શમણાં પરોઢનાં .
- ચંડીદાન ગઢવી
- 'અરે યાર ! તું મારો બેસ્ટ ફ્રેન્ડ, તો તારાં પેરેન્ટ્સ મારાં પણ ગણાય કે નહિ ? તેમના આશીર્વાદ જરૂરી નહીં ?.. તારી રીંગ-સેરીમનીમાં હું પણ મારાં માતા-પિતા સાથે જરૂરથી હાજર રહીશ....
'વે દ ! આજે આ મકાનમાં ભાડુઆત તરીકે આપણાં દસ વરસ પુરાં થયાં.' ઋચા કેલેન્ડરનાં પાનાં ઉથલાવતી ક્ષણ-બેક્ષણ અટકી વેદ તરફ ફરી, 'આપણી આ દસકાની સફરમાં થયેલા પરસ્પરના અનુભવોને 'શેર' કરીએ તો કેવું ?'
ઓફિસ જવા તૈયાર થઈ બુટની દોરી બાંધતો વેદ હકારમાં ડોકું હલાવી રહ્યો, 'એક કાગળમાં લખી મને આપજે.'
'અને તું પણ.' ઋચા ખભે પર્સ લટકાવી લીફટમાં દાખલ થઈ. બીજા દિવસે રાત્રે પથારીમાં લંબાવી ઋચાના પત્રને તે વાંચી રહ્યો.
'ક્યાંથી શરૂ કરૃં ? આમ તો રિલેશનશીપ જેવું ક્યાં હતું ?'
એક રેસ્ટોરન્ટમાં ભોજન માટે આકસ્મિક જ મળેલાં. વેઈટર આપણા બન્નેની એક જ પસંદગીની વાનગીઓ ટેબલ પર ગોઠવી રહ્યો તે જોઈ મને સહજ આશ્ચર્ય થયેલું. સ્વાભાવિક વાતચીતની ઔપચારિકતાથી જાણ થઈ કે આપણે જોબ જોઈન કરવા આ શહેરમાં આવ્યાં હતાં. ફેશન ડીઝાઈનીંગ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ મેનેજરની મારી ઓળખને તેં સહજ સ્મિત સાથે આવકારી. જોકે તારી કંપનીના એક્ઝિક્યુટીવ દરજ્જાને મેં સન્માનથી પોંખ્યો હતો.
તારી એક વાત મને બહુ સજ્જડ રીતે સ્પર્શી ગઈ. તેં મને સ્ત્રી તરીકે નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે નિહાળી. તે મેં ખાસ માર્ક કર્યું. અને મેં પણ તને પુરૂષ તરીકે નહિ, મનુષ્યના સ્વરૂપ તરીકે જ જોયો હતો.
ભાડાના મકાનની શોધની મૂંઝવણ આપણા બંનેના ચહેરા પર હતી. તેં એક જ મકાનમાં અલગ અલગ રૂમમાં રહેવાની દરખાસ્ત મૂકી મારી સમસ્યા હલ કરી દીધી. અજાણ્યા શહેરમાં ક્યાં ભટકવું ? તેં જ બધી ગોઠવણ કરી દીધી. યોગાનુયોગ આપણી બંનેની ઓફિસ પાસે પાસે જ હતી !
ઓફિસ જતી વખતે દરરોજ હું મોડી જ પડું. લીફટ પાસે પહોંચું ત્યાં તો તું ગ્રાઉન્ડ ફલોર પર પહોંચી જતો. મારી રાહ જોવાની કોઈ ઔપચારિકતા નહિ. વેરી ગુડ. આઈ લાઈક ઈટ. ક્યારેક અકસ્માત લીફટમાં સાથે હોઈએ અને ભીડ હોય તો એકબીજાના ખભા ભીંસાય, તારો ગરમ શ્વાસ મારા ગાલ પર અથડાય તો પણ આપણે બંને જાતને સભાનતાથી સંકોચતાં નહિ બધું સ્વાભાવિક જ.
રસોઈમાં કશું ખૂટતું હોવાનું અચાનક યાદ આવે ત્યારે હું તારા કીચનમાંથી સાહજિકતાથી લઈ આવું. તું તો તારા કામમાં ગળાડૂબ હોય. તને ખબરે ય ન હોય કે હું આવી. મેં પણ પુરૂષના એકલા રહેતા 'પુરૂષ'ના કીચનમાં પ્રવેશ કર્યો છે તેવું ક્યારેય 'ફીલ' કર્યું નથી.
