- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
- કુસ્તીના પાઠ શીખવવા માટે પિતા દયાનંદે પુત્ર સુજીતને જુનિયર લેવલની મેજર સ્પર્ધાઓથી દૂર રાખ્યો અને આખરે સુજીતે અંડર-૨૩માં વિશ્વવિજેતા બનવાની સિદ્ધિ મેળવી
દ રેક પ્રતિભામાં પોતાની આગવી ચમક હોય જ છે. જે કાચા હીરાની જેમ ઝાંખપથી ભરેલી હોય છે. આ જ ઝાંખપને અને તેના પર છવાયેલા આવરણોને પાસા પાડીને દૂર કરવામાં આવે છે, ત્યારે જ તેની ખરી ચમક દુનિયાની સામે આવે છે. જોકે ત્યાં સુધી તો બધાને મન કાચો હીરો અને પથ્થર એક સમાન જ હોય છે, તેની ભેદરેખાને માત્ર જાણકાર જ પારખી શકે છે અને તે જ હીરાને તેના યોગ્ય સ્થાન સુધી પહોચાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય કુસ્તી જગતમાં પણ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલા શૂન્યાવકાશની વચ્ચે પ્રકાશનું એક નવું કિરણ સુજીત કલકલે
રેલાવ્યું છે.
ભારતીય કુસ્તીના વૈભવી વારસાને જીવંત રાખવા માટે કટિબદ્ધ એવા હરિયાણાના અખાડામાં પરસેવો પાડીને તૈયાર થયેલા સુજીત કલકલે અંડર-૨૩ કેટેગરીમાં વિશ્વવિજેેતા તરીકેનો ખિતાબ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. સુજીત ભારતીય કુસ્તી ઈતિહાસમાં અંડર-૨૩માં વિશ્વવિજેતા બનનારો માત્ર ત્રીજો પુરુષ પહેલવાન છે. અગાઉ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા અમન સેહરાવતની સાથે સાથે ચિરાગ ચિક્કારા પણ આ જ વય વિભાગમાં વિશ્વવિજેતા બની ચૂક્યા છે, જોકે તેમણે આ સિદ્ધિ ૫૭ કિગ્રા વજન વર્ગમાં હાંસલ કરી હતી. જ્યારે સુજીતેે તો પ્રીમિયર અને તીવ્ર સ્પર્ધા ધરાવતી ૬૫ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં અંડર-૨૩માં વિશ્વવિજેતા બનીને બતાવ્યું છે. જે તેની વિશિષ્ટ પ્રતિભાનો એક વૈશ્વિક પુરાવો પણ છે.
સર્બિયાના નોવી સાદમાં યોજાયેલી અંડર-૨૩ કેટેગરીની વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં સુજીતે તેના વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં તેના કરતાં દમદાર અને વધુ હાયર રેન્ક ધરાવતા પહેલવાનોને ધોબી પછાડ આપી. હરિયાણાના ૨૨ વર્ષના પહેલવાન સુજીતની આ સિદ્ધિ ભારતીય કુસ્તી જગત માટે એક નવી શરુઆત સમાન છે. બજરંગ પુનિયાની કારકિર્દી હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અમન સેહરાવત તાજેતરમાં જ ખરાખરીના મુકાબલા અગાઉ તેની વેઈટ કેટેગરીને જાળવવામાં નિષ્ફળ રહેતા સ્પર્ધા માટે ગેરલાયક ઠર્યો હતો. આ સમયે ભારતીય કુસ્તી જગતને નવા ચહેરાની તલાશ હતી અને તે સુજીતમાં પુરી થતી દેખાઈ રહી છે.
છેલ્લા ત્રણેક વર્ષથી આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં સુજીતની પ્રતિભાના ચમકારાએ પોતાની હાજરીનો અહેેસાસ કરાવવાનો શરુ કરી દીધો છે અને હવે તે ધીરે ધીરે વધુ તેજવાન બની રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ તેણે માત્ર ૧૯ વર્ષની વયે એશિયન કુસ્તીમાં આગવી સનસનાટી મચાવતા એક જ વર્ષમાં અંડર-૨૦ અને અંડર-૨૩ એમ બે વિભાગમાં સુવર્ણચંદ્રકો હાંસલ કરી લીધા હતા. કુસ્તી જેવી શારીરિક ક્ષમતા અને મનોબળની કસોટી કરનારી રમતમાં યુવા ખેલાડી તેના કરતાં વધુ વય ધરાવતા અને વધુ અનુભવ ધરાવતા પહેલવાનોને પછાડે તે એક વિરલ ઘટના બની રહેતી હોય છે અને સુજીતે ૨૦૨૨માં જ આવી સિદ્ધિ હાંસલ કરી બતાવી હતી.
પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવામાં મળેલી નિષ્ફળતા અને ૬૫ કિગ્રા વજન વર્ગમાં દિગ્ગજ પહેલવાનોની હાજરીના કારણે તેણે ૨૦૨૪માં ૭૦ કિગ્રા વજન વર્ગમાં અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જ્યાં તેને કાંસ્ય જીતવામાં સફળતા મળી હતી. આ પછી તેનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થયો હતો અને તેણે ફરી તેેની પ્રથમ પસંદગીના એટલે કે ૬૫ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં ઉતરવાનું શરુ કર્યું.
