માનવજાતને વર્લ્ડનું મેનેજમેન્ટ આવડયું નથી
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- વિશ્વમાં હવે દેશો વચ્ચે વિચારધારાની લડાઈ ગૌણ બની ચૂકી છે ને તેનું સ્થાન આર્થિક સંઘર્ષે લીધું છે. આર્થિક હિતો કેન્દ્રમાં રહેવા લાગ્યા છે
કં પની મેનેજમેન્ટ એક કળા અને વિજ્ઞાન છે. જગતના મોટાભાગના દેશોને મેન્યુફેકચરીંગ તેમજ અને ડીસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ આવડી ગયું છે અને બેકિંગ, ફાયનાન્સ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે સેવાક્ષેત્રોનું પણ મેનેજમેન્ટ મહદઅંશે આવડી ગયું છે. પરંતુ જગતને હજી સમગ્ર વિશ્વનું પોલિટીકલ અને ફાયનાન્સીયલ મેનેજમેન્ટ આવડયું નથી. જગતમાં રાષ્ટ્રવાદ હેઠળ જે વર્લ્ડ ઓર્ડર ઊભો થયો છે તે અસ્થિર છે. ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે કે નહી તેની આગાહી કરી શકાય તેમ નથી. આજનું જગત ૧૯૨ રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયું છે. જગતમા રાષ્ટ્રવાદ વકરી ગયો છે.
ભારતમા કોમી રમખાણો પહેલા કરતા ઓછા થયા છે. અલબત્ત નાના મોટા કોમી છમકલા થાય છે તે કબૂલ કરવુ પડે. એમ તો અમેરીકામા પણ વ્હાઇટ અને બ્લેક પ્રજા વચ્ચે કંઈ ઓછા છમકલા થતા નથી. નાના નાના છમકલાઓથી જગતનો કોઈ દેશ બકાત નથી. અનેક સિધ્ધીઓ છતા જગત પરસ્પર હિંસક રાષ્ટ્રોમા વહેંચાઈ ગયું છે. પાકિસ્તાનાં બલુચીસ્તાન પોતાનો જુદો દેશ માંગી રહ્યો છે.ે યુક્રેન એક સ્વતંત્ર રાષ્ટ્ર હોવા છતાં તેને રશિયા પોતાના રાષ્ટ્રમા ભેળવવા અત્યંત હિંસક બની ગયું છે અને યુ.એસ.એ.ના પ્રેસીડન્ટ ટ્રમ્પ કેનેડાને પડાવી લેવા માગે છે અને ચીનનું ચાલે તો તે સમસ્ત દુનિયાને પડાવી લે એટલું બધું વિસ્તારવાદી છે.
દુનિયાભરમાં અસમાનતા : જગતની વસતી અમર્યાદ વધે છે તો સાથે સાથે જગતના લગભગ દરેક દેશમા આર્થિક અસમાનતા (આવકની અને સપત્તીની) વધતી જાય છે. ભારતની માથાદીઠ આવક લગભગ ૨૯૦૦ ડોલર્સ અને ક્યા અમેરિકાની સરાસરી માથાદીઠ આવક ૯૦,૦૦૦ ડોલર્સની નજીક અને સ્વીઝર્લેન્ડની એક લાખ ડોલર્સ નજીક અને લક્ષ્મબર્ગ જેવડા નાના દેશની પણ સરાસરી માથાદીઠ આવક એક લાખ ડોલર્સની પણ ઉપર છે. પશ્ચિમ જગત ઔદ્યોગીક વૈજ્ઞાનિક ડીજીટલ અને એઆઈ ક્રાંતિઓને કારણે સમૃદ્ધ બન્યું છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકન હિતોને સર્વોપરી ગણીને અત્યારે જગતને હરીફવોર દ્વારા ડરાવવા માંગે છે તેનો વિરોધ થવો જ જોઇએ.