આપણા બર્થ-ડે વખતનો રમુજી કિસ્સો તો તને યાદ જ હશે. તું તારા મિત્રો સાથે ફોન પર જન્મદિવસનાં અભિનંદનના પ્રત્યુત્તર પાઠવતો મેં સાંભળ્યો. અને તેં મારા રૂમનાં કેલેન્ડર પર, જન્મ તારીખ પર દોરેલ વર્તુળમાં 'બર્થ-ડે' અનાયાસે જ વાંચી લીધેલું. આપણા બંનેની એક જ જન્મ તારીખ !
રાત્રે બર્થ-ડે કેક લઈ એકબીજાને વીશ કરવા નીકળ્યાં અને રસ્તામાં જ ભટકાઈ પડયાં. ક્ષણવાર તો સ્તબ્ધ થઈ ગયાં. પછી જોરજોરથી હસી પડયાં. તેં મારી કેક કાપી ત્યારે તારી તરફ મોં લંબાવ્યું. પણ તેં મીઠાઈનો ટુકડો મારા હાથમાં જ મૂકી, જાતે જ બીજો ટુકડો લઈ પોતાના મોંમાં મૂકી દીધો. મને એમ હતું કે...પણ મને એ ગમેલું. જો કે જે તો તારા મોંમાં જ મૂકવાનો આગ્રહ રાખેલો.
મારાં લેટેસ્ટ ડીઝાઈનનાં સુંદર વસ્ત્રો અને આકર્ષક મેક-અપને તેં વિવેકના ઔપચારિકતા ભર્યા સ્મિતથી પ્રશંસ્યાં હતાં. કોઈ સભાનતા નહિં, વિસ્મય નહિ. તારા સૌષ્ઠવપૂર્ણ અને સ્નાયુબદ્ધ શરીરની છ ફૂટ હાઈટને મેં સ્વાભાવિક કુતુબમિનાર-દર્શનની જેમ નોંધી હતી. આપણે કોઈ વિશેષ સ્પંદન અનુભવેલું નહિ.
આપણે ઓફ-બીટ ફિલ્મ જોવા ગયેલાં. પોતપોતાની ટિકિટ ખરીદેલી. સામાન્ય રીતે પુરૂષ સ્ત્રી સહજ. દાક્ષિણ્ય, લાંબા ગાળે થનાર 'ફાયદા'ને નજર સમક્ષ રાખી, ચૂકતો નથી. પરંતુ ઇન્ટરવલમાં નાસ્તાના પૈસા પણ એ રીતે જ ચૂકવાયા. તેં જ્યારે પાણી પીવા ગ્લાસ ઉપાડયો ત્યારે મને લાગેલું કે તું મને જ 'ઓફર' કરીશ. પણ તું જ પીને મને આગળ જવા સંકેત કરતો આઘે જઈ ઊભો રહ્યો. અને હા, આપણી બેઠકના બે નંબર જોડે જોડે નહોતા. એ તો વચ્ચેના મહાશયની અણગમતી ચેષ્ટાઓની મેં તને વાત કરી, ત્યારે તેં તેમને રીકવેસ્ટથી તારી સીટ પર મોકલેલા. આપણે પરસ્પરના અંગુલી-સ્પર્શને એક પ્રેક્ષકની જેમ જ અનુભવેલા.
વીક-એન્ડની રજામાં આપણે આપણા રૂમમાં જ વ્યસ્ત રહેતાં. એક બીજાની રૂમમાં ડોકિયું સુદ્ધાં નહોતાં કરતાં. આમ પરિચિત ! છતાં અજનબી પરસ્પરની રસોઈની સુગંધ માણતાં. આપ-લે નહિ.
આ બધાંની વચ્ચે એક ઘટના ક્યારેય નહિ ભુલાય. મને ભારે તાવ. તું ઓફિસ જવા નીકળ્યો. સહજ રીતે તારી દ્રષ્ટિ મારા રૂમમાં પડી. હું સુતેલી. તેં તુરત જ પ્રવેશી પરિસ્થિતિનો તાંગ મેળવી લીધો. ડૉક્ટરને બોલાવી ચેક-અપ કરાવ્યું. તું ઓફિસે ન ગયો. બજારમાંથી દવા લઈ આવ્યો. લીંબુ પાણી, ગ્લુકોઝ આપ્યું. કપાળે મીઠાંનાં પાણીનાં પોતાં તેં જ મૂક્યાં. બિલકુલ સહજ ભાવે માનવીય અભિગમ જ પડોશીનો કર્તવ્ય બોધ જ વ્યક્ત થતો રહ્યો. તારી આંખો અને અન્ય પ્રવૃત્તિમાં સાયાસ કશું નહિ. પુરૂષ-સ્ત્રીની સભાનતા નહિ એ જ સ્વસ્થતા, નિ:સંકોચપણું.