સુજીતની સફળતાનો ગ્રાફ ચડાવ-ઉતારથી ભરેલો રહ્યો છે. તેણે ૨૦૨૫માં હંગેરીમાં યોજાયેલી વર્લ્ડ રેન્કિંગ સિરિઝ ટુર્નામેન્ટમાં અને ત્યાર બાદ એશિયન ચેમ્પિયનશિપ અંડર-૨૩માં સુવર્ણ સફળતા મેળવી હતી. જોકે, સિનિયર કેટેગરીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તે ૬૫ કિગ્રામાં સુવર્ણચંદ્રકનો દાવેદાર મનાતો હતો. તમામ પ્રકારની કુશળતા અને આત્મવિશ્વાસ હોવા છતાં તેને ક્વાર્ટર ફાઈનલમાં ઈરાનના ધરખમ પહેલવાન અને પેરિસ ઓલિમ્પિકમાં રજતચંદ્રક વિજેતા રહમાન અમોયુઝાદની સામે તે જીતવાને આરે હતો.જોકે આખરી પળમાં તેના હરિફે એક મહત્વનો પોઈન્ટ મેળવતા સુજીતને ૫-૬થી હારનો સામનો કરવો પડયો. રહમાન વર્લ્ડ ચેમ્પિયન બન્યો અને તેની સામે તેનો એક પણ હરિફ ખાતું પણ ખોલાવી શક્યો નહતો. જોકે સુજીતના ભાગે શાનદાર દેખાવ છતાં હતાશા આવી અને તેનો આત્મવિશ્વાસ તે હારથી ડગી ગયો. આ પછી તેને કાંસ્યચંદ્રકના મુકાબલામાં અમેરિકન હરિફ સામે પણ હારનો સામનો કરવો પડયો.
જોકે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિનિયર લેવલની નિષ્ફળતાને ભુલાવીને તેણે અંડર-૨૩ કેટેગરીમાં પ્રભાવશાળી દેખાવ કરતાં સફળતા મેળવી બતાવી છે. સુજીતની સફળતાનો તમામ શ્રેય તેના કોચ કુલદીપની સાથે સાથે તેના પિતા દયાનંદ કલકલને જાય છે. હરિયાણાના દાદરીમાં વસતા કલકલ પરિવારને કુસ્તી સાથે લગાવ રહ્યો છે. દયાનંદ ખુદ ગ્રીકો-રોમન શૈલીના પહેલવાન હતા અને તેઓ ૨૦૦૫માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઉતર્યા હતા. જોકે તેમને કોઈ ચંદ્રક મળ્યો નહતો. આ પછી તેમણે આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં સફળતા મેળવવાનું અધુરુ રહેલું સ્વપ્ન તેમના પુત્ર સુજીતની આંખોમાં રોપ્યું.
દહેરી ગામમાં વસતા કલકલ પરિવારનું ધ્યાન નાનકડા સુજીતને અખાડામાં તૈયાર કરવા પર જ લાગેલું રહેતું. દયાનંદનો આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ સુજીતના ઘડતરના પાયામાં રહ્યો. તેમણે ભોજનથી લઈને તમામ તૈયારીઓમાં ક્યાંય કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપ્યું. દયાનંદે પુત્રને મજબુત બનાવવાની સાથે સાથે પહેેલવાનીના દાવપેચ શીખવા માટે સોનીપતમાં આવેલા રાયપુર અખાડામાં દાખલો અપાવ્યો. કિશોરાવસ્થામાં જ પરિવારના પ્રેમની શીતળ છાંય છોડીને સોનીપતના અખાડામાં પોતાના શરીરને કસવામાં ડુબી ગયેલા સુજીતને જુનિયર અને કેડેટ લેવલની સ્પર્ધામાં ઉતરવાની મંજૂરી જ ન આપી.
હરિયાણવી અંદાજમાં દયાનંદ કહે છે કે, કુસ્તી કરવાને મેં ઔર સીખાને મેં ફરક હૈ. તેમણે ખુદ ઘણા પ્રતિભાશાળી પહેલવાનોને જોયા હતા કેે, જેમાં ઘણી બધી ક્ષમતા હતી. જોકે જુનિયર તેમજ કેડેટ લેવલે જ આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતાના કારણે તેઓ એટલા તો હવામાં ઉડવા લાગતા કે, તેમની ત્યાર બાદની કારકિર્દી લગભગ ખતમ જ થઈ હતી. આ જ કારણે દયાનંદે સુજીતને જુનિયર લેવલની આંતરરાષ્ટ્રીય મેજર ઈવેન્ટ્સથી દૂર રાખ્યો અને તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક જેવી મેજર ઈવેન્ટના ચંદ્રકોના સપના બતાવીને તૈયાર કર્યાે.
પિતાનું માર્ગદર્શન અને સુજીતની મહેનત કુસ્તીના અખાડામાં રંગ લાવતી જતી હતી. બીજી તરફ તે અભ્યાસ પર પણ પુરતું ધ્યાન આપતો. તેણે ધોરણ-૧૨માં વિજ્ઞાાનપ્રવાહમાં ૯૦ ટકા હાંસલ કર્યા હતા અને તેને શિક્ષકો તો તેેને એન્જિનિયરિંગની ક્ષિતિજ તરફ આગળ ધપાવવા માંગતા હતા. જોકે, સુજીતના મનમાં તો અખાડો જ રમ્યા કરતો હતો અને તેણે તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું અને થોડા વરસોમાં તો તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી બતાવી.
એશિયન ચેમ્પિયનશિપમાં સુવર્ણ ંચંદ્રકો હાંસલ કર્યા બાદ હવે તેણે અંડર-૨૩માં વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કરી લીધો છે. હાલમાં તેની વજન વર્ગની કેટેગરીમાં તકનિકી રીતે તેની બરોબરી કરી શકે તેવો બીજો પહેેલવાન જોવા મળતો નથી. આગામી સમયમાં તે ભારતીય પહેલવાનીને વિશ્વ ફલક પર ગૌરવ અપાવવા માટે કમર કસી રહ્યો છે.


