Get The App

શિવ અને કૃષ્ણના મહિનામાં રામનું સ્મરણ .

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
શિવ અને કૃષ્ણના મહિનામાં રામનું સ્મરણ                    . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- શ્રાવણ મહિનામાં ચારેબાજુ શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે ત્યારે રામ અને અયોધ્યાની યુગો યુગોથી પ્રજ્વલિત જ્યોતિનો પરિચય મેળવવા જેવો છે

ઇ સવીસન પૂર્વેના પુરાતન કાળથી રામ નામના અજવાળાને કવિ વાલ્મીકિએ આર્ય સંસ્કૃતિમાં રોપેલું. એના અંકુરે આપણે પુરાતન પેઢીઓથી ઊજળા છીએ. એના ફણગા અનેક ભારતીય ભાષામાં પાંગર્યા છે, તુલસીદાસે એ અજવાળાની વેલને હૈયાનાં હીર પાઈને એવી તો શણગારી કે જાણે સંસ્કૃતિની વેલ ! વ્રજ, અવધિ, રાજસ્થાની, બંગાળી, પંજાબી, મરાઠી, ગુજરાતી, સિંધી અને દક્ષિણની તમામ ભાષાઓ તથા બોલીઓમાં એ અજવાળાંની ખેતી પહોંચી ગઈ છે. એ અજવાળે સનાતનીઓનું કાઠું બંધાયું છે. આદર્શો અને સંઘર્ષોની સ્પર્ધામાં આદર્શોને બહાર લઈ આવતી એ રામકથા ઉર્ફે રામાયણ એ સનાતન મૂલ્યોનો અપૂર્વ ગ્રંથ છે.

રામાયણના રામની જન્મભૂમિ અયોધ્યા છે. એટલું જ નહિ, સનાતન પ્રજાની આસ્થાનું કેન્દ્રબિંદુ અયોધ્યા છે. ઇતિહાસ અને સનાતન પ્રજાનું હૃદય એની શાખ પૂરે છે. અયોધ્યામાં પ્રગટેલો રામદીવો અખંડ છે અને રહેશે. વચ્ચેના ગાળામાં એ દીવાની જ્યોતને ક્ષીણ કરવાના અનેક પ્રયાસો થયા, જોરદાર પવનો ફૂંકાયા, ફૂંકો વીંઝાઈ, તોફાનો ત્રાટક્યાં, આંધીઓ ઊમટી તેમ છતાં અનેક ઝંઝાવાતો સામે એ જ્યોત અટલ રહી છે. 

રામાયણ માનવજીવનનું સનાતન મહાકાવ્ય છે અને રામ એ રામાયણના જ નહિ, હિંદુ પ્રજાના આદર્શનાયક છે. ભારતીયોની પ્રાર્થના અને ચાહના રામાયણ છે. એની કથા પ્રત્યેક પરિવારમાં પહોંચી ગઈ છે. રામ સાંસારિક જીવનના આદર્શ પુરુષ છે અને સીતા નાયિકા છે. કૈકેયી અને મંથરા જેવાં પાત્રો પણ ભારતીય પરિવાર નિભાવી જાણે છે. નર વાનરની સહાય થકી અભિમાનના પૂતળા જેવા રાવણનો પરાજય કરી શકે છે- એ શક્યતાઓનો ઉત્તમ નમૂનો રામાયણે પૂરો પાડયો છે- ઘરેઘરમાં તેને સ્વીકૃતિ મળી છે. રામ તો ઘટઘટમાં વ્યાપ્ત છે. દરેકના રુદિયામાં પણ તેમનો નિવાસ છે. પ્રથમ મંદિર રુદિયાનું પછી અયોધ્યાનું.