એક દિવસ મને થયું કે તને થોડો ચકાસું. ઓફિસેથી જાણીજોઈને મોડી આવી. ત્યારે દૂરથી મેં તને બહાર ઉચાટભર્યા ચહેરે ઝડપથી આંટા મારતા તો જોયો. પરંતુ જેવી તારી નજર મારા પર પડી, તું ત્વરાથી દોડી તારા રૂમમાં ઘૂસી ગયો. તેં કદી મોડા આવવાનું કારણ પૂછ્યું નથી. કોણ જાણે પણ મને પસંદ પડયું. કોઈ આપણી રાહ જોતું હોય એ ખ્યાલ જ રોમાંચભરી ઝણઝણાટી ફેલાવી દે. તારી ખબર નથી. હું સાવધ બની ગઈ. આ ફેરફાર કેમ ?!
તું સરેરાશ વ્યક્તિથી જુદી જ આઈડેન્ટીટી ધરાવતી હસ્તી છો. સ્ત્રીને 'સેકન્ડ સીટીઝન' તરીકે નહિ. પોતાના જ એક હિસ્સા તરીકે જુએ છે. તારી સન્માનની ભાવના જ તારો 'પ્લસ પોઈન્ટ' છે. હું તારા તરફ કોઈ મુલાયમ લાગણીથી ઢળી રહી છું એવું તો તું નહીં ધારી લે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. હવે તારા અનુભવો મને આપજે. રાત્રે જમી-પરવારીને ઋચા બેડમાં આડી પડી, વેદનો પત્ર વાંચી રહી.
રેલવે-પ્લેટફોર્મની બહાર નીકળી, મારી નજર સામે માનવ મહેરામણ અને પૂરપાટ દોડતાં વાહનોની અનંત વણઝાર તથા ચિત્ર-વિચિત્ર અવાજોની દુનિયામાં ડગ માંડવાનો ડર ભર્યો રોમાંચ અનુભવી રહ્યો. એક જૂની હિન્દી ફિલ્મનું ગીત ચિત્રમાં ગૂંજી રહ્યું. 'એક અકેલા ઈસ સહર મેં, રાત મેં દોપહર મેં, આબો-દાના ઢૂંઢ તા હૈ, આશિયાના ઢૂંઢ તા હૈ...' શબ્દોમાં આઘુંપાછું....ભૂલચૂક લેવી દેવી !
પરંતુ રેસ્ટોરન્ટમાં આપણી ફર્સ્ટ મુલાકાતથી થોડો આશ્વસ્ત થયો...ચાલો, કોઈ વાત કરનાર તો મળ્યું ! તારી હકીકત જાણી. સાવ અજાણ્યા મેગાસીટીમાં જે હિમ્મતથી મારી જેમ તું પણ એકલી જ જોબ જોઈન કરવા આવેલી જાણી, તારી નીડરતાને દાદ આપી રહ્યો ! અને એમાંય તારી સહજ, સ્વસ્થ વર્તણૂંક, સ્ત્રી હોવાની સભાનતાનો જરીક અણસાર ન લાગે તેવી સ્વાભાવિક વાતચીતની છટાથી હું પ્રભાવિત થયો. મકાનની શોધનો ભાર, મારા જેવા બિલકુલ અજાણ્યા વ્યક્તિને સોંપી, વિશ્વાસનો જે પરિચય આપ્યો તે પણ સ્પર્શી ગયું. પરંતુ તું અવળું સમજી ન બેસે તેથી અભિવ્યક્તિથી દૂર રહ્યો.
