- ભગવાન બીઝી હોય,એમને વારેઘડીએ ડિસ્ટર્બ ન કરાય
વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
દિ લીપ ઝવેરીના કાવ્ય 'ભગતિની લિમિટ'નો આરંભ આમ થાય છે. 'બઉ ભગતિ કરી. હવે ભગવાનને ઝાઝો ભાવ દેવો નઈ. ઠાકોરજીને નવરાવો, લૂગડાં પહેરાવો, મુગટ શણગારો.પરસાદ જમાડો, હિંડોળો હલાવો, જાતજાતની સેવા કરો.
પછી તો ભગવાનને હેવા પડી જાય.
ભગતિ નો કરે એને તગેડી મેલે.
ને કરે એના માથે મણમણના ભાર ઠેલે'.
ઘણા સંપ્રદાયમાં શણગાર, હિંડોળો, પરસાદ વગેરે દ્વારા ઠાકોરજીની સેવા પર ભાર મુકાયો છે. કવિ ચેતવે છે, 'હવે બહુ થયું! ભગવાનને ખરાબ ટેવ પડી જશે. પછી ભક્તિ ન કરનારને અને કરનારને બેયને સંકટમાં મૂકશે.' પુરાણકથાઓ જ જોઈ લો ને. ભક્તો શરૂઆતમાં વિપત્તિમાં મુકાય (હરિશ્ચંદ્ર, ધુ્રવ, પ્રહલાદ, સીતા) તો ભક્તિ ન કરનાર અંતે આફતમાં સપડાય.(રાવણ, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ.) કવિ આગળ સમજાવે છે ઃ
'વાતવાતમાં ભગવાનને વચમાં વળૂંભવા જાવ.
ત્યારે ભૂલતા નઈ.
ભગવાનને આપણાં સિવાય બીજાંય કામ છે.
આપણે જ તો કહીએ છીએ કે ભગવાનની રજા વિના એકે પાંદડું હલે નઈ.
તો આ આવડી મોટી દુનિયામાં આટલાં બધાં ઝાડનાં.
એકે એક પાનને હલાવવા કે ઝાલી રાખવા.
ભગવાનને ટેમ કેટલો લાગતો હશે!
આપણે પોતાના નાના નાના મતલબ મનસૂબા મેળવવા...
આમ મછરાંની જેમ એમને ચોંટચોંટ કરી.
કેવાં કનડીએ છીએ?
વળી, વળગ્યું એને ઉડાડવા ભગવાન પોતાને જ ગાલે ધોલ મારે.
ભગવાનને તો કંઈ વાગવાનું નથી પણ આપણે તો પિચકરોળાવાને!'
કવિ બહુ ભક્તિ ન કરવાનું બીજું કારણ આગળ ધરે છેઃ ભગવાન બીઝી હોય,એમને વારેઘડીએ ડિસ્ટર્બ ન કરાય. 'ભગવાનની રજા વિના પાંદડું ય ન હલે' કહેવત છે. તેના વ્યંગાર્થને બદલે શબ્દાર્થને ઝાલીને કવિ તર્ક કરે છે કે કરોડો પાંદડાંને ઝાલવામાં અને હલાવવામાં ભગવાનને કેટકેટલો 'ટેમ' લાગી જાય. કહેવતનું આ નવતર અર્થઘટન થયું. વારંવાર ભગવાનને ચરણે લેટી જતાં જનો પ્રત્યે સૂગ દાખવતા હોય તેમ કવિ તેમને (મચ્છર નહિ પણ) મછરાં કહે છે. ઉપમા આગળ વધારતાં (કન્ટીન્યુઇંગ મેટાફર) કવિ કલ્પના કરે છે કે ભગવાન મછરાં ઉડાવવા પોતાને ગાલે ધોલ મારે, જેથી આપણે કચરાઈ જઈએ. અંધશ્રદ્ધાળુ જનો