- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- મારું ઘર બનાવવા અને ચલાવવા હું સક્ષમ છું, આવા નપુંસકની મદદની કે દયાની મારે કોઈ જરૂર નથી. દુનિયાની કોઈ સ્ત્રીને આવા પુરુષોની જરૂર નથી
'જીજ્ઞા, એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લે કે, આપણી જિંદગીમાં આટલું બધું ઝેર ઘોળી જનારા માણસને સાવ સરળતાથી મુક્ત કરવો તે મુર્ખતા કહેવાય. તું જે ભોગવીને આવી છું અને હાલ ભોગવી રહી છું તેના માટે તો એ માણસને આપો એ સજા ઓછી છે. તું એક વખત વિચાર કરી લેજે. આવતી તારીખ ઉપર આપણે કોર્ટને ફાઈનલ જવાબ આપવાનો છે. હું આશા રાખું કે મારી સલાહને તું ધ્યાનમાં રાખે.' - દેવેન્દ્ર રાવલે સોફા ઉપરથી ઊભા થતા થતા કહ્યું.
'મામા, હું વિચારીને કહીશ. હજી અઠવાડિયાનો સમય છે આપણી પાસે. હું અત્યારે મારી કેરિયર સેટ કરવા ઉપર ફોકસ કરી રહી છું. મારે તન્વીની લાઈફ સ્પોઈલ નથી કરવી. મારી પાસે જે ક્વોલિફિકેશન છે તેનો ઉપયોગ કરવાનો અવસર મળ્યો છે તો પહેલાં તેના ઉપર ફોકસ કરવું છે.' - જીજ્ઞાએ શાંતીથી કહ્યું.
'દીકરી, તું સારામાં સારી કરીયર બનાવ મને જરાય વાંધો નથી. મને તો બમણો આનંદ થશે કે મારી દીકરી કોઈને આધિન નથી. તું તન્વીના ફ્યુચર માટે આ કરે છે તે પણ મને ખબર છે. મારો માત્ર એક જ કન્સર્ન છે કે, પેલા રાસ્કલને છોડવો ન જોઈએ. આવા લોકોને સજા થાય અને કાયદાની ચાબુક વાગે તો જ સમાજમાં દાખલા બેસે.' - દેવેન્દ્રભાઈએ જતા જતા કહ્યું. જીજ્ઞાએ માત્ર માથું હલાવીને હા પાડી અને પોતાના રૂમમાં જતી રહી.
તેણે થોડીવાર લેપટોપ ખોલીને ઈમેલ ચેક કર્યા અને જ્યાં જોબનો સારો ઓપ્શન મળે તેના માટે થોડું સર્ફિંગ અને સર્ચિંગ કર્યું અને પહેલાં જ્યાં એપ્લાય કર્યું હતું તેના જવાબ આવ્યા કે નહીં તે જોઈને તેણે લેપટોપ બંધ કરી દીધું. બહાર જરાય અવાજ નહોતો થતો તેથી તે સમજી ગઈ કે હજી તનુ આવી નથી અને મમ્મી પણ તેના રૂમમાં જતી રહી છે અથવા તો બહાર હિંચકે જ બેસી ગઈ હશે. જીજ્ઞાએ ત્યાં જ ખુરશી ઉપર આંખો બંધ કરીને ટેબલના ટેકે સહેજ પગ સરખા કરીને લંબાવ્યું.
તેના મનોજગતમાં આરામની જગ્યાએ આંદોલન શરૂ થઈ ગયું હતું. વિચારો જે હદે ઉછળતા હતા કે જાણે કે લાગણીઓની સુનામી આવી જશે અને સંયમના તમામ બંધ તોડીને હિંમતની ઈમારતોના કાટમાળને ચૂરચૂર કરીને આંખોથી બહાર આવી જશે પણ તેણે આંખો કચ્ચીને ભીંસી દીધી. મનોભાવ વધારે વ્યાકુળ થાય ત્યાં જ તેના કાને મધુર રણકો પડયો.
'મમ્મી, જલદી બહાર આવ, જો હું શું લાવી છું. આજે મને ગિફ્ટ મળી છે. કેયાંશની મમ્મીએ મને ડોલ આપી છે. હવે મારું ટોય હાઉસ કમ્પ્લિટ કરવા માટે એક બોય ડોલ જોઈશે.' - તન્વીએ બહારથી જ કહ્યું અને જીજ્ઞા સીધી જ ઊભી થઈ ગઈ.