ક્યારેક પૂર્વા પર સંબંધ ન હોય તેવી વ્યક્તિઓનો ભેટો થઈ જાય અને સંબંધનો સેતુ અવશપણે સર્જાય તેવું આપણી વચ્ચે થયું. એટલે તો તું ઓફિસે જવા, લીફટ પકડવામાં કાયમ લેટ પડતી. તો હું પણ ગ્રાઉન્ડફલોર પર પહોંચી, તારી નજર ન પડે તે રીતે તારી રાહ જોતો. જેવી તું લીફટમાંથી બહાર આવતી દેખાય કે તરત જ ઝડપથી ચાલી નીકળતો.
આપણો બર્થ-ડે એક જ દિવસે. કેવો યોગાનુયોગ ! વીશ કરવા અને સરપ્રાઇઝ આપવા, બર્થ-ડે કેક સાથે રસ્તામાં જ અથડાઈ પડયાં ત્યારે તારી લેટેસ્ટ ડિઝાઈનનાં આધુનિક વસ્ત્રો અને ચહેરા પર આછા મેક-અપની ગ્લોરીયસ ચમકથી ઝળહળતો તારો ગોર્જીયસ લુક ! છતાં સૌંદર્યની નુમાઈશનો પ્રચ્છન્ન પણ કોઈ ભાવ નહિ, સમાનતા નહિ ! તે મેં નોંધ્યું હતું. આપણે ત્યાં જ સેલીબ્રેટ કર્યું હતું તે યાદ છે. મારી તીવ્ર ઈચ્છા છતાં મેં તારા હાથમાં જ કેકનો ટુકડો મૂક્યો હતો. પરંતુ તે આગ્રહ કરી મારા મોંમાં મૂક્યાનું મને ગમેલું. પરંતુ સંયમ દાખવી ચહેરા પરની સ્વસ્થતા ભાવુક ન બનવા દીધી.
તારી બીમારી વખતે તારો ઓફિસ સ્ટાફ ખબર પૂછવા આવ્યો હતો. તે વેળા તેમનું સ્વાગત શી રીતે કરવું તે તારી મૂંઝવણ હું પારખી ગયેલો. તને ખબર ન પડે તે રીતે ઝડપથી નીચે જઈ સોફટ ડ્રીંક્સ અને આઈસ્ક્રીમ લાવી સર્વ કરતો મને જોઈ તારી આભારભરી દ્રષ્ટિ નિહાળી મેં સંતુષ્ટિ અનુભવી હતી.
તેં હસતાં હસતાં એક વખત ગમ્મત કરેલી, 'તું યાર ! કદી બીમાર કેમ પડતો નથી ? ક્યારેક તો માંદો પડ !'
ત્યારે મેં કહેલું, 'તું જેને ઋણ સમજી ઉતારવા માગે છે, તે હું કદી નહીં ઉતારવા દઉં. સમજી ગઈ ને ! એ માત્ર પડોશી ધર્મ જ છે. ધેટ્સ ઓલ !' આપણે બંને ક્યાંય સુધી મુક્ત હાસ્ય કરતાં રહ્યાં. એ દરમિયાન તેં મારી પીઠ પર 'યુ ઈડિયટ !' કહી મારેલો જોરદાર ધબ્બો, મારા સ્મૃતિપટ પર કાયમ માટે અંકિત થઈ ગયો.
આવા નાના મોટા કેટલાય પ્રસંગો છે. કેટલા યાદ કરું ? એક વાત કરું ? મને તારા જેવી ઉમદા અને બુદ્ધિશાળી મિત્ર મળી તે બદલ ઇશ્વરનો આભાર. અને તારો જે જીવનસાથી બનશે તે રીયલી ભાગ્યશાળી હશે. બેસ્ટ ઓફ લક !
'ઓફ કોર્સ !' પત્રની ગડીવાળી કાળજીપૂર્વક કબાટમાં મૂકી મનોમન સ્મિત કરી રહી.
થોડા દિવસ પછી એક દિવસ ઓફિસે જતાં ઋચા વેદને કહી રહી,
'તું આવતી કાલે રજા લઈ લે જે.'
'કેમ ?' વેદે સહજ ભાવે તેની સામે જોયું.
'આવતીકાલે મારાં બા-બાપુજી આવવાનાં છે. અને જે યુવક સાથે મારાં એન્ગેજમેન્ટ થવાનાં છે તે પણ. તારે જ બધી વ્યવસ્થા કરવી પડશે ને!' ઋચા સ્વસ્થતાથી ચાલતી રહી.
