- અફઘાનિસ્તાનના બીજા રૂમી તરીકે જેમની ચાહના હતી તેવા મતિઉલ્લાહ તુરબનું થોડા દિવસો પહેલા જ નિધન થયું : ગરાજમાં કારીગર પણ બેમિસાલ સર્જક
- હોરાઈઝન-ભવેન કચ્છી
- 'વિશ્વમાં આ હદની પારાવાર પીડા, અમીર દેશોની દાદાગીરી નીચે કચડાતી પ્રજા, યુદ્ધ અને શોષણ છતાં સર્જકોના હૃદયમાંથી વેદના કેમ પ્રગટતી નથી'
નવાઈની વાત એ છે કે મતિઉલ્લાહને લખતા જ નહોતું આવડતું
આ જે એક એવા સહજ વિશ્વપ્રેમી કવિની વાત કરવી છે જેમનું થોડા દિવસો પહેલા જ નિધન થયું.પહેલી નજરે લાગે કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનના આ કવિ માટે કલમ ચલાવવી જરૂરી છે? પણ કવિ કરતાં પણ તેનો મિજાજ વિશ્વ સર્જકો માટે પ્રેરણાદાયી બન્યો છે. સર્જકને ભાષાની ડિગ્રી ,વ્યાકરણ કે કોઈ સાહિત્ય સંસ્થાના સભ્યના લેબલની જરૂર નથી હોતી તે તેમણે પુરવાર કર્યું હતું.
ચોતરફ વિશ્વમાં અશાંતિ, પીડા, શોષણ અને તનાવ છે ત્યારે સર્જક હેતુ વગરની શૃંગાર કે પ્રકૃતિની આરતી ઊતારતું સર્જન ન જ કરી શકે તેમ તેની અપીલ હતી.એટલું જ નહીં ચાપલૂસી કે ખુશામતથી સર્જક જોજનો દૂર રહે છે. કવિ યોજના પૂર્વક બનાતું નથી પણ બની જવાતું હોય છે અને તે જ સાચો કવિ તેવા તેના વિચારો હતા.તેના કરતા પણ વિશેષ કઈ હદના સહજ કવિ હતા તે પણ જાણવું રહ્યું.
અફઘાનિસ્તાનના ખોસ્ત ગામના એક જર્જરિત ઓટોમોબાઈલ ગરાજમાં મતિઉલ્લાહ તુરબ ટ્રકના બોડી બિલ્ડિંગ અને વેલ્ડીંગ જેવું ટાપટીપનું કામ કરતા હતા. મોટેભાગે પાકિસ્તાનથી માલસામાન સાથે હેરાફેરી કરતી ટ્રકોની આ ગરાજમાં મરમ્મત થતી હતી જેમાં તે નજીવા પગારથી કામ કરતા હતા. સાવ ગરીબ એવા નાના ગામના હાઈવે પરનું આ ગરાજ પણ જર્જરિત હતું.નજીકમાં જ તેનું ઝૂંપડી જેવું એક ઓરડીનું ઘર હતું.
મતિઉલ્લાહ માત્ર ગરીબ જ નહોતા અભણ પણ હતા. તે તેની પશ્તુન ભાષાના સીધા સાદા પ્રાથમિક ધોરણના વિદ્યાર્થી જેટલા શબ્દો વાંચી શકતા હતા. લખવાની તેને ફાવટ નહોતી.આવા મતિઉલ્લાહનું ગત ૧૫ જુલાઈના રોજ નિધન થયું ત્યારે અફઘાનિસ્તાનના કસ્બાઓમાં રાષ્ટ્રીય શોક જેવું વાતાવરણ હતું કેમ કે માત્ર ૫૪ વર્ષની વયે જ તેમને ચિરવિદાય લીધી હતી.જેમ કબીર વણકર હતા અને તેમના સર્જન થકી અમર થઈ ગયા તેમ મતિઉલ્લાહ ગરાજમાં લુહારી કામ કરતા હતા અને રાષ્ટ્રીય કવિ તરીકે ચિરંજીવ બની ગયા.