હાઉસ કમ્પ્લિટ કરવા માટે એક પુરુષની જરૂર છે. તેના મગજ ઉપર જાણે કે કોઈએ હજારો ટનનો ભાર મુકી દીધો હતો. તેવી લાગણીઓ કચડાવા લાગી હતી છતાં તે ચહેરા ઉપર સ્મિત લાવીને રૂમની બહાર આવી અને તન્વીને તેડી લીધી. તેને વહાલથી ગાલ ઉપર એક ચુંબન કર્યું અને નાની પાસે લઈ જવા પાસેના રૂમનું બારણું ખોલ્યું પણ રૂમમાં કોઈ જ નહોતું.
'મમ્મી, નાની તો બહાર ગાર્ડનમાં બેઠા છે.' - તન્વીએ કહ્યું. જીજ્ઞા તેને બહાર લઈને ગઈ અને મમ્મીની પાસે બેસાડી.
'મમ્મી, તમે બંને બેસો હું ચા-નાસ્તો લેતી આવું છું. તનુ માટે પણ દૂધ બનાવતી આવું છું.' - જીજ્ઞા બોલી.
'ના. તું અહીંયા બેસ અને હું જતી આવું છું. મારે રસોડામાં બીજું પણ કામ છે. તું થોડીવાર તનુ સાથે બેસ.' - સુભદ્રાબેન બોલ્યા અને હિંચકા ઉપરથી ઊભા થઈ ગયા. જીજ્ઞા હિંચકે બેસી ગઈ. ર્ેતનુ ત્યાં ગાર્ડનમાં બનાવેલું ટોય હાઉસ રમવામાં વ્યસ્ત થઈ ગઈ.
જીજ્ઞાના મનમાં હજી ઉથલપાથલ ચાલતી જ હતી અને ત્યાં તનુએ તેમાં ભડકો કર્યો.
'મમ્મી, આ હાઉસ કમ્પ્લિટ કરવા માટે બોયની જરૂર પડે જ છે. એકલી ગર્લ હોય તો હાઉસ કમ્પ્લિટ ના થાય.' - તનુએ કહ્યું અને જીજ્ઞાના મનોજગત ઉપર ન્યૂક્લિયર બ્લાસ્ટ થયો હોય તેમ લાગ્યું.
'બેટા, હાઉસ કમ્પ્લિટ કરવા માટે બધાની જરૂર પડે. ઘરમાં બધાનું ઈમ્પોર્ટન્સ હોય. બોયનું, ગર્લનું, દાદાનું, દાદીનું, નાનીનું, બધાનું હોય.' - જીજ્ઞાએ તેને સમજાવતા કહ્યું.
તુનએ તેની વાત સાંભળી, થોડું સમજી ના સમજી અને પાછી પોતાના રમકડાં રમવામાં વ્યસ્ત થઈ ગઈ. જીજ્ઞા પાછી વિચારોએ ચડી પણ હજી તો હાઈવે પકડાય અને સ્પીડ આવે તે પહેલાં મમ્મી ચા-નાસ્તો લઈને આવી ગઈ.
બંને વચ્ચે થોડી ઔપચારિક વાતો થઈ. ચા-નાસ્તો કર્યા અને જીજ્ઞા પોતાના કામ માટે પાછી બહાર જવા નીકળી.
'મમ્મી, પ્લીઝ મારા માટે એક મેલ ટોય લેતી આવજે. બહુ ઈમ્પોર્ટન્ટ છે. હું મારી ડોલના તેની સાથે મેરેજ કરાવીશ અને બંને હેપ્પીલી રહેશે આ ટોય હાઉસમાં.' - તનુએ કહ્યું અને જીજ્ઞા અંદરથી સમસમી ગઈ છતાં એક સ્મિત કરીને બહાર નીકળી ગઈ.
રાત્રે તેને ઘરે આવતા મોડું થઈ ગયું. મમ્મી અને તનુ ડિનર કરીને ઉંઘી ગયા હતા. ઘરમાં એક ચક્કર મારીને જીજ્ઞા બહાર આવીને હિંચકે જ ગોઠવાઈ ગઈ. તનુનું ટોય હાઉસ જોયું અને ફરી તેને પોતાની ગૃહસ્થી યાદ આવી ગઈ.
'જીજ્ઞા, એક વાત સાંભળી લે, મને મૈત્રી વગર નહીં ફાવે. હું તેની સાથે જ રહીશ. તું મૈત્રી સાથે એડજસ્ટ કરીને રહેજે, તેને પણ તારી હાજરીથી વાંધો નહીં આવે. તને ઘરમાં કોઈ કશું જ કહેશે નહીં. તારે કોઈ કામકાજ કરવાના નથી. તું અને તનુ આરામથી રહેજો, પૈસા વાપરજો પણ મને અને મૈત્રીને હેરાન ના કરતા. તને જો ના ફાવે તો જઈ શકો છો, ઘરના દરવાજા ખુલ્લા છે. બાકી મૈત્રી તો આ ઘરમાં જ રહેશે.' - ચિરાગે કહ્યું અને જીજ્ઞા અડધો જ કલાકમાં સામાન પેક કરીને મમ્મીને ત્યાં આવી ગઈ.