આર્થિક હિતોના યુદ્ધો : અત્યારે વિચારસરણીના યુદ્ધોનું આર્થિક હિતો વચ્ચેના યુદ્ધોમાં પરિવર્તન થયું છે. અત્યારના જગતમાં રાષ્ટ્રો વચ્ચે વિચારસરણીના યુદ્ધો મંદ પડયા છે અને તેને બદલે આર્થિક હિતોના યુદ્ધો શરૂ થયા છે અને વધુ ગંભીર બન્યા છે. વિચારધારાનું સ્થાન વેપારે લીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેપારીવૃત્તિને દુનિયામાં ઉત્તેજન આપ્યું છે અને તેના કારણે ટ્રેડવોરનો જન્મ થયો છે. અમેરિકાની સામે ચીને ટ્રેડવોરનો મોરચો સંભાળ્યો છે તેના કારણે ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. જગતમાં અત્યારે આર્થિક અને ધાર્મિક હિતો માટે લડાઈ ચાલી રહી છે. ધાર્મિક કટ્ટરવાદે દુનિયામાં કચ્ચરઘાણ વાળ્યો છે. અફઘાનિસ્તાન, ઇરાન, લીબિયા, પાકીસ્તાન, તુર્કી જેવા કટ્ટરપંથી દેશો અને કટ્ટરપંથી સામ્યવાદી દેશો રશિયા, ચીન, નોર્થકોરિયા વગેરે દુનિયાની આર્થિક સલામતી સામે ભયરૂપ સાબિત થઇ રહ્યા છે. જગત હવે વિચારસરણીઓના યુદ્ધમાંથી ઓથોરેટેરીયન વિરૂદ્ધ ડેમોક્રસી અને રીલીજીઅન વિરૂદ્ધ સાયન્સ, રીલીજીયન, વિરૂદ્ધ સીક્યુલારીઝમ અને ધ રૂર્લ્સ વિરૂદ્ધ રૂલ્ડના સંઘર્ષમા અટવાઈ ગયુ છે. મારો દેશ સૌથી મહાન, મારો ધર્મ જગતનો શ્રેષ્ઠ ધર્મ, મારી જાતી કે જ્ઞાતિ કે રેસ જગત પર રાજ કરવા સર્જાઈ છે અને છેવટે ધર્મનો વિજ્ઞાનપર વિજય થશે તે પ્રકારની અંધશ્રદ્ધાઓ વિશ્વને 'ન્યુક્લીઅર વોર' તરફ લઇ જાય તો નવાઈ નહીં.. ટ્રમ્પ અતિરાષ્ટ્રવાદી છે તેટલા જ અતિરાષ્ટ્રવાદી જિનપિંગ, પુટીન, ખોમેની અને કીમજોંગ તેમ જ અફઘાનીસ્તાનના તાલીબાનો અને યમનના હુથી બળવાખોરો છે. જગતના સ્કેનેડેવીઅન રાષ્ટ્રો પ્લસ, સ્વીત્ઝર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, હોલેન્ડ વગેરેને તેમણે જે કલ્યાણ રાજ્યો ઊભા કર્યા છે તેમને દરેકને વારા પ્રમાણે 'વર્લ્ડ કપ' એનાયત કરવો જોઇએ.
અમેરિકાએ એકલે હાથે જગતને ડીજીટલ અને એઆઈ યુગમા પ્રવેશ કરાવ્યો તેને પણ ગોલ્ડ મેડલ મળવો જોઇએ. વિસ્તારવાદી રશિયાની સામે યુક્રેનને સપોર્ટ કરીને તેમજ રશિયા-ચીનના એકાધીકારવાદી સામ્યવાદી શાસનને ચેકમેટ કરનારા અતિરાષ્ટ્રવાદી ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ બ્રોન્ઝ મેડલ આપી શકાય. માત્ર બ્રોન્ઝ મેડલ કારણ કે તેમણે માત્ર અમેરીકાના હિતને પ્રાધાન્ય આપ્યું છે જગતના હિતને નહી. જગતમા જેન્યુઆઈન લોકશાહીની ઝડપ એકદમ ધીમી પડી ગઈ છે. ભારતમા તમામ રાજકીય પક્ષો પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહે છે.
ટૂંકમાં, માનવજાતને કોર્પોરેટનું મેનેજમેન્ટ તો બખૂબી આવડયું, પરંતુ વર્લ્ડના મેનેજમેન્ટમાં છબરડાં રહી ગયા.