પરનો આ વ્યંગ છે. ભગવાનને કંઈ વાગવાનું ન હોય, તો કંઈ ચટકવાનું પણ ન હોય, ગાલે ધોલ શું કામ મારે? કવિ એક બાજુ 'ઈશ્વર સ્થાણુ, નિત્ય, સનાતન છે' વગેરે માન્યાતાઓ ઉપર હસી લે છે તો બીજી બાજુ તેમની સામે કરગરતાં જનોની હેસિયત મગતરાં જેવી છે, એમ ઉપહાસ કરી લે છે. આપણાં દુઃખો માટે ભગવાનને દોષ દેવો નહિ. આ સૃષ્ટિ આપણને કેંદ્રમાં રાખીને રચાઈ નથી. દુનિયામાં મોકલતી વેળા આપણને કોઈ ગેરંટી અપાઈ નથી કે અહીં સુખ જ સુખ મળશે. હરણનો જીવ બચે, તે દિવસે વાઘ ભૂખ્યો રહે છે. 'ડીઇઝમ'ની ફિલસૂફી કહે છે કે ભગવાને સૃષ્ટિ તો રચી છે પણ તે રોજબરોજની ઘટનાઓમાં કોઈ રસ લેતો નથી. આઇન્સ્ટાઈને કહ્યું હતું, 'હું ઈશ્વરમાં માનું છું, તેમની ઝાંખી મને બ્રહ્માંડના સંવાદી સંચલનમાં થાય છે, પરંતુ તેઓ માનવીની દૈનિક જિંદગીમાં હસ્તક્ષેપ કરતા નથી.' આ કાવ્ય 'ભગવાનની વાતો'માંથી લેવાયું છે, જે પુસ્તકને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. એક આડવાત ઃ આ કવિ નિરીશ્વરવાદી હોવા છતાં તેમણે ભગવાનને નિમિત્તે સૃષ્ટિને વૈજ્ઞાનિક, ઐતિહાસિક, ભૌગોલિક, સાહિત્યિક અને માનવીય દ્રષ્ટિકોણોથી જોઈ-તપાસી છે. ભગવાને આપણને અક્કલ શું કામ આપી? કારણ કે ઃ
'ભગવાનને પોતાનું કામ સહેલું કરવું છે.
તો ચલાવો અક્કલ અને ભગવાનને ફાલતૂ ખિચપિચ લપછપથી બચાવી.
બે ઘડી બપોરની નીંદર કે દરિયાકાંઠે વેકેશન કરવા દ્યો. ભગવાન દરિયાદિલ છે એટલે તમને ચાન્સ આપે છે.' ભગવાનની વાતો કરવા માટે કાચોપોચો કવિ હોય તો તત્સમ, આલંકારિક શૈલી પ્રયોજે. પણ આ કવિએ સાદાસીધા માણસની ભાષાથી કામ લીધું છે ઃ તળપદા ઉચ્ચારો, વાતચીતના અંગ્રેજી શબ્દો. ભગવાન ઘારણમાં હોય કે વેકેશન પર ઊતર્યા હોય, ત્યારે માણસ એમનું કામ કરી શકે.કઈ રીતે?
'કઠણાઈમાં પડેલા પડોશીને તસુ જેટલોય હાથ.
ભૂખ્યા વટેમારગુને ઘરવાળીએ ભથવારે બાંધેલાં થેપલાં.
કોઈ અણજાણ્યાની ચેહના ધુમાડે ભીની થતી આંખ...
અને અડધી રાતે.
આઘેની ગમાણમાં કોક કુંવારી સુવાવડીની રાડ ભેળું.
ચોદિશને ભરી દેતું.
નાગા નવજાતનું.
હિબકે હિબકે હરખાવતું રોણું'
સુજ્ઞા વાચક અંતિમ પંક્તિઓમાં ઈસુનો પ્રસવ થતો જોઈ- સાંભળી શકશે ઃ પ્રભુ નહિ પણ પ્રભુનો
પનોતો પુત્ર.


