Get The App

નરસિંહ અને રામાયણ: હવે જીતવી છે દુનિયા

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
નરસિંહ અને રામાયણ: હવે જીતવી છે દુનિયા 1 - image


- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- તૈયાર થઈ રહ્યું છે ભારતીય દેવો અને પૌરાણિક પાત્રોનું અજાયબ સિનેમેટિક મલ્ટિવર્સ!

- રહેમાન અને હેન્સ ઝિમર

સૌ થી વધારે મજા ક્યારે આવે છે, ખબર છે? જ્યારે કોઈ ફિલ્મ ઢોલનગારાં વગાડયા વગર ચુપચાપ રિલીઝ થઈ જાય ને પછી સ્ક્રીન પર બોમ્બની જેમ ફાટે, ત્યારે. ઉદાહરણ તરીકે, અત્યારે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે એ થ્રીડી એનિમેશન ફિલ્મ 'મહાવતાર નરસિંહા'. ચાર દક્ષિણ ભારતીય ભાષાઓ વત્તા હિન્દીમાં રિલીઝ થયેલી આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે એક પણ સ્ટાર વગરની ને કમ્પ્યુટર પર તૈયાર થયેલી નખશિખ ભારતીય એનિમેશન ફિલ્મ સફળ પણ થઈ શકે છે ને ચિક્કાર કમાણી પણ કરી શકે છે.

ડિરેક્ટર અશ્વિનકુમારની કરીઅરની આ પહેલી જ ફિલ્મ. 'કેજીએફ' અને 'કાંતારા' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા  પ્રોડક્શન હાઉસનો એમને સાથ મળ્યો. મેકરોની દાદાગીરી જુઓ. 'મહાવતાર નરસિંહા' રિલીઝ થાય તેની પહેલાં જ તેમણે વિષ્ણુના દસેય અવતારોને આવરી લેતી કુલ સાત ફિલ્મોનું આખું યુનિવર્સ ડિઝાઇન કરી નાખ્યું. આગામી દસ વર્ષ દરમિયાન આ સાત એનિમેટેડ ફિલ્મો વારફરતી રિલીઝ થતી જશે:  મહાવતાર નરસિંહા (૨૦૨૫) પછી પરશુરામ (૨૦૨૭), રઘુનંદન (૨૦૨૯), દ્વારકાધીશ (૨૦૩૧), ગોકુલાનંદ (૨૦૩૩), કલ્કિ-ભાગ ૧ (૨૦૩૫) અને કલ્કિ-ભાગ ૨ (૨૦૩૭).   

ડિરેક્ટર અશ્વિનકુમારને 'મહાવતાર નરસિંહા' બનાવતા એમને સાડાચાર વર્ષ  લાગ્યાં. ફિલ્મ ખૂબ સફળ થઈ છે એનો અર્થ એ થયો કે ઓડિયન્સને તેનું વીએફએક્સ અને ફોટો-રિયલિસ્ટિક એનિમેશન ગમ્યું છે. જોકે ભક્ત પ્રહલાદ અને વિષ્ણુના નરસિંહ રૂપની પૌરાણિક કથા જ એટલી જબરદસ્ત છે એનિમેશનમાં ક્યાંક ક્ષતિઓ રહી ગઈ હોય તો પણ પ્રેક્ષકો તેને ચલાવી લે.

***

પૌરાણિક ફિલ્મોની વાત નીકળી છે તો સાથે સાથે નીતિશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'ની વાત પણ કરી લેવી જોઈએ. રણબીર કપૂર એમાં રામ બન્યો છે, સાઉથની સાંઈ પલ્લવી સીતા અને 'કેજીએફ'થી ખૂબ જાણીતો બની ગયેલો કન્નડ સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકા ભજવશે. આ અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલાં રિલીઝ થયું ત્યારે તે જોઈને આપણે સૌ મુગ્ધ થઈ ગયા હતા. ખાસ કરીને એના સંગીતથી. જોકે ભૂતકાળમાં આપણે 'આદિપુરૂષ'થી એવા દાઝયા છીએ કે આ 'રામાયણ' પાસેથી ઊંચી અપેક્ષા રાખતાં ડર લાગે છે.