રામાયણનો પ્રભાવ સમગ્ર માનવજાત ઉપર કેટલો બધો વ્યાપક પડયો છે ? બે અજાણ્યા કે જાણીતા માણસો ગુજરાતમાં મળે એટલે 'રામરામ' કરે. એક શ્રીમંતાઈના શિખરે હોય અને એક ગરીબ ભલેને હોય ! બંને બોલે 'રામરામ'. બંનેના અંતરમાં બેઠેલો 'રામ' એક જ છે. રામ એકનો- રામ બીજાનો- એ ભેદ નહિ 'રામરામ'... આત્મા એક છે, તેનો બોધ એ વિવેકમાં રહ્યો છે. દશેરાનો ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે એમાં રામનામની શક્તિ રાવણ નામના અહમ્ને કેવો બાળી નાખે છે તેનું સૂચન છે. કેટલું વ્યાપક છે રામશાસન ! રામભાઈ અને સીતાબેન. ભરતભાઈ અને લક્ષ્મણભાઈ જેવાં નામો કેવાં માનવજાતમાં વ્યક્તિવાચક બનીને દાખલ થઈ ગયાં છે ! કેવળ માનવીમાં જ નહિ ફળમાં પણ રામફળ અને સીતાફળ- તમે જોયાં ચાખ્યાં છે ? સાચી વાતની પ્રતીતિ કરાવવા રામના સમ ખાવાનું પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. નરવા સોનાની લંકાનું મૂલ્ય અયોધ્યા આગળ રાખ જેટલું ! કોઈ માણસ સારા કામમાં આડખીલીરૂપ બને ત્યારે તરત કહેવાય છે કે- 'આ તો અયોધ્યામાં લંકા ઉભી કરે છે.' જટાયુ જેવા સહાયકો હવે તો શોધ્યાય જડતા નથી. પણ જ્યારે કોઈ નાનો માણસ મોટા કામમાં સહાયક બને છે ત્યારે એના જટાયુકર્મની આજે પણ નોંધ લેવાય છે. ગુજરાતી કવિઓ કવિતામાં રામ લઈ આવ્યા. ઉશનસે ગાયું 'રામની ભોંયમાં, રામનું ખેતર' મૃત્યુ ટાણે પણ 'રામનામ સત્ય છે'નો મહિમા ગવાય છે.

કોઈ પણ ગામ રામમંદિર વગરનું નહિ હોય, કોઈ પણ હિંદુ બાળક રામ-નામથી અપરિચિત નહિ હોય. કોઈ વ્યક્તિ ઝૂકે નહિ ત્યારે સમાજ 'તું જાણે ને રામ જાણે' એમ કહેતો હોય છે. કોઈ પણ વ્યક્તિનું મસ્તક એના મહિમા આગળ ઝૂકી જતું જ જોવા મળે છે. બાળકો ઘરઘરની રમત રમતાં હોય ત્યારે પણ માટીનાં મંદિર બનાવે, અને માટીના રામ પણ બનાવે. કિશોર થાય ત્યારે રામનાં ચરિત્રો ભજવે- સાંભળે- લખે... યુવાનો રામનો મહિમા આચરણમાં ઉતારવા મથે. વૃદ્ધો મોટાભાગે રામાયણની પંક્તિઓ કંઠસ્થ કરી આચરણમાં ઉતારતા પણ કોશિશ કરે. નાની બહેનો વ્રત કરતી થાય ત્યારે 'રામ' બોલીને જ ખાવાનું એવું વ્રત લે. ક્યાંક 'રામજ્યોત' અખંડ જલતી રહે. શબ્દ પણ રૂઢ થઈ ગયો છે. કોઈ પણ જગ્યાએ અસરકારકતા માટે 'રામબાણ' શબ્દ પણ રૂઢ થઈ ગયો છે. ક્યાંક રામ-રામ લખીને નોટો ભરી ભરીને ગંગાજીને સમર્પિત થાય. 'રામરોટી' નામે ભૂખ્યાંને ભોજન અપાય. અભિમાની માણસને 'રાવણ' કહેવાય અને સત્યનિષ્ઠ અને આદર્શવ્યક્તિને 'રામ'નું નામ મળે છે. આદિવાસી પ્રજા, જૈન સમાજ પણ પોતપોતાના રામાયણનો સ્વીકાર કરે છે. રામાયણને આધારે આજે પણ કાલિદાસના 'રઘુવંશ' અને ભવભૂતિના 'ઉત્તમરામચરિત'ની જેમ નાટકો, કથાઓ અને કાવ્યો રચાય છે. રામાયણ સાહિત્યનો મોટો ખજાનો છે. રામલીલાવાળા અને રામવાળા આજેય એનો પાઠ કરે છે. એ ભવ્ય આસ્થા નહિ તો બીજું શું ?

પ્રજાના લોહીમાં રામ ઉતરી ગયા છે. આત્મામાં એ ઓગળી રહ્યા છે ! હૈયામાં એ ઊછળી રહ્યા છે ! એ આસ્થાના બળે. એ આસ્થાને વંદન કરીએ. અયોધ્યામાં રામમંદિર જ નહિ, સનાતન પ્રજાની આસ્થાનું અને સંસ્કૃતિનું કેન્દ્ર નિર્માણ થયું છે! આદરપૂર્વક એને વંદન.