વાચક મિત્રો, તમે અંતરિયાળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જાવ અને મતિઉલ્લાહ તુરબનું નામ બોલો તે સાથે જ તમને ત્યાંની પ્રજા અહોભાવ સાથે જોવા માંડે. તમે તરત જ તેઓ સાથે આત્મિક જોડાણ સાધી શકો કેમ કે મતિઉલ્લાહ અફઘાનિસ્તાન અને ખૈબર પાકિસ્તાનમાં સેલિબ્રીટી જેવી ઓળખ અને તેના કરતા વિશેષ આદર ધરાવે છે.તે રાષ્ટ્રભક્ત કવિ તો હતા જ પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની નવી પેઢીમાં ખૂબ જ લોકપ્રિય પણ છે. એટલે સુધી કે વિશ્વમાં ચોતરફ વસતા ઇસ્લામ ધર્મીઓ, ચિંતકો તેમજ સાહિત્ય પ્રેમીઓમાં પણ છવાયેલા રહ્યા હતા. અમેરિકાથી પ્રકાશિત થતા 'ન્યુયોર્ક ટાઇમ્સ'માં તેની કાવ્ય પંક્તિઓ અને વિદેશી માધ્યમોમાં તેની તસવીર સાથે લેખ પણ પ્રકાશિત થતા હતા.
મતિઉલ્લાહ સભાનપણે કવિતાનું સર્જન નહોતા કરતા. તેને પોતાને ખબર જ નહોતી કે તેમનો કેટલો ક્રાંતિકારી ક્રેઝ છે. નવાઈની વાત એ છે કે તેઓ નિરક્ષર હોઈ લખી શકતા જ નહોતા. ટ્રકમાં પડેલા ગોબાઓને ઉઠાવતાં અને ટાયરોમાં પંકચર સાંધતા કે લોખંડના પૂર્જાનું વેલ્ડીંગ કરતા કરતા ઘણી વખત તેના ભગ્ન અને વિષાદભર્યા હૃદયમાંથી વિશ્વના લાચાર માનવીઓને ધર્મના સોદાગરો, રાજકારણીઓ અને વિકૃત મહત્વાકાંક્ષીઓ કઇ હદે બેરહમીથી કચડવા સાથે વૈમનસ્યનું ઝેર ફેલાવી રહ્યા છે તેની વિષમ વેદના શબ્દોરૂપે સરી પડતી. શરૂમાં તેમની વ્યથાની ચાર-પાંચ પંક્તિની કારીગરો નોંધ નહોતા લેતા. પણ પછીથી તેના સાથીઓને લાગ્યું કે તેમના સહજ સર્જનમાં રોષ અને વેદના છે. મતિઉલ્લાહની કાવ્યાત્મક વેદના તેના મુલ્કવાસીઓ સુધી પહોંચવી જોઈએ તેમ ટ્રક ડ્રાઇવરો અને અન્ય કારીગરોને લાગ્યું.
મતિઉલ્લાહ લખી નહોતા શકતા તેથી તેઓ જે બોલતા તેને જેમને લખતા આવડતું તેઓ ટપકાવી લેતા હતા.
ટ્રકોનું કામ કરવા આવનારાઓમાં અફઘાનિઓ અને પાકિસ્તાનીઓ હોઈ તેમાંના કોઈએ કહ્યું કે, 'મતિઉલ્લાહજી, તમને વાંધો ના હોય તો અમે અમારા વિસ્તારના અખબારોમાં તમારી સીસ્ટમ સામે દ્રોહ કરતી કવિતાઓ પ્રકાશિત કરાવીએ. પ્રજાને જાગૃત કરવાની જરૂર પણ જણાય છે. ધર્મના ઢોંગી આગેવાનો, નેતાઓ અને વિશ્વને વરવું બનાવનારા આંતરરાષ્ટ્રીય નેતાઓને બેનકાબ કરવાની જરૂર છે. તમારી કવિતાઓ પ્રજાને આત્મચિંતન સાથે ક્રાંતિબીજ રોપે તેવી છે.'