આજે આ વાતને દોઢ વર્ષ થઈ ગયું. કોર્ટના ધક્કા ચાલે છે અને કોઈ ઉકેલ આવતો નથી. આવા જ વિચારો અને સ્થિતિને યાદ કરતી કરતી જીજ્ઞા બહાર હિંચકા ઉપર જ ઉંઘી ગઈ. સવારે મમ્મીએ તેને જગાડી ત્યારે તેને સમજાયું કે રાત અહીંયા જ પસાર થઈ ગઈ હતી.
જીજ્ઞા અંદર ગઈ ફ્રેશ થઈને બહાર આવી તો મમ્મી ચાના કપ લઈને બહાર જ બેઠી હતી. જીજ્ઞાએ ફોન હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો.
'મામા, મને તમારી વાત મંજૂર છે. તમે કહેશો એવું જ થશે.' - જીજ્ઞાએ કહ્યું અને ફોન મુકી દીધો. સુભદ્રાબેનના ચહેરા ઉપર આછું સ્મિત આવ્યું અને કદાચ આંખોમાં આત્મસંતોષ ડોકાતો હતો.
કોર્ટની તારીખ આવી ગઈ અને જીજ્ઞાએ કોર્ટમાં એલિમનીની ડિમાન્ડ કરી. ચિરાગની આવક અને નેટવર્થના આધારે કોર્ટે રકમ નક્કી કરી આપી. ચિરાગના તો રકમ જાણીને મોતીયા મરી ગયા છતાં કોર્ટના આદેશને ક્યાંથી નકારી શકે. તેણે રકમ આપવાની તૈયારી બતાવી. જીજ્ઞાએ છ મહિનામાં રકમ આપવા અને દર મહિને કોર્ટમાં જ જજની સામે ચેક આપવાની ડિમાન્ડ રાખી જે મંજૂર કરવામાં આવી.
ચાર દિવસ બાદ ચિરાગ પહેલો ચેક આપવા આવ્યો. જીજ્ઞાએ ચેક હાથમાં લીધો, થોડું હસી અને પછી ચિરાગની સામે ચેક ફાડીને ફેંકી દીધો. કોર્ટમાં હાજર સૌ કોઈ તેની સામે જોઈ રહ્યા. જીજ્ઞાએ કોર્ટની માફી માગતા કહ્યું, નામદાર તમે મને રકમ મંજૂર કરાવી છે અને હવે તેની સાથે હું જે કરું તે મારી જવાબદારી છે. હું કોર્ટનો અનાદર કરતી નથી.
જીજ્ઞાએ ત્રણ તારીખ સુધી આવી જ રીતે ચેક લીધા અને જાહેરમાં ચિરાગની સામે ફાડીને ફેંકી દીધા. ચિરાગ સાવ દિગમૂઢ થઈ ગયો.
ત્રણ-ત્રણ વખત જીજ્ઞાએ જાહેરમાં તેનું અપમાન કર્યું અને તે કશું જ ન કરી શક્યો. ચિરાગે કોર્ટને વિનંતી કરી અને બાકીની રકમ તનુના એકાઉન્ટમાં સીધી જમા કરાવવાની મંજૂરી માગી. કોર્ટે જીજ્ઞાને પૂછયું. જીજ્ઞાએ હામી ભરતા કહ્યું, 'સર, આ પૈસા તનુના અધિકારના છે. તેને જેમ આપવા હોય તેમ આપે. માત્ર વ્યાભિચાર માટે પુરુષાતન સાચવતા આવા માનસિક નપુંસકનો મારે કોઈ ઉપકાર જોઈતો નહોતો એટલે ત્રણ ચેક મેં ફાડી નાખ્યા હતા. મારું ઘર બનાવવા અને ચલાવવા હું સક્ષમ છું, આવા નપુંસકની મદદની કે દયાની મારે કોઈ જરૂર નથી. દુનિયાની કોઈ સ્ત્રીને આવા પુરુષોની જરૂર નથી. જે સર્જન કરી શકે છે તે સંચાલન પણ કરી જ શકે છે.' - દેવન્દ્ર રાવલ, જજ અને ચિરાગ અને કોર્ટમાં હાજર બધા અવાચક થઈને જીજ્ઞાને જોતા રહ્યા.


