યુનિવર્સિટીના આ દોસ્તોને ખબર ન હતી કે તે માત્ર કોડ નથી લખી રહ્યા, ટેકનોલોજીનો ઈતિહાસ લખી રહ્યા છે. આર્ચી નામનું સર્ચ એન્જિન તો અગાઉ પણ બની ચૂક્યું હતું, પરંતુ એને પોપ્યુલારિટી મળી ન હતી. કોલેજના મિત્રોએ બનાવેલું આ સર્ચ એન્જિન વધારે સરળ હતું, વધારે યુઝર ફ્રેન્ડલી હતું. કોલેજ પ્રોજેક્ટ પૂરો થયા પછી સ્કોટ હસને રોબોટિક્સના ફીલ્ડમાં જવાનું નક્કી કર્યું અને લેરી-સર્ગેઈની જોડીએ આ પ્રોજેક્ટને જ બિઝનેસ બનાવવાનો પ્લાન અમલી બનાવ્યો.

૧૯૯૮માં લેરી-સર્ગેઈએ ગૂગલ નામથી કંપની બનાવી. સર્ચ એન્જિનને બેહદ સક્સેસ મળી. ગૂગલ સર્ચે આ ક્ષેત્રનો મોટો હિસ્સો અંકે કરી લીધો. ઉત્તરોત્તર સર્ચ એન્જિનના યુઝર્સ વધતા રહ્યા. પછી તો કંપનીએ સર્વિસની હારમાળા સર્જી દીધી. જરૂર પડી એ પ્રોડક્ટ ઈન્વેન્ટ કરી. જરૂર પડી ત્યારે નાની-નાની કંપનીઓને ખરીદી લીધી ને એ રીતે ગૂગલ કંપની એક મોટી બ્રાન્ડ બનીને ઉભરી. જે સફળતા મેળવતા એપલ-માઈક્રોસોફ્ટને બબ્બે, ત્રણ-ત્રણ દાયકા લાગી ગયા હતા ત્યાં પહોંચતા ગૂગલને એક દશકો પણ ન થયો.

૨૦૧૫માં ગૂગલને બદલે નામ બદલીને આલ્ફાબેટ કરાયું. ગૂગલને જગતની સૌથી પાવરફુલ કંપની કહેવામાં આવે છે. રેવન્યૂની રીતે એમેઝોન, એપલ પછી ગૂગલ ત્રીજા નંબરની ટેકનોલોજી કંપની છે. એપલ પછી ગૂગલ ગ્લોબલી બીજા ક્રમની વેલ્યૂએબલ બ્રાન્ડ છે. વર્ષો સુધી લેરી-સર્ગેઈ કંપનીમાં સક્રિય રહ્યા. બંનેની ભૂમિકા બહુ સ્પષ્ટ હતી એટલે બીજા મિત્રોએ બનાવેલી કંપનીઓની સરખામણીમાં આ બંનેની પાર્ટનરશિપ લાંબી ચાલી. કારણ કે એની પાછળ કોલેજકાળની સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ હતી. આ બંને દોસ્તો વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓના લિસ્ટમાં વર્ષોથી ટોપ-૧૦માં રહેતા આવે છે. કોલેજમાં ધનવાન બનવાનું સપનું જોયું હતું ને અઢી દશકામાં સાકાર પણ બન્યું. આવો બીજો કિસ્સો શોધવો મુશ્કેલ છે.

ફેસબુક : હાર્વર્ડના રૂમમેટ્સનું સોશિયલ મીડિયા રેવોલ્યુશન

ફેસબુક એટલે માર્ક ઝકરબર્ગ અને માર્ક ઝકરબર્ગ એટલે ફેસબુક - આવી એક ઈમેજ બની ગઈ છે. ફેસબુક કે જે હવે મેટા કંપની બની ચૂકી છે એનો ફેસ જ સીઈઓ માર્ક ઝકરબર્ગ છે, પરંતુ હકીકતે પાંચ દોસ્તોએ મળીને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યું હતું. હાર્વર્ડમાં સ્ટડી કરતાં મિત્રો - માર્ક ઝકરબર્ગ, એન્ડ્રૂ મેક્કૂલમ, ડસ્ટિન મોસ્કોવિટ્સ, ઈડુઆર્ડો સ્ટેવેરિન અન ક્રિસ હ્યુજીસે કંઈક જુદા પ્રકારની સોશિયલ મીડિયા સાઈટ બનાવવાનું વિચાર્યું.

એ પહેલાં છેક ૧૯૯૭માં સિક્સ ડિગ્રીઝ નામની સોશિયલ મીડિયા સાઈટ બની ચૂકી હતી. જાન્યુઆરી-૨૦૦૪માં ઓરકૂટ નામનું પ્લેટફોર્મ બન્યું હતું. એના મહિના પછી તુરંત આ યુવાનોએ ભેગા મળીને ફેસબુક લોંચ કર્યું. શરૂઆતમાં તો ઓરકૂટ સાથે એની સ્પર્ધા હતી, પરંતુ બે-ત્રણ વર્ષમાં ફેસબુકે બેહદ પોપ્યુલારિટી મેળવી લીધી. ફેસબુક ગણતરીના વર્ષોમાં જ દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની બની ગઈ. સમયાંતરે એમાંથી અન્ય મિત્રો હટી ગયા. કોઈએ પોતાનો જુદો બિઝનેસ સેટ કર્યો. કોઈએ માત્ર હિસ્સેદારી રાખી અને કંપનીમાં એક્ટિવ રોલ ન રાખ્યો. અત્યારે માર્ક ઝકરબર્ગ સીઈઓ છે. કંપનીનો ૮૦ ટકા હિસ્સો ઈન્વેસ્ટર્સ પાસે છે, પરંતુ ૨૦ ટકામાંથી ૧૩.૫ ટકા ઝકરબર્ગ પાસે હોવાથી કંપની એ ચલાવે છે. 