મતિઉલ્લાહની મહત્તમ કવિતા તાલીબાનો વિરુદ્ધ, ઇસ્લામનો ખોટી રીતે પ્રચાર કરનારા કેટલાક ધાર્મિક આગેવાનોના બદઇરાદાઓને પર્દાફાશ કરતી તેમજ અમેરિકા જેવા દેશના પ્રમુખો, પાશ્ચાત્ય દેશોના નેતાઓ વિશ્વને કઇ હદે અગનપછેડી ઓઢાડી રહ્યા છે તેના પર આક્રોશ ઠાલવતી છે.
મતિઉલ્લાહની કવિતાઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પ્રકાશિત થતા ભારે વિવાદ અને તનાવની હુતાશની પ્રજવલિત કરવા માટે નિમિત્ત બની હતી.આ ટૂંકી કવિતાઓ પશ્તોન, ઉર્દુ અને અગ્રેજીમાં ભાષાંતર પામી.
તાલીબાનોના ઇરાદાઓને એ હદે કવિતાઓમાં ઉઘાડા પાડવામાં આવ્યા કે તાલીબાનો વિરુદ્ધ ભારે જનાક્રોશ ફેલાવા માંડવા માટે પણ નિમિત્ત બની હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મુશાયરાઓમાં તો મતિઉલ્લાહની કવિતાઓનું મોજું ફરી વળ્યું પણ કેટલાક ઉત્સાહી ચાહકોએ કવિતાઓની 'એમ પી ૩' બહાર પાડી. 'યુ ટયુબ' પર પણ મુકી, તમે 'યુ ટયુબ' પર જઇને મતિઉલ્લાહની કવિતાઓ સાંભળી શકો છો.
આવુ થતા બધાને જે દહેશત હતી તેવું જ થયું. તાલીબાનો મતિઉલ્લાહને એક વખત તેમના ઘરમાંથી ઉઠાવી ગયા. અફઘાનિસ્તાનમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ.તાલીબાનો પર તેમને મુક્ત કરવાનું દબાણ છેક પાકિસ્તાનના સરહદી પ્રાંતોમાંથી આવવા માંડયું હતું. તાલિબાનોએ તેમને ચાર-પાંચ દિવસમાં મુકત કરવા ફરજ પડી હતી.
મતિઉલ્લાહને ભારે યાતના સાથે રોજ દિવસમાં ત્રણ-ચાર વખત ઢોર માર ફટકારવામાં આવતા હતા. લોહી નીંગળતા ઉંડા ઘા, ઉઝરડા અને અસહ્ય પીડાથી તેઓ ઓળખાય નહીં તેવા થઇ ગયા હતા.
તે પછી પણ મતિઉલ્લાહ સ્હેજ પણ ડગ્યા નહોતા. વધુ જોશભેર તેમના હૃદયમાથી શબ્દો ફૂટવા માંડયા. પછી તો તેઓની ત્વરીત નીકળતી કવિતાઓનું રેકોર્ડિંગ તેના સાથીઓ કરી લેતા હતા. તાલીબાનોએ તેમને પકડયા ત્યાર પછી વધુ રાષ્ટ્રીય હીરોની જેમ છવાતા ગયેલા . અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ હમીદ કરઝાઈએ મતિઉલ્લાહને આમંત્રણ આપી સન્માન કર્યું હતું. હમીદ કરઝાઈને તેમના જાનની ચિંતા હોઈ મતિઉલ્લાહને સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું કે કવિઓ તો અન્ય સંવેદના, અનુભૂતિઓનું પણ સર્જન કરતા હોય છે. તમે ધાર્મિક આગેવાનો, ઇસ્લામનો ખોટો પ્રચાર કરનારા કે વિશ્વના નેતાઓ પર રોષ ઠાલવતું સર્જન ન કરો. કવિતાના અન્ય પ્રકારો તરફ વળો.પણ તેઓ ન જ માન્યા.