આ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા છે. 'રામાયણ' અને એની સિક્વલના બજેટનો એવો અધધધ આંકડો એમણે મીડિયા સામે ટાંક્યો છે કે  માન્યામાં ન આવ્યો. સોશિયલ મીડિયા પર તેથી તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી. આ એક વાત થઈ. ધ્યાન ખેંચે એવી વાત એ છે નમિત મલ્હોત્રાનો બાયોડેટા ખાસ્સો પ્રભાવશાળી છે. વિઝયુઅલ અને સ્પેશિયલ ઇફેક્ટ્સનું કામ કરતી એમની કંપનીઓ- પ્રાઇમ ફોકસ તેમજ ડીએનઇજી -   આ બન્નેએ અત્યાર સુધીમાં આઠ ઓસ્કર અવોર્ડ્ઝ જીતી લીધા છે, અને તે પણ ક્રિસ્ટોફર નોલનની ત્રણ ફિલ્મો - ઇનસેપ્શન, ઇન્ટરસ્ટેલર અને ટેનેટ ઉપરાંત એક્સ મેકીના, બ્લેડ રનર ૨૦૪૯, ડયુન અને ડયુન-ટુ જેવી અફલાતૂન ફિલ્મો માટે!

'રામાયણ'ના બન્ને ભાગનું સાઉન્ડ ડિઝાઇનિંગ એ.આર. રહેમાન અને હેન્સ ઝિમર સાથે મળીને તૈયાર કરી રહ્યા છે. વિશ્વ કક્ષાની ખ્યાતિ ધરાવતા મ્યુઝિક કમ્પોઝર હેન્સ ઝિમર બે ઓસ્કર અને પાંચ ગ્રેમી અવોર્ડ્ઝ જીતીને બેઠા છે. એમની ફિલ્મોગ્રાફીમાં ધ લાયન કિંગ, ગ્લેડિએટર, પાઇરેટ્સ ઓફ કેરેબિઅન સિરીઝ ઉપરાતં ક્રિસ્ટોફર નોલનની કેટલીય ફિલ્મોનાં નામ બોલે છે. આપણા એ.આર. રહેમાન પણ બે ઓસ્કર અવોર્ડ્ઝ જીતી ચૂક્યા છે. એટલે, સમજોને કે, નમિત મલ્હોત્રાની કંપનીઓ, હેન્સ ઝિમર અને એ.આર. રહેમાને સંયુક્તપણે કુલ એક ડઝન ઓસ્કર અવોર્ડ્ઝ જીત્યા છે! જ્યારે ભગવાન રામની ભવ્યાતિભવ્ય કથાને સિનેમેટિક ફોર્મમાં આતંરરાષ્ટ્રીય ઓડિયન્સ સામે મૂકવાની હોય ત્યારે આ કક્ષાની પ્રતિભાઓનોનું જ કોમ્બિનેશન થવું જોઈએ, ખરું?

રહેમાન અને ઝિમર જેવા કલાકારોને તમે પૈસાની લાલચ ન આપી શકો. નમિત મલ્હોત્રા એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'તેઓ જેટલા પ્રોજેક્ટ્સ સ્વીકારે છે એના કરતાં અનેક ગણા તો રિજેક્ટ કરે છે. તમે કંઈ એમની પાસે જઈને એવું ન કહી શકો કે હું તમને મોં માગ્યા પૈસા આપીશ, તમે મારી પિક્ચર માટે મ્યુઝિક બનાવો. આ બન્ને સંગીતકારો તમને તો જ હા પાડે જો તેમને ફિલ્મનો વિષય ખૂબ સ્પર્શી ગયો હોય. તેમનો સીધો હિસાબ હોય છે: હું આ ફિલ્મ શા માટે કરું? શું એ મારાં સમય અને શક્તિને લાયક છે? શું એનામાં  વિશ્વકક્ષાનું સર્જન બની શકવાનું કૌવત છે?'  

નમિત જ્યારે હેન્સ ઝિમરને રામાયણ વિશે બ્રિફ કરી રહ્યા હતા ત્યારે ઝિમરે કહી દીધું, 'તમારે મને રામાયણ એટલે શું તે સમજાવવાની જરૂર નથી. રામાયણ એ મહાગ્રંથ છે જે હજારો વર્ષોે પછી, આટઆટલી પેઢીઓ પસાર થઈ ગયા પછી પણ હિંદુઓ માટે રિલેવન્ટ જ નહીં, પૂજનીય છે. લોકો આજની તારીખેય રામાયણ વિશે એટલા જ ઇમોશનલ છે જેટલા હજારો વર્ષ પહેલાં હતા. બસ, આટલું પૂરતું છે. રામાયણ વિશે ઝાઝી ચર્ચાવિચારણા કે પિષ્ટપિંજણ કરવાની હોય જ નહીં. બસ, આપણે ચુપચાપ સ્વીકારી લેવાનું હોય કે રામાયણ તમારાથી અને મારાથી બહુ ઉપરની વસ્તુ છે, અને આપણે સારામાં સારી રીતે કામ કરવાનું છે.'