ફેસબુકમાંથી મેટા બનેલી આ કંપનીની સોશિયલ મીડિયામાં અલગ મોનોપોલી છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જર, થ્રેડ્સ જેવા પ્લેટફોર્મનો આગવો દબદબો છે. તે સિવાય કંપની સ્માર્ટગ્લાસથી માંડીને વર્ચ્યુઅલ રિઆલિટી, એઆઈ સુધીના કેટલાય ક્ષેત્રોમાં રોકાણ કરી રહી છે.

***

ટેકનોલોજીના ક્ષેત્રમાં આ પ્રકારના હજુય ઘણાં ઉદાહરણો મળી રહે છે. ભારતમાં પણ ઘણાં સ્ટાર્ટઅપ્સ દોસ્તોએ સાથે મળીને શરૂ કર્યા છે અને તેને બેહદ સફળતા મળી છે. જો ફ્રેન્ડશિપ મજબૂત હોય તો એનું ક્રિએટિવ પરિણામ મળ્યા વગર રહેતું નથી. 

માઈક્રોસોફ્ટ : બિલ અને પૌલની દોસ્તીનું પરિણામ

કમ્પ્યુટર્સ અને ટેકનોલોજિકલ ક્રાંતિના જાણકાર દરેકે દરેક માણસે બિલ ગેટ્સનું નામ સાંભળ્યું હોય. માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે કેવી રીતે કંપની સ્થાપી એ કિસ્સો તો બેહદ જાણીતો છે. છતાં સાથે મળીને કંપનીઓ સ્થાપનારા દોસ્તોની વાત નીકળે અને એમાં આ કિસ્સો ન હોય તો વાત અધૂરી રહે. બાળપણના બે મિત્રો બિલ ગેટ્સ અને પૌલ એલન. બંને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગમાં ભારે કુશળ. બંનેએ હાર્વર્ડ યુનિવસટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ બિલ ગેટ્સે યુનિવસટી છોડી દીધી અને દુનિયામાં કમ્પ્યૂટર સોફ્ટવેરની નવી તકો સર્જાતી હતી એ ગાળામાં સોફ્ટવેર મેકિંગના ક્ષેત્રમાં કિસ્મત અજમાવવા માટે માઈક્રોસોફ્ટ નામથી કંપની બનાવી હતી.

ઈન્ટરેસ્ટિંગલી કંપનીનું નામ પૌલ એલને સૂચવ્યું હતું. માઈક્રો કમ્પ્યૂટર સોફ્ટવેરના સંદર્ભમાં 'માઈક્રો' અને 'સોફ્ટ' શબ્દો ભેગા કરીને માઈક્રોસોફ્ટ નામની કંપની નોંધાવી હતી અને બિલ ગેટ્સ તેના સીઈઓ બન્યા. કંપનીએ શરૂઆતમાં સોફ્ટવેર પ્રોડક્ટ બનાવવા પર ધ્યાન આપ્યું. તે વખતની વિખ્યાત કમ્પ્યૂટર ઉત્પાદક કંપની આઈબીએમ સાથે કરાર કરીને બેસિકા સોફ્ટવેર બનાવી આપ્યો. સંખ્યાબંધ કમ્પ્યૂટર સોફ્ટવેર વિકસાવ્યા બાદ માઈક્રોસોફ્ટે ૧૯૮૫માં કમ્પ્યૂટર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ લોંચ કરી ને ટેકનોલોજીએ કરવટ બદલી.

અત્યાર સુધીમાં કંપનીએ વિન્ડોઝના ૧૧ વર્સન્સ લોંચ કર્યા છે. કમ્પ્યૂટર્સ, લેપટોપ અને ટેબ માટે માઈક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર્યાય બની રહી છે. કંપની સોફ્ટવેર ડેવલપમેન્ટ, કમ્પ્યૂટર હાર્ડવેર, કન્ઝયૂમર ઈલેક્ટ્રોનિક્સ, સોશિયલ નેટવકગ સવસ, ક્લાઉડ કમ્પ્યૂટરિંગ, વિડીયો ગેમ્સ, ઈન્ટરનેટ, કોર્પોરેટ વેન્ચર કેપિટલ જેવા ક્ષેત્રોમાં સવસ આપે છે. માઈક્રોસોફ્ટની માર્કેટ કેપ ૩.૮૧ ટ્રિલિયન ડોલરે પહોંચી છે. એપલ અને ગૂગલ પછી માઈક્રોસોફ્ટ ત્રીજા નંબરની સૌથી મૂલ્યવાન વૈશ્વિક બ્રાન્ડ છે. કંપનીની રેવન્યૂ ૨૮૧ અબજ ડોલર છે. સોફ્ટવેરના ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું એમાં બંનેની દોસ્તીનો, તેમની ક્રિએટિવ કંપનીનો મોટો રોલ હતો.