મતિઉલ્લાહ કહેતા કે 'ખરેખર તો પ્રત્યેક માનવી હતાશ છે. તનાવ હેઠળ છે. આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે શોષણ પામીને ખતમ થઇ રહ્યો છે. વિશ્વમાં વિગ્રહ, આતંકવાદ, યુધ્ધ, ગરીબી, અમાનવીયતા જેવા પડકારો છે. આવી મનોસ્થિતિમાં કવિને પ્રકૃતિ, શ્રૃંગાર, પ્રેમ, વિરહ, જેવા ભાવો જન્મી જ કેમ શકે ? કાં તો તેઓ અલિપ્ત રહેતા સ્વકેન્દ્રીઓ છે અથવા તેઓને તેવું વિચારવું પરવડી શકે છે.અત્યારે તો નેતાઓ - ધર્મના રખેવાળાઓએ ઉભુ કરેલું વિશ્વ ખુબ જ બેેચેન છે.ગરીબ તો છે જ પણ તમામ સ્તરેથી પીડિત છે. કવિતા પૂર્વ આયોજનથી બનતી નથી.બની જતી હોય છે. મારામાંથી તો આવી જ માનવ જગતના વિષાદમાંથી નિપજતી કવિતાઓ જ બહાર આવશે.'
મતિઉલ્લાહ કહેતા કે ' હું તો મારો આક્રોશ ઠાલવતો લોખંડને ટાપટીપ કરતું કામ કરતો હતો પણ ગ્રાહકોએ મને કવિ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. બાકી હું તો એમ જ વાહનના પતરાને ટીપવા માટે હથોડા ફટકારતા પંક્તિઓ બોલતો હતો. મને તો આને કવિતા કહેવાય કે પછી તે આ હદે હવા ઉભી કરશે તેની કલ્પના જ નહોતી. મારો ક્રાંતિકારી થવાનો કોઇ ઇરાદો જ નથી.'
મતિઉલ્લાહને અફઘાનિસ્તાનના રૂમી પછીના બીજા પ્રભાવી કવિ માનવામાં આવે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તેના ચાહકો તેમને મોટુ ઘર અને નિશ્ચિત સારી એવી રકમ આપીને શહેરમાં કાયમી નિવાસ કરવા લાગણીભર્યું આમંત્રણ આપતા અને તેમને સમજાવતા કે 'તમને ગરાજમાં મજૂરી કરતા કારીગરના લિબાશમાં અમે જોઇ નથી શકતા. તમે ગરાજમાં ના શોભો. તમારા ફાટેલા મેલા કપડા, એક ઓરડીનું ઘર, નજીવી કમાણીથી અમે ક્ષોભ અનુભવીએ છીએ.'
મતિઉલ્લાહ તેઓને ઉત્તર આપતા કે 'આમાં જ સંતોષ છે. આ મારું મૂળ છે. આવી સ્થિતિ માહોલ અને વાતાવરણ હોય તો જ કવિતા જારી રહેશે ને.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવી તે પછી તેમના પર મોતનો હુમલો થઈ શકે તેવો ભય તો હતો જ. ઇસ્લામનો ખોટો પ્રચાર કરનાર કેટલાક ધાર્મિક આગેવાનોને પણ તેઓ આંખના કણાંની જેમ ખૂંચતા હતા. વિશ્વની સ્થિતિને જોતા સંવેદનશીલ એવા મતિઉલ્લાહ ભારે નિરાશા અને હતાશા હેઠળ રહેતા હોઈ તેઓને હૃદય રોગનો હુમલો થયો અને અકાળ મૃત્યુ પામ્યા.તેમનું આ કુદરતી મૃત્યુ છે કે કેમ તે રહસ્ય અકબંધ રહેશે.
જ્ઞાન પોસ્ટ
રાજકારણીઓ, ધર્મનેતાઓ અને અમલદારો તેમના ઝભ્ભામાં ત્રણ ખિસ્સા રાખે છે. એકમાં સ્થાનિક ભ્રષ્ટ ચલણી નાણું, બીજામાં ડોલર અને ત્રીજામાં અન્ય આવક (અફઘાની, ડોલર અને પાકિસ્તાની)
- મતીઉલ્લાહ તુરાબની
તેજાબી જબાન
મતીઉલ્લાહ તુરાબની કેટલીક પંક્તિઓનું અંગ્રેજીમાં ભાષાંતર
War has turned into tread, Heads have been sold as
they weigh like cotton,
and at the scale sit
such judges
who taste the bloods,
then decide the price