વેદ સ્તબ્ધ બની ગયો. 'તારી સગાઈ ?? તેં તો ક્યારેય તારા ભાવિ પતિ વિશે વાતે ય કરી નથી...તો પછી...!' તે મૂંઝવણ અને નિરાશામાં અટવાઈ ગયો.
'હું છેલ્લાં સાત-આઠ વરસથી વિડીયો ફોનથી તેના સંપર્કમાં છું. તને જણાવવું મને જરૂરી ન લાગ્યું...અરે ! એ આજે આવવાનો છે ને ! જોઈ લે જે ને ! સાહજિક ઢબે છૂટી પડતાં સ્હેજ અટકી,' અને હા ! તારા માતા-પિતાને પણ તેડાવ્યા છે.
આશ્ચર્યમાં ગોથાં ખાતો વેદ તેની સામે ઊભો રહ્યો. 'પણ તેમની શી જરૂર છે ? '
'અરે યાર ! તું મારો બેસ્ટ ફ્રેન્ડ, તો તારાં પેરેન્ટ્સ મારાં પણ ગણાય કે નહિ ? તેમના આશીર્વાદ જરૂરી નહીં ?.. તારી રીંગ-સેરીમનીમાં હું પણ મારાં માતા-પિતા સાથે જરૂરથી હાજર રહીશ....પ્રોમીસ બસ !' તેં ઝડપથી ચાલી નીકળી.
પરંતુ ઓફિસે ગયા પછી વેદને ચેન ન પડયું. તેણે મન મક્કમ કરી ઋચાને ફોન કર્યો, 'તેં મને ન જણાવ્યું...ઠીક છે ! પરંતુ તે દેખાવમાં કેવો છે, વાણી, વાન, જોબ, પર્સનાલીટી, મેચ્યોરીટી...આ બધું અહીં બેઠાં બેઠાં કેવી રીતે જાણી લીધું ?'
'જો ને એક વાક્યમાં કહું તો બિલકુલ તારી પ્રતિકૃતિ જોઈ લે ! તું મિત્ર તરીકે ઉત્તમ છે. પરંતુ એ જરૂરી નથી કે મિત્રતા લગ્નમાં જ પરિણમે ! અને આપણે પહેલેથી જ એ બાબતમાં સ્પષ્ટ છીએ.' ઋચાએ ધબ્બ દઈને ફોન મૂકી દીધો.
'સ્ત્રીને બ્રહ્મા પણ સમજી શક્યા નથી તો આપણે...!' વેદ મનોમન બબડયો...મારી જ પ્રતિકૃતિ છે તો પછી...!' તે હતાશા ખંખેરી કામે વળ્યો.
બીજા દિવસે સવારે બંનેનાં માતા-પિતા આવી ગયાં.
'અરે યાર ! તું હજી આમ જ ફરે છે ? જા જલદી ઢંગનાં ચૂસ્ત વસ્ત્રો પહેરી જલદી આવ. મારા મંગેતરને કેવું લાગે ?' ઋચા સુંદર વસ્ત્રો અને મેકઅપ સાથે તૈયાર થઈ, પંડિતજીને સૂચના આપવા લાગી ગઈ. વેદને લાગ્યું કે ઋચાનું માન રાખવું પડે. તે તૈયાર થઈ ઝડપથી આવી ગયો.
'અરે ઋચા ! તારા પાર્ટનરનો ફોટો વેદને બતાવ્યો કે નહિ ?' પિતાએ તેનું ધ્યાન દોર્યું. 'બાપુજી એ તો તમારી પાસે જ છે ને !' ઋચા ફરી પંડિતજી સાથે વાતે વળગી. અરે હા ! બાપુજીએ એક તસવીર કાઢી વેદ તરફ ધરી. આ તો હું છું. આ નહિ, ઋચાના....વેદ આગળ બોલે તે પહેલાં બધાં ખડખડાટ હસી પડયાં.
વેદ સામે રીંગ ધરતાં ઋચા મોટેથી હસી પડી. અરે બુદ્ધુ ! એ તું જ છે. જલદી રીંગ પહેરાવ, મુહૂર્ત વીતી જાય છે. નજીક સરકી કાનમાં બોલી, કેવી રહી સરપ્રાઇઝ !
વેદના પિતા ખિસ્સામાંથી રીંગ વેદના હાથમાં મૂકતા, ઋચાને પહેરાવાનો સંકેત કરતા હસતા હતા. વેદ ચક્કર ખાઈ, રીતસર ડઘાઈ ગયો.