અમેરિકામાં વસતો હેન્સ ઝિમર નામનો આ જર્મન સંગીતકાર રામાયણની સૂક્ષ્મતાઓ વિશે કશું જાણતો નથી, પણ એ નતમસ્તક થઈને રામાયણની મહાનતા સ્વીકારે છે, અને તેના પર આધારિત ફિલ્મ માટે પોતાનું શ્રેષ્ઠત્વ રેડવા તૈયાર થઈ જાય છે તે કેટલી સુંદર વાત! 

ઝિમર અને રહેમાન એક મ્યુઝિક રૂમમાં સાથે બેસીને સંગીતનું સર્જન કરતા હોય તે દ્રશ્ય અદભુત હોવાનું. નમિત મલ્હોત્રા કહે છે, 'આ બન્નેને સાથે કામ કરતા જોવાનો લહાવો મને મળ્યો છે. બન્ને એટલા બધા નમ્ર માણસો છે કે ન પૂછો વાત. બન્નેને એકબીજાના કામ માટે ભારોભાર આદર છે. અમે ટાઇટલ મ્યુઝિકમાં બન્નેનું નામ મૂકી રહ્યા હતા ત્યારે મેં પહેલું નામ હેન્સ ઝિમરનું મૂક્યું. ઝિમર તરત કહે: ના ના, એ.આર. રહેમાનનું નામ મારા નામની પહેલાં મૂકાવું જોઈએ. ધારો કે એક જ લાઇનમાં બેયનું નામ મૂકાવાનું હોય તો રહેમાનનું નામ તો ડાબી બાજુ હોવું જોઈએ, ને મારું જમણે. આ સાંભળીને રહેમાન કહે: હેન્સ, તમે અમારા મહેમાન કહેવાઓ અને અમારી સંસ્કૃતિમાં તો અતિથિ ઈશ્વર સમાન ગણાય, એટલે પહેલું નામ તો તમારું જ મૂકવાનું હોય.'

આટલું કહીને નમિત મલ્હોત્રા ઉમેરે છે, 'હું તો આ જોઈને આભો જ થઈ ગયો હતો. આ છે અસલી કલાકારની ખાનદાની. બાકી આપણે તો એવા કલાકારો જોયા છે, જે ક્રેડિટમાં પોતાનું નામ પહેલું આવે તે માટે તે માટે ઝઘડા કરતા હોય છે અને એમના નામની ફોન્ટ સાઇઝ સહેજ નાની રહી ગઈ હોય તોય એમને વાંધો પડી જાય છે! ઝિમર અને રહેમાન જેવા આર્ટિસ્ટો આવી ક્ષુલ્લક બાબતોથી પર થઈ ચૂક્યા હોય છે, ને આ જ તેમનો સુપર પાવર છે!'

શો-સ્ટોપર

લો, હવે 'સૈયારા'ની સિક્વલની સંભવિત સ્ટોરી પણ ફરતી થઈ ગઈ છે. સાંભળો: હીરો અને હિરોઈનનાં લગ્ન થાય છે, હિરોઇનની યાદદાશ્ત પાછી જતી રહે છે ને એ ભૂલી જાય છે કે હીરો એનો હસબન્ડ છે. હિરોઇનની સ્મૃતિ તો જ પાછી આવી શકે એમ છે, જો એના એક્સ-લવરને એની સામે લાવવામાં આવે. હીરો દિલ મોટું કરીને પત્નીનો ભેટો તેના ભૂતપૂર્વ પ્રેમી સાથે કરાવે છે ને પોતે માત્ર 'અચ્છા દોસ્ત' જેવું વર્તન કરે છે. હિરોઈનની યાદદાશ્ત આખરે પાછી આવે છે ખરી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું છે. હીરોનું મૃત્યુ થઈ જાય છે અને હિરોઈનને ભાન થાય છે કે જેને એ પોતાનો દોસ્ત માનતી હતી એ તો એનો પતિ હતો. એણે મારી ભલાઈ માટે આટલું મોટું બલિદાન આપ્યું! 'સૈયાર-પાર્ટ ટુ'માં જો ખરેખર આવી કરૂણ સ્ટોરી હશે તો કલ્પના કરો કે આપણા જુવાનિયાઓ રડી રડીને કેવા ઊંધા પડી જશે!

Tags :